પગલું ૫ પોતાને અને કુટુંબને ઉત્તેજન આપતા રહો
“પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે.” (નીતિવચનો ૧૩:૧૬) તંદુરસ્ત રહેવા વિષે થોડી માહિતી લીધા પછી એ તમને અને કુટુંબને જરૂરી ફેરફાર કરવા ઉત્તેજન આપશે. આમ તમે અને તમારું કુટુંબ તંદુરસ્ત રહેશે.
❍ શીખતા રહો. ઘણા દેશોમાં સરકારી કે ખાનગી સંસ્થાઓ તંદુરસ્તીને લગતા અલગ-અલગ વિષય પર અનેક કાર્યક્રમ અને સાહિત્ય રાખે છે. એનો લાભ ઉઠાવો અને પોતાની તંદુરસ્તી સુધારવા વિષે જાણકારી મેળવો, જેથી બીમારીઓથી દૂર રહી શકાય. તેમ જ, જરૂરી ફેરફાર કરવા હંમેશા તૈયાર રહો.
તમે જે શીખ્યા એને લાગુ પાડશો તો, તમારા બાળકોને અને પછી તેઓના બાળકોને પણ ફાયદો થશે. બીમારીથી બચવા પગલાં ભરવા જોઈએ. પૌષ્ટિક ખોરાક, સ્વચ્છતા, સમયસર ઊંઘવું અને કસરત કરવાની ટેવ પાડવી જોઈએ. માબાપ આ બધામાં સારું ઉદાહરણ બેસાડશે તો, ચોક્કસ બાળકોને પણ એનાથી ફાયદો થશે.—નીતિવચનો ૨૨:૬.
❍ મહત્ત્વનું શું છે? પોતાની તંદુરસ્તી જાળવી રાખવાની હોંશ હોવી જ પૂરતી નથી. શેની જરૂર છે? લાંબા સમયની ખરાબ આદતોમાં ફેરફાર કરવો અઘરું લાગી શકે. તોપણ થોડો ફેરફાર કરવા માટે ઉત્તેજનની જરૂર છે. કેટલીક ગંભીર બીમારી કે મરણની શક્યતા છતાં, ઘણા એવી ખરાબ આદત છોડી શકતા નથી. એ છોડવા માટે શું મદદ કરી શકે? આપણા બધાની જેમ તેઓને પણ જીવનમાં યોગ્ય ધ્યેય રાખવાની જરૂર છે.
તંદુરસ્ત રહેવા અને શક્તિ જાળવવા પતિ-પત્નીએ એકબીજાને મદદ કરવી જોઈએ. બાળકોને શીખવવા અને મદદ કરવાની માબાપોને હોંશ હોવી જોઈએ. મોટા બાળકોએ પોતાના વૃદ્ધ સગાં-વહાલાની સંભાળ રાખવી જોઈએ. આમ કરવાથી સમાજને આપણે બોજરૂપ નહિ બનીએ. બીજાઓ માટે ચિંતા અને પ્રેમ હશે તો જ આમ કરવું શક્ય બનશે.
એટલું જ નહિ, સર્જનહારની કદર અને તેમની ભક્તિ કરવાની તમન્ના હશે તો, તંદુરસ્ત રહેવા હોંશ જાગશે. ઈશ્વરે આપેલું જીવન અનમોલ ભેટ હોવાથી તેમના ભક્તો એની કદર કરશે, સંભાળ રાખશે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) આપણે તંદુરસ્ત હોઈશું તો, ઈશ્વરની સારી રીતે ભક્તિ કરી શકીશું. તંદુરસ્તીની સંભાળ રાખવા આનાથી મોટું કારણ બીજું કયું હોઈ શકે! (g11-E 03)
[પાન ૮ પર ચિત્રનું મથાળું]
તંદુરસ્ત રહો, જીવનનો આનંદ માણો