મારી વહાલી મિત્ર
તમારા મિત્રો કોણ છે? શું એ ફક્ત તમારી વયનાઓ જ છે? એક યુવતીનો તેની એક મિત્ર વિષેનો અહેવાલ વાંચો, જે તેના કરતાં આશરે સાત દાયકા મોટી છે.
અમારું કુટુંબ આશરે નવ વર્ષ પહેલાં સ્થળાંતર કરીને એબરડીન, સ્કોટલેન્ડ આવ્યું, જ્યારે હું માત્ર છ વર્ષની હતી. આ મારા માટે ભયભીત કરનારો સમય હતો કારણ કે મારે નવી શાળામાં શરૂઆત કરવાની હતી અને મારે નવા મિત્રો બનાવવાના હતા. પરંતુ કોઈક બાબતે મને મારી નવી સ્થિતિમાં મૃદુ નિરાંત આપી. એક વૃદ્ધ સ્ત્રી, જેમને મારાં માબાપ અગાઉ એક વખત મળ્યા હતા, જેઓ અમારા ઘરેથી પાસે જ રહેતા હતા. મારી તેમની સાથે યોગ્ય ઓળખાણ કરાવવામાં આવી અને તરત જ મને જાણીને આશ્ચર્ય થયું કે તે કેટલા રસપ્રદ હતા. તેમનું હૃદય યુવાન હતું, અને તેમની સુઘડતા અતિ સુંદર હતી.
અમે ભાડેના ઘરમાં રહેતા હતા, તેથી અમે આન્ટી લુઈના ઘરેથી આશરે એક માઇલ દૂર કાયમી ઘરમાં રહેવા ગયા. હું “આન્ટી” વક્તવ્યનો ઉપયોગ આદરથી અને વહાલથી કરું છું. અમારે જવું પડ્યું ત્યારે હું ઉદાસ થઈ, કેમ કે મારો ભાઈ અને હું તેમની નિયમિત મુલાકાત લેતા હતા.
તેમ છતાં, હું જે શાળામાં ભણતી હતી તે આન્ટી લુઈના ઘરની પાસે હતી. તેથી દર શુક્રવારે વર્ગ પૂરા થયા પછી અને હું શાળામાં મારા સાંજના સ્કોટિશ કાઉન્ટી ડાન્સીંગમાં જતી તે પહેલાં, હું ચા માટે આન્ટીના ઘરે જતી. આ મારો નિત્યક્રમ બન્યો. હું મારી સાથે મારું કોઈક વાર્તાનું પુસ્તક રાખતી, અને તે મને વાંચી સંભળાવતા તે દરમ્યાન હું કાકડી, સેન્ડવીચ ખાતી અને ઠંડા દૂધનો પ્યાલો પીતી.
મને યાદ છે કે આન્ટીના ઘરે દોડી જવાના સંકેતરૂપે બપોરબાદ ૩:૩૦નો ઘંટ વાગવાની આતુરતાપૂર્વક રાહ જોતી ત્યારે, એ શુક્રવારો જાણે બહુ ધીમા જતા જણાતા હતા. એ આ સમય હતો જ્યારે મને પ્રથમ ખબર પડી કે વૃદ્ધ લોકો કેટલા રસપ્રદ અને આનંદદાયક હોય શકે છે. હકીકતમાં, હું તેમને વૃદ્ધ ગણતી ન હતી. મારા મનમાં તે તદ્દન યુવાન હતા. તે ગાડી ચલાવી શકતા, અને ઘર તથા બાગ સુમધુર-સુગંધિત રાખતા હતા—એક બાળકને એનાથી વધુ શું જોઈએ?
ત્રણ વર્ષ પસાર થઈ ગયા, અને હું પ્રાથમિક શાળાના છેલ્લા વર્ષમાં હતી. તે સમયે આન્ટી લુઈએ નક્કી કર્યું કે તેનો બાગ તેના માટે જરા વધારે પડતો મોટો હતો અને ફ્લેટ વધુ વાસ્તવિક વિકલ્પ હતો. તે સમયે હું વયવૃદ્ધિનો વિચાર સમજી શકતી ન હતી. હું બેચેન બની કે તેમનો ફ્લેટ નગરના ભિન્ન ભાગમાં હતો. ત્યાર પછી શુક્રવારો મને કદી અગાઉની માફક એવા જ આનંદી લાગ્યા નહિ.
વર્ષ ૧૯૯૦માં માધ્યમિક શાળામાં મારું જવાનું માથે ઝઝૂમી રહ્યું હતું. આવી મોટી શાળામાં હું શું કરીશ? હું કઈ રીતે સામનો કરીશ? મારે મારા મિત્રોથી ભિન્ન શાળામાં જવાનું હતું, કેમ કે અમારું કુટુંબ જુદા વિસ્તારમાં રહેતું હતું. પરંતુ ફરીથી આન્ટી લુઈ ત્યાં હતા કારણ કે તેઓ જે ફ્લેટમાં રહેવા ગયા હતા તે મારી માધ્યમિક શાળાની બાજુમાં જ હતો! મેં તેમને પૂછ્યું કે હું જમવા સમયે મારી સેન્ડવીચ ખાવા તેમના ફ્લેટ પર આવી શકું કે કેમ. આમ બીજો એક મૂલ્યવાન નિત્યક્રમ સ્થપાયો.
હું માનું છું કે ત્યારે અમારો સંબંધ બાળક-મોટી વયનામાંથી એકબીજાના સંગાથના પારસ્પરિક આનંદમાં બદલાયો. આ ઘણી રીતોએ સ્પષ્ટ હતું, પરંતુ એક ખાસ રીત એ હતી જ્યારે અમે મારાં વાર્તાઓનાં પુસ્તકોને બદલે ભેગાં મળી પ્રાચીન સાહિત્ય—જેન એર, વિલેટ, પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ, અને વીમેન ઈન વ્હાઈટ—વાંચવું શરૂ કર્યું. વાંચનની મારી રુચિ પરિપક્વ બની હતી.
આન્ટી લુઈએ મને શીખવ્યું કે લોકો માટેનો પ્રેમ કુશળતા અને કળા છે. તેમણે મને એ ન શીખવ્યું હોત તો, હું હજુ પણ વધારે મોટી થાત ત્યાં સુધી શીખી ન હોત. તેમણે મને ધ્યાનથી સાંભળતા શીખવ્યું, અને ઘણા લોકો, વૃદ્ધ હોય કે યુવાન, આ વધારે પડતા વ્યસ્ત જગતમાં કદી શીખતા નથી. હું તેમના સોફા પર ગોઠવાઉં છું ત્યારે, તે મને પોતાના જીવનની અને થયેલા અનુભવોની વાતો કહે છે. આ સ્ત્રીના અતિ રસપ્રદ જ્ઞાનથી હું ઉષ્મા અનુભવું છું.
પોતાનાં માબાપ અને માસીની ભયજનક માંદગીમાં સંભાળ લેવા, આન્ટી લુઈએ ઘણો ત્યાગ કર્યો—લગ્ન, બાળકો, કારકિર્દી. એનાથી તેમનો નાનો ભાઈ પૂરા સમયના સેવાકાર્યમાં રહી શક્યો.
ગત બે વર્ષ દરમ્યાન, આન્ટી લુઈની તબિયત લથડી છે, અને હું વૃદ્ધાવસ્થા લાવે છે તે હતાશા, મુશ્કેલી, અને દુઃખ જોઈ શકું છું. તાજેતરમાં, ૮૪ વર્ષની વયે, તેણે ગાડી હંકારવાનું બંધ કર્યું છે, અને એનાથી તેમને ઘણી મુશ્કેલી પડી રહી છે. તે ઘણા સક્રિય જીવનથી ટેવાયેલા હતા, અને હવે ઘરે બંધિયાર રહેવું બહુ જ હતાશાજનક લાગે છે. તેણે એવી લાગણી સાથે લડ્યા કરવાનું છે કે પોતે લોકોને તકલીફ આપી રહી છે. અમે તેમને ભલે ગમે તેટલી વાર કહીએ કે અમે તેમને ચાહીએ છીએ અને બીજું કે અમે તેના માટે કંઈ પણ કરીશું, તોપણ તેમને દોષિતપણાની લાગણી થાય છે.
વધારે ખરાબ સ્થિતિ એનાથી થઈ છે કે હવે તે પોતે નાહી શકતા નથી અને કપડાં પહેરી શકતા નથી. એ તેમણે બીજાઓ માટે કર્યું હોવા છતાં, આવી સહાયની જરૂર અનુભવવી તેમના માટે હવે કપરું લાગે છે. આ મને શીખવે છે કે લોકો પોતા માટે કંઈ કરી શકતા નથી ત્યારે, તેઓ હજુ પણ આપણા આદરને પાત્ર છે.
તેમ છતાં, સર્વ ઉપરાંત, આ અનુભવે મને સમજવામાં મદદ કરી છે કે વૃદ્ધ થવું શું બાબત છે. આન્ટી લુઈ જે દરેક બાબત કરી શકતી નથી તેનાથી મને રડુ આવે છે. મહદંશે, જ્યારે હું તેમને હતાશ કે પીડા ભોગવતા જોઉં છું ત્યારે, મને રડવાનું ને રડવાનું જ મન થાય છે. મને જેનું ખાસ દુઃખ છે તે એ કે તેમના સર્વ ડહાપણનો મારા કરતાં નાની વયનું બીજું કોઈ બાળક આનંદ માણી શકશે નહિ અને એની કદર કરી શકશે નહિ.
કેટલીક વખત મને આશ્ચર્ય થાય છે કે હું તેમના માટે પૂરતું કાર્ય કરું છું કે કેમ. શું હું તેમને કરું છું તેમ, તે મારો આનંદ માણે છે અને મને ચાહે છે? પરંતુ હું જમવા માટે જઉં છું અને તેમને આલિંગન આપું છું ત્યારે, બધી શંકા અદ્રશ્ય થાય છે.
આવી મિત્ર હોવા માટે હું ગૌરવ અનુભવું છું. તેમણે મને ઘણા બધા સારા ગુણો શીખવ્યા છે—તેમણે મને શીખવેલો સૌથી આગવો ગુણ પ્રેમ છે. હું તેમની મૈત્રી માટે મારી વયના સો મિત્રોની મૈત્રી પણ ત્યજવા તૈયાર થાઉં. જો કે હું જલદી જ શાળા છોડીશ અને હવે તેમના ફ્લેટ પર જમવા જનાર નથી છતાં, હું કદી મારી વહાલી મિત્રને પ્રેમ કરવાનું, તેમની મુલાકાત લેવાનું, અને તેમને સહાય કરવાનું બંધ કરીશ નહિ. તેમણે મને શીખવ્યું કે તમે પોતા પહેલાં બીજાઓનો વિચાર કરો તો, જીવન સુખી અને ભર્યુંભર્યું બની શકે છે.—સ્વેચ્છાથી આપેલો લેખ. (g96 2/22)
આન્ટી લુઈ સાથે