આ યુવાન તો કહેવો પડે!
ગુંટર ગ્રાસ જર્મનીના એક લેખક છે. ૧૯૯૯માં તેમને સાહિત્ય માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. ૨૦૦૬માં તેમણે પોતાની જીવન કહાની પર પુસ્તક લખ્યું હતું. એમાં જણાવ્યું કે જર્મન લશ્કરમાં તેમની ભરતી થઈ ત્યારે તે એક યુવાનને મળ્યા હતા. એને આજે ૬૦ વર્ષો પછી પણ તે યાદ કરે છે. તે યુવાને પોતાની માન્યતાને લીધે ખૂબ જ સતાવણી સહી હતી.
જર્મનીના એક પેપરે (ફ્રેન્કફર્ટર એલેજીમેન ઝેટંગ) ગ્રાસનું ઇન્ટરવ્યૂ લીધું. એમાં તેમણે પેલા યુવાન વિષે જણાવ્યું. ગ્રાસને તેનું નામ યાદ નથી, પણ તેમણે પોતે એક નામ આપ્યું હતું. એ હતું, ‘અમે આમ ન કરીએ ને તેમ ન કરીએ.’ કેમ એવું? ગ્રાસ કહે છે: ‘એ યુવાન યહોવાહનો સાક્ષી હતો. તેણે કદીયે રાજકારણમાં માથું માર્યું નહિ. હથિયાર હાથમાં ન લીધા કે યુદ્ધમાં જોડાયો નહિ.’ યહોવાહના સાક્ષીઓએ તે ભાઈની ઓળખ જોઆકીમ આલ્ફરમેન તરીકે આપી. તેમને ઘણી વાર મારવામાં આવતા, મશ્કરી કરવામાં આવતી. તેમને જેલની ચાર દીવાલોમાં એકલા પૂરી રાખવામાં આવતા. છતાં તે મક્કમ રહ્યા અને હથિયાર ઉપાડવાની ચોખ્ખી ના પાડી.
ગ્રાસ જણાવે છે કે ‘હું તેના નિર્ણયને માની જ ન શક્યો! તે કેવી રીતે આ બધું સહન કરી શક્યો?’ લાંબા સમય સુધી સતાવણી સહન કરવા છતાં, આલ્ફરમેન પરમેશ્વરને વળગી રહ્યા. ફેબ્રુઆરી ૧૯૪૪માં તેમને જર્મનીમાં નાઝીઓના હાથ નીચે સખત કેદમાં પૂરવામાં આવ્યા. આખરે એપ્રિલ ૧૯૪૫માં તેમને છોડવામાં આવ્યા. તે યુદ્ધમાંથી બચી ગયા. ૧૯૯૮માં મરણ પામ્યા ત્યાં સુધી તેમણે યહોવાહને છોડ્યા નહિ.
જર્મની અને બીજા અમુક દેશો પર નાઝી સરકાર રાજ કરતી હતી. એ દેશોમાં લગભગ ૧૩,૪૦૦ યહોવાહના સાક્ષીઓને પોતાની શ્રદ્ધાને લીધે સતાવણી સહેવી પડી. આલ્ફરમેન એમાંના એક હતા. તેઓએ બાઇબલનું કહેવું માનીને, રાજકારણમાં કોઈ જ ભાગ ના લીધો. યુદ્ધમાં જોડાવાની ના પાડી. (માત્થી ૨૬:૫૨; યોહાન ૧૮:૩૬) ૪,૨૦૦ જેટલા ભાઈ-બહેનોને જુલમી છાવણીમાં રાખવામાં આવ્યા હતા. એમાંથી ૧,૪૯૦ ભાઈ-બહેનો માર્યા ગયા. તેઓની ભક્તિ કહેવી પડે! જેઓ યહોવાહના સાક્ષીઓ નથી, તેઓ આજે પણ એના વખાણ કરે છે. (w07 10/15)
[Picture on page 32]
જોઆકીમ આલ્ફરમેન