નિયામક જૂથ તરફથી પત્ર
વહાલાં ભાઈ-બહેનો:
‘અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને, અમે સદા તમારા સર્વ વિશે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ, કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારાં વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દૃઢ આશા, અમે હંમેશાં યાદ કરીએ છીએ.’ (૧ થેસ્સા. ૧:૨, ૩) અમે પણ તમારા માટે આવું જ અનુભવીએ છીએ. તમારા માટે અને તમે જે સારું કામ કરો છો એના માટે અમે યહોવાનો આભાર માનીએ છીએ. શા માટે?
ગયા વર્ષે, ઈશ્વરના રાજ્યને ટેકો આપવા તમે “વિશ્વાસપૂર્વક કામ” અને “પ્રેમપૂર્વક મહેનત” કરવામાં વ્યસ્ત રહ્યા હતા. ઘણાં ભાઈ-બહેનોએ પ્રચારમાં વધારે કરવા દરેક તકનો ઉપયોગ કર્યો હતો. અમુક ભાઈ-બહેનો સંદેશો જણાવવા જરૂર વધારે છે એવા વિસ્તારો કે દેશોમાં ગયા હતા. બીજા અમુકે, જાહેર પ્રચારકામમાં ભાગ લીધો હતો. ઘણાં ભાઈ-બહેનોએ સ્મરણપ્રસંગ અને સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન સહાયક પાયોનિયરીંગ કર્યું હતું. તેમ જ, ઘણાએ ઑગસ્ટ ૨૦૧૪માં ખાસ ઝુંબેશ વખતે પણ સહાયક પાયોનિયરીંગ કર્યું હતું. તમારા સંજોગો પ્રમાણે તમે યહોવાની પૂરા દિલથી સેવા કરો છો એ અમે જોઈ શકીએ છીએ અને એના વખાણ કરીએ છીએ. (કોલો. ૩:૨૩, ૨૪) તમારા “વિશ્વાસપૂર્વક કામ” એક કારણ છે, જેના લીધે અમે યહોવાનો આભાર માનીએ છીએ.
રાજ્યને ટેકો આપતા સ્થળોના બાંધકામ માટે તમે “પ્રેમપૂર્વક મહેનત” કરો છો, એની અમે દિલથી કદર કરીએ છીએ. યહોવાના લોકોની સંખ્યા રોજેરોજ વધતી જાય છે. તેથી, આવા સ્થળોને તાત્કાલિક બાંધવાની જરૂર ઊભી થાય છે. (યશા. ૬૦:૨૨) જરા વિચારો, ગયા વર્ષે પ્રકાશકોની સંખ્યા ૮૨,૦૧,૫૪૫ સુધી પહોંચી હતી. દર મહિને સરેરાશ ૯૪,૯૯,૯૩૩ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવ્યા હતા. આ વૃદ્ધિને કારણે ઘણી શાખા કચેરીઓમાં વધારે બાંધકામ કે સુધારો કરવાની જરૂર પડી છે. એ આંકડાઓ એ પણ બતાવે છે કે, વધારે રાજ્યગૃહની જરૂર છે. ભાષાંતરકારો પોતાની ભાષા બોલાતી હોય એવા વિસ્તારમાં રહીને કામ કરી શકે માટે, આખી દુનિયામાં ભાષાંતર કેન્દ્રની (આરટીઓ) જરૂર છે.
આ સવાલ પર વિચારો કરો, ‘એવા બાંધકામમાં હું કઈ રીતે ટેકો આપી શકું?’ એ કામમાં અમુક લોકો પોતાની ઇચ્છાથી મદદ આપવા જાય છે. બાંધકામ માટેની આવડત ન હોય તોપણ, આપણા પાસે એક ખાસ લહાવો છે. એ મહત્ત્વના કામ માટે આપણી સાધનસંપત્તિ આપી શકીએ છીએ. (નીતિ. ૩:૯, ૧૦) ઈસ્રાએલીઓ મુલાકાત મંડપ બાંધતા હતા એ સમયનો વિચાર કરો. એ વખતે તેઓ એટલી બધી વસ્તુઓ દાનમાં લાવ્યા કે, તેઓને ના પાડવી પડી હતી. (નિર્ગ. ૩૬:૫-૭) એમાં કોઈ શંકા નથી કે, આવાં ઉદાહરણો આપણા દિલને સ્પર્શી જાય છે અને ઉત્તેજન આપે છે. તમે પવિત્ર સેવામાં “પ્રેમપૂર્વક મહેનત” કરો છો. એ બીજું કારણ છે, જેના લીધે અમે યહોવાનો આભાર માનીએ છીએ.
આપણાં ભાઈ-બહેનો સતાવણીમાં અડગ રહ્યા છે, એ જોઈને અમે ઘણા ખુશ છીએ. દાખલા તરીકે, સાઉથ કોરિયામાં રહેતા આપણા વહાલા ભાઈઓનો વિચાર કરો. વર્ષ ૧૯૫૦થી યુવાન ભાઈઓ જેલની સજા ભોગવી રહ્યા છે. કેમ કે, તેઓએ પોતાની શ્રદ્ધા સાથે તડજોડ કરી નથી. શ્રદ્ધામાં ડગ્યા વગર તેઓની પેઢીઓ એવું સહન કરતી આવી છે. તેઓના ઉદાહરણથી આપણી પણ શ્રદ્ધા મજબૂત થાય છે.
એરિટ્રિયામાં આપણા ૩ ભાઈઓને ૨૦થી પણ વધારે વર્ષોથી જેલમાં પૂરવામાં આવ્યા છે. બીજા કેટલાક ભાઈઓ, બહેનો અને તેઓનાં બાળકોને પણ થોડા સમય માટે જેલ થઈ છે. એ ૩ ભાઈઓને છોડાવવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ, હજી સફળતા મળી નથી. તેઓએ કોઈ તડજોડ કરી નથી. આવી સખત સતાવણીમાં પણ તેઓ વફાદાર રહ્યા છે. અમારી પ્રાર્થનામાં આવા વિશ્વાસુ ભાઈઓને અમે અચૂક યાદ કરીએ છીએ.—રોમ. ૧:૮, ૯.
ખરું કે, શ્રદ્ધાને લીધે કદાચ તમને જેલમાં પૂરવામાં આવ્યા નહિ હોય. પરંતુ, મોટી ઉંમર, લાંબી બીમારી, સત્યમાં નથી એવા લગ્નસાથી કે કુટુંબીજનોનો વિરોધ અથવા તમને એકલાને જ ખબર છે એવી કોઈ તકલીફનો સામનો કરી રહ્યા હશો. તેમ છતાં, તમે યહોવાની સેવા વફાદારીથી કરતા રહો છો. (યાકૂ. ૧:૧૨) એ માટે, અમે તમારી ઘણી પ્રશંસા કરીએ છીએ. મુશ્કેલીઓ છતાં તમે વિશ્વાસુ રહો છો, યહોવાનો આભાર માનવાનું એ ત્રીજું કારણ છે.
વિશ્વાસથી કરેલાં તમારાં કામ, પ્રેમથી કરેલી મહેનત અને વફાદારી માટે અમે ‘યહોવાનો આભાર માનીએ છીએ. કેમ કે, તે ઉત્તમ છે.’ (ગીત. ૧૦૬:૧) અમે તમને દિલથી પ્રેમ કરીએ છીએ. અમારી પ્રાર્થના છે કે યહોવા તમને શ્રદ્ધામાં મજબૂત કરે, ટકાવી રાખે અને આશીર્વાદ આપે જેથી, તમે હંમેશાં તેમની ભક્તિ કરી શકો.
તમારા ભાઈઓ,
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ