અમે સાદું જીવન જીવવાનો નિર્ણય લીધો
મેડિયોનભાઈ અને તેમનાં પત્ની માર્સેલાબહેન કોલંબિયાના મેડેલિન શહેરમાં આરામનું જીવન જીવી રહ્યાં હતાં. મેડિયોનભાઈની નોકરી ઘણી સારી હતી અને તેઓનું ઘર પણ સુંદર હતું. જોકે એવું કંઈક બન્યું, જેના લીધે તેઓ વિચારવા લાગ્યા કે યહોવાના ભક્ત તરીકે અમે કેવું જીવન જીવી રહ્યા છીએ. તેઓને લાગ્યું કે જે મહત્ત્વનું નથી એને તેઓ વધારે મહત્ત્વ આપે છે. તેઓ કહે છે, “૨૦૦૬માં અમે એક ખાસ સંમેલનમાં ગયાં. એનો વિષય હતો, ‘તમારી આંખો નિર્મળ રાખો.’ એમાં મોટા ભાગનાં પ્રવચનોમાં સાદું જીવન જીવવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી યહોવાની સેવામાં વધારે કરી શકીએ. અમે ઘરે પાછા આવ્યા ત્યારે અહેસાસ થયો કે ત્યાં જે શીખ્યાં, એવું તો અમે જરાય ન’તા કરતાં. જ્યારે જુઓ ત્યારે બસ ખરીદી જ કરતાં હતાં, જેના લીધે ઘણું બધું દેવું થઈ ગયું હતું.”
આ સંમેલનથી જાણે મેડિયોનભાઈ અને માર્સેલાબહેનની આંખો ખૂલી ગઈ. તેઓ પોતાનું જીવન સાદું કરવાં લાગ્યાં. તેઓ જણાવે છે, “અમે ખર્ચો ઓછો કરવાં લાગ્યાં. નાના ઘરમાં રહેવાં ગયાં અને કાર વેચીને સ્કૂટર ખરીદ્યું.” ઉપરાંત, તેઓએ મૉલમાં જવાનું બંધ કરી દીધું, જેથી નકામી વસ્તુઓ ના ખરીદે. તેઓ બાઇબલમાંથી બીજાઓને શીખવવા વધારે સમય કાઢવાં લાગ્યાં. તેઓ એવાં દોસ્તો સાથે પણ સમય વિતાવવા લાગ્યાં, જેઓ ખાસ પાયોનિયરa તરીકે ઉત્સાહથી યહોવાની ભક્તિ કરતા હતા.
થોડા સમય પછી, મેડિયોનભાઈ અને માર્સેલાબહેને નક્કી કર્યુ કે તેઓ એક ગામમાં જઈને સેવા આપશે. એ મંડળ ઘણું નાનું હતું, એટલે પ્રચારકોની વધારે જરૂર હતી. પણ ત્યાં જવા માટે મેડિયોનભાઈએ પોતાની નોકરી છોડવી પડી. એ વિશે બોસને જણાવ્યું ત્યારે, તેમને લાગ્યું કે મેડિયોનનું ચસકી ગયું છે. એટલે મેડિયોને બોસને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પૂછ્યું, “તમે તો ઘણા પૈસા કમાવો છો, તોપણ શું તમે ખુશ છો?” તેમણે કહ્યું કે તે ખુશ નથી. તેમના જીવનમાં એવી ઘણી મુશ્કેલીઓ છે જેનો કોઈ હલ નથી. પછી મેડિયોને તેમને જણાવ્યું કે, “તમે કેટલા પૈસા કમાવો છો એ નહિ, પણ શાનાથી ખુશી મળે છે એ મહત્ત્વનું છે. મને અને મારી પત્નીને લોકોને ઈશ્વર વિશે શીખવવાથી ખુશી મળે છે. એટલે અમે આ કામમાં વધારે સમય આપવા માંગીએ છીએ, જેથી હંમેશાં ખુશ રહી શકીએ.“
મેડિયોનભાઈ અને માર્સેલાબહેને એવા ધ્યેય રાખ્યાં, જેથી યહોવાની સેવામાં વધારે કરી શકે. એનાથી તેઓને સાચી ખુશી મળી છે. છેલ્લાં ૧૩ વર્ષમાં તેઓએ ઉત્તર-પશ્ચિમ કોલંબિયાનાં એવાં મંડળોમાં સેવા આપી, જ્યાં વધારે જરૂર હતી. આજે તેઓ બંને ખાસ પાયોનિયર તરીકે સેવા આપી રહ્યાં છે.
a ખાસ પાયોનિયરો એવાં ભાઈ-બહેનો છે, જેઓને યહોવાના સાક્ષીઓની શાખા કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ મોકલવા માટે પસંદ કરવામાં આવે છે. તેઓ પોતાનો મોટા ભાગનો સમય લોકોને ખુશખબર જણાવવામાં વાપરે છે. દર મહિને તેઓને નાની રકમ આપવામાં આવે છે, જેથી પોતાની જરૂરિયાત પૂરી કરી શકે.