વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૨/૧૫ પાન ૩૧-૩૨
  • “ભૂલાય નહિ!” એવો ડ્રામા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “ભૂલાય નહિ!” એવો ડ્રામા
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૨/૧૫ પાન ૩૧-૩૨
[પાન ૩૧ પર ચિત્ર]

આપણો ઇતિહાસ

“ભૂલાય નહિ!” એવો ડ્રામા

“ભૂલાય નહિ!” ઘણા લોકો “ક્રિએશન ડ્રામા” જોઈને એવું બોલી ઊઠ્યા. એ ખરા સમયે આવ્યો હતો. એ જોનારાઓના મન પર ઊંડી અસર થઈ હતી. ખરેખર, “ક્રિએશન ડ્રામા” દ્વારા યહોવાને સ્તુતિ આપતી જોરદાર સાક્ષી મળી હતી. એના થોડા જ સમય પછી, હિટલરની સત્તાએ યુરોપમાં યહોવાના ભક્તોની આકરી સતાવણી કરી. એ “ક્રિએશન ડ્રામા”માં શું હતું?

[પાન ૩૧ પર ચિત્ર]

શેફૂંગ (ક્રિએશન) પુસ્તક, જેના નામ પરથી નવા ડ્રામાનું નામ પડ્યું

અમેરિકાના ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં આવેલા યહોવાના સાક્ષીઓના મુખ્ય મથકે, ૧૯૧૪માં “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” બહાર પાડ્યો. એ ડ્રામા આઠ કલાકનો હતો. એમાં ફોટાવાળી સ્લાઈડ્‌સ અને હાલતાં-ચાલતાં રંગીન દૃશ્યો સાથે અવાજ પણ હતાં. આખી દુનિયામાં લાખો લોકોએ એ “ફોટો ડ્રામા” જોયો હતો. ૧૯૧૪માં એનું ટૂંકું રૂપ, “યુરેકા ડ્રામા” પણ બહાર પાડવામાં આવ્યો. પણ, ૧૯૨૦ના દાયકા સુધીમાં સ્લાઈડ્‌સ, ફિલ્મો અને એ બતાવવાનાં સાધનો સાવ જ ઘસાઈ ગયાં હતાં. તોય, ઘણા લોકો “ફોટો ડ્રામા” જોવા માગતા હતા. દાખલા તરીકે, લૂડવિક્સબર્ગ, જર્મનીના રહેવાસીઓએ પૂછ્યું કે “ફરી ક્યારે ‘ફોટો ડ્રામા’ બતાવવામાં આવશે?” પણ, પ્રશ્ન હતો કે એ બતાવવા શું કરી શકાય?

એ માંગ પૂરી પાડવા ૧૯૨૦ના દાયકામાં, જર્મનીના મેગ્ડેબર્ગ બેથેલના જવાબદાર ભાઈઓએ ફ્રાંસના પૅરિસ શહેરની ન્યૂઝ એજન્સી પાસેથી ફિલ્મો વેચાતી લીધી. તેમ જ, લાઇપસિક અને ડ્રેસડનમાં આવેલી કંપનીઓ પાસેથી સ્લાઈડ્‌સ વેચાતી લીધી. એ બધું “ફોટો ડ્રામા” સ્લાઈડ્‌સમાંની અમુક જૂની, પણ હજુ વાપરી શકાય એવી સ્લાઈડ્‌સ સાથે ગોઠવવામાં આવ્યું.

ભાઈ એરીક ફ્રોસ્ટને સંગીતનું દાન હતું. તેમણે એ ફિલ્મ અને સ્લાઈડ્‌સ સાથે જાય એવું સંગીત રચ્યું. સાથે સાથે સમજણ આપતી અમુક માહિતી આપણી સંસ્થાના પુસ્તક ક્રિએશનમાંથી લેવામાં આવી. એ માટે ફરીથી બહાર પાડેલો “ફોટો ડ્રામા” હવે “ક્રિએશન ડ્રામા”ના નવા નામથી ઓળખાયો.

“ફોટો ડ્રામા”ની જેમ નવો ડ્રામા પણ આઠ કલાકનો હતો. એ ડ્રામા દરરોજ સાંજે થોડો થોડો બતાવવામાં આવતો. એમાં સૃષ્ટિની રચનાના દિવસો વિશે ધ્યાન જકડી રાખનારી માહિતી હતી. એમાં બાઇબલ અને દુનિયાના ઇતિહાસની ચર્ચા થઈ હતી અને એ બતાવતો હતો કે જૂઠો ધર્મ કઈ રીતે નિષ્ફળ ગયો છે. “ક્રિએશન ડ્રામા” ઑસ્ટ્રિયા, જર્મની, લક્સમબર્ગ, સ્વિટ્‌ઝર્લૅન્ડ અને બીજા દેશોમાં જર્મન ભાષા બોલતા લોકોને બતાવવામાં આવ્યો.

[પાન ૩૨ પર ચિત્રો]

એરીક ફ્રોસ્ટ અને “ક્રિએશન ડ્રામા” માટેના સંગીતની તેમની નૉટ્‌સ

એરીક ફ્રોસ્ટે સમજાવ્યું કે “ડ્રામા વખતે હું સાથીઓને, ખાસ કરીને ઑરકેસ્ટ્રામાં મારી સાથે કામ કરતા ભાઈઓને ઉત્તેજન આપતો કે રિસેસના સમયે દરેક હરોળમાં જઈને શ્રોતાઓને આપણાં સુંદર પુસ્તકો અને પુસ્તિકાઓ આપે. ઘરે ઘરે જઈને લોકોને જેટલું સાહિત્ય આપી શકાય, એના કરતાં આ રીતે અમે વધારે સાહિત્ય આપ્યું હતું.” ભાઈ યોહાનસ રાઉટૅ પોલૅન્ડ અને આજના ચૅક પ્રજાસત્તાકમાં ડ્રામા બતાવવાની ગોઠવણ કરી હતી. તેમને યાદ છે કે ડ્રામા જોવા આવેલા ઘણા લોકોએ પોતાનું સરનામું આપ્યું, જેથી તેઓને મળી શકાય. આમ, તેઓની ફરી મુલાકાતો થઈ અને બાઇબલમાંથી સારી ચર્ચાઓ થઈ.

૧૯૩૦ના દાયકામાં પણ “ક્રિએશન ડ્રામા” બતાવવામાં આવતો ત્યારે હૉલ ખીચોખીચ ભરાઈ જતા. બધા લોકો યહોવાના સાક્ષીઓની વાતો કરતા. ૧૯૩૩ સુધીમાં, જર્મનીમાં આવેલી આપણી શાખાએ કરેલી ગોઠવણોને લીધે લગભગ દસ લાખ લોકોએ ડ્રામા જોયો. કૅઇટ ક્રોઉઝ બહેન યાદ કરે છે કે ‘ફક્ત ડ્રામા જોવા માટે અમે પાંચેય દિવસ ગીચ વૃક્ષો, ટેકરીઓ અને ખીણો પાર કરતા. ડ્રામાની જગ્યાએ પહોંચવા અમે દસ કિલોમીટર ચાલતા.’ ઇલિઝ બિલહાર્ઝ બહેન કહે છે કે “મારા દિલમાં સત્ય માટે પ્રેમનો પાયો ‘ક્રિએશન ડ્રામા’ દ્વારા નંખાયો.”

ભાઈ આલ્ફ્રેડ આલ્મેનડિંજર જણાવે છે કે તેમની મમ્મીએ ડ્રામા જોયો ત્યારે, “એટલાં હરખાઈ ઊઠ્યાં કે તેમણે બાઇબલ વેચાતું લીધું અને એમાં ‘નરક’ શબ્દ શોધવાં લાગ્યાં.” બાઇબલમાં એ શબ્દ ન મળવાથી, તેમણે ચર્ચમાં જવાનું છોડી દીધું અને બાપ્તિસ્મા પામ્યાં. એરીક ફ્રોસ્ટ યાદ કરે છે કે “ઘણા લોકો ‘ક્રિએશન ડ્રામા’ દ્વારા સત્યમાં આવ્યા.”—૩ યોહા. ૧-૩.

[પાન ૩૨ પર ચિત્રો]

“ક્રિએશન ડ્રામા” જોનારાની સંખ્યા પુષ્કળ વધી. એવામાં જ યુરોપ પર નાઝીવાદનું તોફાન આવી ચઢ્યું. ૧૯૩૩ની શરૂઆતમાં, યહોવાના સાક્ષીઓના કામ પર જર્મનીમાં પ્રતિબંધ મૂકાયો. એ સમયથી ૧૯૪૫માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી, યુરોપમાં રહેતા યહોવાના સાક્ષીઓએ આકરી સતાવણી વેઠી. એરીક ફ્રોસ્ટે લગભગ આઠ વર્ષ જેલમાં વિતાવ્યાં. પણ તે ટકી રહ્યા અને પછીથી તેમણે જર્મનીના વિસ્બાડન બેથેલમાં સેવા આપી. કેટલું સારું થયું કે ભૂલાય નહિ એવો “ક્રિએશન ડ્રામા” ખરા સમયે આવ્યો અને ઘણા ભાઈ-બહેનોની હિંમત બંધાવી, જેઓ બીજા વિશ્વ યુદ્ધમાં પોતાની શ્રદ્ધાની કસોટીનો સામનો કરવાના હતા!—જર્મનીના આપણા ઐતિહાસિક સંગ્રહમાંથી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો