બાઇબલમાંથી અનોખી માહિતી
બાઇબલ સમયમાં માછલીઓ પકડવાની જાળ
ઈસુના અમુક શિષ્યો માછીમાર હતા. (માર્ક ૧:૧૬-૨૦) તેઓ ગાલીલ સરોવરમાં જાળ નાખીને માછલીઓ પકડતા હતા.
માછલી પકડવાની જાળ દોરડાં કે શણની રસ્સીને ગૂંથીને બનાવવામાં આવતી હતી. જો માછીમારને નાની માછલીઓ પકડવી હોય તો તે નાનાં કાણાંવાળી જાળ વાપરતો. પણ જો તેણે મોટી માછલીઓ પકડવી હોય, તો મોટાં કાણાંવાળી જાળ વાપરતો. નાની જાળની કિનારીઓ પર સીસાં કે પથ્થરનું વજન બાંધવામાં આવતું, જેથી જાળ પાણીમાં ડૂબી શકે. મોટી જાળની નીચેની બાજુમાં વજન બાંધવામાં આવતું હતું અને ઉપરની બાજુ કોર્ક કે લાકડાંના ટૂકડા બાંધવામાં આવતા હતા, જેથી એ ઉપર તરી શકે.
માછલીઓ પકડવાની જાળ બહુ મોંઘી હતી. કોઈક વાર સમુદ્રના તળિયે આવેલા ખડકો સાથે ઘસાઈને અથવા પુષ્કળ માછલીઓને લીધે જાળ ફાટી શકતી હતી. (લૂક ૫:૬) એટલે માછીમારો જાળ વાપર્યા પછી કદાચ દરેક વખતે એને સાંધતા અને એની મરામત કરતા. બાઇબલમાં જણાવ્યું છે કે યાકૂબ અને યોહાન પોતાની “જાળ સાંધતા હતા.” (માથ. ૪:૨૧) તેઓ એ માટે કદાચ શણના દોરા અને સોયનો ઉપયોગ કરતા હતા. લૂકે પણ જણાવ્યું કે માછીમારો “જાળ ધોતા હતા,” જેથી એમાં ભરાયેલો કચરો કાઢી શકે. (લૂક ૫:૨) જાળ ધોયા પછી એને સૂકવવામાં આવતી, જેથી કદાચ એ સડી ન જાય.—હઝકિ. ૪૭:૧૦.
જેઓ જાળ વાપરીને માછલીઓ પકડતા હતા, તેઓને ઈસુએ કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”