“આપણે પરમેશ્વરના રાજ્યમાં મળીશું”
“વહાલા મિત્ર રુપર્ટ! આજે મને મરણની સજા કરવામાં આવી હતી. મારા માટે વિલાપ કરીશ નહિ. તને અને તારા કુટુંબને મારો પ્રેમ પાઠવું છું. આપણે પરમેશ્વરના રાજ્યમાં મળીશું.”
જૂન ૮, ૧૯૪૨માં નાઝી સૈનિકોએ ફ્રાન્ટ્સ ડ્રોઝને બંદૂકની ગોળીથી ઉડાવી દીધો એના થોડા સમય પહેલાં તેણે આ શબ્દો લખ્યા હતા. પરંતુ, શા માટે તેને મારી નાખવામાં આવ્યો?
સ્લોવેનિયાના મારેબૉર શહેરમાં આવેલા નેશનલ લિબરેશન ઑફ મ્યુઝિયમના અહેવાલ અનુસાર, આ ૩૮ વર્ષના લુહારે સ્લોવેનિયામાં વૅરમૉનશાફ્ટ એટલે કે જર્મન લશ્કરી ટુકડીમાં જોડાવાનો નકાર કર્યો હતો. તે એક બીબેલફોરચર એટલે કે બાઇબલ વિદ્યાર્થી હતો, જેઓ પછીથી એ વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા. યશાયાહ ૨:૪ના સુમેળમાં ચાલતો હોવાથી, તેણે નાઝી યુદ્ધમાં ભાગ લેવાનો નકાર કર્યો અને તેણે પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો.—માત્થી ૬:૩૩.
ફ્રાન્ટ્સ પોતાના વતન પ્ટુઈમાં પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો ઉત્સાહી પ્રચારક તરીકે જાણીતો હતો. (માત્થી ૨૪:૧૪) મે ૧૯૪૨માં તેની ધરપકડ કરવામાં આવી ત્યાં સુધી, તે ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ હિંમતથી સુસમાચારનો પ્રચાર કરતો હતો.
સ્લોવેનિયામાં ઘણા યહોવાહના સાક્ષીઓની નાઝી દ્વારા સતાવણી કરવામાં આવી હતી. તેઓમાં, પોતાની ધાર્મિક માન્યતાઓને લીધે સૌથી પહેલા ફ્રાન્ટ્સને મારી નાખવામાં આવ્યો હતો. પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ તેને આ શબ્દોથી સામર્થ્ય મળ્યું હતું: “આપણને ઘણાં સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨) તેને પરમેશ્વરની સરકારમાં ખરો વિશ્વાસ હતો એનો પુરાવો તેના આ શબ્દોથી જોવા મળે છે: “આપણે પરમેશ્વરના રાજ્યમાં મળીશું.”
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
ફ્રાન્ટ્સ ડ્રોઝ: Photo Archive-Museum of National Liberation Maribor, Slovenia; પત્ર: Original kept in Museum of National Liberation Maribor, Slovenia