નાવિક પાસેથી બોધપાઠ
સમુદ્રમાં એક નાવિક વહાણ હંકારી રહ્યો છે. એકલા હંકારવું ખૂબ થકવી નાખનારું કામ છે. તેથી નાવિક થાકીને લોથપોથ થઈ જાય છે ત્યારે, તે એવા નિર્ણયો લઈ શકે જેનાથી વહાણને નુકશાન થાય કે આડી અવળી દિશામાં ફંટાઈ જાય. ખરેખર આવા સમયે તેને લંગરનું મહત્ત્વ સમજાય છે. શા માટે? કારણ કે એ સમયે નાવિકને આરામની જરૂર હોય છે. તે લંગર નાખીને આરામ કરી પોતાનો થાક ઉતારી શકે છે. લંગર વહાણને પવન કે સમુદ્રની લહેરોમાં ઘસડાઈ જતા અટકાવે છે તથા વહાણને એક જ જગ્યાએ સ્થિર રાખે છે.
નાવિક સમુદ્રમાં અનેક જોખમોનો સામનો કરે છે તેમ, ખ્રિસ્તીઓ પણ આ જગતના દબાણોનો સતત સામનો કરે છે. આથી તેઓ પણ આરામ કરવાનું વિચારી શકે છે. એક વખત ઈસુએ પણ પોતાના શિષ્યોને કહ્યું: “તમે પોતે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો, ને થોડો વિસામો લો.” (માર્ક ૬:૩૧) આજે કેટલાક લોકો પોતાના કુટુંબ સાથે થોડાં અઠવાડિયા કે સપ્તાહઅંતે આનંદ-પ્રમોદ કરવા બહાર જાય છે. આવો સમય તાજગી આપનાર હોય શકે છે. તેમ છતાં આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે આવા સમયે આપણે આધ્યાત્મિક રીતે સલામત છીએ? શું એવું કોઈ આધ્યાત્મિક લંગર છે જે આપણને ગમે તેવા દબાણોમાં પણ સ્થિર રાખી શકે?
આપણા લાભ માટે યહોવાહ પરમેશ્વરે ઉદારપણે જોગવાઈ કરી છે. એ તેમનો પવિત્ર શબ્દ બાઇબલ છે. બાઇબલને દરરોજ વાંચવાથી આપણે તેમની વધુ નજીક રહી શકીશું અને કદી પણ તેમનાથી દૂર જઈશું નહિ. એમાં આપવામાં આવેલી સલાહ આપણને દૃઢ કરી શકે અને શેતાન તથા તેના જગત તરફથી આવતા પ્રલોભનોનો સામનો કરવા મદદ કરી શકે. તેથી, આપણે રજાઓમાં બહાર ગયા હોય તો પણ દરરોજ બાઇબલ વાંચીશું તો, એ આપણું આત્મિક લંગર બની શકે છે.—યહોશુઆ ૧:૭, ૮; કોલોસી ૨:૭.
ગીતકર્તા આપણને યાદ દેવડાવે છે કે જે વ્યક્તિ યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે, અને રાતદિવસ તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે તે સાચે જ સુખી છે. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) તેથી આપણે દરરોજ બાઇબલ વાંચીશું તો આપણા ખ્રિસ્તી માર્ગમાં ચાલવા તાજગી અને શક્તિ મળશે.