નિયામક જૂથ તરફથી પત્ર
વહાલા ભાઈ-બહેનો:
સ્વર્ગમાંના આપણા પિતા, યહોવા પ્રેમના સાગર છે. બાઇબલ કહે છે: “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) જોકે યહોવા સર્વશક્તિમાન છે, તોય બાઇબલ એમ નથી કહેતું કે ‘ઈશ્વર શક્તિ છે’ અથવા ‘ઈશ્વર તાકાત છે.’ તે પ્રેમથી રાજ કરે છે. એટલે જ આપણે તેમની તરફ આકર્ષાઈએ છીએ!
યહોવા કોઈને પણ તેમની ભક્તિ કરવા દબાણ કરતા નથી. તે જોહુકમી નથી પણ પ્રેમથી રાજ કરે છે. યહોવા ચાહે છે કે આપણે પૂરા દિલથી અને પ્રેમથી તેમની ભક્તિ કરીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે તેમની સત્તા આપણને પસંદ છે. આપણે માનીએ છીએ કે તે ન્યાય અને પ્રેમથી રાજ કરે છે. એ મનુષ્યની શરૂઆતથી જ દેખાઈ આવે છે.
યહોવાએ આદમ અને હવાને તેમનું કહ્યું માનવા દબાણ ન કર્યું. પણ તેમના કહ્યાં પ્રમાણે જીવવું કે નહિ એ માટે પસંદગી આપી. તેઓને સાચે જ યહોવા માટે પ્રેમ હોત અને તેમણે જે કર્યું એની કદર હોત તો, શેતાનના બળવાખોર માર્ગમાં જોડાવાનો નકાર કર્યો હોત.
સમય જતાં, મુસાએ ઇસ્રાએલી પ્રજાને આપેલા છેલ્લા પ્રવચનમાં આમ કહ્યું: “જો, મેં આજ તારી આગળ જીવન તથા ભલું, ને મરણ તથા ભૂંડું મૂક્યાં છે.” (પુન. ૩૦:૧૫) ઇસ્રાએલી પ્રજાએ પસંદગી કરવાની હતી કે તેઓ કેવી રીતે જીવશે. મુસાની જેમ યહોશુઆએ પણ ઇસ્રાએલીઓને કહ્યું: ‘જો યહોવાની સેવા કરવી તમને પસંદ ન હોય, તો કોની સેવા કરશો એ આજે જ પસંદ કરો.’ લોકોએ યહોશુઆને આમ કહ્યું: ‘અમે યહોવાને મૂકી દઈને બીજા દેવોની સેવા કરીશું નહિ.’ (યહો. ૨૪:૧૫, ૧૬) આપણે પણ એવું જ માનીએ છીએ. આપણે યહોવાને પ્રેમ કરતા હોવાથી તેમને છોડીને બીજાની ભક્તિ કરવાનો વિચાર સુદ્ધાં આવતો નથી.
આપણે જાણીએ છીએ કે મંડળમાં દરેકને પસંદગી કરવાનો હક્ક છે. ખરું કે કોઈને સલાહ કે શિસ્ત આપવાનો વડીલોને અધિકાર છે. પણ તેઓ બીજાની શ્રદ્ધા કે જીવન મુઠ્ઠીમાં નથી રાખતા. પ્રેરિત પાઊલે લખ્યું: “તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દૃઢ રહો છો.”—૨ કોરીં. ૧:૨૪.
કોઈના દબાણથી નહિ પણ દિલથી કંઈ કરીએ એનાથી પોતાને કેટલો સંતોષ મળે છે! યહોવા પણ ચાહે છે કે આપણે જે કંઈ સારું કરીએ, એ દિલથી કરીએ. એનું મહત્ત્વ પાઊલના આ શબ્દોમાં જોવા મળે છે: “જો કે હું કંગાલોનું પોષણ કરવા માટે મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય, તો મને કશો લાભ નથી.”—૧ કોરીં. ૧૩:૩.
લાખો ને લાખો ભાઈબહેનોને યહોવા માટે પ્રેમ હોવાથી તેમની ભક્તિ કરે છે. એ જોઈને યહોવાને કેટલો આનંદ થતો હશે એનો વિચાર કરો!
યહોવાને પણ પોતાના ભક્તો ખૂબ જ વહાલા છે. એમાં નાનાં બાળકો અને તરુણોનો સમાવેશ થાય છે, જેઓ બતાવે છે કે તેઓને આ દુનિયાની મોહમાયામાં નહિ પણ યહોવા માટે પ્રેમ છે. તમે બધા અમને બહુ જ વહાલાં છો એની ખાતરી રાખો.—લુક ૧૨:૪૨, ૪૩.
યહોવા માટે પ્રેમ હોવાથી નાનાં-મોટાં સર્વએ ગયા સેવા વર્ષે ખુશ ખબર ફેલાવવામાં ૧,૭૪,૮૬,૯૭,૪૪૭ કલાકો વિતાવ્યા હતા. પ્રેમના લીધે આખી દુનિયામાં ૭૭,૮૨,૩૪૬ લોકોએ પ્રચાર કાર્યમાં ભાગ લીધો. યહોવાને જીવન સમર્પણ કર્યું છે એ બતાવવા ૨,૬૮,૭૭૭ લોકોએ બાપ્તિસ્મા લીધું, એમાં ઘણા યુવાનોનો પણ સમાવેશ થાય છે; એનાથી અમને ખૂબ આનંદ થાય છે. એનો અર્થ થાય કે દર અઠવાડિયે ૫,૧૬૮ બાપ્તિસ્મા પામ્યા. એ જાણીને આપણને કેટલો આનંદ થાય છે!
અંતના આ સમયમાં યહોવાના ભક્તોને અનેક મુશ્કેલીઓ, નડતર અને સતાવણી સહેવા પડે છે. તેમ જ, બીમારી અને ઘડપણ પણ સહેવા પડે છે. પણ આપણે નક્કી કર્યું છે કે યહોવાની ભક્તિમાં ‘પાછા નહિ હઠીએ’ અને ‘નાહિંમત નહિ’ થઈએ. તમે સર્વ ભાઈ-બહેનો અમને ખૂબ જ વહાલા છો!—હિબ્રૂ ૧૦:૩૯; ૨ કોરીં. ૪:૧૬.
તમારા ભાઈઓ
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ