શું તમે જાણો છો?
પહેલી સદીમાં યાજકો બલિદાન ચઢાવેલાં પ્રાણીઓના લોહીનો નિકાલ કઈ રીતે કરતા?
પ્રાચીન ઇઝરાયેલમાં યાજકો દર વર્ષે મંદિરની વેદી પર હજારો પ્રાણીઓનું બલિદાન ચઢાવતા હતા. પહેલી સદીના યહૂદી ઇતિહાસકાર જોસેફસના કહેવા પ્રમાણે પાસ્ખાના દિવસે ૨,૫૦,૦૦૦ કરતાં વધારે ઘેટાં અર્પણ તરીકે ચઢાવવામાં આવતાં. પરિણામે વેદી પર ખૂબ મોટા પ્રમાણમાં લોહી વહેવડાવવામાં આવતું. (લેવી. ૧:૧૦, ૧૧; ગણ. ૨૮:૧૬, ૧૯) એ લોહી ક્યાં જતું?
જ્યારે પુરાતત્ત્વશાસ્ત્રીઓએ હેરોદે બાંધેલા મંદિરની આસપાસ ખોદકામ કર્યું, ત્યારે તેઓને એકબીજા સાથે જોડાયેલી ઘણી નીક (ગટર) મળી આવી. ઈસવીસન ૭૦માં મંદિરનો નાશ થયો ત્યાં સુધી એ નીક વપરાતી હતી. એવું લાગે છે કે વેદી પર વહેવડાવવામાં આવતું લોહી એ નીક દ્વારા મંદિરથી દૂર વહી જતું.
ચાલો જોઈએ કે વેદીને ચોખ્ખી રાખવા કઈ વ્યવસ્થા હતી:
વેદીના તળિયે કાણાં: વેદીને ચોખ્ખી રાખવા જે વ્યવસ્થા હતી એ વિશે મિશ્નાહ નામના પુસ્તકમાં માહિતી છે. એ ત્રીજી સદીની શરૂઆતમાં લખાયું હતું. એમાં યહૂદીઓનાં ઘણાં મૌખિક નિયમો અને પરંપરાઓ વિશે જણાવ્યું છે. એ પુસ્તકમાં લખ્યું છે: ‘વેદીની દક્ષિણ-પશ્ચિમ તરફ બે કાણાં હતાં. પ્રાણીઓનું લોહી અને વેદીને ધોવા માટે વપરાતું પાણી એ કાણાંમાં થઈને કિદ્રોન ખીણમાં જતું રહેતું.’
પુરાતત્ત્વશાસ્ત્રીઓ એ વાત સાથે સહમત થાય છે કે લોહીનો નિકાલ કરવા “કાણાં” વપરાતાં હતાં. ધ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ જૂડેઇઝમ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે મંદિરની નજીક “એકબીજા સાથે જોડાયેલી ઘણી નીક” મળી આવી હતી. એમાં લખ્યું છે: “વેદી પર ચઢાવવામાં આવતાં બલિદાનોનું લોહી અને પાણીનો નિકાલ કદાચ એ નીક દ્વારા કરવામાં આવતો હતો.”
ભરપૂર પ્રમાણમાં પાણી: વેદીનું તળિયું અને નીક ચોખ્ખી રાખવા યાજકોને ભરપૂર પાણીની જરૂર પડતી. તેઓને એ મહત્ત્વના કામ માટે શહેરમાંથી ચોખ્ખું પાણી હંમેશાં મળી રહેતું. કઈ રીતે? વેદી સુધી પાણી પહોંચાડવા નહેરો, નાળાં, ટાંકા અને કુંડનો ઉપયોગ કરવામાં આવતો. જોસેફ પેટ્રિક નામના પુરાતત્ત્વશાસ્ત્રીએ જણાવ્યું: “મંદિર સુધી પાણી પહોંચાડવા, મંદિરને ચોખ્ખું રાખવા અને પાણીનો નિકાલ કરવા જે વ્યવસ્થા હતી, એવી તો બીજા કોઈ મંદિરમાં ન હતી.”