“હું પરમેશ્વરને ઓળખતો ન હતો”
ભારતમાં, કેરાલાની એક વ્યક્તિએ લખ્યું: “છેલ્લાં કેટલાંક વર્ષોથી, યહોવાહના સાક્ષીઓ મારી મુલાકાત લેતા હતા. તેઓ મને હંમેશા પરમેશ્વરના રાજ્ય વિષે જણાવતા હતા. હું આઠ વર્ષથી કૅથલિક હતો, પરંતુ, દેવને ઓળખતો ન હતો. પરંતુ, એક જ વર્ષમાં મને પરમેશ્વર વિષે ઘણું જાણવા મળ્યું. વળી, ચોકીબુરજ ૧૩૯ [હવે ૧૪૬] ભાષામાં બહાર પડે છે એ જાણીને મને ઘણો જ આનંદ થયો. ખરેખર, એ કેટલી ખુશીની વાત છે કે દરેક ભાષાના લોકો દેવ વિષે જાણી રહ્યા છે!”
ઘણા ફિલસૂફો એવો દાવો કરે છે કે દેવને ઓળખવા શક્ય જ નથી. પરંતુ, પ્રેષિત પાઊલે સ્પષ્ટ કહ્યું કે દેવને ઓળખી શકાય છે. આથેન્સમાં અમુક લોકો ‘અજાણ્યા દેવની’ વેદી બનાવી પૂજતા હતા. તેઓને પાઊલે કહ્યું: “જેનું જાણ્યા સિવાય તમે ભજન કરો છો, એ ઈશ્વરને હું તમારી આગળ પ્રગટ કરવા માગું છું. તેમણે પૃથ્વી અને તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે. . . . તે પોતે જ સર્વને જીવન અને શ્વાસ આપે છે તથા બધી જરૂરિયાતો પૂરી પાડે છે. તેમણે એક માણસ એટલે આદમથી જગતના સર્વ લોકોને ઉત્પન્ન કર્યા અને પ્રજાઓને વિખેરીને આખી પૃથ્વી પર વસાવી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૩-૨૬, IBSI.
પાઊલે તેઓને કહ્યું કે ઈશ્વરને શોધો, કારણ કે તે “આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭, IBSI) યહોવાહના સાક્ષીઓ રાજીખુશીથી, તમને સાચા પરમેશ્વર અને તેમના અદ્રભુત ગુણો જણાવવામાં મદદ કરશે.