વાચકો તરફથી પ્રશ્નો
બીજો થેસ્સાલોનિકીઓ ૩:૧૪ પ્રમાણે કોઈની નોંધ રાખવાનો નિર્ણય વડીલો લેશે કે પ્રકાશકો?
પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને કહ્યું: “જો આ પત્રમાં લખેલી અમારી આજ્ઞા કોઈ ન પાળે, તો તેની નોંધ રાખજો અને તેની સંગત રાખશો નહિ, જેથી તેને શરમ આવે.” (૨ થેસ્સા. ૩:૧૪) અગાઉ આપણે માનતા કે એ માર્ગદર્શન વડીલો માટે હતું. જો કોઈ વ્યક્તિને વારંવાર સલાહ આપ્યા છતાં, તે બાઇબલ સિદ્ધાંતો ન માનતી, તો વડીલો તેની નોંધ રાખતા અને મંડળને ચેતવવા કદાચ પ્રવચન આપતા. એ પછી ભાઈ-બહેનો તેની સાથે હળવા-મળવાનું બંધ કરતા.
જોકે, આપણી સમજણમાં સુધારો કરવાની જરૂર છે. હવે આપણે સમજીએ છીએ કે પાઉલની એ સલાહ બધા પ્રકાશકોને લાગુ પડે છે. અમુક સંજોગોમાં ભાઈ-બહેનો પોતે નક્કી કરી શકે છે કે તેઓ કોઈ વ્યક્તિની નોંધ રાખશે કે નહિ. એટલે વડીલોએ મંડળને ચેતવવા પ્રવચન આપવાની જરૂર નથી. આ ફેરફાર કેમ કરવામાં આવ્યો? એ સમજવા ચાલો બીજો થેસ્સાલોનિકીઓ ૩:૧૪ની આગળ-પાછળની કલમો પર ધ્યાન આપીએ.
પાઉલે જોયું કે મંડળના અમુક લોકો “મનમાની” કરતા હતા. તેઓ ઈશ્વર તરફથી મળેલી સલાહને તુચ્છ ગણતા હતા. જ્યારે પાઉલ તેઓને અગાઉ મળ્યા હતા, ત્યારે આ આજ્ઞા આપી હતી: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.” છતાં, અમુક લોકો એ આજ્ઞા પાળતા ન હતા. તેઓમાં કામ કરવાની તાકાત હતી, પણ કુટુંબનું ગુજરાન ચલાવવા કામ કરતા ન હતા. તેઓ બીજાઓના જીવનમાં માથું પણ મારતા હતા. મંડળે એવા લોકો સાથે કઈ રીતે વર્તવાનું હતું?—૨ થેસ્સા. ૩:૬, ૧૦-૧૨.
પાઉલે કહ્યું: “તેની નોંધ રાખજો.” અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય કે એવી વ્યક્તિને પારખવી અને તેની ખરાબ અસર આપણા પર ન થાય એનું ધ્યાન રાખવું. પાઉલે એ સલાહ ફક્ત વડીલોને નહિ, આખા મંડળને આપી હતી. (૨ થેસ્સા. ૧:૧; ૩:૬) એટલે જે ભાઈ-બહેનોના ધ્યાનમાં આવ્યું હશે કે મંડળની કોઈ વ્યક્તિ બાઇબલની સલાહ પાળતી નથી, તેઓ ‘તેની સંગત ન રાખવાનું’ નક્કી કરી શકતા હતા.
શું એનો અર્થ એવો થાય કે એ વ્યક્તિ સાથે એવી રીતે વર્તવાનું હતું, જાણે તેને મંડળમાંથી દૂર કરવામાં આવી હોય? ના, પાઉલે કહ્યું: “ભાઈ તરીકે તેને સલાહ આપતા રહેજો.” એટલે ભાઈ-બહેનો હજી એ વ્યક્તિને સભાઓમાં મળતાં અને સાથે પ્રચાર કરતા. પણ તેઓ બીજા પ્રસંગોએ અથવા મનોરંજન કરવા તેની સાથે સમય વિતાવતાં ન હતાં. શા માટે? પાઉલે કહ્યું: એ માટે કે “તેને શરમ આવે.” આમ, મનમાની કરનાર વ્યક્તિની નોંધ રાખવાને લીધે તેને પોતાનાં કામો પર શરમ આવતી અને તે ફેરફારો કરતી.—૨ થેસ્સા. ૩:૧૪, ૧૫.
આજે આપણે કઈ રીતે એ સલાહ લાગુ પાડી શકીએ? સૌથી પહેલા, ખાતરી કરવી જોઈએ કે કોઈ ભાઈ કે બહેન સાચે જ “મનમાની કરે છે,” જેમ પાઉલે જણાવ્યું હતું. પાઉલ એવા લોકોની વાત કરતા ન હતા, જેઓ અંતઃકરણ પર છોડવામાં આવેલી બાબતોમાં આપણા કરતાં અલગ નિર્ણય લે છે અથવા જેઓની પસંદ-નાપસંદ અલગ છે. તે તો એવા લોકોની વાત કરતા હતા, જેઓને બાઇબલમાંથી સલાહ આપવામાં આવી છે, પણ જાણીજોઈને એ પાળતા નથી.
આજે જો ધ્યાનમાં આવે કે કોઈ ભાઈ કે બહેનને સલાહ આપવામાં આવી છે, પણ તે એને પાળતા નથી,a તો શું કરી શકીએ? પોતે નક્કી કરીશું કે એવી વ્યક્તિને બીજા પ્રસંગોએ અથવા મનોરંજન કરતી વખતે મળીશું કે નહિ. એ નિર્ણય વ્યક્તિએ પોતે લેવાનો છે. એટલે પોતાના કુટુંબ સિવાય બીજા કોઈ સાથે એ નિર્ણય વિશે ચર્ચા કરીશું નહિ. એવી વ્યક્તિને હજી આપણે સભાઓમાં મળીશું અને તેની સાથે પ્રચાર કરીશું. તે પોતાનામાં સુધારો કરે ત્યારે બીજા પ્રસંગોએ તેની સાથે ફરીથી હળવા-મળવા લાગીશું.
a દાખલા તરીકે, કોઈ વ્યક્તિમાં કામ કરવાની તાકાત છે, પણ ગુજરાન ચલાવવા નોકરી-ધંધો કરતી નથી, યહોવાની ભક્ત ન હોય એવી વ્યક્તિ સાથે લગ્નના ઇરાદાથી વાત કરવાનું ચાલુ રાખે છે, મંડળને મળેલા માર્ગદર્શન વિરુદ્ધ બોલે છે, બાઇબલ શિક્ષણ પર દલીલો કરે છે અથવા કોઈનું નામ બદનામ થાય એવી વાતો ફેલાવે છે. (૧ કોરીં. ૭:૩૯; ૨ કોરીં. ૬:૧૪; ૨ થેસ્સા. ૩:૧૧, ૧૨; ૧ તિમો. ૫:૧૩) એવાં કામોમાં ડૂબેલા રહેનારને “મનમાની” કરનાર કહેવાય છે.