ભાગ ૧૪
ઈશ્વરનો સંદેશો આપતા પ્રબોધકો
ઈશ્વર અમુક ભક્તો દ્વારા પોતાના લોકોને આવા સંદેશા આપે છે: તેઓને દુષ્ટ કામોની સજા થશે. લોકો તેમની ફરી ભક્તિ કરશે. મસીહ આવશે, પુષ્કળ આશીર્વાદ લાવશે
ઇઝરાયલ અને યહૂદામાં રાજાઓ હતા ત્યારે, યહોવાએ અમુક ભક્તોને પ્રબોધક બનાવ્યા. તેઓને યહોવામાં અપાર શ્રદ્ધા હતી. હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવતા. તેઓએ ખાસ કરીને ચાર બાબત પર સંદેશો આપ્યો. ચાલો એ જોઈએ.
૧. યરુશાલેમનો વિનાશ. પ્રબોધકો મોકલીને યહોવાએ વર્ષો પહેલેથી જણાવ્યું હતું કે યરુશાલેમનો વિનાશ થશે. દેશ વેરાન પડ્યો રહેશે. ઇઝરાયલી લોકોને સજા થશે. યશાયા અને યર્મિયા પ્રબોધકે કડક શબ્દોમાં જણાવ્યું કે શા માટે ઇઝરાયલી લોકોને સજા થશે: તેઓ યહોવાને ભજવાનો ઢોંગ કરતાʼતા. માણસોએ બનાવેલા ધર્મના રીત-રિવાજો પાળતા. ભ્રષ્ટાચાર અને હિંસામાં ડૂબેલા રહેતા.—૨ રાજાઓ ૨૧:૧૦-૧૫; યશાયા ૩:૧-૮, ૧૬-૨૬; યર્મિયા ૨:૧–૩:૧૩.
૨. યરુશાલેમમાં યહોવાની ભક્તિ ફરી શરૂ થશે. બાબિલોનમાં ૭૦ વર્ષના બંદીવાસ પછી ઇઝરાયલીઓ આઝાદ થયા. તેઓએ યરુશાલેમમાં જઈને ફરી યહોવાનું મંદિર બાંધ્યું. (યર્મિયા ૪૬:૨૭; આમોસ ૯:૧૩-૧૫) આ બનાવના આશરે ૨૦૦ વર્ષ પહેલાં યશાયાએ લખ્યું હતું કે કોરેશ નામનો રાજા બાબિલોન પર જીત મેળવશે. તે ઇઝરાયલીઓને આઝાદ કરશે. યરુશાલેમમાં ફરીથી યહોવાની ભક્તિ થશે. યશાયાએ એ પણ જણાવ્યું હતું કે કોરેશ રાજા કઈ રીતે બાબિલોન જીતી લેશે. યશાયાએ જે કહ્યું એ બધું સાચું પડ્યું.—યશાયા ૪૪:૨૪–૪૫:૩.
૩. મસીહનું આવવું અને તેમના જીવનમાં શું થશે. વર્ષો પહેલાં મસીહ વિષે પ્રબોધકોએ જે કહ્યું હતું એ સાચું પડ્યું. જેમ કે, મસીહનો જન્મ બેથલેહેમ ગામમાં થશે. (મીખાહ ૫:૨) મસીહ બહુ નમ્ર હશે, ગધેડા પર સવાર થઈને યરુશાલેમ આવશે. (ઝખાર્યા ૯:૯) લોકોને તે પ્રેમ અને દયા બતાવશે. તોપણ ઘણા લોકો તેમને ધિક્કારશે. (યશાયા ૪૨:૧-૩; ૫૩:૧, ૩) મસીહને રિબાવીને મારી નાખશે. યહોવા તેમને જીવતા કરશે. મસીહે પોતાનો જીવ આપી દીધો, એનાથી મનુષ્યોને પાપની માફી મળી શકશે.—યશાયા ૫૩:૪, ૫, ૯-૧૨.
૪. પૃથ્વી પર મસીહનું રાજ. માણસ બીજાઓ પર સારી રીતે રાજ કરી શકતો નથી. પણ મસીહના રાજમાં ચોમેર શાંતિ હશે. તે ‘શાંતિનો રાજકુમાર’ તરીકે ઓળખાશે. (યશાયા ૯:૬, ૭; યર્મિયા ૧૦:૨૩) તેમના રાજમાં લોકો હળી-મળીને રહેશે. તેઓને વાઘ-સિંહ જેવા જંગલી પ્રાણીનો ડર નહિ હોય. (યશાયા ૧૧:૩-૭) કોઈ કદી બીમાર નહિ થાય. (યશાયા ૩૩:૨૪) અરે, કોઈનું મરણ પણ નહિ થાય. (યશાયા ૨૫:૮) ગુજરી ગયેલાઓને પણ મસીહના રાજમાં ધરતી પર જીવતા કરવામાં આવશે.—દાનિયેલ ૧૨:૧૩.
—આ માહિતી યશાયા, યર્મિયા, દાનિયેલ, આમોસ, મીખાહ અને ઝખાર્યામાંથી છે.