ખામોશીનો અર્થ સંમતિ
બિટ્રેયલ—જર્મન ચર્ચીસ ઍન્ડ ધ હૉલોકૉસ્ટ પુસ્તકમાં ધર્મએ નાઝીવાદને ટેકો આપવામાં કઈ ભૂમિકા ભજવી હતી એ વિષે ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક જણાવે છે, “ખ્રિસ્તીઓએ નાઝી સરકારને ટેકો આપ્યો. અને આ સરકારે યહુદીઓની સતાવણી કરી ત્યારે મોટા ભાગના ખ્રિસ્તીઓએ તેઓ વિરુદ્ધ કોઈ પણ વાંધો ઉઠાવ્યો નહિ. આમ, ખામોશ રહીને તેઓએ સતાવણીને સંમતિ આપી.”
પરંતુ શા માટે ખ્રિસ્તીઓએ નાઝી સરકારને ટેકો આપ્યો? એ જ પુસ્તક જણાવે છે કે ‘હિટલરે જર્મન સમાજમાં કાયદાઓ બનાવ્યા હતા,’ જેનાથી ઘણા લોકો તેના તરફ આકર્ષાયા હતા. વધુમાં પુસ્તક જણાવે છે: ‘તેણે પોતાના રાજ્યમાં અશ્લીલ ચિત્રો, વ્યભિચાર, ગર્ભપાત, સજાતીય કુકર્મ અને કોઈ પણ પ્રકારની “અશ્લીલતા”નો વિરોધ કર્યો. તે ચાર, છ કે આઠ બાળકોને જન્મ આપતી સ્ત્રીઓને કાંસું, ચાંદી અને સોનાના ઇનામો આપતો હતો. આમ, તેણે સ્ત્રીઓ પરંપરા પ્રમાણે ઘરની ચાર દીવાલોમાં જ રહે એવું ઉત્તેજન આપ્યું. જર્મનીને ઓછા શસ્ત્રો બનાવવા બળજબરી કરવામાં આવી ત્યારે એ કરાર પર સહી કરી પછી તેણે લોકોને સ્વેચ્છાથી દેશ માટે લડવા ઉશ્કેર્યા. આ બે કારણોના લીધે હિટલરનો નાઝીવાદ, મોટા ભાગના લોકો તેમ જ જર્મન ખ્રિસ્તીઓ માટે વધારે આકર્ષક બન્યો.’
પરંતુ બિટ્રેયલ પુસ્તક નોંધે છે કે “યહોવાહના સાક્ષીઓ” તરીકે ઓળખાતું એક વૃંદ બધા ખ્રિસ્તીઓથી અલગ હતું. “તેઓએ યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.” આ કારણે તેઓની સખત સતાવણી કરવામાં આવી અને ઘણા સાક્ષીઓને જુલમી છાવણીઓમાં નાખવામાં આવ્યા. તેઓ પર આવો જુલમ ગુજારવામાં આવ્યો છતાં, બીજા ખ્રિસ્તીઓએ એનો કોઈ વિરોધ કર્યો નહિ. પુસ્તક વધુમાં બતાવે છે: “કૅથલિક અને પ્રોટેસ્ટંટ લોકો યહોવાહના સાક્ષીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાને બદલે તેઓના વિરોધી થઈ ગયા. તેઓએ સાક્ષીઓના શાંતિના સંદેશા કરતાં હિટલરની ક્રૂરતા વધારે પસંદ કરી.” સાક્ષીઓ પર થતી સતાવણી જોઈને પણ તેઓ ખામોશ રહ્યા, પરિણામે નાઝી સરકારે સાક્ષીઓની વધારે સતાવણી કરી.
ખ્રિસ્તીઓએ નાઝી રાજનીતિને ટેકો આપ્યો એ ખરું હતું કે ખોટું, એ વિષે હજુ પણ ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ યહોવાહના સાક્ષીઓ વિષે બિટ્રેયલ પુસ્તક જણાવે છે કે “તેઓએ રાજનીતિમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.”