રાજ્યની ખુશખબર જણાવવા દરેક તક ઝડપી લઈએ!
૧. દાઊદ રાજા પાસેથી આપણે શું શીખી શકીએ?
૧ દાઊદ રાજાની ઇચ્છા પૂરી ન થઈ તોપણ, તે હિંમત ન હાર્યા. દાખલા તરીકે, તેમની ઇચ્છા યહોવાનું મંદિર બાંધવાની હતી. પણ, તેમને ના પાડવામાં આવી ત્યારે તેમણે શું કર્યુ? તેમણે પોતાના ધ્યેયોમાં ફેરફાર કર્યો. અને સુલેમાન રાજા મંદિર બાંધી શકે એ માટે સામગ્રી ભેગી કરવા મદદ કરી. (૧ રાજા. ૮:૧૭-૧૯; ૧ કાળ. ૨૯:૩-૯) પોતે જે કરી શકતા ન હતા એ વિશે વિચાર્યા કરવાને બદલે, દાઊદે જે કરી શકતા હતા એના પર ધ્યાન આપ્યું. આપણે રાજ્યની ખુશખબર ફેલાવવા કઈ રીતે દાઊદને અનુસરી શકીએ?
૨. પ્રચારમાં વધુ કરવા તમે શું કરશો?
૨ બનતું બધું કરીએ: સહાયક કે નિયમિત પાયોનિયરીંગ કરવા ઘણાએ પોતાનું જીવન સાદુ બનાવ્યું છે. (માથ. ૬:૨૨) શું તમે એમ કરી શકો? પ્રાર્થનાપૂર્વક તમારા સંજોગો તપાસો. એનાથી જોવા મળશે કે પ્રચારકાર્યનું ‘મહાન દ્વાર’ તમારા માટે ખુલ્યું છે. એટલે, દરેક તક ઝડપી લો!—૧ કોરીં. ૧૬:૮, ૯.
૩. પાયોનિયરીંગ કરી શકતા ન હોઈએ, તોય કઈ રીતે તક ઝડપીને પ્રચારમાં વધારે કરી શકીએ?
૩ તમે પાયોનિયરીંગ કરી શકતા ન હો તો? હિંમત ન હારશો. પ્રચાર કરવાની ઘણી તકો રહેલી છે. જેમ કે, નોકરીના સ્થળે તમે ઘણા લોકોને મળતા હશો અથવા તમારી તબિયત સારી ન હોવાથી ડૉક્ટર કે સારસંભાળ રાખનારાઓને મળો ત્યારે, તેઓને ખુશખબર જણાવવાની તક ઝડપી લો. યાદ રાખો કે ઉંમર અને બીમારીને લીધે જેઓ પ્રચારમાં વધારે કરી શકતા નથી, તેઓ ૧૫ મિનિટનો પણ રિપૉર્ટ આપી શકે એવી ગોઠવણ કરવામાં આવી છે. દર મહિને તમે રિપૉર્ટ ભરો ત્યારે કોઈની પણ સાથે વાત કરી હોય એ સમયની ગણતરી કરો. તેમ જ, શું સાહિત્ય આપ્યું એની પણ નોંધ કરો. એમાં સ્મરણપ્રસંગ અને સંમેલનની આમંત્રણ પત્રિકા કે બીજી કોઈ પત્રિકાનો પણ સમાવેશ થાય છે. એ બધાની ગણતરી કરવાથી તમને નવાઈ થશે કે પ્રચારમાં તમે કેટલો સમય આપ્યો છે.
૪. તમે કેવો નિર્ણય લેશો?
૪ આપણા સંજોગો ભલે ગમે એવા હોય, આપણે ખુશખબર જણાવવાની દરેક તક ઝડપી લઈએ. આમ, આપણને એ જાણીને સંતોષ થશે કે ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા આપણે બનતું બધું જ કરી રહ્યા છીએ.—માર્ક ૧૪:૮; લુક ૨૧:૨-૪.