સમાપ્તિ
“શ્રદ્ધા અને ધીરજને લીધે જેઓ વચનોના વારસ છે, તેઓને પગલે ચાલો.”—હિબ્રૂઓ ૬:૧૨.
૧, ૨. આપણી શ્રદ્ધા કેમ હમણાં જ મક્કમ કરવી જરૂરી છે? દાખલો આપીને સમજાવો.
શ્રદ્ધા. કેવો સરસ શબ્દ! ધ્યાન ખેંચતો એક સુંદર ગુણ! જ્યારે એ શબ્દ આવે, ત્યારે આ મનમાં રાખવું મહત્ત્વનું છે: ખૂબ જરૂરી! જો આપણી પાસે શ્રદ્ધા ન હોય, તો એ તરત મેળવવી ખૂબ જરૂરી છે. જો આપણી પાસે શ્રદ્ધા હોય, તો એનું રક્ષણ કરવાની અને એને પોષણ આપવાની જરૂર છે. શા માટે?
૨ કલ્પના કરો કે તમારે એક મોટું રણ પાર કરવાનું છે. તમને પાણીની ખૂબ જરૂર છે. થોડું પાણી મળે ત્યારે, તમારે સૂર્યથી એનું રક્ષણ કરવું પડશે. એ પૂરું થતાં જ બીજું ભરી રાખવું પડશે, જેથી તમારા મુકામે પહોંચો ત્યાં સુધી તમારી પાસે પૂરતું હોય. આજે દુનિયા એવા રણ જેવી છે, જેમાં પાણીની જેમ, સાચી શ્રદ્ધા ભાગ્યે જ જોવા મળે છે. જો શ્રદ્ધાનું રક્ષણ અને પોષણ ન કરીએ, તો પાણીની જેમ એ વરાળ બનીને ઊડી જશે. શ્રદ્ધા બહુ જરૂરી છે. જેમ પાણી વગર આપણે જીવી નથી શકતા, તેમ શ્રદ્ધા ન હોય તો યહોવા સાથેનો આપણો સંબંધ પણ મરી પરવારશે.—રોમ. ૧:૧૭.
૩. શ્રદ્ધા મક્કમ કરવા યહોવાએ કઈ મદદ આપી છે? આપણે કઈ બે વાત યાદ રાખવાની જરૂર છે?
૩ યહોવા જાણે છે કે શ્રદ્ધા આપણા માટે કેટલી જરૂરી છે. તેમને એ પણ ખબર છે કે શ્રદ્ધા કેળવવી અને મક્કમ રાખવી અઘરું છે. એટલે જ, તેમણે ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે, જેઓને આપણે અનુસરી શકીએ. યહોવાએ પ્રેરિત પાઊલને આમ લખવાની પ્રેરણા આપી: “શ્રદ્ધા અને ધીરજને લીધે જેઓ વચનોના વારસ છે, તેઓને પગલે ચાલો.” (હિબ્રૂ. ૬:૧૨) યહોવાનું સંગઠન આપણને ઉત્તેજન આપે છે કે એવાં સ્ત્રી-પુરુષોના પગલે ચાલવા મહેનત કરીએ. આ પુસ્તકમાં આપણે એમાંના અમુક વિશે ચર્ચા કરી. હવે, આપણે શું કરવું જોઈએ? આ બે વાત યાદ રાખીએ: (૧) આપણે પોતાની શ્રદ્ધા મક્કમ બનાવતા રહેવાની જરૂર છે; (૨) આપણી આશા મનમાં ઝળહળતી રાખવાની જરૂર છે.
૪. શેતાન કઈ રીતે શ્રદ્ધાનો દુશ્મન સાબિત થયો છે? આપણે કેમ નિરાશ ન થવું જોઈએ?
૪ તમારી શ્રદ્ધા મક્કમ બનાવતા રહો. શ્રદ્ધાનો એક મોટો દુશ્મન છે, શેતાન. તે દુનિયા પર રાજ કરે છે. તેણે દુનિયાને એવી બનાવી દીધી છે, જેમાં શ્રદ્ધા જાળવી રાખવી અઘરું થઈ પડ્યું છે. તે આપણા કરતાં ઘણો શક્તિશાળી છે. શું એનો અર્થ એવો થાય કે આપણે શ્રદ્ધા કેળવીને મક્કમ નહિ બનાવી શકીએ? ના, એવું નથી. જેઓ સાચી શ્રદ્ધા કેળવવા માંગે છે, તેઓના યહોવા ખાસ મિત્ર છે. યહોવા ખાતરી આપે છે કે તે આપણી પડખે હોવાથી, આપણે શેતાનનો સામનો કરી શકીએ. અરે, તેને દૂર ભગાડી શકીએ! (યાકૂ. ૪:૭) શેતાનની સામા થવા આપણે રોજ સમય કાઢીને શ્રદ્ધા કેળવીએ અને એને મક્કમ કરીએ. આપણે એમ કઈ રીતે કરી શકીએ?
૫. બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તોએ કઈ રીતે શ્રદ્ધા કેળવી હતી? સમજાવો.
૫ આપણે જોયું તેમ, બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો કંઈ જન્મથી જ શ્રદ્ધાળુ ન હતા. તેઓનું જીવન સાબિતી આપે છે કે યહોવાની પવિત્ર શક્તિની મદદથી શ્રદ્ધા મળે છે. (ગલા. ૫:૨૨, ૨૩) તેઓએ મદદ માટે પ્રાર્થના કરી અને યહોવા તેઓની શ્રદ્ધા મજબૂત કરતા રહ્યા. ચાલો આપણે પણ તેઓના જેવું જ કરીએ. ક્યારેય ભૂલીએ નહિ કે જેઓ યહોવા પાસે પવિત્ર શક્તિ માંગે છે અને પોતાની પ્રાર્થના પ્રમાણે જીવે છે, એ દરેકને યહોવા ઉદારતાથી પવિત્ર શક્તિ આપે છે. (લુક ૧૧:૧૩) આપણે બીજું શું કરી શકીએ?
૬. બાઇબલ અહેવાલોમાંથી શીખીને પૂરેપૂરો લાભ મેળવવા શું કરવું જોઈએ?
૬ આ પુસ્તકમાં આપણે જોરદાર શ્રદ્ધા રાખનારા અમુક ઈશ્વરભક્તોના દાખલાની ચર્ચા કરી છે. એવા તો ઘણા દાખલાઓ છે. (હિબ્રૂઓ ૧૧:૩૨ વાંચો.) એ દરેક દાખલામાંથી પૂરેપૂરો લાભ મેળવવા આપણે પ્રાર્થનાપૂર્વક એનો અભ્યાસ કરીએ. જો આપણે એ અહેવાલોને જલદી જલદી વાંચી જઈશું, તો આપણી શ્રદ્ધા મક્કમ નહિ થાય. વાંચનનો પૂરો લાભ લેવા, એના વિશે વધારે માહિતી લેવી પડશે; એ સમય, એ જગ્યા અને ત્યાંના લોકો વિશે જાણવું પડશે. જો આપણે હંમેશાં યાદ રાખીએ કે એ સ્ત્રી-પુરુષો “આપણા જેવા જ” ભૂલને પાત્ર હતા, તો તેઓનો દાખલો આપણા માટે જીવંત બની જશે. (યાકૂ. ૫:૧૭) આપણા જેવી જ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને તેઓને કેવું લાગ્યું હશે, એ વિશે કલ્પના કરીને હમદર્દી બતાવી શકીએ.
૭-૯. (ક) બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તોને આપણી જેમ યહોવાને ભજવાનું કેવું લાગ્યું હોત? (ખ) શા માટે આપણાં કાર્યો દ્વારા શ્રદ્ધાને મક્કમ કરવી જોઈએ?
૭ આપણાં કાર્યોથી પણ શ્રદ્ધા મક્કમ કરી શકીએ છીએ. સાચે જ, “કાર્યો વગર શ્રદ્ધા મરેલી છે.” (યાકૂ. ૨:૨૬) કલ્પના કરો, જે કામ યહોવાએ આપણને સોંપ્યું છે, એ જ કામ આપણે ચર્ચા કરી ગયા એ ભક્તોને સોંપ્યું હોત, તો તેઓ કેટલા ખુશ થયા હોત!
૮ દાખલા તરીકે, જો ઈબ્રાહીમને કહેવામાં આવે કે યહોવાની ભક્તિ કરવા તેમણે જંગલમાં પથ્થરની વેદી પાસે નહિ, પણ બીજા ઈશ્વરભક્તો સાથે એક સુંદર રાજ્યગૃહમાં અને મોટાં સંમેલનોમાં જવાનું છે; જે વચનો તેમણે ‘અગાઉથી જોયાં’ હતાં, એની ચર્ચા ત્યાં થશે અને અદ્ભુત વિગતો સમજાવવામાં આવશે. એ સાંભળીને તેમને કેવું લાગ્યું હોત? (હિબ્રૂઓ ૧૧:૧૩ વાંચો.) જો એલિયાને કહેવામાં આવે કે ધર્મત્યાગી દુષ્ટ રાજાના રાજમાં યહોવાની ભક્તિ કરવા, તેમણે બઆલના દુષ્ટ પૂજારીઓને મારવાના નથી. પણ, તેમણે શાંતિથી લોકોને મળીને દિલાસાનો અને આશાનો સંદેશો આપવાનો છે. તેમને કેવું લાગ્યું હોત? ખરેખર, આજે આપણે કરીએ છીએ તેમ, એ ઈશ્વરભક્તોએ યહોવાને ભજવા હોંશે હોંશે એ જવાબદારી સ્વીકારી લીધી હોત.
૯ ચાલો, આપણાં કાર્યોથી શ્રદ્ધા મક્કમ કરતા રહીએ. એમ કરીએ તેમ, બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તોના દાખલાઓમાંથી શીખીને એ પ્રમાણે જીવીએ. પ્રસ્તાવનામાં જોયું તેમ, આપણે તેઓને એટલા નજીકથી ઓળખવા લાગીશું કે જાણે તેઓ આપણા ગાઢ મિત્રો હોય. જોકે, એ મિત્રતા જલદી જ હકીકતમાં બદલાઈ જશે.
૧૦. બાગ જેવી સુંદર પૃથ્વી પર આપણને કેવો આશીર્વાદ મળશે?
૧૦ તમારી આશા મનમાં ઝળહળતી રાખો. યહોવાએ આપેલી આશામાંથી અગાઉના ઈશ્વરભક્તોએ હંમેશાં હિંમત મેળવી હતી. શું તમે હિંમત મેળવો છો? દાખલા તરીકે, ‘સારા લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે’ ત્યારે, શ્રદ્ધા રાખતા ઈશ્વરભક્તોને મળીને કેટલી ખુશી થશે! (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ વાંચો.) તેઓને તમે કયા સવાલો પૂછવા માંગશો?
૧૧, ૧૨. નવી દુનિયામાં તમે આ ઈશ્વરભક્તોને કેવા સવાલો પૂછશો? (ક) હાબેલ. (ખ) નુહ. (ગ) ઈબ્રાહીમ. (ઘ) રૂથ. (ચ) અબીગાઈલ. (છ) એસ્તેર.
૧૧ હાબેલને મળો ત્યારે, શું એમ પૂછવાનું મન નહિ થાય કે તેમનાં માતા-પિતા કેવાં હતાં? અથવા તમે કદાચ પૂછશો: “એદન બાગનું રક્ષણ કરતા કરૂબો સાથે શું તમે ક્યારેય વાત કરી હતી? શું તેઓએ જવાબ આપ્યો હતો?” નુહ વિશે શું? તમે કદાચ આવું પૂછશો: “શું તમને ક્યારેય નેફિલિમનો ડર લાગ્યો હતો? એ વર્ષે તમે કઈ રીતે વહાણમાં જાનવરોની સંભાળ રાખી?” ઈબ્રાહીમને મળો તો, આવું પૂછી શકો: “શું તમે શેમને મળ્યા હતા? તમને યહોવા વિશે કોણે શીખવ્યું હતું? શું ઉર દેશ છોડવો અઘરું હતું?”
૧૨ એ જ રીતે, સજીવન થયેલી શ્રદ્ધાળુ સ્ત્રીઓને તમે મળો ત્યારે, આવા સવાલો પૂછી શકો: “રૂથ, એવું તો શું હતું કે તમે યહોવાના ભક્ત બનવાનું પસંદ કર્યું?” “અબીગાઈલ, તમે દાઊદને મદદ કરી, એ વિશે નાબાલને જણાવતા ડર લાગ્યો હતો?” “એસ્તેર, બાઇબલમાં તમારી વાર્તા પૂરી થયા પછી, તમારું અને મોર્દખાયનું જીવન કેવું હતું?”
૧૩. (ક) સજીવન થયેલા ઈશ્વરભક્તો તમને કેવા સવાલો પૂછવા માંગશે? (ખ) જૂના જમાનાના વફાદાર ભક્તોને મળવાની આશા વિશે તમને કેવું લાગે છે?
૧૩ શ્રદ્ધા રાખનારાં એ સ્ત્રી-પુરુષોના મનમાં પણ તમારા માટે સવાલો ઊભરાતા હશે. જેમ કે, અંતિમ દિવસોમાં દુનિયા કેવી હતી? મુશ્કેલ સમયોમાં યહોવાએ પોતાના ભક્તોને કેવી રીતે મદદ કરી? તેઓને એ જણાવવાનો રોમાંચ અલગ જ હશે, ખરું ને! યહોવાએ પોતાનાં બધાં વચનો પૂરાં કર્યાં છે, એ જાણીને તેઓનું દિલ કદરથી ઊભરાઈ જશે. એ સમયે, બાઇબલમાં જણાવેલા ઈશ્વરભક્તો વિશે કોઈ કલ્પના કરવી નહિ પડે. હા, નવી દુનિયામાં તેઓ બધા આપણી સાથે, આપણી નજર સામે હશે! એ લોકોને રૂબરૂ મળવા માટે, તમારાથી બનતું બધું જ કરતા રહો. તેઓની શ્રદ્ધાને પગલે ચાલતા રહો. એ ઈશ્વરભક્તોને દિલોજાન દોસ્ત બનાવીને તમે સદાને માટે યહોવાની ભક્તિ કરતા રહો, એ જ અમારી પ્રાર્થના છે.