દેવના સિદ્ધાંતોને વળગી રહેવા પોતાનું જીવન ગુમાવ્યું
“ઓ ગસ્ટ ડિકમેન (જન્મ ૧૯૧૦)ની યાદમાં, જે યહોવાહના એક સાક્ષી હતા.” આ શબ્દો એક શિલાલેખ (અહીં બતાવ્યો છે) પર જોવા મળે છે, જેનું ઉદ્ઘાટન તાજેતરમાં ઝાકસેનહોઝેનમાં કરવામાં આવ્યું જે પહેલા નાઝીઓની જુલમી છાવણી હતી. શા માટે એક યહોવાહના સાક્ષીનું નામ એ શિલાલેખ પર લખવામાં આવ્યું? બાકીનું લખાણ એ વિષે જણાવે છે: “પોતાના વિશ્વાસની ખાતર ફોજમાં ભરતી થવાની મનાઈ કરી માટે, [તેમને] સપ્ટેમ્બર ૧૫, ૧૯૩૯ના રોજ SS દ્વારા જાહેરમાં ગોળી મારીને મારી નાખવામાં આવ્યા.”
વર્ષ ૧૯૩૭માં ઓગસ્ટ ડિકમેનને કેદ કરીને ઝાકસેનહોઝેન જુલમી છાવણીમાં લાવવામાં આવ્યા. વર્ષ ૧૯૩૯માં બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યાના ત્રણ દિવસ પછી, તેમને લશ્કરીય ફોજમાં ભરતી થવાની સ્લીપમાં સહી કરવાનો હુકમ કરવામાં આવ્યો. તેમણે એમ કરવાની ના પાડી ત્યારે, છાવણીના કમાન્ડરે SS (સ્કુટઝસ્ટાફેલ, હિટલરનું ખાસ સૈનિક-દળ)ના વડા હેનરીચ હિમલર સમક્ષ છાવણીના બીજા બધા કેદીઓ સમક્ષ ડિકમેનનો વધ કરવાની પરવાનગી માંગી. સપ્ટેમ્બર ૧૭, ૧૯૩૯ના રોજ, ધ ન્યૂયૉર્ક ટાઈમ્સએ જર્મનીમાંથી અહેવાલ આપ્યો: “૨૯ વર્ષના, ઓગસ્ટ ડિકમેનને . . . અહીં બંદૂકથી સજ્જ એક ટૂકડીએ ગોળીઓથી વીંધી નાખ્યો.” વર્તમાનપત્રએ કહ્યું કે તે પહેલો જર્મન હતો જેણે પોતાના વિશ્વાસ ખાતર યુદ્ધમાં જોડાવાની ના પાડી.
સાઠ વર્ષ પછી, સપ્ટેમ્બર ૧૮, ૧૯૯૯ના રોજ, બ્રાન્ડનબર્ગ મેમોરિયલ ફાઉન્ડેશને ડિકમેનના મરણની યાદમાં આ શિલાલેખનું ઉદ્ઘાટન કર્યું. એ આ યાદગાર સ્થળની મુલાકાતે આવનારાઓને તેમની હિંમત અને દૃઢ વિશ્વાસ યાદ દેવડાવે છે. આ છાવણીની બહારની દીવાલ પર એક બીજો શિલાલેખ છે જે મુલાકાતીઓને યાદ કરાવે છે કે ડિકમેન, પોતાના વિશ્વાસ ખાતર ઝાકસેનહોઝેનમાં યાતના ભોગવનાર લગભગ ૯૦૦ યહોવાહના સાક્ષીઓમાંનો એક હતો. બીજી જુલમી છાવણીઓમાં પણ ઘણા સાક્ષીઓને સતાવવામાં આવ્યા. છતાં, જુલમી છાવણીઓની ભયંકર યાતના હેઠળ પણ ઘણા લોકો દેવે આપેલા સિદ્ધાંતોને વફાદાર રહ્યા.
યહોવાહના સાક્ષીઓ માટે, “મુખ્ય અધિકારીઓને આધીન રહેવું,” એ એક ખ્રિસ્તી ફરજ છે. (રૂમી ૧૩:૧) તેમ છતાં, સરકારો તેઓને દેવના નિયમો તોડવા દબાણ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે, તેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યોનું ઉદાહરણ અનુસરે છે, જેઓએ કહ્યું: “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) પરિણામે, આજે જગતમાં જાતિ દુશ્મની અને કોમી ધિક્કાર વચ્ચે પણ યહોવાહના સાક્ષીઓ બધે જ ઓગસ્ટ ડિકમેનની જેમ શાંતિ જાળવી રાખવા પૂરેપૂરો પ્રયત્ન કરે છે. તેઓ બાઇબલમાં આપવામાં આવેલી શિખામણ પ્રમાણે ચાલે છે: “ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.”—રૂમી ૧૨:૨૧.