વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt હઝકિયેલ ૧:૧-૪૮:૩૫
  • હઝકિયેલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હઝકિયેલ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ

હઝકિયેલ

૧ હવે ૩૦મા વર્ષનો* ચોથો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું ગુલામીમાં* ગયેલા લોકો સાથે+ કબાર નદી+ પાસે હતો. એ સમયે આકાશ ઊઘડી ગયું અને ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો. ૨ એ મહિનાનો પાંચમો દિવસ હતો અને રાજા યહોયાખીનની+ ગુલામીનું પાંચમું વર્ષ હતું. ૩ બૂઝી યાજકના* દીકરા હઝકિયેલ* પાસે યહોવાનો* સંદેશો આવ્યો. તે ખાલદીઓના* દેશમાં+ કબાર નદી પાસે હતો. ત્યાં તેના પર યહોવાની શક્તિ* ઊતરી આવી.+

૪ મેં જોયું તો ઉત્તરમાંથી જોરદાર વાવાઝોડું આવતું દેખાયું.+ એની સાથે એક મોટું વાદળ આવતું હતું, જેમાંથી આગની જ્વાળા*+ નીકળતી હતી. વાદળની ચારે બાજુ પ્રકાશ ઝળહળતો હતો. આગની વચ્ચે ચળકતી ધાતુ* જેવું કંઈક દેખાતું હતું.+ ૫ આગમાં ચાર દૂતો* જેવા કોઈક દેખાયા.+ દરેકનો દેખાવ માણસ જેવો હતો. ૬ દરેકને ચાર ચહેરા હતા અને ચાર પાંખો હતી.+ ૭ તેઓના પગ સીધા હતા. પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને એ ચળકતા તાંબાની જેમ ઝગમગતાં હતાં.+ ૮ તેઓની ચારેય પાંખો નીચે માણસના જેવા હાથ હતા. એ ચાર દૂતોને ચહેરા હતા અને પાંખો હતી. ૯ દરેકની પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ.+

૧૦ એ ચારેય દૂતોના ચહેરા આવા દેખાતા હતા: તેઓ દરેકને માણસનો ચહેરો, એની જમણી બાજુ સિંહનો+ ચહેરો, ડાબી બાજુ આખલાનો+ ચહેરો અને દરેકને ગરુડનો+ ચહેરો+ પણ હતો. ૧૧ તેઓના ચહેરા એવા દેખાતા હતા. દૂતો પર પાંખો ફેલાયેલી હતી. દરેકની બે પાંખો એકબીજીને અડતી હતી અને બીજી બે પાંખો તેઓનું શરીર ઢાંકતી હતી.+

૧૨ ઈશ્વરની શક્તિ તેઓને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા.+ દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ. ૧૩ દૂતોનો દેખાવ સળગતા અંગારા જેવો હતો. તેઓની વચ્ચે સળગતી મશાલો જેવું કંઈક આવતું-જતું હતું. એમાંથી વીજળીના ચમકારા થતા હતા.+ ૧૪ જ્યારે દૂતો આવતા અને જતા, ત્યારે વીજળીના ચમકારા જેવા દેખાતા હતા.

૧૫ હું ચાર ચહેરાવાળા દૂતોને જોતો હતો. એવામાં દરેક દૂતની બાજુમાં ધરતી પર એક એક પૈડું દેખાયું.+ ૧૬ પૈડાંનો દેખાવ એવો હતો જાણે તૃણમણિ પથ્થર ચમકતો હોય. એ ચારેચાર પૈડાં એકસરખાં દેખાતાં હતાં. તેઓની બનાવટ એવી હતી જાણે એક પૈડામાં બીજું પૈડું હોય.* ૧૭ તેઓ આગળ વધતાં ત્યારે, આમતેમ વળ્યા વગર કોઈ પણ દિશામાં જઈ શકતાં. ૧૮ પૈડાં એટલાં ઊંચાં હતાં કે જોઈને દંગ થઈ જવાય. ચારેય પૈડાંની બહારની સપાટી પર આંખો જ આંખો હતી.+ ૧૯ દૂતો પોતાની જગ્યાએથી આગળ વધતા ત્યારે, તેઓની સાથે સાથે પૈડાં પણ આગળ વધતાં. દૂતો ધરતી પરથી ઊંચે જતા ત્યારે, પૈડાં પણ ઊંચે જતાં.+ ૨૦ ઈશ્વરની શક્તિ દૂતોને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા. જ્યાં શક્તિ જતી ત્યાં દૂતો જતા. દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી. એટલે દૂતોની સાથે સાથે પૈડાં પણ ઊંચે જતાં. ૨૧ દૂતો આગળ વધતા ત્યારે પૈડાં પણ આગળ વધતાં, તેઓ ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં. દૂતો ધરતી પરથી ઊંચે જતા ત્યારે તેઓની સાથે સાથે પૈડાં પણ ઊંચે જતાં, કેમ કે દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી.

૨૨ દૂતોનાં માથાંની ઉપર કાચનો ભવ્ય મંચ હતો, જે બરફની જેમ ચળકતો હતો. એ મંચ તેઓનાં માથાંની ઉપર ફેલાયેલો હતો.+ ૨૩ કાચના મંચની નીચે તેઓની સીધી* પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂતની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી હતી અને બીજી બે પાંખો બીજી બાજુને ઢાંકતી હતી. ૨૪ મેં તેઓની પાંખોનો અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણીના અવાજ જેવો, સર્વશક્તિમાનના અવાજ જેવો હતો.+ તેઓનો આગળ વધવાનો અવાજ સૈન્યના અવાજ જેવો લાગતો હતો. તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.

૨૫ તેઓનાં માથાંની ઉપર જે કાચનો મંચ હતો, એના ઉપરથી અવાજ આવતો હતો. (તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.) ૨૬ તેઓનાં માથાંની ઉપરના કાચના મંચ પર નીલમના પથ્થર જેવું કંઈક હતું.+ એ રાજગાદી જેવું દેખાતું હતું.+ એના પર કોઈક બેઠું હતું, જેમનો દેખાવ માણસ જેવો હતો.+ ૨૭ મેં જોયું તો તેમની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો હતો+ અને એની ચારે તરફ જાણે આગની જ્વાળાઓ હતી. તેમની કમરની નીચેનો ભાગ આગ જેવો હતો.+ તેમની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો. ૨૮ ઝળહળતો એ પ્રકાશ વરસાદના દિવસે વાદળમાં દેખાતા મેઘધનુષ્ય+ જેવો હતો. એ પ્રકાશ યહોવાના ગૌરવ જેવો હતો.+ એ જોઈને હું ઘૂંટણિયે પડ્યો અને મેં માથું નમાવ્યું. મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.

૨ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા,* તારા પગ પર ઊભો થા કે હું તારી સાથે વાત કરું.”+ ૨ તેમણે મારી સાથે વાત કરી ત્યારે મારા પર ઈશ્વરની શક્તિ ઊતરી આવી. એ શક્તિએ મને મારા પગ પર ઊભો કર્યો,+ જેથી હું મારી સાથે બોલનારનો અવાજ સાંભળી શકું.

૩ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું તને ઇઝરાયેલીઓ પાસે, હા, બંડખોર લોકો પાસે મોકલું છું,+ જેઓએ મારી સામે બળવો પોકાર્યો છે.+ તેઓએ અને તેઓના બાપદાદાઓએ આજ સુધી મારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ ૪ હું તને હઠીલા અને કઠણ દિલના+ દીકરાઓ પાસે મોકલું છું. તારે તેઓને કહેવું કે ‘વિશ્વના માલિક* યહોવા આવું કહે છે.’ ૫ તેઓ સાવ બંડખોર લોકો છે.+ ભલે તેઓ સાંભળે કે ન સાંભળે, પણ તેઓને ચોક્કસ ખબર પડશે કે તેઓમાં એક પ્રબોધક* આવ્યો હતો.+

૬ “હે માણસના દીકરા, તું તેઓથી ગભરાતો નહિ.+ તેઓની વાતોથી ડરતો નહિ. ભલે તું ઝાડી-ઝાંખરાંથી ઘેરાયેલો છે*+ અને તારે વીંછીઓ વચ્ચે રહેવું પડે છે, પણ તેઓની વાણીથી ગભરાતો નહિ.+ તેઓના ચહેરા જોઈને થરથર કાંપતો નહિ,+ કેમ કે તેઓ બંડખોર લોકો છે. ૭ તેઓ સાંભળે કે ન સાંભળે, તારે તેઓને મારો સંદેશો જરૂર આપવો, કેમ કે તેઓ બંડખોર લોકો છે.+

૮ “હે માણસના દીકરા, હું જે કહું એ સાંભળ. તું એ બંડખોર લોકોના રંગે ન રંગાઈશ. તારું મોં ખોલ અને હું જે આપું એ ખા.”+

૯ મેં જોયું તો કોઈએ મારી તરફ હાથ લાંબો કર્યો+ અને એ હાથમાં લખાણવાળો વીંટો* હતો.+ ૧૦ તેણે એ વીંટો મારી સામે ખોલ્યો ત્યારે, એની આગળ-પાછળ બંને તરફ લખાણ હતું.+ એના પર વિલાપગીતો,* શોક અને દુઃખનો સંદેશો લખેલાં હતાં.+

૩ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, તારી સામે જે છે એ ખા. આ વીંટો ખા અને જઈને ઇઝરાયેલના લોકો સાથે વાત કર.”+

૨ એટલે મેં મારું મોં ખોલ્યું અને તેમણે મને એ વીંટો ખાવા માટે આપ્યો. ૩ તેમણે કહ્યું: “હે માણસના દીકરા, મેં તને જે વીંટો આપ્યો એ ખા અને એનાથી તારું પેટ ભર.” હું એ ખાવા લાગ્યો અને એ મારા મોંમાં મધ જેવો મીઠો લાગ્યો.+

૪ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, ઇઝરાયેલી લોકો પાસે જા અને તેઓને મારો સંદેશો જણાવ. ૫ હું તને અઘરી અને અજાણી ભાષા બોલનારા લોકો પાસે નહિ, પણ ઇઝરાયેલી લોકો પાસે મોકલું છું. ૬ હું તને અઘરી અને અજાણી ભાષા બોલનારી ઘણી પ્રજાઓ પાસે નથી મોકલતો, જેઓની વાતો તું સમજી ન શકે. જો હું તને એ લોકો પાસે મોકલું તો તેઓ તારું સાંભળશે.+ ૭ પણ ઇઝરાયેલીઓ તારી વાતો સાંભળવાની ના પાડશે, કેમ કે તેઓ મારું સાંભળવા માંગતા નથી.+ ઇઝરાયેલના બધા લોકો તો હઠીલા* અને કઠણ દિલના છે.+ ૮ મેં તારો ચહેરો તેઓના ચહેરા જેવો જ સખત કર્યો છે અને તારું કપાળ તેઓનાં કપાળ જેવું જ કઠણ કર્યું છે.+ ૯ મેં તારું કપાળ હીરા જેવું, ચકમકના પથ્થર કરતાં પણ વધારે કઠણ કર્યું છે.+ તેઓથી ગભરાઈશ નહિ કે તેઓના ચહેરા જોઈને થરથર કાંપીશ નહિ.+ તેઓ તો બંડખોર લોકો છે.”

૧૦ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું જે કહું એ બધું ધ્યાનથી સાંભળ અને દિલમાં ઉતાર. ૧૧ તારા લોકો પાસે જા, જેઓ ગુલામીમાં છે.+ તેઓ સાથે વાત કર અને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા આવું કહે છે,’ ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.”+

૧૨ પછી પવિત્ર શક્તિએ* મને ઊંચકી લીધો.+ મેં મારી પાછળ ભારે ગડગડાટનો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યહોવાના સ્થાનમાંથી તેમના ગૌરવનો જયજયકાર થાઓ!” ૧૩ દૂતો પોતાની પાંખો હલાવતા હતા તેમ, એ એકબીજીને અડતી હતી અને એનો અવાજ સંભળાતો હતો.+ તેઓની પાસેનાં પૈડાંનો અવાજ આવતો હતો+ અને ભારે ગડગડાટ સંભળાતો હતો. ૧૪ પવિત્ર શક્તિ* મને ઉપાડીને લઈ ગઈ. હું જતો હતો ત્યારે મારા મનમાં કડવાશ ભરાઈ ગઈ અને હું ગુસ્સાથી તપી ગયો. મારા પર યહોવાની શક્તિની ભારે અસર હતી. ૧૫ હું ગુલામ થયેલા લોકો પાસે તેલ-આબીબ ગયો. તેઓ કબાર નદી+ પાસે રહેતા હતા. તેઓની સાથે હું પણ રહ્યો. હું સાત દિવસ સુધી મૂંઝાઈને+ ત્યાં બેસી રહ્યો.

૧૬ સાત દિવસ પૂરા થયા ત્યારે, યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો:

૧૭ “હે માણસના દીકરા, મેં તને ઇઝરાયેલીઓ પર ચોકીદાર ઠરાવ્યો છે.+ તું મારી વાણી સાંભળે કે તરત તેઓને મારા તરફથી ચેતવણી આપજે.+ ૧૮ હું કોઈ દુષ્ટને કહું કે ‘તું ચોક્કસ મરશે,’ પણ તે જીવતો રહે એ માટે જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી ન આપે,+ તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે.+ પણ તેના લોહીનો બદલો હું તારી પાસેથી માંગીશ.*+ ૧૯ જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી આપે અને તે પોતાનાં દુષ્ટ કામો ન છોડે તેમજ દુષ્ટ માર્ગોથી પાછો ન ફરે, તો પોતાના ગુનાને લીધે તે માર્યો જશે. પણ તું તારો જીવ ચોક્કસ બચાવશે.+ ૨૦ પણ જો કોઈ નેક માણસ સારાં કામો છોડીને ખરાબ કામો* કરવા લાગે, તો હું તેના માર્ગમાં નડતરો લાવીશ અને તે માર્યો જશે.+ જો તેં ચેતવણી આપી નહિ હોય, તો પોતાનાં પાપને લીધે તે માર્યો જશે અને તેનાં સારાં કામો યાદ રાખવામાં નહિ આવે. પણ તેના લોહીનો બદલો હું તારી પાસે માંગીશ.*+ ૨૧ જો તું નેક માણસને ચેતવણી આપે કે પાપ ન કર અને તે પાપ કરવાનું છોડી દે, તો તેં ચેતવણી આપી હોવાથી,+ તે ચોક્કસ જીવતો રહેશે અને તું પણ તારો જીવ બચાવશે.”

૨૨ ત્યાં યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. ઈશ્વરે મને કહ્યું: “ઊભો થા અને મેદાનમાં જા. ત્યાં હું તારી સાથે વાત કરીશ.” ૨૩ હું ઊભો થઈને મેદાનમાં ગયો. જુઓ, ત્યાં મેં યહોવાનું ગૌરવ જોયું!+ એવું ગૌરવ મેં કબાર નદી+ પાસે જોયું હતું. એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું. ૨૪ મારા પર ઈશ્વરની શક્તિ ઊતરી આવી. એ શક્તિએ મને મારા પગ પર ઊભો કર્યો.+ ઈશ્વરે મને કહ્યું:

“જા, તારા ઘરમાં જઈને દરવાજો બંધ કર. ૨૫ હે માણસના દીકરા, લોકો તને દોરડાંથી બાંધશે, જેથી તું તેઓ પાસે જઈ ન શકે. ૨૬ હું તારી જીભ તારા તાળવે ચોંટાડી દઈશ. તું મૂંગો થઈ જશે અને તેઓને ઠપકો આપી નહિ શકે. તેઓ તો બંડખોર લોકો છે. ૨૭ પણ હું તારી સાથે વાત કરીશ ત્યારે તને બોલતો કરીશ. તું તેઓને જણાવ,+ ‘વિશ્વના માલિક યહોવા આવું કહે છે.’ જેઓ સાંભળે તેઓ સાંભળે+ અને જેઓ નથી સાંભળતા તેઓ ન સાંભળે. તેઓ તો બંડખોર લોકો છે.+

૪ “હે માણસના દીકરા, એક ઈંટ લે અને તારી સામે મૂક. એના પર યરૂશાલેમ શહેરની કોતરણી કર. ૨ એની ફરતે ઘેરો નાખ+ અને એને ઘેરી લેવા દીવાલો ઊભી કર.+ એના પર હુમલો કરવા ઢોળાવો બનાવ+ અને એની સામે છાવણી નાખ. કોટ તોડવાનાં સાધનોથી એને ઘેરી લે.+ ૩ લોઢાનો તવો લે, તારી અને એ શહેરની વચ્ચે લોઢાની દીવાલની જેમ એ ઊભો રાખ. પછી તારું મોઢું એ શહેર સામે રાખ. આમ તારે બતાવવું કે શહેર કઈ રીતે ઘેરી લેવાશે. ઇઝરાયેલના લોકો માટે એ નિશાની છે.+

૪ “પછી તારે ડાબી બાજુ સૂઈ જવું અને ઇઝરાયેલી લોકોનાં પાપ તારા માથે લેવાં.+ જેટલા દિવસ તું એ બાજુ સૂઈ જઈશ, એટલા દિવસ તું તેઓનાં પાપ તારા માથે લઈશ. ૫ તેઓએ જેટલાં વર્ષો પાપ કર્યાં છે એ પ્રમાણે હું તારા માટે ૩૯૦ દિવસો ઠરાવીશ+ અને તું ઇઝરાયેલી લોકોનાં પાપ તારા માથે લઈશ. ૬ એટલા દિવસો તારે એવું જ કરવું.

“પછી તારે જમણી બાજુ સૂઈ જવું. ૪૦ દિવસ સુધી તારે યહૂદાના લોકોનાં પાપ તારા માથે લેવાં.+ એક વર્ષ માટે એક દિવસ, હા, એક વર્ષ માટે એક દિવસ મેં તારા માટે નક્કી કર્યો છે. ૭ તું બાંયો ચઢાવીને તારું મોં ઘેરાયેલા યરૂશાલેમ સામે રાખજે+ અને એની વિરુદ્ધ ભવિષ્ય ભાખજે.

૮ “હું તને દોરડાંથી બાંધીશ, જેથી ઘેરાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તું એક બાજુથી બીજી બાજુ ફરી ન શકે.

૯ “તું એક વાસણમાં ઘઉં, જવ, વાલ, દાળ, બાજરી અને લાલ ઘઉં* લે. એમાંથી તું પોતાના માટે રોટલી બનાવ. તું જેટલા દિવસ એક બાજુ સૂઈ રહીશ એટલા દિવસ, એટલે કે ૩૯૦ દિવસ સુધી તું એવી રોટલી ખાઈશ.+ ૧૦ તું દરરોજ ૨૦ શેકેલ* ખોરાક જોખીને ખાઈશ. તું નક્કી કરેલા સમયે એ ખાઈશ.

૧૧ “તું માપીને બે પ્યાલા* પાણી પીશ. તું નક્કી કરેલા સમયે એ પીશ.

૧૨ “તું જવની રોટલી ખાતો હોય એમ એ રોટલી ખાઈશ. એને તું માણસના સુકાઈ ગયેલા મળ પર લોકોના દેખતાં શેકીશ.” ૧૩ યહોવાએ કહ્યું: “હું જે પ્રજાઓમાં ઇઝરાયેલીઓને વિખેરી નાખીશ, ત્યાં તેઓ એવી અશુદ્ધ રોટલી ખાશે.”+

૧૪ મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એવું ન થવા દેતા. નાનપણથી આજ સુધી મેં મરેલા કે ફાડી ખાધેલા જાનવરનું માંસ ખાધું નથી અને હું ખોરાકને લીધે અશુદ્ધ થયો નથી.+ મારા મોંમાં અશુદ્ધ માંસ ક્યારેય ગયું નથી.”+

૧૫ એટલે તેમણે મને કહ્યું: “સારું ત્યારે, હું તને માણસના મળને બદલે છાણ પર રોટલી શેકવાની છૂટ આપું છું.” ૧૬ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું યરૂશાલેમમાં ખોરાકની અછત લાવીશ.*+ તેઓ બીકના માર્યા જોખી જોખીને રોટલી ખાશે.+ તેઓ ડરના માર્યા માપી માપીને પાણી પીશે.+ ૧૭ ખોરાક અને પાણીની અછતને લીધે તેઓ હેરાન-પરેશાન થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપને લીધે રિબાઈ રિબાઈને મરશે.

૫ “હે માણસના દીકરા, તું ધારદાર તલવાર લે અને એને હજામના અસ્ત્રાની જેમ ચલાવ. તારું માથું અને દાઢી મૂંડી નાખ. પછી એ વાળને ત્રાજવામાં તોળીને એના ત્રણ ભાગ કર. ૨ ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે+ એ વાળનો એક ભાગ શહેરની અંદર આગમાં બાળજે. બીજો ભાગ શહેર ફરતે નાખીને એના પર તલવાર ચલાવજે.+ ત્રીજા ભાગને હવામાં ઉડાવજે અને હું તલવાર લઈને એનો પીછો કરીશ.+

૩ “એ ત્રીજા ભાગમાંથી તું અમુક વાળ લેજે અને તારા કપડામાં વીંટાળી લેજે. ૪ એમાંથી તું બીજા થોડા વાળ લેજે અને આગમાં બાળી નાખજે. એ આગ ઇઝરાયેલના બધા લોકોમાં ફેલાઈ જશે.+

૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘આ યરૂશાલેમ શહેર છે. મેં એને બધી પ્રજાઓની વચ્ચે રાખ્યું છે અને એની ચારે તરફ બીજા દેશો છે. ૬ પણ એણે મારા કાયદા-કાનૂન અને નિયમો સામે બંડ પોકાર્યું છે. એની આસપાસની પ્રજાઓ અને દેશો કરતાં એણે વધારે દુષ્ટ કામો કર્યાં છે.+ એના લોકોએ મારા કાયદા-કાનૂન પાળ્યા નથી અને મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી.’

૭ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે લોકોએ આસપાસની પ્રજાઓ કરતાં વધારે મુશ્કેલીઓ ઊભી કરી છે. તમે મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી અને કાયદા-કાનૂન પાળ્યા નથી. એના બદલે, તમે તમારી આસપાસની પ્રજાઓના કાયદા-કાનૂન પાળ્યા છે.+ ૮ વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ શહેર, હું તારી સામે ઊભો થયો છું.+ બીજી પ્રજાઓના દેખતાં હું પોતે તને સજા કરીશ.+ ૯ તેં નીચ કામો કર્યાં હોવાથી, હું તારા એવા હાલ કરીશ, જેવા અગાઉ કર્યા નથી અને ફરી કદી કરીશ પણ નહિ.+

૧૦ “‘“તારામાં રહેતા પિતા પોતાના દીકરાને ખાશે+ અને દીકરો પોતાના પિતાને ખાશે. હું તારા લોકોને સજા કરીશ અને બચી ગયેલાઓને ચારેય દિશામાં વિખેરી નાખીશ.”’+

૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે, ‘ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓથી અને નીચ કામોથી તેં મારું મંદિર* અશુદ્ધ કર્યું છે.+ એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને ત્યજી દઈશ. હું તારા પર રહેમ કરીશ નહિ.* હું તારા પર જરાય દયા* બતાવીશ નહિ.+ ૧૨ તારામાંથી એક ભાગ રોગચાળાથી* અથવા દુકાળથી માર્યો જશે. બીજો ભાગ તારી ફરતે તલવારથી માર્યો જશે.+ ત્રીજા ભાગને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ અને તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+ ૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.

૧૪ “‘હું તને ઉજ્જડ કરી નાખીશ. આસપાસની પ્રજાઓ અને ત્યાંથી પસાર થનાર દરેક માણસ તારી મજાક ઉડાવશે.+ ૧૫ જ્યારે હું ગુસ્સે અને ક્રોધે ભરાઈને તારા પર ન્યાયચુકાદો લાવીશ અને તને ભારે સજા કરીશ, ત્યારે લોકો તારી મજાક ઉડાવશે, તારી મશ્કરી કરશે.+ લોકો માટે તું ચેતવણી બની જશે અને તારી આસપાસની પ્રજાઓ થરથર કાંપશે. હું યહોવા એવું બોલ્યો છું.

૧૬ “‘તારો નાશ કરવા હું તારી વિરુદ્ધ દુકાળ મોકલીશ, જે ખતરનાક તીર જેવો હશે. મેં મોકલેલાં તીરથી તારો વિનાશ થશે.+ હું ખોરાકની એવી અછત લાવીશ* કે દુકાળ હજુ વધારે આકરો લાગશે.+ ૧૭ હું તારી સામે દુકાળ અને ખૂંખાર જાનવરો મોકલીશ.+ તેઓ તારાં બાળકોને મારી નાખશે. રોગચાળો અને ખૂનખરાબી તને બરબાદ કરી નાખશે. હું તારી સામે તલવાર લાવીશ.+ હું યહોવા એવું બોલ્યો છું.’”

૬ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં ઇઝરાયેલના પર્વતો તરફ ફેરવ અને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ૩ તારે આમ કહેવું: ‘ઓ ઇઝરાયેલના પર્વતો, વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો! વિશ્વના માલિક યહોવા પર્વતોને, ડુંગરોને, ઝરણાઓને અને ખીણોને આવું કહે છે: “જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ભક્તિ-સ્થળોનો* નાશ કરીશ. ૪ તમારી વેદીઓ* તોડી પાડવામાં આવશે અને ધૂપદાનીઓ ભાંગી નાખવામાં આવશે.+ હું કતલ થયેલા લોકોને તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓ* આગળ નાખી દઈશ.+ ૫ હું ઇઝરાયેલીઓનાં મડદાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓ આગળ નાખી દઈશ. તમારાં હાડકાં તમારી વેદીઓ ફરતે વિખેરી નાખીશ.+ ૬ તમે રહો છો એ બધી જગ્યાઓ, એ બધાં શહેરો ઉજ્જડ કરી નાખવામાં આવશે.+ ભક્તિ-સ્થળો તોડી પાડવામાં આવશે અને એ ઉજ્જડ પડી રહેશે.+ તમારી વેદીઓને ભાંગીને ભૂકો કરી નાખવામાં આવશે. તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓ ધૂળમાં મળી જશે અને ધૂપદાનીઓ કાપી નાખવામાં આવશે. તમારાં બધાં કામો મિટાવી દેવામાં આવશે. ૭ જ્યારે કતલ થયેલાઓ તમારી વચ્ચે પડશે,+ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+

૮ “‘“પણ હું અમુકને જીવતા રહેવા દઈશ. તમે બીજા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે, તમારામાંથી અમુક લોકો તલવારથી બચી જશે.+ ૯ જેઓ બચી જશે તેઓને ગુલામીમાં લઈ જવામાં આવશે. ત્યાં બીજા દેશોમાં તેઓને યાદ આવશે+ કે જ્યારે તેઓનું દિલ બેવફા* બનીને મારાથી ફરી ગયું+ અને તેઓની આંખો ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ મોહી પડી,*+ ત્યારે મને કેટલું દુઃખ થયું હશે! તેઓનાં નીચ અને દુષ્ટ કામોને લીધે તેઓને શરમ આવશે અને તેઓએ નીચું જોવું પડશે.+ ૧૦ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું અને તેઓ પર આ આફત લાવવા વિશે મેં ફોકટ કહ્યું ન હતું.”’+

૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું દુઃખને લીધે હાથ અફાળ, પગ પછાડ અને નિસાસા નાખ. ઇઝરાયેલી લોકોનાં નીચ અને દુષ્ટ કામોને લીધે વિલાપ કર, કેમ કે તેઓ તલવારથી, દુકાળથી અને રોગચાળાથી માર્યા જશે.+ ૧૨ જે દૂર છે એ રોગચાળાથી માર્યો જશે અને જે પાસે છે એ તલવારથી માર્યો જશે. એમાંથી છટકીને જે જીવતો રહી જશે એ દુકાળથી માર્યો જશે. હું મારો કોપ તેઓ પર પૂરેપૂરો રેડી દઈશ.+ ૧૩ ધિક્કારપાત્ર મૂર્તિઓને ખુશ કરવા જ્યાં જ્યાં તેઓ સુગંધી અર્પણો* ચઢાવતા હતા,+ ત્યાં ત્યાં તેઓનાં મડદાં રઝળશે. તેઓની મૂર્તિઓ આગળ, વેદીઓની આસપાસ,+ દરેક ઊંચા ડુંગર પર, પહાડોના દરેક શિખર પર, ઘટાદાર વૃક્ષો નીચે અને મોટાં મોટાં ઝાડની ડાળીઓ નીચે તેઓનાં મડદાં પડ્યાં રહેશે. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૧૪ હું તેઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેઓનો દેશ ઉજ્જડ કરી નાખીશ. દીબ્લાહ પાસે આવેલા વેરાન પ્રદેશ કરતાં પણ તેઓનાં ઘરો વધારે ઉજ્જડ થઈ જશે. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”

૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા ઇઝરાયેલ દેશને કહે છે: ‘અંત આવ્યો છે! આખા દેશનો અંત આવ્યો છે! ૩ હવે દેશના લોકોનો અંત આવ્યો છે. હું મારો કોપ તમારા પર પૂરેપૂરો રેડી દઈશ. તમારાં કામો પ્રમાણે હું તમારો ન્યાય કરીશ. તમારાં નીચ કામોનો હું ગણી ગણીને હિસાબ લઈશ. ૪ હું તમારા પર રહેમ કરીશ નહિ.* હું તમારા પર જરાય દયા* બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તમને હાથનાં કર્યાં હૈયે વાગશે. તમે કરેલાં નીચ કામોનાં પરિણામ તમારે ભોગવવાં પડશે+ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’+

૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જુઓ, એક આફત આવે છે. હા, એવી આફત આજ સુધી આવી નથી.+ ૬ અંત આવે છે, હા, અંત જરૂર આવશે. એ તમારી આગળ આવીને ઊભો રહેશે. જુઓ, એ આવે છે! ૭ ઓ દેશના લોકો, તમારો વારો* આવી ગયો છે! સમય પાકી ગયો છે અને એ દિવસ નજીક છે.+ પર્વતો પર આનંદનો પોકાર નહિ, પણ ધાંધલ-ધમાલ સંભળાય છે.

૮ “‘બહુ જલદી મારો રોષ તમારા પર ઊતરી આવશે.+ હું મારો કોપ તમારા પર પૂરેપૂરો રેડી દઈશ.+ તમારાં કામો પ્રમાણે હું તમારો ન્યાય કરીશ. તમારાં નીચ કામોનો હું ગણી ગણીને હિસાબ લઈશ. ૯ હું તમારા પર રહેમ કરીશ નહિ. હું તમારા પર જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તમને હાથનાં કર્યાં હૈયે વાગશે. તમે કરેલાં નીચ કામોનાં પરિણામ તમારે ભોગવવાં પડશે અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું, હું તમને સજા કરું છું.+

૧૦ “‘જુઓ, એ દિવસ આવે છે!+ તમારો વારો* આવી ગયો છે. સજાની સોટી તૈયાર છે અને દુશ્મનોનું ઘમંડ આસમાને ચઢ્યું છે. ૧૧ હિંસા વધીને દુષ્ટને સજા કરવાની સોટી બની ગઈ છે.+ તમે કે તમારી ધનદોલત કે તમારાં ટોળાઓ કે તમારી જાહોજલાલી બચશે નહિ. ૧૨ એ સમય આવશે, એ દિવસ આવશે. ખરીદનારે ખુશ થવું નહિ, વેચનારે દુઃખી થવું નહિ, કેમ કે તેઓ બધા પર કોપ ઊતરી આવશે.*+ ૧૩ ભલે વેચનારનો જીવ બચી જાય, પણ પોતે વેચેલી જમીન પર તે પાછો આવશે નહિ. આ દર્શનની અસર બધા લોકો પર થશે. કોઈ પાછો ફરશે નહિ અને પોતાનાં પાપને લીધે* કોઈ પોતાનો જીવ બચાવી શકશે નહિ.

૧૪ “‘તેઓએ રણશિંગડું* વગાડ્યું+ અને બધા તૈયાર છે, પણ કોઈ લડવા જતું નથી, કેમ કે મારો કોપ બધા લોકો પર ઊતરી આવ્યો છે.+ ૧૫ શહેરની બહાર તલવાર છે+ અને અંદર રોગચાળો ને દુકાળ છે. જે બહાર ખેતરમાં છે તેને તલવાર મારી નાખશે, જે શહેરમાં છે તેને દુકાળ અને રોગચાળો મારી નાખશે.+ ૧૬ બચી ગયેલા લોકો પહાડોમાં નાસી છૂટશે. તેઓ પોતાનાં પાપને લીધે નિસાસા નાખશે. તેઓ ખીણોમાંનાં કબૂતરો જેવા થઈ જશે.+ ૧૭ તેઓના હાથ ઢીલા પડી જશે અને તેઓનાં ઘૂંટણો ભીનાં થઈ જશે.*+ ૧૮ તેઓએ કંતાન પહેરી લીધું છે.+ તેઓ થરથર કાંપે છે. તેઓ બધાએ શરમાવું પડશે અને તેઓનાં માથાં મૂંડાવેલાં હશે.*+

૧૯ “‘તેઓ પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે અને પોતાના સોનાથી તેઓને નફરત થઈ જશે. યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ.+ એ તેઓને સંતોષ આપશે નહિ કે તેઓનું પેટ ભરશે નહિ. એ* તેઓને ઠોકર ખવડાવીને પાપ કરાવે છે. ૨૦ તેઓને પોતાનાં સુંદર ઘરેણાંનું અભિમાન છે. એનાથી તેઓ ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓ બનાવે છે.+ એટલે એનાથી* તેઓને સખત નફરત થાય એવું હું કરીશ. ૨૧ હું પરદેશીઓના હાથમાં અને પૃથ્વીના દુષ્ટ માણસોના હાથમાં એ લૂંટ તરીકે આપી દઈશ. તેઓ એને અશુદ્ધ કરશે.

૨૨ “‘હું તેઓથી* મારું મોં ફેરવી લઈશ.+ તેઓ* મારી મનપસંદ જગ્યા* ભ્રષ્ટ કરશે. લુટારાઓ એની અંદર આવશે અને એને અશુદ્ધ કરશે.+

૨૩ “‘સાંકળો* બનાવો,+ કેમ કે અન્યાયથી વહાવેલા લોહીથી આખો દેશ ભરાઈ ગયો છે.+ શહેર જોરજુલમથી ભરપૂર છે.+ ૨૪ હું સૌથી ખરાબ પ્રજાને લઈ આવીશ.+ એ લોકો તમારાં ઘરો કબજે કરી લેશે.+ હું શૂરવીરોનું અભિમાન ઉતારીશ. તેઓની પવિત્ર જગ્યાઓ અશુદ્ધ કરવામાં આવશે.+ ૨૫ તેઓ ભારે વેદનામાં શાંતિ મેળવવા ફાંફાં મારશે, પણ એ તેઓને મળશે નહિ.+ ૨૬ તેઓ પર એક પછી એક આફત આવી પડશે. એક પછી બીજી ખબર તેઓના કાને પડશે. લોકો પ્રબોધક પાસેથી દર્શન જોવા માંગશે,+ પણ યાજકોનું માર્ગદર્શન* કે વડીલોની સલાહ કંઈ કામ લાગશે નહિ.+ ૨૭ રાજા શોક પાળશે,+ આગેવાનો નિરાશાથી ઘેરાઈ જશે અને દેશના લોકોના હાથ ડરના માર્યા થરથર કાંપશે. તેઓનાં કામ પ્રમાણે હું તેઓ સાથે વર્તીશ. તેઓએ જે રીતે ન્યાય કર્યો એવી રીતે હું તેઓનો ન્યાય કરીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+

૮ છઠ્ઠા વર્ષનો* છઠ્ઠો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને મારી સામે યહૂદાના વડીલો બેઠા હતા. ત્યાં વિશ્વના માલિક યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. ૨ હું જોતો હતો એવામાં મને કોઈ દેખાયું, જેમનો દેખાવ ઝળહળતી આગ જેવો હતો. તેમની કમરની નીચેનો ભાગ આગ જેવો હતો.+ તેમની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ* જેવો હતો.+ ૩ તેમણે હાથ જેવું કંઈક લંબાવીને મારા વાળની લટ પકડી. ઈશ્વરે બતાવેલા દર્શનમાં તેમની શક્તિએ* મને હવામાં અધ્ધર* ઉઠાવી લીધો. એ મને યરૂશાલેમમાં મંદિરની ઉત્તર તરફ આવેલા અંદરના દરવાજે+ લઈ ગઈ. એ જગ્યાએ એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે અને તેમનું અપમાન થાય.+ ૪ જુઓ, ત્યાં મેં ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ જોયું!+ મેં મેદાનમાં જેવું ગૌરવ જોયું હતું એવું એ દેખાતું હતું.+

૫ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હવે ઉત્તર તરફ નજર કર.” એટલે મેં ઉત્તર તરફ જોયું. ત્યાં વેદીની ઉત્તર તરફ આવેલા દરવાજે એવી મૂર્તિ હતી, જેનાથી ઈશ્વરને રોષ ચઢે. ૬ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં જોયું કે ઇઝરાયેલના લોકો અહીં કેવાં અધમ અને નીચ કામો કરે છે?+ એના લીધે હું મારા મંદિરથી દૂર ને દૂર ચાલ્યો જાઉં છું.+ પણ તું હજુ એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.”

૭ પછી તે મને આંગણાના* દરવાજે લાવ્યા અને મેં જોયું તો દીવાલમાં કાણું હતું. ૮ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, દીવાલમાં ગાબડું પાડ.” મેં દીવાલમાં ગાબડું પાડ્યું તો અંદર જવાનો રસ્તો દેખાયો. ૯ તેમણે મને કહ્યું: “અંદર જઈને જો, તેઓ અહીં કેવાં દુષ્ટ અને અધમ કામો કરે છે.” ૧૦ મેં અંદર જઈને જોયું તો ચારે બાજુ દીવાલ પર પેટે ચાલનારા દરેક પ્રકારનાં જાનવરો અને ચીતરી ચઢે એવાં જાનવરો+ કોતરેલાં હતાં. ઇઝરાયેલી લોકોની બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પણ દીવાલ પર કોતરેલી હતી. ૧૧ એની આગળ ઇઝરાયેલના ૭૦ વડીલો ઊભા હતા. તેઓમાં શાફાનનો+ દીકરો યાઅઝાન્યા પણ હતો. દરેકના હાથમાં પોતપોતાની ધૂપદાનીઓ હતી અને ધૂપનો* સુગંધીદાર ધુમાડો ઉપર ચઢતો હતો.+ ૧૨ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં જોયું કે ઇઝરાયેલના વડીલો અંધકારમાં, પોતપોતાની અંદરની ઓરડીઓમાં મૂર્તિઓ આગળ* કેવાં કામો કરે છે? તેઓ કહે છે, ‘યહોવા આપણને નથી જોતા. યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે.’”+

૧૩ પછી તેમણે મને કહ્યું: “તું તેઓને હજુ પણ વધારે નીચ કામો કરતા જોઈશ.” ૧૪ તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજા પાસે લઈ આવ્યા. ત્યાં મેં જોયું કે સ્ત્રીઓ બેઠી બેઠી તામ્મૂઝ દેવ માટે રડતી હતી.

૧૫ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં એ જોયું? તું એનાથી પણ વધારે નીચ કામો જોઈશ.”+ ૧૬ તે મને યહોવાના મંદિરના અંદરના આંગણામાં+ લઈ આવ્યા. યહોવાના મંદિરના દરવાજા પાસે, એટલે કે પરસાળ અને વેદી વચ્ચે આશરે ૨૫ માણસો હતા. તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ ઘૂંટણિયે પડીને સૂર્યને નમન કરતા હતા.+

૧૭ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, શું તેં એ જોયું? યહૂદાના લોકો નીચ કામો કરે, આખો દેશ હિંસાથી ભરી દે+ અને મને રોષ ચઢાવતા રહે, શું એ નાનીસૂની વાત છે? એ જાણે ઓછું હોય એમ તેઓ મારા નાકને ડાળી* અડાડે છે. ૧૮ એટલે મારો ક્રોધ સળગી ઊઠશે. હું રહેમ કરીશ નહિ.* હું જરાય દયા* બતાવીશ નહિ.+ તેઓ મારા કાનમાં જોરજોરથી બૂમો પાડશે, તોપણ હું સાંભળીશ નહિ.”+

૯ પછી મેં તેમને મોટા અવાજે આમ બોલતા સાંભળ્યા: “શહેરને સજા કરનારાઓને બોલાવો! તે દરેક પોતાના હાથમાં વિનાશનું હથિયાર લઈને આવે.”

૨ મેં જોયું તો ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી+ છ માણસો આવતા હતા. દરેકના હાથમાં વિનાશનું હથિયાર હતું. તેઓની વચ્ચે શણનાં કપડાં પહેરેલો એક માણસ પણ હતો. તેની કમરે મંત્રીનો* શાહીનો ખડિયો હતો. તેઓ તાંબાની વેદી પાસે આવીને ઊભા રહ્યા.+

૩ ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ+ કરૂબો* ઉપરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું.+ જે માણસે શણનાં કપડાં પહેર્યાં હતાં અને જેની કમરે મંત્રીનો શાહીનો ખડિયો હતો, તેને ઈશ્વરે* બોલાવ્યો. ૪ યહોવાએ તેને કહ્યું: “જા, આખા યરૂશાલેમ શહેરમાં ફરી વળ. શહેરમાં થતાં નીચ કામોને+ લીધે જેઓ નિસાસા નાખે છે અને રડે છે,+ તેઓનાં કપાળ પર નિશાની કર.”

૫ હું સાંભળતો હતો અને તેમણે બીજા માણસોને કહ્યું: “તેની પાછળ પાછળ શહેરમાં જાઓ અને કતલ કરો. તમે રહેમ કરશો નહિ* અને જરાય દયા* બતાવશો નહિ.+ ૬ બધાં વૃદ્ધો, યુવાનો, છોકરીઓ, બાળકો અને સ્ત્રીઓને તમારે મારી નાખવાં.+ પણ જેનાં કપાળ પર નિશાની હોય,+ તેની નજીક પણ જવું નહિ. તમે મારા મંદિરથી શરૂઆત કરો.”+ એટલે તેઓએ મંદિર આગળના વડીલોથી શરૂઆત કરી.+ ૭ પછી તેમણે તેઓને કહ્યું: “મંદિર અશુદ્ધ કરી નાખો! એનાં આંગણાઓ લાશોથી ભરી દો!+ જાઓ, જઈને શહેરમાં કતલ ચલાવો!” એટલે તેઓ ગયા અને શહેરના લોકોનો પણ સંહાર કર્યો.

૮ તેઓ લોકોનો સંહાર કરતા હતા ત્યારે હું એકલો બચી ગયો. મેં ભૂમિ સુધી માથું નમાવ્યું અને પોકાર કર્યો: “અફસોસ! હે વિશ્વના માલિક યહોવા, શું તમે યરૂશાલેમ પર તમારો કોપ રેડતા રહેશો? શું તમે ઇઝરાયેલના બાકી રહેલા બધાનો નાશ કરી નાખશો?”+

૯ તેમણે મને કહ્યું: “ઇઝરાયેલ અને યહૂદાના લોકોનાં પાપ આસમાને ચઢ્યાં છે.+ દેશ ખૂનખરાબીથી ભરપૂર છે.+ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે.+ લોકો કહે છે, ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે, યહોવા કંઈ જોતા નથી.’+ ૧૦ પણ હું રહેમ કરીશ નહિ. હું જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તેઓનાં કામોનાં ફળ તેઓએ ભોગવવાં પડે.”

૧૧ પછી જે માણસે શણનાં કપડાં પહેર્યાં હતાં અને જેની કમરે શાહીનો ખડિયો હતો, તેને મેં પાછો આવતો જોયો. તેણે કહ્યું: “તમે જે આજ્ઞા આપી હતી, એવું જ મેં કર્યું છે.”

૧૦ હું જોતો હતો એવામાં કરૂબોનાં માથાંની ઉપરના કાચના મંચ પર નીલમના પથ્થર જેવું કંઈક દેખાયું. એ રાજગાદી જેવું દેખાતું હતું.+ ૨ શણનાં કપડાં પહેરેલા માણસને ઈશ્વરે* કહ્યું:+ “કરૂબોની નીચેનાં પૈડાંની વચ્ચે જા.+ કરૂબોની વચ્ચેથી ખોબો ભરીને સળગતા અંગારા લે.+ એ અંગારા શહેર પર નાખ.”+ એટલે મારા દેખતાં તે ગયો.

૩ એ માણસ અંદર ગયો ત્યારે, કરૂબો મંદિરની જમણી બાજુ ઊભા હતા અને અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું. ૪ યહોવાનું ગૌરવ+ કરૂબો પરથી મંદિરના દરવાજાના ઉંબરા પર આવ્યું. મંદિર ધીમે ધીમે વાદળથી ભરાઈ ગયું.+ યહોવાના ગૌરવના તેજથી આંગણું ઝળહળી ઊઠ્યું. ૫ કરૂબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી સાંભળી શકાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો હતો.+

૬ શણનાં કપડાં પહેરેલા માણસને ઈશ્વરે* કહ્યું: “કરૂબોની વચ્ચે જા અને પૈડાંની વચ્ચેથી થોડી આગ લે.” એટલે તે અંદર ગયો અને એક પૈડાની પાસે ઊભો રહ્યો. ૭ કરૂબો વચ્ચેની આગ તરફ એક કરૂબે હાથ લંબાવીને થોડી આગ લીધી.+ તેણે એ આગ શણનાં કપડાં પહેરેલા માણસના+ ખોબામાં મૂકી, જે લઈને એ માણસ ગયો. ૮ કરૂબોને પાંખો નીચે માણસના હાથ જેવું કંઈક હતું.+

૯ હું જોતો હતો એવામાં મેં કરૂબોની બાજુમાં ચાર પૈડાં જોયાં. દરેક કરૂબની બાજુમાં એક પૈડું હતું. પૈડાંનો દેખાવ એવો હતો જાણે તૃણમણિ પથ્થર ચમકતો હોય.+ ૧૦ એ ચારેચાર પૈડાંનો દેખાવ એકસરખો હતો. એ એવાં દેખાતાં હતાં જાણે એક પૈડામાં બીજું પૈડું હોય.* ૧૧ તેઓ આગળ વધતાં ત્યારે આમતેમ વળ્યાં વગર કોઈ પણ દિશામાં જઈ શકતાં હતાં. કરૂબનું માથું જે તરફ હોય એ તરફ તેઓ આમતેમ વળ્યાં વગર જતાં હતાં. ૧૨ કરૂબોનાં શરીર, તેઓની પીઠ, તેઓની પાંખો અને તેઓના હાથ પર બધે આંખો હતી. ચારેય કરૂબો પાસેનાં પૈડાંની બધી બાજુ આંખો જ આંખો હતી.+ ૧૩ મેં એક અવાજ સાંભળ્યો, જે પૈડાંને આમ કહેતો હતો: “પૈડાઓ!”

૧૪ દરેકને* ચાર ચહેરા હતા. પહેલો ચહેરો કરૂબનો, બીજો ચહેરો માણસનો, ત્રીજો ચહેરો સિંહનો અને ચોથો ચહેરો ગરુડનો હતો.+

૧૫ આ એ જ દૂતો છે, જેઓને મેં કબાર નદી+ પાસે જોયા હતા. કરૂબો ઊંચે ચઢતા હતા. ૧૬ કરૂબો આગળ વધતા ત્યારે તેઓની સાથે સાથે પૈડાં પણ આગળ વધતાં. કરૂબો ધરતી પરથી ઊંચે ચઢવા પોતાની પાંખો ફેલાવતા ત્યારે, પૈડાં તેઓની બાજુમાંથી આમતેમ વળતાં નહિ.+ ૧૭ તેઓ ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં. તેઓ ઊંચે જતા ત્યારે પૈડાં પણ તેઓની સાથે ઊંચે જતાં, કેમ કે દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી.

૧૮ યહોવાનું ગૌરવ+ મંદિરના દરવાજાના ઉંબરા પરથી ખસીને કરૂબોની ઉપર આવ્યું.+ ૧૯ મેં જોયું તો કરૂબો પાંખો ફેલાવીને ધરતી પરથી ઊંચે ચઢ્યા. તેઓની સાથે સાથે પૈડાં પણ ઊંચે ચઢ્યાં. તેઓ યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજે આવીને ઊભા રહ્યા. ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ તેઓની ઉપર હતું.+

૨૦ આ એ જ દૂતો હતા, જેઓને મેં કબાર નદી+ પાસે ઇઝરાયેલના ઈશ્વરની રાજગાદી નીચે જોયા હતા. મને ખબર પડી કે તેઓ કરૂબો હતા. ૨૧ એ ચારેયને ચાર ચહેરા હતા અને ચાર પાંખો હતી. તેઓને પાંખો નીચે માણસના હાથ જેવું કંઈક હતું.+ ૨૨ તેઓના ચહેરાઓનો દેખાવ મેં કબાર નદી+ પાસે જોયેલા ચહેરાઓ જેવો જ હતો. દરેક દૂત સીધો આગળ જતો.+

૧૧ પવિત્ર શક્તિ* મને ઉઠાવીને યહોવાના મંદિરના એ દરવાજે લઈ આવી, જે પૂર્વ તરફ ખૂલે છે.+ મેં જોયું તો ત્યાં દરવાજા પાસે ૨૫ માણસો હતા. તેઓમાં આઝ્ઝુરનો દીકરો યાઅઝાન્યા અને બનાયાનો દીકરો પલાટયા હતા. તેઓ લોકોના આગેવાનો હતા.+ ૨ પછી ઈશ્વરે* મને કહ્યું: “હે માણસના દીકરા, આ એ જ માણસો છે, જેઓ દુષ્ટ કાવતરાં ઘડે છે અને આ શહેરને* દુષ્ટ સલાહ આપે છે. ૩ તેઓ કહે છે, ‘હજુ તો આપણે બીજાં ઘરો બાંધીશું.+ શહેર* હાંડલું છે+ અને આપણે માંસ છીએ.’*

૪ “એટલે તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર.”+

૫ પછી યહોવાની શક્તિ* મારા પર આવી.+ ઈશ્વરે* મને કહ્યું: “તેઓને જણાવ, ‘યહોવા કહે છે: “હે ઇઝરાયેલના લોકો, તમે જે કહો છો એ હું જાણું છું. તમારા ઇરાદા હું સારી રીતે જાણું છું. ૬ તમે આ શહેરમાં ઘણા લોકોને મારી નાખ્યા છે. તમે શહેરના રસ્તાઓ લાશોથી ભરી દીધા છે.”’”+ ૭ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે, ‘શહેરમાં તમે જે લાશો રઝળતી મૂકી છે, એ માંસ છે અને શહેર હાંડલું છે.+ પણ તમને એમાંથી બહાર કાઢવામાં આવશે.’”

૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તલવારથી ડરો છો ને!+ હું તમારી સામે તલવાર જ લઈ આવીશ. ૯ હું તમને શહેરમાંથી બહાર લઈ આવીશ. હું તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ અને તમને સજા કરીશ.+ ૧૦ તલવારથી તમારો વિનાશ થશે.+ ઇઝરાયેલની સરહદે હું તમારો ન્યાય કરીશ.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૧૧ શહેર તમારા માટે હાંડલું નહિ બને અને તમે એમાંનું માંસ નહિ બનો. ઇઝરાયેલની સરહદે હું તમારો ન્યાય કરીશ. ૧૨ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું. તમે મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી અને મારા કાયદા-કાનૂન પાળ્યા નથી.+ પણ તમે તો આસપાસની પ્રજાઓના કાયદા-કાનૂન પાળ્યા છે.’”+

૧૩ મેં ભવિષ્યવાણી કરી કે તરત બનાયાના દીકરા પલાટયાનું મરણ થયું. મેં ભૂમિ સુધી માથું નમાવ્યું અને મોટેથી પોકાર કર્યો: “અફસોસ! હે વિશ્વના માલિક યહોવા, શું તમે ઇઝરાયેલના બાકી રહેલા લોકોનો નાશ કરી નાખશો?”+

૧૪ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૫ “હે માણસના દીકરા, તારા જે ભાઈઓ પાસે પાછા છોડાવવાનો* હક છે, તેઓને અને બધા ઇઝરાયેલીઓને યરૂશાલેમના લોકો કહે છે: ‘યહોવાથી દૂર રહો. આ દેશ તો અમારો છે. એ અમને વારસામાં આપવામાં આવ્યો છે.’ ૧૬ એટલે તું જણાવજે કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મેં તેઓને બીજી પ્રજાઓમાં મોકલી આપ્યા છે અને તેઓને બીજા દેશોમાં વિખેરી નાખ્યા છે.+ તોપણ તેઓ જે દેશોમાં ગયા છે,+ ત્યાં થોડા સમય માટે હું તેઓનું મંદિર બનીશ.”’

૧૭ “તું જણાવજે કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “એટલું જ નહિ, હું તમને લોકોમાંથી ભેગા કરીશ. તમે જે દેશોમાં વિખેરાઈ ગયા છો ત્યાંથી ભેગા કરીશ. હું તમને ઇઝરાયેલ દેશ આપીશ.+ ૧૮ તેઓ ત્યાં પાછા ફરશે. તેઓ એમાંથી બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખશે અને બધાં નીચ કામો કરવાનું બંધ કરશે.+ ૧૯ હું તેઓને એકદિલના કરીશ.+ હું તેઓને નવું મન આપીશ.+ હું તેઓનાં શરીરમાંથી પથ્થરનું દિલ+ કાઢીને નરમ દિલ* મૂકીશ,+ ૨૦ જેથી તેઓ મારા નિયમો પ્રમાણે ચાલે, મારા કાયદા-કાનૂન પાળે અને મારી વાત માને. પછી તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.”’

૨૧ “‘“પણ જેઓએ મનમાં ગાંઠ વાળી છે કે ધિક્કારપાત્ર મૂર્તિઓને ભજતા રહેશે અને નીચ કામો કરતા રહેશે, તેઓનાં કામોનાં ફળ હું તેઓને ચખાડીશ,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.’”

૨૨ હવે કરૂબોએ પોતાની પાંખો ફેલાવી. તેઓની નજીક પૈડાં પણ હતાં.+ ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ તેઓની ઉપર હતું.+ ૨૩ યહોવાનું ગૌરવ+ શહેર પરથી ખસીને એની પૂર્વ તરફના પર્વત પર આવ્યું.+ ૨૪ ઈશ્વરે પોતાની શક્તિથી બતાવેલા દર્શનમાં પવિત્ર શક્તિએ* મને ઉપાડી લીધો. એ મને ખાલદીઓના દેશમાં ગુલામ લોકો પાસે લઈ ગઈ. પછી હું જે દર્શન જોતો હતો એ પૂરું થયું. ૨૫ યહોવાએ મને જે બતાવ્યું હતું, એ બધું હું ગુલામ થયેલા લોકોને કહેવા લાગ્યો.

૧૨ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તું બંડખોર લોકો વચ્ચે રહે છે. તેઓને આંખો તો છે પણ જોતા નથી અને કાન તો છે પણ સાંભળતા નથી.+ તેઓ બંડખોર લોકો છે.+ ૩ પણ હે માણસના દીકરા, તું ગુલામીમાં જવા તારો સામાન બાંધ. પછી દિવસે તેઓ જોતા હોય ત્યારે, તું જાણે ગુલામીમાં જતો હોય એમ પોતાના ઘરેથી બીજી જગ્યાએ જા. ભલે તેઓ બંડખોર લોકો છે પણ કદાચ તેઓ ધ્યાન આપે. ૪ દિવસે તેઓ જોતા હોય ત્યારે ગુલામીમાં જવા માટે તારો સામાન બહાર લઈ આવ. જાણે તને ગુલામીમાં લઈ જવાતો હોય+ એમ તું તેઓના દેખતાં સાંજે ત્યાંથી નીકળજે.

૫ “તેઓના દેખતાં દીવાલમાં ગાબડું પાડ અને તારો સામાન એમાંથી બહાર લઈ જા.+ ૬ તેઓ જોતા હોય ત્યારે તારો સામાન ખભે નાખ અને અંધારામાં એને લઈ જા. તારો ચહેરો ઢાંક, જેથી તું ભૂમિ જોઈ ન શકે, કેમ કે હું તને ઇઝરાયેલ માટે નિશાની ઠરાવું છું.”+

૭ મને મળેલી આજ્ઞા પ્રમાણે જ મેં કર્યું. જાણે ગુલામીમાં જતો હોઉં એમ દિવસે હું મારો સામાન બહાર લઈ આવ્યો. સાંજે મેં મારા હાથે દીવાલમાં ગાબડું પાડ્યું. અંધારું થયું ત્યારે મેં મારો સામાન લીધો અને તેઓના દેખતાં ખભે નાખ્યો.

૮ સવારે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૯ “હે માણસના દીકરા, શું ઇઝરાયેલના બંડખોર લોકોએ તને પૂછ્યું નથી કે ‘તું શું કરે છે?’ ૧૦ તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “આ સંદેશો યરૂશાલેમના મુખી+ માટે અને ત્યાં રહેતા ઇઝરાયેલીઓ માટે છે.”’

૧૧ “તું તેઓને જણાવ કે તું નિશાની છે.+ તેં જેવું કર્યું છે એવું તેઓને થશે. તેઓને કેદ કરીને ગુલામીમાં લઈ જવાશે.+ ૧૨ તેઓનો મુખી પોતાના ખભા પર સામાન ઊંચકીને અંધારામાં જશે. તે દીવાલમાં ગાબડું પાડશે અને એમાંથી પોતાનો સામાન લઈ જશે.+ તે પોતાનો ચહેરો ઢાંકશે જેથી ભૂમિ જોઈ ન શકે. ૧૩ હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ પછી હું તેને બાબેલોનમાં, ખાલદીઓના દેશમાં લાવીશ. પણ એ દેશ તે જોઈ નહિ શકે અને ત્યાં તેનું મરણ થશે.+ ૧૪ તેની આસપાસના બધા લોકોને, એટલે કે તેને મદદ કરનારાઓને અને તેના લશ્કરને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ.+ હું તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+ ૧૫ જ્યારે હું તેઓને પ્રજાઓમાં અને દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૧૬ હું તેઓમાંના અમુકને બચાવી લઈશ. હું તેઓને તલવાર, દુકાળ અને રોગચાળામાંથી બચાવીશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જાય ત્યાં જણાવે કે પોતે કેવાં અધમ કામો કરતા હતા. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”

૧૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮ “હે માણસના દીકરા, તારે ધ્રૂજતાં ધ્રૂજતાં રોટલી ખાવી, તારે ભય અને ચિંતામાં પાણી પીવું.+ ૧૯ દેશના લોકોને કહે, ‘વિશ્વના માલિક યહોવા, ઇઝરાયેલ દેશમાં વસતા યરૂશાલેમના લોકોને કહે છે: “તેઓ હેરાન-પરેશાન થઈને રોટલી ખાશે અને ડરી ડરીને પાણી પીશે. દેશમાં રહેતા બધા લોકોના જુલમને+ લીધે તેઓનો દેશ બરબાદ થઈ જશે.+ ૨૦ વસ્તીવાળાં શહેરો ખંડેર થઈ જશે અને જમીન વેરાન થઈ જશે.+ તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”+

૨૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલમાં કેમ આવી કહેવત છે, ‘દિવસો વહેતા જાય છે અને એકેય દર્શન પૂરું થતું નથી’?+ ૨૩ એટલે તેઓને કહે, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું એ કહેવત બંધ કરાવી દઈશ. ઇઝરાયેલમાં હવેથી તેઓ એ કહેવત વાપરશે નહિ.”’ તેઓને જણાવ કે ‘એવા દિવસો દૂર નથી+ જ્યારે દરેક દર્શન પૂરું થશે.’ ૨૪ ઇઝરાયેલી લોકોમાં કોઈ ખોટું દર્શન નહિ જુએ કે મીઠી મીઠી* વાતોની ભવિષ્યવાણી નહિ કરે.+ ૨૫ ‘“હું યહોવા છું અને હું જે બોલીશ એ પૂરું થશે, એમાં જરાય મોડું નહિ થાય.+ ઓ બંડખોર લોકો, તમારા દિવસોમાં+ હું બોલીશ અને એ પૂરું કરીશ,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.’”

૨૬ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૭ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકો આવી વાતો કરે છે: ‘તેણે જોયેલું દર્શન તો બહુ દૂરના ભાવિનું છે. એને પૂરું થતા કોણ જાણે કેટલો સમય લાગશે.’+ ૨૮ એટલે તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “‘મારો એકેએક શબ્દ પૂરો થશે, એમાં જરાય વાર નહિ લાગે. હું જે કંઈ કહું છું એ ચોક્કસ પૂરું થશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’”

૧૩ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલના પ્રબોધકો+ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. જેઓ મન ફાવે એમ ભવિષ્યવાણીઓ ઘડી કાઢે છે+ તેઓને કહે, ‘યહોવાનો સંદેશો સાંભળો! ૩ વિશ્વના માલિક યહોવા કહે છે: “મૂર્ખ પ્રબોધકોને હાય હાય! તેઓને કોઈ દર્શન થતું નથી, છતાં તેઓ પોતાનાં મનમાં ઘડી કાઢેલી વાતો જણાવે છે.+ ૪ હે ઇઝરાયેલ, તારા પ્રબોધકો ખંડેરોમાં રહેતાં શિયાળ જેવા બની ગયા છે. ૫ ઇઝરાયેલના લોકો માટે પ્રબોધકો કંઈ દીવાલોનાં બાકોરાં પૂરવા નથી જવાના.+ એટલે યહોવાના દિવસે ઇઝરાયેલ યુદ્ધમાં ટક્કર ઝીલી નહિ શકે.”+ ૬ “તેઓ જૂઠાં દર્શનો જુએ છે અને જૂઠું બોલે છે. તેઓ કહે છે, ‘આ યહોવાનો સંદેશો છે,’ જ્યારે કે યહોવાએ તો તેઓને મોકલ્યા જ નથી. તેઓ પોતાનું કહેલું પૂરું થાય એની રાહ જોઈને બેઠા છે.+ ૭ હું તમને કંઈ જ જણાવતો નથી, તોપણ તમે કહો છો કે ‘આ યહોવાનો સંદેશો છે.’ એવું કહીને શું તમે ખોટું બોલતા નથી? શું તમે જૂઠું દર્શન જોયું નથી?”’

૮ “‘એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “‘હું તમારી વિરુદ્ધ છું, કેમ કે તમે ખોટું બોલ્યા છો અને તમારાં દર્શનો જૂઠાં છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”+ ૯ જે પ્રબોધકો જૂઠાં દર્શનો જુએ છે અને ખોટું બોલે છે+ તેઓ વિરુદ્ધ મારો હાથ છે. તેઓ મારા લોકોમાં નહિ હોય, તેઓની નોંધ ઇઝરાયેલના લોકોમાં નહિ થાય, તેઓ ઇઝરાયેલ દેશમાં પાછા નહિ આવે. તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.+ ૧૦ તેઓ મારા લોકોને ભટકાવે છે, એ માટે આ બધું થયું છે. મારા લોકોને તેઓ કહે છે, “શાંતિ છે!” જ્યારે કે ક્યાંય શાંતિ નથી.+ ખોખલી દીવાલ બાંધવામાં આવે ત્યારે, તેઓ એના પર ચૂનો લગાડી દે છે.’*+

૧૧ “ચૂનો લગાડનારાને કહો કે દીવાલ તૂટી પડશે. ધોધમાર વરસાદ થશે, કરા પડશે અને જોરદાર તોફાન દીવાલને તોડી પાડશે.+ ૧૨ જ્યારે દીવાલ તૂટી પડશે ત્યારે તમને પૂછવામાં આવશે, ‘તમે લગાડેલો ચૂનો ક્યાં ગયો?’+

૧૩ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા કોપને લીધે જોરદાર તોફાન લાવીશ. મારા ગુસ્સાને લીધે ધોધમાર વરસાદ વરસાવીશ. મારા વિનાશક રોષને લીધે કરા લાવીશ. ૧૪ તમે જે દીવાલ પર ચૂનો લગાડ્યો છે એને હું તોડી પાડીશ, એને હું ભોંયભેગી કરી દઈશ. એનો પાયો ખુલ્લો પડી જશે. શહેર પડી ભાંગશે ત્યારે એની સાથે સાથે તમારો પણ નાશ થઈ જશે અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૧૫ “‘હું દીવાલ પર અને એને ચૂનો લગાડનારા પર મારો કોપ પૂરેપૂરો રેડી દઈશ. હું તમને કહીશ: “હવે દીવાલ ગઈ, એના પર ચૂનો લગાડનારા પણ ગયા.+ ૧૬ ઇઝરાયેલના પ્રબોધકો હવે નથી રહ્યા. તેઓ યરૂશાલેમ માટે ભવિષ્યવાણી કરતા હતા અને શાંતિનાં દર્શનો જોતા હતા, જ્યારે કે ક્યાંય શાંતિ ન હતી,”’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૭ “હે માણસના દીકરા, જેઓ ભવિષ્યવાણીઓ ઘડી કાઢે છે, તેઓની દીકરીઓ તરફ જોઈને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ૧૮ તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “અફસોસ છે એ સ્ત્રીઓને, જેઓ બધા લોકો માટે માદળિયાં* બનાવે છે અને બધાનાં માથે બંધબેસે એવા બુરખા બનાવે છે, જેથી લોકોને ફસાવીને મોતને ઘાટ ઉતારે. શું તમે મારા લોકોના જીવ લેવા માંગો છો અને તમારા જીવ બચાવવાની કોશિશ કરો છો? ૧૯ શું તમે મુઠ્ઠીભર જવ અને રોટલીના ટુકડા માટે મને મારા લોકોમાં અશુદ્ધ કરશો?+ જેઓ મરવા ન જોઈએ તેઓને તમે મારી નાખો છો અને જેઓ મરવા જોઈએ તેઓને જીવતા રાખો છો. તમે મારા લોકોને ખોટું કહો છો અને મારા લોકો એ સાંભળે છે પણ ખરા.”’+

૨૦ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ સ્ત્રીઓ, હું તમારાં માદળિયાંની વિરુદ્ધ છું, જેનાથી તમે લોકોનો એવી રીતે શિકાર કરો છો જાણે તેઓ પક્ષીઓ હોય. હું તમારા હાથ પરથી માદળિયાં ખેંચી કાઢીશ. પક્ષીઓનો શિકાર કરતા હોય એમ તમે જેઓનો શિકાર કરો છો, તેઓને હું આઝાદ કરીશ. ૨૧ હું તમારા રૂમાલ ખેંચી નાખીશ અને મારા લોકોને તમારા હાથમાંથી બચાવી લઈશ. હવે તમે તેઓને ફાંદામાં ફસાવીને શિકાર નહિ કરી શકો. પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૨૨ હું નેક માણસ પર આફત* લાવવા માંગતો ન હતો, પણ તમે જૂઠું બોલી બોલીને+ તેને નિરાશ કરી દીધો. તમે દુષ્ટ માણસને સાથ આપીને તેને બળવાન કર્યો.+ એટલે તે પોતાના ખરાબ માર્ગોથી પાછો ફરતો નથી અને તે માર્યો જશે.+ ૨૩ એટલે ઓ સ્ત્રીઓ, હવેથી તમે ખોટાં દર્શનો અને જોષ જોશો નહિ.+ હું મારા લોકોને તમારા હાથમાંથી બચાવી લઈશ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”

૧૪ ઇઝરાયેલના અમુક વડીલો આવ્યા અને મારી આગળ બેઠા.+ ૨ યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૩ “હે માણસના દીકરા, આ માણસોએ ધિક્કારપાત્ર મૂર્તિઓ* પાછળ જવાનું નક્કી કર્યું છે. લોકો પાસે પાપ કરાવવા તેઓ નડતરો ગોઠવે છે. તો પછી તેઓ કંઈ પૂછે તો હું શું કામ જવાબ આપું?+ ૪ હવે તેઓ સાથે વાત કરીને તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ધારો કે કોઈ ઇઝરાયેલી માણસ ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ જવાનું નક્કી કરે અને લોકો પાસે પાપ કરાવવા નડતરો ગોઠવે. પછી તે પ્રબોધક પાસે સલાહ માંગવા આવે. જો એમ થાય તો હું યહોવા, તેની પાસે જેટલી ધિક્કારપાત્ર મૂર્તિઓ છે, એ પ્રમાણે જવાબ આપીશ. ૫ તેઓ મને છોડીને ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ ગયા છે.+ એટલે હું એવું કરીશ કે ઇઝરાયેલના લોકોનાં દિલ થરથર કાંપે.”’

૬ “એટલે ઇઝરાયેલના લોકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મારી પાસે પાછા આવો. તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓનો ત્યાગ કરો. નફરત થાય એવાં તમારાં બધાં કામો છોડી દો.+ ૭ ધારો કે કોઈ ઇઝરાયેલી માણસ અથવા ઇઝરાયેલમાં રહેતો કોઈ પરદેશી મને છોડી દે. તે ધિક્કારપાત્ર મૂર્તિઓ પાછળ જવાનું નક્કી કરે અને લોકો પાસે પાપ કરાવવા નડતરો ગોઠવે. પછી તે મારા પ્રબોધક પાસે સલાહ માંગવા આવે.+ જો એમ થાય તો હું યહોવા પોતે તેને જવાબ આપીશ. ૮ હું એ માણસની વિરુદ્ધ મારું મોં રાખીશ. હું તેના એવા હાલ કરીશ કે તે બીજા માટે ચેતવણી આપતો દાખલો બને અને લોકો એની હાંસી ઉડાવે. હું મારા લોકોમાંથી તેનો નાશ કરીશ+ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’

૯ “‘પણ જો કોઈ પ્રબોધક મૂર્ખ બનીને જવાબ આપે, તો મેં યહોવાએ તે પ્રબોધકને મૂર્ખ બનાવ્યો છે.+ હું તેની વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને મારા ઇઝરાયેલી લોકોમાંથી તેનો વિનાશ કરીશ. ૧૦ સલાહ માંગનારની ભૂલ અને પ્રબોધકની ભૂલ એકસરખી ગણાશે. તેઓએ પોતાની ભૂલની સજા ભોગવવી પડશે. ૧૧ આમ ઇઝરાયેલના લોકો મારી પાસેથી ભટકી નહિ જાય. તેઓ પાપ કરી કરીને પોતાને અશુદ્ધ નહિ કરે. તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૨ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૩ “હે માણસના દીકરા, જો દેશ બેવફા બનીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ લંબાવીને દેશના ખોરાકનો નાશ કરીશ.*+ હું દેશ પર દુકાળ લાવીશ.+ એમાં રહેતાં માણસ અને જાનવર બધાંનો સંહાર કરીશ.”+ ૧૪ “‘જો નૂહ,+ દાનિયેલ+ અને અયૂબ,+ આ ત્રણ માણસો પણ એ દેશમાં રહેતા હોત, તો તેઓ પોતાની સચ્ચાઈને લીધે ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૫ “‘ધારો કે હું દેશમાં ખતરનાક જાનવરો મોકલું અને તેઓ દેશના લોકોને મારી નાખે. ખતરનાક જાનવરોને લીધે એ દેશ એટલો ઉજ્જડ થઈ જાય કે કોઈ એમાંથી આવજા કરી ન શકે.’+ ૧૬ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે જો એ ત્રણ માણસો એ દેશમાં રહેતા હોત, તોપણ તેઓ પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને બચાવી શક્યા ન હોત. તેઓ ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત અને આખો દેશ ઉજ્જડ થઈ જાત.’”

૧૭ “‘ધારો કે હું એ દેશ વિરુદ્ધ તલવાર લાવીને+ કહું: “આખા દેશમાં તલવાર ફરી વળે.” તલવાર દેશનાં માણસ અને જાનવર બધાંનો સંહાર કરે.’+ ૧૮ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે જો એ ત્રણ માણસો એ દેશમાં રહેતા હોત, તોપણ તેઓ પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને બચાવી શક્યા ન હોત. તેઓ ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત.’”

૧૯ “‘ધારો કે હું એ દેશ પર રોગચાળો ફેલાવું.+ એના પર મારો કોપ રેડીને માણસ અને જાનવરને મારી નાખવા લોહીની નદીઓ વહાવી દઉં.’ ૨૦ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે જો નૂહ,+ દાનિયેલ+ અને અયૂબ+ એ દેશમાં રહેતા હોત, તોપણ તેઓ પોતાના દીકરાઓને કે પોતાની દીકરીઓને બચાવી શક્યા ન હોત. તેઓ પોતાની સચ્ચાઈને લીધે ફક્ત પોતાને જ બચાવી શક્યા હોત.’”+

૨૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું યરૂશાલેમ પર મારી આ ચાર સજા,+ એટલે કે તલવાર, દુકાળ, ખતરનાક જાનવર અને રોગચાળો મોકલીશ.+ એ સમયે માણસ અને જાનવરનો કેવો ભારે સંહાર થશે!+ ૨૨ પણ એમાંથી અમુક બચી જશે, હા, દીકરા-દીકરીઓ બંને બચી જશે. તેઓને એમાંથી બહાર લાવવામાં આવશે+ અને તેઓ તમારી પાસે આવશે. તમે તેઓનાં માર્ગો અને કામો જોશો. પછી તમને સમજાશે કે હું યરૂશાલેમ પર કેમ આફત લાવ્યો અને મેં જે કંઈ કર્યું એ કેમ કર્યું.’”

૨૩ “‘તમે તેઓનાં માર્ગો અને કામો જોશો ત્યારે તમને સમજાશે ને તમે જાણશો કે મેં જે કંઈ કર્યું એ વગર કારણે નથી કર્યું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, શું દ્રાક્ષાવેલાનું લાકડું જંગલનાં કોઈ વૃક્ષ કે વૃક્ષોની ડાળી કરતાં ચઢિયાતું છે? ૩ શું એનું લાકડું કોઈ કામમાં આવે છે? અથવા શું લોકો વાસણ લટકાવવા એમાંથી ખૂંટો બનાવે છે? ૪ જુઓ, એ આગ સળગાવવા વપરાય છે. આગ એના બંને છેડાઓ ભસ્મ કરી નાખે છે અને વચલો ભાગ પણ બાળી નાખે છે. પછી શું એ કોઈ કામ આવશે? ૫ એ આખું હતું ત્યારે પણ કંઈ કામનું ન હતું. તો પછી આગમાં બળીને રાખ થયા પછી એ શું કામનું!”

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જેમ જંગલનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનું લાકડું મેં આગ સળગાવવા આપી દીધું છે, તેમ હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ.+ ૭ હું મારું મોં તેઓ વિરુદ્ધ કરીશ. તેઓ આગમાંથી બચી ગયા છે, પણ હવે આગ તેઓને ભસ્મ કરી નાખશે. હું મારું મોં તેઓ વિરુદ્ધ કરીશ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+

૮ “‘હું એ દેશ ઉજ્જડ કરી નાખીશ+ કેમ કે તેઓ બેવફા બન્યા છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૬ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, યરૂશાલેમને તેનાં* દુષ્ટ કામો વિશે જણાવ.+ ૩ તારે જણાવવું કે ‘વિશ્વના માલિક યહોવા યરૂશાલેમને કહે છે: “તારો જન્મ કનાનીઓના દેશમાં થયો હતો અને તું ત્યાંની છે. તારો પિતા અમોરી હતો+ અને તારી મા હિત્તી હતી.+ ૪ તારા જન્મની વાત કરું તો એ દિવસે તારી નાળ કાપવામાં આવી નહિ, તને નવડાવીને સાફ કરવામાં આવી નહિ, તને મીઠું લગાડવામાં આવ્યું નહિ અને કપડાંમાં લપેટવામાં આવી નહિ. ૫ કોઈએ તારા પર દયા ખાઈને એમાંનું કંઈ પણ કર્યું નહિ. કોઈએ તારા પર કરુણા બતાવી નહિ. પણ તને ખુલ્લા મેદાનમાં નાખી દેવામાં આવી, કેમ કે તું જન્મી એ જ દિવસથી તને નફરત કરવામાં આવી.

૬ “‘“હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે મેં તને તારા લોહીમાં તરફડતી જોઈ. તું તારા લોહીમાં પડેલી હતી ત્યારે મેં કહ્યું, ‘જીવતી રહે!’ હા, તું તારા લોહીમાં લથપથ હતી ત્યારે કહ્યું: ‘જીવતી રહે!’ ૭ ખેતરમાં ઊગતાં ફૂલછોડની જેમ મેં તને ઘણી વધારી. તું મોટી થતી થતી યુવાનીમાં આવી અને તેં સારાં સારાં ઘરેણાં પહેરીને શણગાર કર્યો. તારી છાતી ભરાઈ અને તારા વાળ વધ્યા, પણ તેં હજુ કપડાં પહેરેલાં ન હતાં અને તું ઉઘાડી હતી.”’

૮ “‘હું ત્યાંથી પસાર થતો હતો ત્યારે મેં તને જોઈ. મેં જોયું કે તારી ઉંમર પ્રેમમાં પડવાની છે. એટલે મેં તારા પર મારું કપડું ઓઢાડ્યું+ અને તારી નગ્‍નતા ઢાંકી. મેં સમ ખાઈને તને વચન આપ્યું અને તારી સાથે કરાર* કર્યો. આમ તું મારી થઈ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૯ ‘મેં તને નવડાવી અને તારું લોહી સાફ કર્યું. મેં તને તેલ ચોળ્યું.+ ૧૦ પછી મેં તને ભરત ભરેલાં કપડાં પહેરાવ્યાં અને ચામડાની* મોજડીઓ પહેરાવી. મેં તને શણનું કપડું ઓઢાડ્યું અને મોંઘાં મોંઘાં કપડાં પહેરાવ્યાં. ૧૧ મેં તને ઘરેણાંથી શણગારી. મેં તારા હાથમાં બંગડીઓ અને ગળામાં હાર પહેરાવ્યાં. ૧૨ મેં તારા નાકમાં નથણી, કાનમાં ઝૂમખાં અને માથે સુંદર તાજ પહેરાવ્યાં. ૧૩ તું સોના-ચાંદીથી સજીધજીને તૈયાર થતી. તારાં કપડાં કીમતી શણનાં, મોંઘાં મોંઘાં કાપડનાં અને સરસ મજાનું ભરત ભરેલાં હતાં. તું મેંદો, મધ અને તેલથી બનેલાં પકવાનોની મજા માણતી. તારું રૂપ દિવસે ને દિવસે ખીલતું ગયું+ અને તું રાણી બનવા* તૈયાર થઈ!’”

૧૪ “‘તારી સુંદરતાને લીધે તારી નામના* પ્રજાઓમાં ફેલાવા લાગી.+ મેં મારું ગૌરવ તારા પર ફેલાવ્યું હોવાથી તારી સુંદરતામાં કોઈ ખોટ ન હતી,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૫ “‘પણ તું પોતાની સુંદરતા પર ભરોસો રાખવા લાગી.+ તારી નામનાને લીધે તું વેશ્યા બની ગઈ.+ તું વેશ્યા બનીને આવતાં-જતાં દરેકની સાથે ખુલ્લેઆમ વ્યભિચાર કરવા લાગી.+ તેં પોતાની સુંદરતા તેઓ પર લુટાવી દીધી. ૧૬ તેં તારાં અમુક રંગબેરંગી કપડાંથી ભક્તિ-સ્થળો સજાવ્યાં અને ત્યાં વ્યભિચાર કર્યો.+ એવું થવું ન જોઈએ અને ફરી કદી થશે પણ નહિ. ૧૭ મેં તને સોના-ચાંદીનાં બનાવેલાં સુંદર ઘરેણાં આપ્યાં હતાં. એનાથી તેં તારા માટે પુરુષોની મૂર્તિઓ બનાવી અને એની સાથે વ્યભિચાર કર્યો.+ ૧૮ તેં તારાં ભરત ભરેલાં કપડાં લઈને તેઓને* ઓઢાડ્યાં. તેં મારું તેલ અને મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.+ ૧૯ મેં તને મેંદો, તેલ અને મધની બનેલી રોટલી ખાવા આપી હતી. એ રોટલી પણ તેં તેઓને અર્પણ કરી, જેથી તેઓ એની સુગંધથી ખુશ થાય.+ હા, એમ જ બન્યું છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૨૦ “‘તને મારાથી થયેલાં દીકરા-દીકરીઓને+ તું મૂર્તિઓ પાસે લઈ ગઈ અને તેં તેઓને બલિદાન કરી દીધાં.+ શું તારી વેશ્યાગીરીનાં કામોએ હદ વટાવી નથી? ૨૧ તેં મારા દીકરાઓની કતલ કરી. તેઓને આગમાં બલિ ચઢાવીને* અર્પણ કરી દીધા.+ ૨૨ અધમ કામો અને વેશ્યાગીરી કરતી વખતે તેં પોતાનું બાળપણ યાદ કર્યું નહિ. એ સમયે તારા શરીર પર કપડાં ન હતાં અને તું ઉઘાડી હતી. તું તારા લોહીમાં આળોટતી હતી. ૨૩ તેં કેવાં દુષ્ટ કામો કર્યાં છે! તને અફસોસ છે અફસોસ!’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૨૪ ‘તેં દરેક ચોકમાં પોતાને માટે ટેકરો બનાવ્યો અને ભક્તિ-સ્થળો ઊભાં કરી દીધાં. ૨૫ તેં તારાં ભક્તિ-સ્થળો ગલીએ ગલીએ નજરે ચઢે એવી જગ્યાએ બનાવ્યાં. તેં આવતાં-જતાં દરેકને પોતાની જાત સોંપી દીધી. એક સમયની તારી સુંદરતાને તેં ચીતરી ચઢે એવી બનાવી દીધી.+ તું તારી વેશ્યાગીરીમાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ.+ ૨૬ તારા હવસખોર પડોશીઓ, એટલે કે ઇજિપ્તના* દીકરાઓ સાથે તેં વ્યભિચાર કર્યો.+ તેં વ્યભિચાર કરી કરીને મને રોષ ચઢાવ્યો. ૨૭ હવે હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને રોટલી અને કપડાં આપવાનું બંધ કરી દઈશ.+ હું તને પલિસ્તીઓની દીકરીઓના હાથમાં સોંપી દઈશ, જેઓ તને નફરત કરે છે.+ તેઓ તારી સાથે મન ફાવે એમ વર્તશે. તેઓ તો તારાં નીચ કામો જોઈને દંગ રહી ગઈ હતી.+

૨૮ “‘તને સંતોષ થયો નહિ, એટલે તેં આશ્શૂરના દીકરાઓ સાથે વ્યભિચાર કર્યો.+ તેઓ સાથે વ્યભિચાર કરીને પણ તું ધરાઈ નહિ. ૨૯ એટલે તેં તારી વેશ્યાગીરી વેપારીઓના દેશ* તરફ અને ખાલદીઓ તરફ ફેલાવી.+ એ પછી પણ તારી ભૂખ સંતોષાઈ નહિ. ૩૦ તું તો સાવ બેશરમ વેશ્યા જેવી છે! એવાં કામો કર્યાં ત્યારે તારું દિલ વાસનાથી ભરપૂર* હતું,’*+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૩૧ ‘તેં ગલીએ ગલીએ નજરે ચઢે એવી જગ્યાએ પોતાના માટે ટેકરો બનાવ્યો અને દરેક ચોકમાં ભક્તિ-સ્થળો ઊભાં કર્યાં. પણ તું વેશ્યા જેવી ન હતી, કેમ કે તેં એકેય પૈસો લેવાની ના પાડી. ૩૨ તું તો વ્યભિચારી પત્ની છે, જે પોતાના પતિના બદલે પારકા પુરુષોને ચાહે છે!+ ૩૩ વેશ્યાઓ પાસે જનારા પુરુષો તેઓને ભેટ આપે છે,+ પણ તું તો સામેથી તારા પ્રેમીઓને ભેટ આપે છે.+ તું આસપાસના બધાને તારી સાથે વ્યભિચાર કરવા લાંચ આપીને બોલાવે છે.+ ૩૪ તું બીજી વેશ્યાઓ કરતાં એકદમ અલગ છે. તારા જેવી વેશ્યા કોઈ નહિ હોય. તેઓ તને પૈસા ચૂકવતા નથી, પણ તું તેઓને પૈસા ચૂકવે છે. તું સાવ અલગ છે.’

૩૫ “એટલે ઓ વેશ્યા,+ યહોવાનો સંદેશો સાંભળ. ૩૬ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેં તારા પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે. નફરત અને ધિક્કાર થાય એવી તારી બધી મૂર્તિઓ* સાથે પણ તેં વ્યભિચાર કર્યો છે.+ તારી બેકાબૂ વાસના છલકાઈ ગઈ છે અને તારી નગ્‍નતા ઉઘાડી થઈ છે. અરે, એ મૂર્તિઓ આગળ તેં તારા દીકરાઓનું લોહી અર્પણ કરી દીધું છે.+ ૩૭ એટલે હું તારા બધા પ્રેમીઓને ભેગા કરીશ, જેઓ સાથે તેં મજા માણી છે. તું જેઓને ચાહે છે અને તું જેઓને ધિક્કારે છે, એ બધાને ભેગા કરીશ. હું ચારે બાજુથી એ બધાને તારી વિરુદ્ધ લાવીશ. હું તને તેઓ સામે ઉઘાડી કરીશ અને તેઓ તારી નગ્‍નતા જોશે.+

૩૮ “‘વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને+ જેવી સજા આપવામાં આવે છે, એવી સજા હું તને કરીશ.+ હું ક્રોધથી તપી ઊઠીને અને રોષે ભરાઈને તારું લોહી વહાવીશ.+ ૩૯ હું તને તારા પ્રેમીઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તારા ટેકરાઓ તોડી પાડશે અને તારાં ભક્તિ-સ્થળો ભાંગી નાખશે.+ તેઓ તારાં કપડાં ઉતારી લેશે+ અને તારાં સુંદર ઘરેણાં લઈ લેશે.+ તેઓ તને નગ્‍ન અને ઉઘાડી છોડી મૂકશે. ૪૦ તેઓ તારી સામે એક ટોળું લઈ આવશે.+ તેઓ તને પથ્થરે મારશે+ અને તલવારોથી તારી કતલ કરશે.+ ૪૧ તેઓ તારાં ઘરો બાળી નાખશે,+ ઘણી સ્ત્રીઓની નજર આગળ તને સજા કરશે. હું તારી વેશ્યાગીરીનો અંત લાવીશ+ અને તું પૈસા ચૂકવવાનું બંધ કરી દઈશ. ૪૨ તારી સામેનો મારો ગુસ્સો શમી જશે+ અને તારા પરનો મારો રોષ ઠંડો પડશે.+ પછી મને શાંતિ થશે અને હું ક્રોધે ભરાઈશ નહિ.’

૪૩ “‘તેં તારા બાળપણના દિવસો યાદ રાખ્યા નથી+ અને આ બધાં કામોથી મને કોપાયમાન કર્યો છે. એટલે હું તારાં કામોનું પરિણામ તારા માથે લાવીશ. હવેથી તું ધિક્કાર થાય એવાં અધમ કામો નહિ કરે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૪૪ “‘કહેવતોના શોખીન લોકો તારા માટે આ કહેવત વાપરશે: “જેવી મા તેવી દીકરી!”+ ૪૫ તારી મા પોતાના પતિ અને પોતાનાં બાળકોને નફરત કરતી હતી. તું એની જ દીકરી છે. તારી બહેનો પોતાના પતિઓને અને પોતાનાં બાળકોને નફરત કરતી હતી. તું તેઓની જ બહેન છે. તારી મા હિત્તી હતી અને તારો પિતા અમોરી હતો.’”+

૪૬ “‘તારી મોટી બહેન સમરૂન છે,+ જે પોતાની દીકરીઓ* સાથે તારી ઉત્તર* બાજુએ રહે છે.+ તારી નાની બહેન સદોમ છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી દક્ષિણ* બાજુએ રહે છે.+ ૪૭ તું તેઓના માર્ગોમાં ચાલી અને તેઓનાં જેવાં અધમ કામો કર્યાં. અરે, થોડા સમયમાં તું તેઓના કરતાં પણ વધારે નીચ કામો કરવા લાગી.’+ ૪૮ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે તેં અને તારી દીકરીઓએ જેવાં કામો કર્યાં છે, એવાં તો તારી બહેન સદોમે અને તેની દીકરીઓએ પણ નથી કર્યાં. ૪૯ તારી બહેન સદોમનો ગુનો આ હતો: તે અને તેની દીકરીઓ+ ઘમંડી હતી.+ તેઓ પાસે પુષ્કળ ખોરાક હતો,+ સુખ-શાંતિ હતી.+ તોપણ તેઓ ગરીબને અને લાચારને મદદ કરતી ન હતી.+ ૫૦ તેઓ ઘમંડી જ રહી+ અને મારી નજર આગળ નીચ કામો કરતી રહી.+ એટલે મારે તેઓનો નાશ કરવો પડ્યો.+

૫૧ “‘તેં જેટલાં પાપ કર્યાં છે, એનાથી અડધાં પણ સમરૂને કર્યાં નથી.+ તારી બહેનો કરતાં તું વધારે ને વધારે અધમ કામો કરતી ગઈ. તેં એટલાં અધમ કામો કર્યાં કે તારી આગળ તેઓ નિર્દોષ લાગે.+ ૫૨ એટલે તારે અપમાન સહેવું પડશે, કેમ કે તેં તારી બહેનોનાં કામ યોગ્ય ઠરાવ્યાં છે. તેઓ કરતાં વધારે અધમ કામો કરીને તેં પાપ કર્યું છે. એટલે તારા કરતાં તેઓ વધારે સારી છે. તું તારી બહેનોને નિર્દોષ ઠરાવે એવી હોવાથી, હવે તારે શરમાવું પડશે અને અપમાન સહેવું પડશે.’

૫૩ “‘હું તેઓના કેદીઓને ભેગા કરીશ, એટલે કે સદોમ અને તેની દીકરીઓના કેદીઓ, સમરૂન અને તેની દીકરીઓના કેદીઓ. હું તેઓની સાથે તારા કેદીઓને પણ ભેગા કરીશ,+ ૫૪ જેથી તારે ભારે અપમાન સહેવું પડે. તારા કારણે તેઓને જે રાહત મળી છે, એના લીધે તારે નીચું જોવું પડશે. ૫૫ તારી બહેનો, એટલે કે સદોમ અને સમરૂન તથા તેઓની દીકરીઓની હાલત અગાઉ જેવી થઈ જશે. તારી અને તારી દીકરીઓની હાલત પણ અગાઉ જેવી થઈ જશે.+ ૫૬ તારા ઘમંડના દિવસોમાં તારી બહેન સદોમની વાત કરવી પણ તને યોગ્ય લાગતી ન હતી. ૫૭ એ સમયે તારી દુષ્ટતા ખુલ્લી પડી ન હતી.+ પણ હવે સિરિયાની દીકરીઓ અને એના પડોશીઓ તારી બદનામી કરે છે. પલિસ્તીઓની દીકરીઓ+ અને આસપાસના બધા લોકો તારી મજાક ઉડાવે છે. ૫૮ ધિક્કાર થાય એવાં તારાં અધમ કામોનાં પરિણામ તારે ભોગવવાં પડશે,’ એવું યહોવા કહે છે.”

૫૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેં જે કર્યું છે એની હું સજા કરીશ.+ તેં મારા કરારનો ભંગ કર્યો છે અને મારા સમ નકામા ગણ્યા છે.+ ૬૦ પણ મેં તારી યુવાનીના દિવસોમાં તારી સાથે જે કરાર કર્યો હતો, એ હું યાદ રાખીશ. હું તારી સાથે કાયમ માટેનો કરાર કરીશ.+ ૬૧ તું તારી મોટી અને નાની બહેનોનો સ્વીકાર કરશે ત્યારે, તને તારું વર્તન યાદ આવશે અને શરમ આવશે.+ હું તારી બહેનોને તારી દીકરીઓ બનાવીશ, પણ તારી સાથે કરેલા કરારને લીધે નહિ.’

૬૨ “‘હું પોતે તારી સાથે મારો કરાર કરીશ અને તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૬૩ તેં એ બધું કર્યું હોવા છતાં હું તને માફ કરીશ.*+ પછી તને યાદ આવશે અને શરમને લીધે તું બોલી પણ નહિ શકે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકોને એક ઉખાણું કહે, એક ઉદાહરણ આપ.+ ૩ તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “એક મોટો ગરુડ+ લબાનોન આવ્યો.+ તેને વિશાળ અને લાંબી પાંખો હતી. તેને ભરાવદાર અને રંગબેરંગી પીંછાં હતાં. તેણે દેવદારના ઝાડની ટોચની ડાળી તોડી લીધી.+ ૪ સૌથી ઉપરની ડાળી તોડીને તે વેપારીઓના દેશમાં* લઈ ગયો. તેણે એ ડાળી વેપારીઓના શહેરમાં રોપી.+ ૫ તેણે દેશમાંથી* અમુક બી લીધાં+ અને રસાળ જમીનમાં રોપ્યાં. તેણે એ પુષ્કળ પાણી પાસે રોપ્યાં, જેમ નેતર રોપવામાં આવે છે. ૬ એ બીમાંથી અંકુર ફૂટીને દ્રાક્ષાવેલો ઊગી નીકળ્યો. એ ઊંચે ચઢવાને બદલે નીચે ફેલાયો.+ એનાં પાંદડાં અંદરની તરફ વળ્યાં અને એનાં મૂળ એની નીચે ફેલાયાં. આમ એ વેલો ઊગ્યો, એને કૂંપળો ફૂટી અને એની ડાળીઓ ફેલાઈ.+

૭ “‘“પછી બીજો એક મોટો ગરુડ આવ્યો.+ તેને વિશાળ અને મોટી પાંખો હતી.+ પેલા દ્રાક્ષાવેલાએ મોટી આશા રાખીને પોતાનાં મૂળ ગરુડ તરફ લંબાવ્યાં. વેલો જે બગીચામાં રોપાયો હતો ત્યાંથી પોતાનાં મૂળ દૂર લઈ ગયો. ગરુડ માવજત કરે એ માટે વેલાએ પોતાની ડાળીઓ તેની તરફ લંબાવી.+ ૮ એ વેલો સારી જમીનમાં અને પુષ્કળ પાણી પાસે જ રોપેલો હતો. એ માટે કે એની ડાળીઓ ઊગે, ફળ આવે અને ફૂલી-ફાલીને સરસ મજાનો દ્રાક્ષાવેલો બને.”’+

૯ “તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “શું આ વેલો ફૂલશે-ફાલશે? શું કોઈ એનાં મૂળ ખેંચી નહિ કાઢે?+ શું એનાં ફળ સડી નહિ જાય અને ડાળીઓ સુકાઈ નહિ જાય?+ એ એટલો સુકાઈ જશે કે એને જડમૂળથી ખેંચી કાઢવા મજબૂત હાથની કે ઘણા લોકોની જરૂર નહિ પડે. ૧૦ ખરું કે એ ફરીથી રોપાયો છે, તોપણ શું એ ફાલશે ખરો? પૂર્વનો પવન વાય ત્યારે, શું એ સાવ સુકાઈ નહિ જાય? જે બગીચામાં એ ખીલ્યો હતો ત્યાં જ સુકાઈ જશે.”’”

૧૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૨ “બંડખોર લોકોને કહે, ‘શું તમે આ બધાનો અર્થ નથી જાણતા?’ તેઓને જણાવ કે ‘જુઓ, બાબેલોનનો રાજા યરૂશાલેમ આવ્યો. તે એના રાજા અને આગેવાનોને પકડીને પોતાની સાથે બાબેલોન લઈ આવ્યો.+ ૧૩ એટલું જ નહિ, તેણે એક રાજવી વંશજ+ સાથે કરાર કર્યો અને તેને સમ ખવડાવ્યા.+ તે દેશના જાણીતા લોકોને પોતાની સાથે લઈ ગયો,+ ૧૪ જેથી રાજ્યની એવી પડતી થાય કે ફરી ઊભું ન થઈ શકે. ઇઝરાયેલી લોકો એ કરાર પાળે તો જ એ રાજ્ય ટકી શકે.+ ૧૫ પણ છેવટે યહૂદાના રાજાએ* બાબેલોનના રાજા સામે બળવો કર્યો+ અને પોતાના માણસો ઇજિપ્ત મોકલ્યા, જેથી તેઓ ઘોડા+ અને મોટું સૈન્ય લઈ આવે.+ શું તે સફળ થશે? એવું કરીને શું કોઈ માણસ સજાથી બચી જશે? શું તે કરાર તોડીને બચી શકે ખરો?’+

૧૬ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે રાજાના સમ પાળ્યા નથી અને કરાર તોડી નાખ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે તે બાબેલોનમાં જ મરી જશે. એટલે કે એ રાજાના* દેશમાં, જેણે તેને* રાજા બનાવ્યો હતો.+ ૧૭ યુદ્ધમાં ઘણા લોકોનો નાશ કરવા ઘેરો નાખવામાં આવશે, ઢોળાવો બાંધવામાં આવશે અને દીવાલો ઊભી કરવામાં આવશે. એ સમયે ઇજિપ્તના રાજાનું* મોટું સૈન્ય કે તેના અગણિત સૈનિકો કંઈ કામ નહિ આવે.+ ૧૮ તેણે સમ પાળ્યા નથી અને કરાર તોડ્યો છે. તે વચન આપીને ફરી ગયો અને આ બધું કર્યું હોવાથી તે બચશે નહિ.”’

૧૯ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેણે મારા સમ પાળ્યા નથી અને મારો કરાર તોડ્યો છે. હું સમ* ખાઈને કહું છું કે એનું પરિણામ તેના માથે ચોક્કસ લાવીશ.+ ૨૦ હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ હું તેને બાબેલોન લાવીશ અને ત્યાં તેનો ન્યાય કરીશ, કેમ કે તે મને બેવફા બન્યો છે.+ ૨૧ તેના લશ્કરમાંથી નાસી છૂટેલા બધાની તલવારથી કતલ થશે. એમાંથી જેઓ બચી જશે, તેઓ ચારેય દિશામાં વિખેરાઈ જશે.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા પોતે એ બોલ્યો છું.”’+

૨૨ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું દેવદારની ટોચ પરથી એક ડાળી તોડીશ+ અને એ રોપીશ. હું એની ટોચની ડાળીઓમાંથી એક કુમળી ડાળી તોડીશ.+ હું એ ઊંચા અને મોટા પર્વત પર રોપીશ.+ ૨૩ હું ઇઝરાયેલના ઊંચા પર્વત પર એ રોપીશ. એની ડાળીઓ વધશે, એને ફળ આવશે અને એ દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ બનશે. બધા પ્રકારનાં પંખીઓ એની છાયા નીચે રહેશે અને એની ડાળીઓમાં વસશે. ૨૪ બધાં વૃક્ષોએ સ્વીકારવું પડશે કે મેં યહોવાએ જ ઊંચા ઝાડને નીચું કર્યું છે અને નીચા ઝાડને ઊંચું કર્યું છે.+ મેં લીલાછમ વૃક્ષને સૂકવી નાખ્યું છે અને સુકાયેલા વૃક્ષને લીલુંછમ કર્યું છે.+ હું યહોવા એ બોલ્યો છું અને મેં જ એવું કર્યું છે.”’”

૧૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “તમે ઇઝરાયેલ દેશમાં આ કહેવત કેમ વાપરો છો કે ‘પિતાઓ ખાટી દ્રાક્ષો ખાય અને દીકરાઓના દાંત ખટાય’?+

૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હવેથી તમે ઇઝરાયેલમાં એ કહેવત નહિ વાપરો. ૪ જુઓ! એકેએક જીવ* મારો છે. પિતાનો જીવ હોય કે દીકરાનો જીવ, એ બધા મારા છે. જે કોઈ* પાપ કરે છે તે જ માર્યો જશે.

૫ “‘ધારો કે કોઈ માણસ નેક છે, તે સચ્ચાઈથી ચાલે છે અને ખરું હોય એ જ કરે છે. ૬ તે પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો નથી.+ તે ઇઝરાયેલી લોકોની ધિક્કારપાત્ર મૂર્તિઓ* પર આશા રાખતો નથી. તે પડોશીની પત્ની સાથે વ્યભિચાર* કરતો નથી+ કે સ્ત્રીના માસિકના દિવસોમાં તેની સાથે જાતીય સંબંધ બાંધતો નથી.+ ૭ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી,+ પણ દેવાદારે ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે છે.+ તે કોઈને લૂંટતો નથી,+ પણ પોતાનો ખોરાક ભૂખ્યાને આપી દે છે.+ જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે.+ ૮ તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એમાંથી ફાયદો ઉઠાવતો નથી.+ તે અન્યાય કરતો નથી.+ બે માણસો વચ્ચે તે અદ્દલ ઇન્સાફ કરે છે.+ ૯ મને વફાદાર રહેવા તે મારા નિયમો પ્રમાણે ચાલે છે અને મારા કાયદા-કાનૂન પાળે છે. એવો માણસ નેક છે અને તે ચોક્કસ જીવતો રહેશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૦ “‘પણ ધારો કે એ માણસને એવો દીકરો હોય, જે લૂંટફાટ કરતો હોય,+ ખૂન કરતો હોય+ કે આવું કોઈ કામ કરતો હોય ૧૧ (ભલે પિતાએ એવું એક પણ કામ કર્યું ન હોય): એ દીકરો પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો હોય, પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતો હોય, ૧૨ ગરીબ અને લાચાર સાથે ખરાબ વહેવાર કરતો હોય,+ જુલમથી લૂંટી લેતો હોય, ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપતો ન હોય, ધિક્કારપાત્ર મૂર્તિઓ પર આશા રાખતો હોય,+ નીચ કામો કરતો હોય,+ ૧૩ પોતાના પૈસા વ્યાજે આપતો હોય અને એનો ફાયદો ઉઠાવતો હોય.+ જો એમ હોય તો એ દીકરો જીવતો નહિ રહે. એવાં અધમ કામો કર્યાં હોવાથી, તે ચોક્કસ માર્યો જશે. તેનું લોહી તેના માથે.

૧૪ “‘પણ ધારો કે કોઈ માણસના દીકરાએ પોતાના પિતાને બધાં પાપ કરતા જોયો છે. એ બધું જોયું હોવા છતાં દીકરો એવું કરતો નથી. ૧૫ તે પહાડો પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાતો નથી. તે ઇઝરાયેલી લોકોની ધિક્કારપાત્ર મૂર્તિઓ પર આશા રાખતો નથી. તે પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરતો નથી. ૧૬ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી. તે ગીરવે મૂકેલી વસ્તુ પડાવી લેતો નથી. તે જુલમથી લૂંટી લેતો નથી. તે પોતાનું ખાવાનું ભૂખ્યાને આપી દે છે. જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે. ૧૭ તે ગરીબ પર જુલમ કરતો નથી. તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એનો ફાયદો ઉઠાવતો નથી. તે મારા કાયદા-કાનૂન પાળે છે અને મારા નિયમો પ્રમાણે ચાલે છે. એવો માણસ પોતાના પિતાના ગુનાઓને લીધે માર્યો નહિ જાય. તે ચોક્કસ જીવતો રહેશે. ૧૮ પણ તેનો પિતા પોતાના ગુનાને લીધે માર્યો જશે, કેમ કે તેણે લોકોને છેતર્યા છે, પોતાના ભાઈને લૂંટી લીધો છે અને લોકોની નજરમાં જે ખરાબ હતું એ કર્યું છે.

૧૯ “‘પણ તમે પૂછશો, “પિતાના ગુનાને લીધે દીકરો કેમ જવાબદાર ગણાતો નથી?” એ માટે કે દીકરાએ જે ખરું છે એ જ કર્યું અને સચ્ચાઈથી વર્ત્યો. તેણે મારા બધા નિયમો પાળ્યા અને એ પ્રમાણે ચાલ્યો. એટલે તે ચોક્કસ જીવતો રહેશે.+ ૨૦ જે કોઈ પાપ કરશે તે જ માર્યો જશે.+ પિતાના ગુનાને લીધે દીકરો જવાબદાર ગણાતો નથી, દીકરાના ગુનાને લીધે પિતા જવાબદાર ગણાતો નથી. નેક માણસનાં નેક કામોનો બદલો તેને જ મળશે, દુષ્ટ માણસનાં દુષ્ટ કામોનો બદલો તેને જ મળશે.+

૨૧ “‘ધારો કે કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં બધાં પાપથી પાછો ફરે, મારા નિયમો પાળવા લાગે, જે ખરું છે એ જ તે કરે અને સચ્ચાઈથી વર્તે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.+ ૨૨ તેનો કોઈ પણ ગુનો યાદ કરવામાં નહિ આવે.+ તે સાચા માર્ગે ચાલતો હોવાથી જીવતો રહેશે.’+

૨૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે?+ જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે.’+

૨૪ “‘પણ જો કોઈ નેક માણસ સારાં કામો છોડીને ખરાબ કામો* કરવા લાગે, તે એવાં નીચ કામો કરવા લાગે જે દુષ્ટ માણસ કરતો હોય, તો શું એ નેક માણસ જીવશે ખરો? તેણે કરેલું એકેય સારું કામ યાદ રાખવામાં નહિ આવે.+ તે બેવફા બન્યો છે અને તેણે પાપ કર્યું છે, એટલે તે માર્યો જશે.+

૨૫ “‘પણ તમે કહેશો, “યહોવા તો અન્યાય કરે છે!”+ હે ઇઝરાયેલના લોકો, સાંભળો! શું હું અન્યાય કરું છું?+ કે પછી તમે અન્યાય કરો છો?+

૨૬ “‘જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે અને એના લીધે માર્યો જાય, તો તે પોતાનાં પાપને લીધે માર્યો જશે.

૨૭ “‘જો કોઈ દુષ્ટ માણસ પોતે કરેલાં દુષ્ટ કામોથી પાછો ફરે, જે ખરું છે એ જ કરવા લાગે અને સચ્ચાઈથી* વર્તે, તો તે પોતાનું જીવન બચાવશે.+ ૨૮ જો તેને ભાન થાય કે પોતે જે કરે છે એ બહુ ખરાબ છે અને તે એમ કરવાનું બંધ કરે, તો તે ચોક્કસ જીવતો રહેશે. તે માર્યો નહિ જાય.

૨૯ “‘પણ ઇઝરાયેલના લોકો કહેશે, “યહોવા તો અન્યાય કરે છે!” હે ઇઝરાયેલના લોકો, શું ખરેખર હું અન્યાય કરું છું?+ કે પછી તમે અન્યાય કરો છો?’

૩૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હે ઇઝરાયેલના લોકો, હું તમારાં દરેકનાં કામો પ્રમાણે ન્યાય કરીશ.+ તમે અપરાધો કરવાનું છોડી દો અને પાછા ફરો, નહિ તો એ તમારા માટે નડતર બનશે અને તમારા પર સજા લાવશે. ૩૧ તમે પાપ કરવાનું છોડી દો.+ નવું દિલ અને નવું મન કેળવો.+ હે ઇઝરાયેલના લોકો, તમે શું કામ મરવા માંગો છો?’+

૩૨ “‘મને કોઈના મોતથી જરાય ખુશી થતી નથી.+ એટલે પાપ કરવાનું છોડી દો અને જીવતા રહો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૯ “ઇઝરાયેલના મુખીઓ વિશે તું મોટા અવાજે વિલાપગીત* ગા. ૨ તું કહે,

‘તમારી માની સરખામણી શાની સાથે કરાય? તે તો સિંહોમાં રહેતી સિંહણ હતી.

તે શક્તિશાળી સિંહો વચ્ચે પડી રહેતી અને પોતાનાં બચ્ચાં મોટાં કરતી.

 ૩ તેણે પોતાના એક બચ્ચાને મોટું કર્યું. તે શક્તિશાળી સિંહ બન્યો,+

તે શિકાર કરતા શીખ્યો,

તે માણસને પણ ફાડી ખાતો.

 ૪ પ્રજાઓએ તેના વિશે સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવીને પકડી લીધો.

તેને આંકડીઓ ભેરવીને તેઓ ઇજિપ્ત લઈ ગયા.+

 ૫ સિંહણે રાહ જોઈ અને આખરે જોયું કે તેના આવવાની કોઈ આશા નથી.

એટલે તેણે બીજું એક બચ્ચું મોટું કર્યું અને તેને શક્તિશાળી સિંહ બનાવીને મોકલ્યો.

 ૬ તે સિંહો સાથે હરી-ફરીને એક શક્તિશાળી સિંહ બન્યો.

તે શિકાર કરતા શીખ્યો અને તે માણસને પણ ફાડી ખાતો.+

 ૭ તે શિકારની શોધમાં તેઓના મજબૂત ગઢોમાં ફરતો, તેઓનાં શહેરોને ઉજ્જડ કરતો,

તેઓના ઉજ્જડ દેશમાં તેની ગર્જનાના પડઘા સંભળાતા.+

 ૮ આસપાસના વિસ્તારની પ્રજાઓએ આવીને તેના પર જાળ નાખી,

તેઓએ તેને ખાડામાં ફસાવીને પકડી લીધો.

 ૯ તેઓએ આંકડી ભેરવીને તેને પાંજરામાં પૂર્યો અને બાબેલોનના રાજા પાસે લઈ ગયા.

ત્યાં તેઓએ તેને કેદ કર્યો, જેથી ઇઝરાયેલના પહાડો પર તેનો અવાજ ફરીથી સંભળાય નહિ.

૧૦ તમારી મા પાણી પાસે રોપાયેલા દ્રાક્ષાવેલા* જેવી હતી.+

પુષ્કળ પાણીને લીધે એને ફળ આવ્યાં અને એને ઘણી ડાળીઓ ઊગી નીકળી.

૧૧ દ્રાક્ષાવેલાની ડાળીઓ એટલી મજબૂત હતી કે એનો રાજદંડ બને.

એ વધીને બીજાં વૃક્ષો કરતાં પણ ઊંચો થયો.

એની ઊંચાઈ અને ઘટાને લીધે એ બધાની નજરે ચઢતો.

૧૨ પણ કોપને લીધે એને જડમૂળથી ઉખેડીને+ ધરતી પર નાખવામાં આવ્યો.

પૂર્વના પવનથી એનાં ફળ સુકાઈ ગયાં.

એની મજબૂત ડાળીઓ તોડી નંખાઈ, એ સુકાઈ ગઈ+ અને આગમાં ભસ્મ થઈ ગઈ.+

૧૩ હવે દ્રાક્ષાવેલાને પાણી વગરના

સૂકા વેરાન પ્રદેશમાં રોપવામાં આવ્યો.+

૧૪ એની ડાળીઓમાંથી આગ ફેલાઈ ગઈ ને કૂંપળો અને ફળને ભસ્મ કરી નાખ્યાં.

એની એકેય મજબૂત ડાળી બચી નહિ, એકેય રાજદંડ બચ્યો નહિ.+

“‘આ વિલાપગીત છે અને વિલાપગીત રહેશે.’”

૨૦ સાતમા વર્ષનો* પાંચમો મહિનો હતો. એ મહિનાના દસમા દિવસે ઇઝરાયેલના અમુક વડીલો આવ્યા અને યહોવાની સલાહ લેવા મારી સામે બેઠા. ૨ પછી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૩ “હે માણસના દીકરા, ઇઝરાયેલના વડીલો સાથે વાત કર અને તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “શું તમે મારી સલાહ લેવા આવ્યા છો? ‘હું સમ* ખાઈને કહું છું કે હું તમારા સવાલોના જવાબ નહિ આપું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’

૪ “હે માણસના દીકરા, શું તેઓનો ન્યાય કરવા* તું તૈયાર છે? શું તું તૈયાર છે? તેઓને જણાવ કે તેઓના બાપદાદાઓએ કેવાં અધમ કામો કર્યાં હતાં.+ ૫ તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જે દિવસે મેં ઇઝરાયેલના લોકોને પસંદ કર્યા,+ એ દિવસે મેં યાકૂબના વંશજ આગળ સમ ખાધા હતા. ઇજિપ્ત દેશમાં તેઓને મારી ઓળખ આપી હતી.+ હા, મેં તેઓ આગળ સમ ખાઈને કહ્યું હતું કે ‘હું યહોવા તમારો ઈશ્વર છું.’ ૬ એ દિવસે મેં સમ ખાધા કે હું તેઓને ઇજિપ્ત દેશમાંથી બહાર કાઢી લાવીશ. હું તેઓને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જઈશ,+ જે મેં તેઓ માટે પસંદ કર્યો છે.* એ દેશ બધા દેશો કરતાં એકદમ સુંદર છે. ૭ પછી મેં તેઓને કહ્યું: ‘નફરત થાય એવી જે ચીજો તમારી નજર સામે છે, એ ફેંકી દો. ધિક્કાર થાય એવી ઇજિપ્તમાંની મૂર્તિઓથી* પોતાને અશુદ્ધ ન કરો.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’+

૮ “‘“પણ તેઓએ મારી સામે બળવો કર્યો અને તેઓ મારું સાંભળવા તૈયાર ન હતા. નફરત થાય એવી ચીજો તેઓએ પોતાની આગળથી ફેંકી દીધી નહિ. ધિક્કાર થાય એવી ઇજિપ્તની મૂર્તિઓને તેઓએ છોડી દીધી નહિ.+ એટલે મેં નક્કી કર્યું કે હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને ઇજિપ્તમાં તેઓ પર મારો ક્રોધ ભડકી ઊઠશે. ૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+ ૧૦ આ રીતે હું તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો અને તેઓને વેરાન પ્રદેશમાં લઈ ગયો.+

૧૧ “‘“પછી મેં તેઓને મારા નિયમો આપ્યા અને મારા કાયદા-કાનૂન જણાવ્યા,+ જેથી જે કોઈ એ પાળે તે જીવતો રહે.+ ૧૨ મારી અને તેઓની વચ્ચે નિશાની તરીકે+ મેં તેઓને મારા સાબ્બાથો* પણ આપ્યા.+ એનાથી તેઓને ખબર પડે કે હું યહોવા જ તેઓને પવિત્ર કરું છું.

૧૩ “‘“જોકે ઇઝરાયેલી લોકોએ વેરાન પ્રદેશમાં મારી સામે બળવો કર્યો.+ તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાયદા-કાનૂનનો ત્યાગ કર્યો. જો કોઈ માણસ એ બધું પાળે તો તે જીવતો રહે. પણ તેઓએ મારા સાબ્બાથો પૂરેપૂરા અશુદ્ધ કર્યા. એટલે મેં નક્કી કર્યું કે વેરાન પ્રદેશમાં હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને તેઓનો સફાયો કરી નાખીશ.+ ૧૪ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી હું તેઓને* જે પ્રજાઓમાંથી બહાર કાઢી લાવ્યો, તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ ૧૫ દૂધ-મધની રેલમછેલવાળો દેશ,+ જે બધા દેશો કરતાં એકદમ સુંદર છે, એ હું તેઓને આપવાનો હતો. પણ મેં વેરાન પ્રદેશમાં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને એમાં નહિ લઈ જાઉં.+ ૧૬ એનું કારણ એ છે કે તેઓએ મારા કાયદા-કાનૂનનો ત્યાગ કર્યો, તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને તેઓએ મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા. તેઓનાં દિલ તો ધિક્કાર થાય એવી મૂર્તિઓ પર લાગેલાં હતાં.+

૧૭ “‘“પણ મને* તેઓની દયા આવી અને મેં તેઓનો સંહાર કર્યો નહિ. મેં વેરાન પ્રદેશમાં તેઓનો સફાયો કરી નાખ્યો નહિ. ૧૮ વેરાન પ્રદેશમાં મેં તેઓના દીકરાઓને કહ્યું,+ ‘તમારા બાપદાદાઓના નિયમો પ્રમાણે ચાલતા નહિ.+ તેઓના કાયદા-કાનૂન પાળતા નહિ અથવા ધિક્કાર થાય એવી મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરતા નહિ. ૧૯ હું યહોવા તમારો ઈશ્વર છું. મારા નિયમો પ્રમાણે ચાલો, મારા કાયદા-કાનૂન પાળો અને એ પ્રમાણે જીવો.+ ૨૦ મારા સાબ્બાથો પવિત્ર માનો.+ એ મારી અને તમારી વચ્ચે નિશાની બનશે, જેથી તમે જાણો કે હું યહોવા તમારો ઈશ્વર છું.’+

૨૧ “‘“પણ એ દીકરાઓએ મારી સામે બળવો કર્યો.+ તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને તેઓએ મારા કાયદા-કાનૂન પાળ્યા નહિ. જો કોઈ માણસ એ બધું પાળે તો તે જીવતો રહે. તેઓએ તો મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા. એટલે મેં નક્કી કર્યું કે વેરાન પ્રદેશમાં હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને તેઓ પર મારો ક્રોધ ભડકી ઊઠશે.+ ૨૨ પણ મેં મારા નામને લીધે+ એમ ન કર્યું,+ જેથી હું તેઓને* જે પ્રજાઓમાંથી કાઢી લાવ્યો, તેઓમાં મારું નામ બદનામ ન થાય. ૨૩ મેં વેરાન પ્રદેશમાં તેઓ આગળ એવા પણ સમ ખાધા કે હું તેઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ ૨૪ એનું કારણ એ છે કે તેઓએ મારા કાયદા-કાનૂન પાળ્યા નહિ, તેઓએ મારા નિયમોનો ત્યાગ કર્યો,+ તેઓએ મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા અને તેઓ પોતાના બાપદાદાઓની મૂર્તિઓ પાછળ ચાલ્યા, જે ધિક્કાર થાય એવી હતી.+ ૨૫ મેં તેઓને એવા નિયમો પાળવા દીધા જે સારા ન હતા. તેઓને એવા કાયદા-કાનૂન પ્રમાણે ચાલવા દીધા, જેનાથી તેઓ જીવતા રહી શકે નહિ.+ ૨૬ તેઓ પોતાના પ્રથમ જન્મેલા બાળકને આગમાં બલિ ચઢાવતા.*+ મેં તેઓને એવું કરવા દીધું અને તેઓને અશુદ્ધ થવા દીધા, જેથી હું તેઓને બરબાદ કરી નાખું અને તેઓ જાણે કે હું યહોવા છું.”’

૨૭ “હે માણસના દીકરા, ઇઝરાયેલી લોકો સાથે વાત કર અને તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તમારા બાપદાદાઓએ આ રીતે મારું નામ બદનામ કર્યું હતું અને મને બેવફા બન્યા હતા. ૨૮ મેં તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા, એમાં હું તેઓને લઈ આવ્યો.+ તેઓએ ઊંચા ડુંગરો અને ઘટાદાર ઝાડ જોયાં+ કે તરત તેઓએ ત્યાં બલિદાનો અને અર્પણો ચઢાવીને મને ખૂબ ગુસ્સે કર્યો. તેઓએ બલિદાનોની સુવાસ અને દ્રાક્ષદારૂ-અર્પણો* ચઢાવ્યાં. ૨૯ મેં તેઓને પૂછ્યું, ‘તમે એ ભક્તિ-સ્થળે શું કામ જાઓ છો? (એ આજે પણ ભક્તિ-સ્થળ કહેવાય છે.)’”’+

૩૦ “હવે ઇઝરાયેલી લોકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તમારા બાપદાદાઓ ધિક્કાર થાય એવી મૂર્તિઓને ભજીને ઈશ્વરને બેવફા બન્યા હતા.* શું તમે પણ તેઓની જેમ જ અશુદ્ધ થઈ ગયા છો?+ ૩૧ ધિક્કાર થાય એવી બધી મૂર્તિઓને બલિદાનો ચઢાવીને અને પોતાના દીકરાઓને આગમાં બલિ ચઢાવીને* શું તમે આજ સુધી અશુદ્ધ થતા નથી?+ હે ઇઝરાયેલી લોકો, હું તમારા સવાલોના જવાબ શું કામ આપું?”’+

“વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હું તમને જવાબ નહિ આપું.+ ૩૨ તમે કહો છો, “ચાલો આપણે બીજી પ્રજાઓ જેવા બનીએ, બીજા દેશોનાં કુટુંબો જેવાં બનીએ, જેઓ લાકડા અને પથ્થરની ભક્તિ* કરે છે.”+ તમારાં મનના એ ઇરાદા ક્યારેય પૂરા નહિ થાય.’”

૩૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું સમ* ખાઈને કહું છું કે હું તમારા પર રાજા તરીકે રાજ કરીશ. હું મારો શક્તિશાળી હાથ લંબાવીશ અને તમારા પર મારો ગુસ્સો રેડી દઈશ.+ ૩૪ હું મારો શક્તિશાળી હાથ લંબાવીને અને તમારા પર મારો ગુસ્સો રેડીને તમને લોકોમાંથી બહાર લઈ આવીશ. તમે જે દેશોમાં વિખેરાઈ ગયા છો, એમાંથી તમને ભેગા કરીશ.+ ૩૫ હું તમને લોકોના વેરાન પ્રદેશમાં લઈ આવીશ અને ત્યાં તમારી સામે મુકદ્દમો લડીશ.+

૩૬ “‘જેમ ઇજિપ્ત દેશના વેરાન પ્રદેશમાં તમારા બાપદાદાઓ સામે હું મુકદ્દમો લડ્યો હતો, એમ હું તમારી સામે પણ મુકદ્દમો લડીશ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૩૭ ‘હું તમને ઘેટાંપાળકની લાકડી નીચેથી પસાર કરીશ+ અને તમારી પાસે કરારનું પાલન કરાવીશ. ૩૮ હું તમારામાંથી બળવાખોરોને અને મારી વિરુદ્ધ પાપ કરનારાઓને દૂર કરીશ.+ જે દેશમાં તેઓ પરદેશીઓ છે એમાંથી તેઓને કાઢી લાવીશ, પણ તેઓ ઇઝરાયેલ દેશમાં જશે નહિ.+ તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૩૯ “હે ઇઝરાયેલી લોકો, તમારા વિશે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જાઓ, તમે બધા જઈને ધિક્કાર થાય એવી મૂર્તિઓની પૂજા કરો.+ જો તમે મારું સાંભળશો નહિ, તો તમારે એનાં પરિણામો ભોગવવાં પડશે. હવે તમારાં બલિદાનોથી અને તમારી મૂર્તિઓથી તમે મારું પવિત્ર નામ બદનામ નહિ કરી શકો.’+

૪૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘દેશના બધા લોકો, હા, આખા ઇઝરાયેલના લોકો મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયેલના ઊંચા પર્વત પર+ મારી ભક્તિ કરશે.+ ત્યાં હું તમારો સ્વીકાર કરીશ અને તમે મને તમારાં દાનો અને સૌથી સારાં અર્પણો, તમારી બધી પવિત્ર વસ્તુઓ ચઢાવશો.+ ૪૧ હું તમને બીજા લોકોમાંથી બહાર કાઢી લાવીશ અને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો, એમાંથી તમને ભેગા કરીશ.+ એ સમયે તમે ચઢાવેલાં બલિદાનોની સુવાસથી હું રાજી થઈશ. બીજી પ્રજાઓ આગળ હું તમારી વચ્ચે પવિત્ર મનાઈશ.’+

૪૨ “‘તમારા બાપદાદાઓ આગળ જે દેશ વિશે મેં સમ ખાધા હતા, એ ઇઝરાયેલ દેશમાં જ્યારે તમને લાવીશ+ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૪૩ ત્યાં તમને તમારાં કામો યાદ આવશે. તમે જે નીચ કામો કરીને અશુદ્ધ થયા હતા એ તમને યાદ આવશે.+ તમારાં એ અધમ કામોને લીધે તમને પોતાનાથી સખત નફરત થશે.+ ૪૪ હે ઇઝરાયેલી લોકો, તમારાં દુષ્ટ કામો કે ભ્રષ્ટ કામો પ્રમાણે હું તમારી સાથે વર્તતો નથી. પણ હું મારા નામને લીધે+ એવું કરું છું. એ સમયે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૪૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૪૬ “હે માણસના દીકરા, તારું મોં દક્ષિણ દિશા તરફ ફેરવ અને દક્ષિણને સંદેશો જણાવ. દક્ષિણ વિસ્તારના જંગલ વિશે ભવિષ્યવાણી જણાવ. ૪૭ દક્ષિણના જંગલને કહે કે ‘યહોવાનો સંદેશો સાંભળ. વિશ્વના માલિક યહોવા કહે છે: “હું તારામાં આગ ચાંપીશ.+ એનાથી તારું દરેક લીલું ઝાડ અને સૂકું ઝાડ બળીને ખાખ થઈ જશે. આગનો ભડકો કોઈ હોલવી નહિ શકે.+ દક્ષિણથી ઉત્તર સુધીનો દરેક ચહેરો એનાથી દાઝી જશે. ૪૮ બધા લોકો જોશે કે મેં, ખુદ યહોવાએ એ આગ ચાંપી છે અને કોઈ એને હોલવી નહિ શકે.”’”+

૪૯ મેં કહ્યું: “અફસોસ, વિશ્વના માલિક યહોવા! તેઓ મારા વિશે કહે છે, ‘આ તો બસ ઉખાણાં* કહેતો ફરે છે!’”

૨૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં યરૂશાલેમ તરફ ફેરવ. પવિત્ર જગ્યાઓ વિરુદ્ધ સંદેશો જણાવ અને ઇઝરાયેલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ૩ ઇઝરાયેલ દેશને જણાવ, ‘યહોવા કહે છે: “હું તારી વિરુદ્ધ છું. હું મ્યાનમાંથી મારી તલવાર ખેંચી કાઢીશ+ ને તારામાંથી સારા અને ખરાબ લોકોનો વિનાશ કરીશ. ૪ હું મ્યાનમાંથી મારી તલવાર ખેંચી કાઢીને દક્ષિણથી ઉત્તર સુધીના બધા લોકો પર એ લઈ આવીશ. હું તારામાંથી સારા અને ખરાબ લોકોની કતલ કરીશ. ૫ બધા લોકોએ સ્વીકારવું પડશે કે મેં ખુદ યહોવાએ મારી તલવાર મ્યાનમાંથી કાઢી છે. એ પાછી મ્યાનમાં જશે નહિ.”’+

૬ “હે માણસના દીકરા, તું ધ્રૂજતાં ધ્રૂજતાં નિસાસા નાખ, હા, તેઓ આગળ વિલાપ કરીને નિસાસા નાખ.+ ૭ જો તેઓ પૂછે કે ‘તું કેમ નિસાસા નાખે છે?’ તો તું જણાવ કે ‘સંદેશાને લીધે.’ એ ચોક્કસ આવશે અને ડરને લીધે દરેક દિલ પીગળી જશે, દરેક હાથ ઢીલો પડી જશે, દરેક માણસ સાવ નિરાશ થઈ જશે અને દરેક ઘૂંટણ ભીનું થઈ જશે.*+ ‘જુઓ, એ ચોક્કસ થશે! હા, એમ જ બનશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૯ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર, ‘યહોવા કહે છે: “તલવાર!+ તેજ અને ચળકતી તલવાર! ૧૦ મોટો સંહાર કરવા એને તેજ કરવામાં આવી છે. એને વીજળીની જેમ ચમકારા મારે એવી બનાવવામાં આવી છે.”’”

લોકોએ પૂછ્યું: “શું આપણે ખુશ થવું ન જોઈએ?”

પણ ઈશ્વરે કહ્યું: “‘દરેક ઝાડને કાપી નાખે છે તેમ, શું એ* મારા દીકરાના રાજદંડને કાપી નાખશે?+

૧૧ “‘એ તલવાર ચળકતી કરવા માટે અને વીંઝવા માટે કોઈકને આપવામાં આવી છે. કતલ કરનારના હાથમાં સોંપવા એ તેજ અને ચળકતી કરવામાં આવી છે.+

૧૨ “‘હે માણસના દીકરા, પોક મૂકીને રડ.+ મારા લોકો પર તલવાર આવી પડી છે. હા, ઇઝરાયેલના બધા મુખીઓ પર એ આવી પડી છે.+ મારા લોકોની સાથે સાથે તેઓ પણ એનો ભોગ બનશે. એટલે શોકને લીધે તારી જાંઘ પર થપાટ માર. ૧૩ મારા લોકોની પરખ કરવામાં આવી છે.+ જો તલવાર રાજદંડને કાપી નાખે તો શું થાય? એનો* કાયમ માટે અંત આવે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૪ “હે માણસના દીકરા, તું ભવિષ્યવાણી કર, તાળી પાડ* અને ત્રણ વાર બોલ, ‘તલવાર! તલવાર! તલવાર!’ એ તલવાર સંહાર કરનારી છે, એ મોટી કતલ કરનારી છે, એણે તેઓને ચારે બાજુથી ઘેરી લીધા છે.+ ૧૫ તેઓનાં દિલ ભયને લીધે પીગળી જશે+ અને ઘણા લોકો પોતાના શહેરના દરવાજાઓ પાસે પડશે. મારી તલવારથી હું તેઓનો નાશ કરીશ. અરે, એ તો વીજળીની જેમ ચમકે છે અને કતલ કરવા તેજ થયેલી છે! ૧૬ ઓ તલવાર, તારી જમણી બાજુ અને ડાબી બાજુ સંહાર કર! તને હુકમ કરવામાં આવે એમ સંહાર કર! ૧૭ હું પણ તાળી પાડીશ અને તમારા પર મારો ક્રોધ પૂરેપૂરો રેડી દઈશ,+ હું યહોવા પોતે એવું બોલ્યો છું.”

૧૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૯ “હે માણસના દીકરા, તું દેશમાંથી નીકળતો એક રસ્તો દોર. એ રસ્તામાંથી બે ફાંટા પાડ. તલવાર લઈને આવતો બાબેલોનનો રાજા પસંદ કરશે કે તેણે કઈ બાજુ જવું. જે જગ્યાએથી ફાંટા પડે છે ત્યાં શહેરોનો રસ્તો બતાવતી નિશાની ઊભી કર. ૨૦ તું બતાવ કે તલવાર કયા રસ્તે આમ્મોનીઓના રાબ્બાહમાં જઈ શકે+ અને કયા રસ્તે યહૂદાના કોટવાળા યરૂશાલેમમાં જઈ શકે.+ ૨૧ જ્યાં બે રસ્તા છૂટા પડે છે, જ્યાં ફાંટા પડે છે, ત્યાં બાબેલોનનો રાજા જોષ જોવા ઊભો રહે છે. તે તીર આમતેમ હલાવે છે, મૂર્તિઓની* સલાહ લે છે અને જાનવરનું કલેજું તપાસી જુએ છે.* ૨૨ તેના જમણા હાથમાં જોષ જોવાનું સાધન છે. એ સાધને યરૂશાલેમ તરફ ઇશારો કર્યો, જેથી તે ત્યાં જઈને કોટ તોડવાનાં સાધનો ગોઠવે, કતલ કરવાનો હુકમ આપે, યુદ્ધનો પોકાર કરે, દરવાજાઓ સામે કોટ તોડવાનાં સાધનો ગોઠવે અને એને ઘેરી લેવા ઢોળાવો બાંધે ને દીવાલો ઊભી કરે.+ ૨૩ પણ જે લોકોએ તેઓ* આગળ સમ ખાધા હતા,+ એ લોકોને* એવું લાગશે કે એ તો ખોટા જોષ જોયા છે. પણ રાજા તેઓના ગુના યાદ કરશે અને તેઓને પકડી લેશે.+

૨૪ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તમારા ગુના ખુલ્લા પાડ્યા છે અને તમારાં બધાં કામોમાં પાપ દેખાઈ આવે છે. એ રીતે તમે તમારા અપરાધો યાદ કરાવ્યા છે. હવે તમને યાદ કરવામાં આવ્યા હોવાથી, તમને બળજબરીથી લઈ જવામાં આવશે.’

૨૫ “ઓ ઇઝરાયેલના મુખી, ઓ સખત ઘાયલ થયેલા, તારો દિવસ આવી ગયો છે.+ આખરી સજાનો સમય થઈ ગયો છે. ૨૬ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઉતાર તારી પાઘડી અને ઉતાર તારો મુગટ.+ આ બધું એમ ને એમ રહેશે નહિ.+ નીચાને ઊંચો કર+ અને ઊંચાને નીચો.+ ૨૭ હું એ સત્તાને* બરબાદ કરી નાખીશ. બરબાદ, હા, એને બરબાદ કરી નાખીશ! જેની પાસે કાયદેસરનો હક છે, તે આવે ત્યાં સુધી એ કોઈને નહિ મળે.+ હું તેને જ એ આપીશ.’+

૨૮ “હે માણસના દીકરા, તું ભવિષ્યવાણી કર, ‘આમ્મોનીઓ વિશે અને તેઓએ કરેલા અપમાન વિશે વિશ્વના માલિક યહોવા કહે છે: તલવાર! એક ઉગામેલી તલવાર! એ તેજ કરવામાં આવી છે, જેથી વીજળીની જેમ ચળકતી તલવાર લોકોને ખતમ કરી નાખે. ૨૯ તમારું ભવિષ્ય જોનારાઓ ખોટાં દર્શનો અને ખોટા જોષ જુએ છે. કતલ થયેલાઓના ઢગલા પર તમને નાખવામાં આવશે. દુષ્ટ માણસોનો દિવસ આવી ગયો છે. તેઓની આખરી સજાનો સમય થઈ ગયો છે. ૩૦ તલવાર પાછી મ્યાનમાં નાખવામાં આવે. તમારી જન્મભૂમિમાં, તમારા વતનમાં હું તમારો ન્યાય કરીશ. ૩૧ હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારા ગુસ્સાની આગ તમારા પર વરસાવીશ. હું તમને ઘાતકી માણસોના હાથમાં સોંપી દઈશ, જેઓ સંહાર કરવામાં કુશળ છે.+ ૩૨ તમે આગ માટેનું બળતણ બની જશો.+ તમારા વતનમાં તમારું લોહી વહેશે. તમને કદી યાદ કરવામાં નહિ આવે. હું યહોવા પોતે એવું બોલ્યો છું.’”

૨૨ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ખૂની નગરી+ વિરુદ્ધ ભવિષ્યવાણી કરવા શું તું તૈયાર છે? તેનાં બધાં અધમ કામો જણાવવાં શું તું તૈયાર છે?+ ૩ તું જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ નગરી, તારો સમય પાકી ગયો છે.+ તેં પોતાના લોકોનું લોહી વહાવ્યું છે.+ ધિક્કાર થાય એવી મૂર્તિઓથી* તેં પોતાને ભ્રષ્ટ કરી છે.+ ૪ તેં લોહી વહાવ્યું હોવાથી તું દોષિત છે.+ ધિક્કાર થાય એવી મૂર્તિઓએ તને અશુદ્ધ કરી છે.+ તેં તારા દિવસો ટૂંકાવી દીધા છે અને તારાં વર્ષોનો અંત આવી ગયો છે. એટલે હું એવું કરીશ, જેથી પ્રજાઓ તારી હાંસી ઉડાવે અને બધા દેશો તને મહેણાં મારે.+ ૫ તારી નજીકના અને દૂરના દેશો તારી મશ્કરી કરશે.+ તારા નામની બદનામી થઈ છે અને તારામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. ૬ ઇઝરાયેલનો દરેક મુખી પોતાની સત્તા વાપરીને લોહી વહાવે છે.+ ૭ તારા લોકો પોતાનાં માતા-પિતાનું અપમાન કરે છે.+ તેઓ પરદેશીઓને છેતરે છે, અનાથો* અને વિધવાઓ પર જુલમ ગુજારે છે.”’”+

૮ “‘તેં મારી પવિત્ર જગ્યાઓનો ધિક્કાર કર્યો છે અને મારા સાબ્બાથો અશુદ્ધ કર્યા છે.+ ૯ તારા લોકો બીજાઓને બદનામ કરીને લોહી વહાવવા ચાહે છે.+ તેઓ પર્વત પર મૂર્તિઓને ચઢાવેલાં બલિદાનો ખાય છે અને અધમ કામોમાં ડૂબેલા રહે છે.+ ૧૦ તેઓ પોતાના પિતાની પત્ની સાથે સૂઈ જાય છે*+ અને માસિકને લીધે અશુદ્ધ થયેલી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધે છે.+ ૧૧ કોઈ માણસ પડોશીની પત્ની સાથે નીચ કામ કરે છે.+ કોઈ પોતાની વહુ સાથે બેશરમ કામ કરીને તેને અશુદ્ધ કરે છે.+ કોઈ પોતાના પિતાની દીકરી, એટલે કે પોતાની બહેન સાથે બળજબરીથી જાતીય સંબંધ બાંધે છે.+ ૧૨ તારા લોકો પૈસા લઈને ખૂન કરે છે.+ તેઓ વ્યાજે પૈસા આપે છે+ અને એનો ફાયદો ઉઠાવે છે. તેઓ પડોશીઓ પર જુલમ કરીને પૈસા પડાવે છે.+ હા, તું મને સાવ ભૂલી ગઈ છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૩ “‘તારી બેઈમાનીની કમાણી અને તેં વહાવેલા લોહીને લીધે હું રોષે ભરાઈને તાળી પાડીશ. ૧૪ હું તને સજા કરીશ ત્યારે શું તારામાં હિંમત રહેશે? શું તારામાં શક્તિ રહેશે?+ હું યહોવા પોતે એ બોલ્યો છું અને એ જરૂર કરી બતાવીશ. ૧૫ હું તને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ હું તારી ગંદકી દૂર કરીશ.+ ૧૬ બીજી પ્રજાઓ આગળ તારું અપમાન થશે અને તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”+

૧૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકો મારા માટે કચરા જેવા નકામા બની ગયા છે. તેઓ ભઠ્ઠીમાંનાં તાંબા, કલાઈ, લોઢા અને સીસા જેવાં છે. તેઓ ચાંદીના મેલ જેવા નકામા બની ગયા છે.+

૧૯ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે બધા કચરા જેવા નકામા બની ગયા હોવાથી,+ હું તમને યરૂશાલેમમાં ભેગા કરવાનો છું. ૨૦ ચાંદી, તાંબું, લોઢું, સીસું અને કલાઈ ભઠ્ઠીમાં ભેગાં કરવામાં આવે છે, જેથી એને આગથી ઓગાળી શકાય. એ જ રીતે, હું ક્રોધે ભરાઈને તમને ભેગા કરીશ. હું તમારા પર ગુસ્સાની આગ વરસાવીશ અને તમને ઓગાળી નાખીશ.+ ૨૧ હું તમને ભેગા કરીશ અને તમારા પર મારા ગુસ્સાની આગ વરસાવીશ.+ તમે એ નગરીમાં ઓગળી જશો.+ ૨૨ જેમ ભઠ્ઠીમાં ચાંદી ઓગાળવામાં આવે છે, તેમ એ નગરીમાં તમને ઓગાળવામાં આવશે. તમારે સ્વીકારવું પડશે કે મેં યહોવાએ તમારા પર મારો કોપ રેડી દીધો છે.’”

૨૩ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૪ “હે માણસના દીકરા, એ નગરીને કહે, ‘તું એવી નગરી છે, જેને કોપના દિવસે સાફ કરવામાં આવશે નહિ કે જેના પર વરસાદ વરસાવવામાં આવશે નહિ. ૨૫ શિકાર ફાડી ખાનાર ગર્જતા સિંહની જેમ+ પ્રબોધકો કાવતરાં ઘડે છે+ અને લોકોને ભરખી જાય છે. તેઓ ખજાનો અને કીમતી ચીજવસ્તુઓ લૂંટી લે છે. તેઓએ ઘણી સ્ત્રીઓને વિધવા બનાવી દીધી છે. ૨૬ તેના યાજકો મારા નિયમો તોડે છે.+ તેઓ મારી પવિત્ર જગ્યાઓ અશુદ્ધ કરે છે.+ પવિત્ર અને અપવિત્ર વચ્ચે તેઓ કોઈ ફરક રાખતા નથી.+ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત તેઓ શીખવતા નથી.+ તેઓ મારા સાબ્બાથો પાળવાની મના કરે છે. તેઓને લીધે મારી બદનામી થઈ છે. ૨૭ તેના અધિકારીઓ શિકાર ફાડી ખાનાર વરુઓ જેવા છે. બેઈમાનીથી પૈસા કમાવા માટે તેઓ લોહી વહાવે છે અને લોકોને મારી નાખે છે.+ ૨૮ દીવાલ પર ચૂનો લગાડવામાં આવે તેમ પ્રબોધકો પોતાનાં કામ ઢાંકે છે. તેઓ ખોટાં દર્શનો જુએ છે અને ખોટા જોષ જણાવે છે.+ યહોવાએ તેઓ સાથે વાત કરી ન હોય, તોપણ તેઓ કહે છે: “વિશ્વના માલિક યહોવા કહે છે.” ૨૯ દેશના લોકો બીજાઓને છેતરે છે અને લૂંટ ચલાવે છે.+ તેઓ ગરીબ અને લાચાર પર જુલમ કરે છે. તેઓ પરદેશીઓને છેતરે છે અને તેઓને ઇન્સાફ આપતા નથી.’

૩૦ “‘હું તેઓમાંથી એવો માણસ શોધતો હતો, જે પથ્થરની દીવાલનું સમારકામ કરે. અથવા દેશ માટે તે મારી સામે દીવાલના ગાબડામાં ઊભો રહે, જેથી દેશનો નાશ ન થાય.+ પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ. ૩૧ એટલે હું તેઓ પર મારો કોપ રેડી દઈશ. મારા ક્રોધની આગમાં તેઓને ભસ્મ કરી નાખીશ. હું એવું કરીશ કે તેઓએ પોતાનાં કામોનાં ફળ ભોગવવાં પડશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૨૩ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, એક માની બે દીકરીઓ હતી.+ ૩ તેઓ ઇજિપ્તમાં વેશ્યા બની+ અને યુવાનીથી વેશ્યાનું કામ કરવા લાગી. ત્યાં તેઓ વ્યભિચારનાં કામોમાં ડૂબી ગઈ અને કુંવારી રહી નહિ. ૪ મોટીનું નામ ઓહલાહ* હતું અને નાનીનું નામ ઓહલીબાહ.* તેઓ મારી થઈ અને તેઓને દીકરા-દીકરીઓ થયાં. ઓહલાહ સમરૂન છે+ અને ઓહલીબાહ યરૂશાલેમ.*

૫ “ઓહલાહ મારી હતી ત્યારથી વેશ્યાનો ધંધો કરવા લાગી.+ તેના પ્રેમીઓ, એટલે કે તેના પડોશી આશ્શૂરીઓ+ પાછળ તે પાગલ થઈ.+ ૬ તેઓ ભૂરા રંગનાં કપડાં પહેરેલા રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ હતા. તેઓ બધા રૂપાળા યુવાનો હતા, જેઓ પોતાના ઘોડાઓ પર સવારી કરતા. ૭ તે આશ્શૂરના બધા મનમોહક દીકરાઓ સાથે વ્યભિચાર કરતી રહી. તે તેઓ પાછળ પાગલ હતી. તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓથી* તેણે પોતાને અશુદ્ધ કરી.+ ૮ ઇજિપ્તમાં કરેલાં વેશ્યાનાં કામો તેણે બંધ કર્યાં નહિ. તેની યુવાનીથી ઇજિપ્તના માણસો તેની સાથે સૂતા હતા. તેઓ તેની સાથે વ્યભિચાર કરીને પોતાની વાસના સંતોષતા હતા અને તે કુંવારી રહી નહિ.+ ૯ તે જેઓ પાછળ પાગલ થઈ હતી એ આશ્શૂરીઓ, એટલે કે તેના પ્રેમીઓના હાથમાં મેં તેને સોંપી દીધી.+ ૧૦ તેઓએ તેની નગ્‍નતા ઉઘાડી કરી+ અને તેનાં દીકરા-દીકરીઓને પકડી લીધાં.+ તેઓએ તેનો ન્યાય કરીને સજા કરી અને તલવારથી મારી નાખી. તે બધી સ્ત્રીઓમાં એકદમ બદનામ થઈ ગઈ.

૧૧ “તેની બહેન ઓહલીબાહે એ જોયું. તેની કામવાસના તેની બહેન કરતાં પણ અધમ હતી. વ્યભિચાર કરવામાં તે પોતાની બહેનથી પણ આગળ નીકળી ગઈ.+ ૧૨ તે પોતાના પડોશી આશ્શૂરીઓ,+ રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ પાછળ પાગલ હતી. તેઓ બધા રૂપાળા યુવાનો હતા. તેઓ ભપકાદાર કપડાં પહેરતાં અને ઘોડાઓ પર સવારી કરતા. ૧૩ તેણે પણ પોતાને અશુદ્ધ કરી અને મેં જોયું કે તેઓ બંને એક જ રસ્તે ચાલતી હતી.+ ૧૪ ઓહલીબાહ વધારે ને વધારે વ્યભિચાર કરતી ગઈ. તેણે દીવાલો પર લાલ રંગથી કોતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં. ૧૫ તેઓની કમરે પટ્ટો હતો અને માથે લહેરાતી પાઘડીઓ હતી. તેઓ યોદ્ધાઓ જેવા દેખાતા હતા. તેઓ બધા ખાલદીઓના દેશમાં જન્મેલા બાબેલોનના લોકો જેવા હતા. ૧૬ તેણે તેઓને જોયા કે તરત તેઓ પર મોહી પડી. તેણે ખાલદીઓના દેશમાં તેઓને સંદેશો મોકલ્યો.+ ૧૭ એટલે બાબેલોનીઓ તેના પલંગમાં તેની સાથે સૂવા આવતા. તેઓએ પોતાની વાસના સંતોષીને તેને અશુદ્ધ કરી. તેઓથી અશુદ્ધ થયા પછી તેને તેઓ પર નફરત થઈ અને તેનું મન ઊઠી ગયું.

૧૮ “તે બેશરમ બનીને વેશ્યાગીરીમાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. તેણે પોતાની નગ્‍નતા ઉઘાડી કરી.+ એટલે મેં જેમ તેની બહેનને નફરતને લીધે છોડી દીધી હતી, તેમ તેને પણ નફરતને લીધે છોડી દીધી.+ ૧૯ યુવાનીના સમયે ઇજિપ્તમાં તેણે જે વ્યભિચારનાં કામો કર્યાં હતાં,+ એ યાદ કરીને તે વેશ્યાનાં કામોમાં વધારે ડૂબેલી રહી.+ ૨૦ તે પોતાના પ્રેમીઓ પાછળ પાગલ થઈ. ઘોડા અને ગધેડાંની જેમ બેકાબૂ વાસનાથી ભરપૂર માણસોની ઉપપત્નીઓ જેવી તે બની. ૨૧ ઓહલીબાહ, તું યુવાનીમાં ઇજિપ્તના લોકો સાથે વ્યભિચારમાં ડૂબી ગઈ હતી અને તું કુંવારી રહી નહિ.+ તું આજે પણ એવાં નીચ કામો કરવા ઝૂરે છે.+

૨૨ “એટલે ઓ ઓહલીબાહ, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તારા જે પ્રેમીઓથી તને સખત નફરત થઈ હતી અને જેઓ પરથી તારું મન ઊઠી ગયું હતું, તેઓને હું તારી વિરુદ્ધ ઊભા કરીશ.+ હું તેઓને ચારે બાજુથી તારી વિરુદ્ધ લઈ આવીશ.+ ૨૩ બાબેલોનીઓ,+ ખાલદીઓ,+ પેકોદ,+ શોઆ અને કોઆના માણસો તથા બધા આશ્શૂરીઓને હું તારી વિરુદ્ધ લઈ આવીશ. તેઓ બધા તો ઘોડા પર સવારી કરતા મનમોહક યુવાનો છે, રાજ્યપાલો અને ઉપઅધિકારીઓ છે, યોદ્ધાઓ અને પસંદ કરેલા માણસો છે. ૨૪ તેઓ રથો અને પૈડાંના ગડગડાટ સાથે તારા પર હુમલો કરશે. તેઓ તારી સામે મોટાં લશ્કરો સાથે નાની ઢાલ* અને મોટી ઢાલ લઈને, ટોપ પહેરીને ચઢી આવશે. તેઓ તારી ફરતે ઘેરો નાખશે. તારો ન્યાય કરવાનો અધિકાર હું તેઓને આપીશ. તેઓ મન ફાવે તેમ તને સજા કરશે.+ ૨૫ મારો કોપ તારા પર સળગી ઊઠશે અને તેઓ રોષે ભરાઈને તારા બૂરા હાલ કરશે. તેઓ તારાં નાક-કાન કાપી નાખશે. જેઓ બચી જશે તેઓ તલવારથી માર્યા જશે. તેઓ તારાં દીકરા-દીકરીઓને લઈ જશે. જેઓ બચી જશે તેઓ આગમાં બળીને ખાખ થઈ જશે.+ ૨૬ તેઓ તારાં કપડાં ઉતારી લેશે+ અને તારાં સુંદર ઘરેણાં લૂંટી લેશે.+ ૨૭ તેં ઇજિપ્તમાં શરૂ કર્યાં હતાં એ નીચ કામો અને વ્યભિચારનો હું અંત લાવીશ.+ હવેથી તું ઇજિપ્તને કદી યાદ કરીશ નહિ.+ તું તેઓ* તરફ જોવાનું બંધ કરી દઈશ.’

૨૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું જેઓને ધિક્કારે છે, જેઓ પર સખત નફરતને લીધે તારું મન ઊઠી ગયું છે, તેઓના હાથમાં હું તને સોંપી દઈશ.+ ૨૯ તેઓ તને ખૂબ ધિક્કારશે. તેં જે મેળવવા સખત મહેનત કરી છે+ એ તેઓ લૂંટી લેશે. તેઓ તને નગ્‍ન અને ઉઘાડી છોડી દેશે. તેઓ તારી શરમભરેલી નગ્‍નતા, તારાં નીચ કામો અને તારી વેશ્યાગીરી ખુલ્લાં પાડશે.+ ૩૦ તારા એવા હાલ કરવામાં આવશે, કેમ કે તું વેશ્યાની જેમ બીજી પ્રજાઓ પાછળ દોડી.+ તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓથી તેં પોતાને અશુદ્ધ કરી.+ ૩૧ તું તારી બહેનના માર્ગે ચાલી છે.+ એટલે હું તારી બહેનનો પ્યાલો તારા હાથમાં પકડાવીશ.’+

૩૨ “વિશ્વના માલિક યહોવા કહે છે:

‘તું તારી બહેનના પ્યાલામાંથી પીશે, જે ઊંડો અને પહોળો છે.+

તારી હાંસી ઉડાવવામાં આવશે અને મશ્કરી કરવામાં આવશે, કેમ કે એ પ્યાલો એનાથી છલોછલ ભરેલો છે.+

૩૩ તું તારી બહેન સમરૂનનો પ્યાલો,

હા, ડર અને બરબાદીનો પ્યાલો પીશે.

તું નશામાં ચકચૂર થઈશ અને શોકમાં ડૂબી જઈશ.

૩૪ તારે એમાંથી પીવું પડશે, એકેએક ટીપું પીવું પડશે,+ એ પ્યાલાનાં ઠીકરાં પણ ચાવવાં પડશે.

તું શોકને લીધે તારી છાતી ચીરી નાખીશ.

“હું પોતે એ બોલ્યો છું,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.’

૩૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું મને ભૂલી ગઈ છે અને તેં મારાથી પીઠ ફેરવી લીધી છે.+ તારાં નીચ કામોનાં અને વ્યભિચારનાં પરિણામ તારે ભોગવવાં પડશે.’”

૩૬ પછી યહોવાએ મને કહ્યું: “હે માણસના દીકરા, શું ઓહલાહ અને ઓહલીબાહ+ વિરુદ્ધ તું ન્યાયચુકાદો જાહેર કરીશ? શું તેઓનાં અધમ કામો વિશે તું જણાવીશ? ૩૭ તેઓએ વ્યભિચાર કર્યો છે,+ તેઓના હાથ લોહીથી રંગાયેલા છે. તેઓએ પોતાની ધિક્કારપાત્ર મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે. અરે, મૂર્તિઓને ભોગ ચઢાવવા તેઓએ મારાથી થયેલા દીકરાઓને આગમાં બલિ ચઢાવ્યા છે.+ ૩૮ તેઓએ મારી સાથે આવું પણ કર્યું: એ જ દિવસે તેઓએ મારું મંદિર અશુદ્ધ કર્યું. તેઓએ મારા સાબ્બાથો અપવિત્ર કર્યા. ૩૯ તેઓએ ધિક્કારપાત્ર મૂર્તિઓ આગળ પોતાના દીકરાઓની કતલ કરી અને બલિદાનો ચઢાવ્યાં.+ એ જ દિવસે તેઓએ મારા મંદિરમાં ઘૂસીને એને અશુદ્ધ કર્યું.+ મારા મંદિરમાં તેઓએ એવાં કામો કર્યાં. ૪૦ અરે, તેઓએ સંદેશો મોકલીને દૂર દૂરથી માણસો બોલાવ્યા.+ એ માણસો આવતા હતા ત્યારે તું નાહી-ધોઈને તૈયાર થઈ, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંનો શણગાર કર્યો.+ ૪૧ તું ભવ્ય પલંગ પર બેઠી.+ એની સામે મેજ ગોઠવેલી હતી,+ જેના પર તેં મારો ધૂપ+ અને મારું તેલ મૂક્યાં.+ ૪૨ ત્યાં મોજમસ્તી કરનારા માણસોનો અવાજ સંભળાતો હતો. તેઓમાં વેરાન પ્રદેશથી બોલાવેલા દારૂડિયાઓ પણ હતા. તેઓએ સ્ત્રીઓના હાથમાં બંગડીઓ અને માથાં પર સુંદર તાજ પહેરાવ્યાં.

૪૩ “વ્યભિચાર કરી કરીને ઘસાઈ ગયેલી સ્ત્રી વિશે મેં કહ્યું: ‘હવે તે વેશ્યાનો ધંધો ચાલુ રાખશે.’ ૪૪ કોઈ માણસ વેશ્યા પાસે વારંવાર જાય તેમ તેઓ તેની પાસે ગયા. આ રીતે તેઓ નીચ કામો કરનારી સ્ત્રીઓ ઓહલાહ અને ઓહલીબાહ પાસે ગયા. ૪૫ તેઓ વ્યભિચારી સ્ત્રીઓ છે અને તેઓના હાથ લોહીથી રંગાયેલા છે.+ એટલે તેઓએ કરેલાં વ્યભિચાર અને ખૂન માટે+ નેક માણસો તેઓને યોગ્ય સજા ફટકારશે.+

૪૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેઓ સામે એક સૈન્ય લાવવામાં આવશે, જે તેઓને લૂંટી લેશે. લોકો તેઓની હાલત જોઈને થરથર કાંપશે.+ ૪૭ એ સૈન્ય તેઓ પર પથ્થરોનો મારો ચલાવશે+ અને તેઓને તલવારોથી કાપી નાખશે. તેઓનાં દીકરા-દીકરીઓને મારી નાખશે+ અને તેઓનાં ઘરો બાળી નાખશે.+ ૪૮ દેશમાં થતાં અધમ કામોનો હું અંત લાવીશ. બધી સ્ત્રીઓ એમાંથી શીખશે અને તમારાં જેવાં નીચ કામો નહિ કરે.+ ૪૯ તમે કરેલાં નીચ કામો માટે અને ધિક્કારપાત્ર મૂર્તિઓને ભજીને કરેલાં પાપ માટે તેઓ તમને સજા કરશે. પછી તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.’”+

૨૪ નવમા વર્ષનો* દસમો મહિનો હતો. એ મહિનાના દસમા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, આ તારીખ અને આ દિવસ નોંધી લે. બાબેલોનના રાજાએ આજના દિવસે યરૂશાલેમ પર હુમલો શરૂ કરી દીધો છે.+ ૩ બંડખોર પ્રજા વિશે એક ઉદાહરણ* જણાવ. તેઓ વિશે કહે,

“‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“દેગ ચઢાવો, એને ચૂલા પર ચઢાવો અને એમાં પાણી રેડો.+

 ૪ એમાં માંસના સારા સારા ટુકડા નાખો,+

જાંઘ અને ખભાના ટુકડા નાખો. દેગને સારાં સારાં હાડકાંથી ભરી દો.

 ૫ ટોળામાંથી સૌથી સારું ઘેટું લો,+ દેગની નીચે ચારે બાજુ લાકડાં ગોઠવી દો.

દેગમાં ટુકડા ઉકાળો, હાડકાં પણ બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો.”’

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે:

‘ખૂની શહેરને,+ કટાયેલા દેગને અફસોસ! એનો કાટ કાઢવામાં આવ્યો નથી.

એમાંથી એક પછી એક બધા ટુકડા કાઢી લો,+ પણ પસંદ કરી કરીને કાઢશો નહિ.*

 ૭ એ શહેરે વહાવેલું લોહી હજુ એમાં છે,+ જે એણે સપાટ ખડક પર રેડી દીધું, જેથી બધા એ જોઈ શકે.

એણે એ જમીન પર રેડ્યું નહિ કે માટીથી ઢાંકી દેવાય.+

 ૮ એનું વેર વાળવા મારો કોપ સળગી ઊઠ્યો.

મેં એનું લોહી ચળકતા, સપાટ ખડક પર રહેવા દીધું,

જેથી એ માટીથી ઢાંકવામાં ન આવે.’+

૯ “વિશ્વના માલિક યહોવા કહે છે:

‘ખૂની શહેરને અફસોસ!+

હું લાકડાંનો મોટો ઢગલો કરીશ.

૧૦ લાકડાંનો ઢગલો કરો અને આગ ચાંપો.

માંસને બરાબર બાફો, રસો બહાર રેડી દો અને હાડકાં પણ ઓગાળી નાખો.

૧૧ ખાલી દેગને તપાવવા અંગારા પર મૂકો,

એટલે એનું તાંબું તપી તપીને લાલ થઈ જશે.

એની ગંદકી ઓગળી જશે+ અને કાટ બળી જશે.

૧૨ કાટ એટલો જામેલો છે કે નીકળતો જ નથી.

એને કાઢતાં કાઢતાં હેરાન થઈ જવાય, થાકી જવાય.+

એ કટાયેલા દેગને જ આગમાં ફેંકી દો!’

૧૩ “‘તારી ગંદકી તારાં નીચ કામોને લીધે હતી.+ મેં તને સાફ કરવાની કોશિશ કરી, પણ તું તારી ગંદકીમાંથી બહાર આવ્યું નહિ. તારા પર મારો કોપ શમી ન જાય ત્યાં સુધી તું ચોખ્ખું થવાનું નથી.+ ૧૪ હું યહોવા પોતે એ બોલ્યો છું અને એ ચોક્કસ થશે. હું જરાય પીછેહઠ કરીશ નહિ. હું જરાય દયા રાખીશ નહિ કે અફસોસ* કરીશ નહિ.+ તેઓ તારાં માર્ગો અને કામો પ્રમાણે તને સજા કરશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૬ “હે માણસના દીકરા, તને ખૂબ વહાલી છે, તેને હું અચાનક તારી પાસેથી છીનવી લઈશ.+ તારે શોક પાળવો નહિ,* આંસુ વહાવવાં નહિ કે વિલાપ કરવો નહિ. ૧૭ તું ચૂપચાપ નિસાસો નાખજે. ગુજરી ગયેલા માટેના કોઈ રીતરિવાજ પાળતો નહિ.+ તારી પાઘડી બાંધજે+ અને ચંપલ પહેરજે.+ તું મોં* ઢાંકતો નહિ+ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાતો નહિ.”+

૧૮ મેં સવારે લોકો સાથે વાત કરી અને સાંજે તો મારી પત્ની ગુજરી ગઈ. બીજા દિવસે સવારે મેં એવું જ કર્યું, જેવું મને કહેવામાં આવ્યું હતું. ૧૯ લોકો મને પૂછતા: “કહે તો ખરો, તું આમ કેમ કરે છે? એનો શું અર્થ થાય?” ૨૦ મેં કહ્યું, “યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો છે: ૨૧ ‘ઇઝરાયેલના લોકોને જણાવ, “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારું મંદિર અશુદ્ધ કરવાનો છું.+ એ મંદિર જેના પર તમને બહુ ગર્વ છે, જે તમને બહુ વહાલું છે અને જે તમારાં દિલમાં વસે છે. તમારાં જે દીકરા-દીકરીઓ તમારી સાથે નથી આવ્યાં, તેઓ તલવારથી માર્યાં જશે.+ ૨૨ આવું થશે ત્યારે તમારે પણ હઝકિયેલની જેમ કરવું પડશે. તમે મોં* ઢાંકશો નહિ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાશો નહિ.+ ૨૩ તમારે માથે પાઘડી બાંધેલી હશે અને પગમાં ચંપલ પહેરેલાં હશે. તમે શોક કે વિલાપ કરશો નહિ. તમે તમારાં પાપમાં ઝૂરી ઝૂરીને મરશો+ અને એકબીજા આગળ નિસાસા નાખશો. ૨૪ હઝકિયેલ તમારા માટે નિશાની છે.+ તેણે જેવું કર્યું છે એવું તમે પણ કરશો. એમ થાય ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.’”’”

૨૫ “હે માણસના દીકરા, હું તેઓ પાસેથી તેઓનો ગઢ લઈ લઈશ. એ ગઢ જે તેઓને મન ખૂબસૂરત છે, જેનાથી તેઓને ખુશી મળે છે, જે તેઓને બહુ વહાલો છે, જે તેઓનાં દિલમાં વસે છે. હું તેઓનાં દીકરા-દીકરીઓ પણ લઈ લઈશ.+ જે દિવસે એમ થશે, ૨૬ એ દિવસે બચી જનાર એક માણસ તને એની ખબર આપશે.+ ૨૭ એ દિવસે તું તારું મોં ખોલીશ અને બચી ગયેલા એ માણસ સાથે વાત કરીશ. તું મૂંગો રહીશ નહિ.+ તું તેઓ માટે નિશાની બનીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”

૨૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં આમ્મોનીઓ+ તરફ ફેરવીને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩ તું આમ્મોનીઓને કહે કે ‘વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો. વિશ્વના માલિક યહોવા કહે છે: “જ્યારે મારું મંદિર અશુદ્ધ થયું, ઇઝરાયેલ દેશ બરબાદ થયો અને યહૂદાના લોકો ગુલામીમાં ગયા, ત્યારે તમે કહ્યું, ‘બહુ સારું થયું!’ ૪ એટલે હું તમને પૂર્વના લોકોના હાથમાં સોંપી દઉં છું. તેઓ તમારા પર કબજો જમાવશે. તેઓ તમારામાં છાવણીઓ* નાખશે અને તમારી વચ્ચે તંબુઓ બાંધશે. તેઓ તમારા દેશની ઊપજ ખાશે અને ઢોરઢાંકનું દૂધ પીશે. ૫ હું રાબ્બાહને+ ઊંટો ચરાવવાની જગ્યા અને આમ્મોનીઓના દેશને ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનાવી દઈશ. પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તાળીઓ પાડી+ અને આનંદથી ઝૂમી ઊઠ્યા.* આ રીતે તમે ઇઝરાયેલ દેશની મજાક ઉડાવી અને ખુશ થયા.+ ૭ એટલે હું તમારી વિરુદ્ધ હાથ લંબાવીને તમને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું લોકોમાંથી તમારું નામનિશાન મિટાવી દઈશ અને દેશોમાંથી તમારો સફાયો કરી નાખીશ.+ હું તમારો વિનાશ કરીશ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૮ “વિશ્વના માલિક યહોવા જણાવે છે: ‘મોઆબ+ અને સેઈર+ કહે છે કે “જુઓ! યહૂદાના લોકો બીજી બધી પ્રજાઓ જેવા છે.” ૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ. ૧૦ હું મોઆબીઓને પણ આમ્મોનીઓની સાથે સાથે પૂર્વના લોકોના હાથમાં સોંપી દઈશ+ અને એ લોકો તેઓ પર કબજો જમાવશે. પછી બીજી પ્રજાઓમાં આમ્મોનીઓને યાદ કરવામાં આવશે નહિ.+ ૧૧ હું મોઆબનો ન્યાય કરીશ અને તેને સજા કરીશ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૧૨ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અદોમે યહૂદાના લોકો પર વેર વાળ્યું છે અને એમ કરીને એણે મોટો ગુનો કર્યો છે.+ ૧૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ અદોમ વિરુદ્ધ પણ લંબાવીશ. હું એના બધા માણસો અને ઢોરઢાંકનો સંહાર કરીશ. હું એને ઉજ્જડ બનાવી દઈશ.+ તેમાનથી છેક દદાન સુધી તેઓ તલવારથી માર્યા જશે.+ ૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’

૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘પલિસ્તીઓનાં દિલમાં નફરતની આગ સળગે છે. તેઓ દુશ્મની રાખીને વેર વાળવાનાં અને વિનાશ લાવવાનાં કાવતરાં ઘડે છે.+ ૧૬ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ લંબાવું છું.+ હું કરેથીઓનું નામનિશાન મિટાવી દઈશ.+ દરિયા કિનારે રહેતા બાકીના લોકોનો હું સફાયો કરી નાખીશ.+ ૧૭ હું તેઓને આકરી સજા કરીને ભારે વેર વાળીશ. હું તેઓ પર વેર વાળીશ ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”

૨૬ હવે ૧૧મા વર્ષે,* મહિનાના પહેલા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તૂરે યરૂશાલેમ વિરુદ્ધ કહ્યું છે,+ ‘બહુ સારું થયું! જે શહેર લોકોના દરવાજા જેવું હતું, એ પડી ભાંગ્યું છે!+ એ બરબાદ થઈ ગયું છે! હવે બધા લોકો મારી પાસે આવશે અને હું માલામાલ થઈ જઈશ.’ ૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ તૂર, હું તારી સામે ઊભો થયો છું. જેમ સમુદ્ર પોતાનાં મોજાં ઉછાળે છે, તેમ હું ઘણી પ્રજાઓને તારી વિરુદ્ધ લઈ આવીશ. ૪ તેઓ તૂરની દીવાલોના ભૂકા બોલાવી દેશે અને એના મિનારા તોડી પાડશે.+ હું એની માટી ખોતરી ખોતરીને ઉખેડી નાખીશ. હું એને ઉજ્જડ ખડક બનાવી દઈશ. ૫ દરિયાની વચ્ચે એ મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા બની જશે.’+

“વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું પોતે બોલ્યો છું કે પ્રજાઓ એને લૂંટી લેશે. ૬ એનાં ગામડાઓની વસ્તીનો* તલવારથી સંહાર થશે અને લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઉત્તર તરફથી બાબેલોનના નબૂખાદનેસ્સારને* તૂર વિરુદ્ધ લઈ આવું છું.+ તે રાજાઓનો રાજા છે,+ જેની પાસે ઘોડા,+ રથો,+ ઘોડેસવારો અને પુષ્કળ સૈનિકોનું લશ્કર છે. ૮ તે તારાં ગામડાઓની વસ્તીનો તલવારથી સંહાર કરશે. તે તારી આજુબાજુ ઘેરો નાખતી દીવાલો બાંધશે અને ઢોળાવો ઊભા કરશે. તે પોતાનો બચાવ કરવા અનેક ઢાલો લઈને આવશે. ૯ તે દીવાલ તોડવાના સાધનથી તારી દીવાલોના ભાંગીને ભૂકા કરી નાખશે અને કુહાડાઓથી* તારા મિનારા ભોંયભેગા કરી નાખશે. ૧૦ તેના ઘોડાઓ એટલા બધા હશે કે તેઓએ ઉડાવેલી ધૂળ તને ઢાંકી દેશે. તૂટી ગયેલા કોટવાળા શહેરમાં જેમ માણસો ઘૂસી જાય, તેમ તે તારા દરવાજાઓની અંદર ઘૂસી જશે. તેના ઘોડા અને રથોનાં પૈડાંના ગડગડાટથી તારી દીવાલો ધ્રૂજી ઊઠશે. ૧૧ તેના ઘોડાઓની ખરીઓ તારી એકેએક શેરીઓ ખૂંદી નાખશે.+ તે તારા લોકોને તલવારથી મારી નાખશે અને તારા મોટા મોટા સ્તંભો જમીનદોસ્ત કરી નાખશે. ૧૨ તેઓ તારી બધી માલ-મિલકત લૂંટી લેશે, તારા વેપારની કમાણી છીનવી લેશે,+ તારી દીવાલો ભાંગી નાખશે અને સરસ મજાનાં ઘરો તોડી પાડશે. પછી તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી દરિયામાં નાખી દેશે.’

૧૩ “‘હું તારાં ગીતોનો અવાજ બંધ કરાવી દઈશ અને તારી વીણાની ધૂન હવેથી સંભળાશે નહિ.+ ૧૪ હું તને ઉજ્જડ ખડક બનાવી દઈશ અને તું મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા બની જઈશ.+ ફરી ક્યારેય તને બાંધવામાં નહિ આવે, કેમ કે હું યહોવા પોતે એ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૫ “વિશ્વના માલિક યહોવા તૂરને કહે છે: ‘તારી પડતીના અવાજથી, ઘાયલ થયેલાઓના નિસાસાથી અને તારામાં થતી કતલથી ટાપુઓ કાંપી ઊઠશે.+ ૧૬ દરિયાના બધા આગેવાનો* પોતાની રાજગાદીઓ પરથી ઊતરી આવશે. તેઓ પોતાનો ઝભ્ભો અને ભરત ભરેલાં કપડાં ઉતારી નાખશે. તેઓ ભયથી થરથર કાંપશે. તેઓ જમીન પર બેસી જશે, તેઓને ધ્રુજારી ચઢશે અને તને દંગ થઈને જોયા કરશે.+ ૧૭ તેઓ તારા વિશે વિલાપગીત* ગાશે+ અને તને કહેશે:

“ઓ જાણીતા શહેર, તારો કેવો વિનાશ થયો છે!+ દરિયાના લોકો તારા પર આવીને રહેતા હતા.

તું અને તારા લોકો દરિયા પર શક્તિશાળી હતા.+

ધરતીના લોકો પર તમારો ભય છવાયેલો હતો!

૧૮ તારી પડતીના દિવસે ટાપુઓ થરથર કાંપશે,

તારા વિનાશના સમયે દરિયાના ટાપુઓ દુઃખી દુઃખી થઈ જશે.”’+

૧૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું તને એવાં ઉજ્જડ શહેરો જેવું બનાવી દઈશ, જેઓમાં કોઈ રહેતું ન હોય. હું તારા પર ધસમસતા પાણી ફેરવી દઈશ અને તને ઊંડા પાણીમાં ડુબાડી દઈશ.+ ૨૦ હું જેમ બધાને કરું છું તેમ તને પણ કબરમાં* ઉતારી દઈશ. હું તને જૂના જમાનાના લોકો સાથે મેળવી દઈશ. હું તને ઊંડાણમાં મોકલી દઈશ, જે જૂના જમાનામાં ઉજ્જડ થઈ ગયેલી જગ્યાઓ જેવું છે. જેમ બધા લોકો કબરમાં જાય છે, તેમ હું તને પણ ત્યાં મોકલી દઈશ.+ તારામાં ફરી ક્યારેય વસ્તી નહિ થાય. પછી હું જીવતાઓના દેશમાં રોનક લાવીશ.*

૨૧ “‘હું તારા પર અચાનક આફત લઈ આવીશ અને તારું નામનિશાન નહિ રહે.+ લોકો તારી શોધ કરશે, પણ તું ફરી ક્યારેય નહિ મળે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૨૭ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તૂર વિશે વિલાપગીત* ગા.+ ૩ તૂરને કહે,

‘ઓ દરિયાના દરવાજે વસતા શહેર,

ઘણા ટાપુઓના લોકોના વેપારી,

વિશ્વના માલિક યહોવા કહે છે:

“ઓ તૂર, તું કહે છે કે ‘હું એકદમ સુંદર છું.’+

 ૪ તારા વિસ્તારો દરિયાની વચ્ચે આવેલા છે,

તારા બાંધનારાઓએ તને એકદમ સુંદર બનાવ્યું.

 ૫ વહાણની જેમ તારાં બધાં પાટિયાં સનીરના+ ગંધતરુનાં* લાકડાંનાં બનાવ્યાં.

તારો ધ્વજ-સ્તંભ લબાનોનના દેવદારનાં લાકડાંનો બનાવ્યો.

 ૬ તારાં હલેસાં બાશાનનાં ઘટાદાર વૃક્ષોથી* બનાવ્યાં.

તારી તૂતક સરુના ઝાડથી બનાવી, જેના પર કિત્તીમના ટાપુઓના+ હાથીદાંતની સજાવટ કરી.

 ૭ તારા સઢનું કાપડ ઇજિપ્તના રંગબેરંગી શણનું હતું.

તારી તૂતકના પડદા અલીશાહના ટાપુઓના+ ભૂરા દોરા અને જાંબુડિયા રંગના ઊનથી બનેલા હતા.

 ૮ હલેસાં મારનારાઓ સિદોન અને આર્વાદના+ હતા.

ઓ તૂર, તારા કુશળ માણસો તારા નાવિકો હતા.+

 ૯ ગેબાલના+ અનુભવી અને કુશળ કારીગરોએ તારી તિરાડો પૂરી.+

દરિયાનાં બધાં વહાણો અને ખલાસીઓ વેપાર-ધંધો કરવા તારી પાસે આવતાં.

૧૦ ઈરાન,* લૂદ અને પૂટના+ માણસો તારા લશ્કરમાં સૈનિકો હતા.

તેઓએ પોતાની ઢાલ અને પોતાના ટોપ તારા પર લટકાવ્યાં અને તારી શોભા વધારી.

૧૧ તારા લશ્કરમાં આર્વાદના માણસો હતા, જેઓ તારી દીવાલો પર ચારે બાજુ ઊભા હતા.

તારા બુરજો પર બહાદુર માણસો પહેરો ભરતા હતા.

તારી દીવાલો પર ચારે બાજુ ગોળ ઢાલો લટકાવીને

તેઓએ તને વધારે સુંદર બનાવ્યું.

૧૨ “‘“તારી પુષ્કળ ધનદોલતને લીધે તાર્શીશ+ તારી સાથે વેપાર કરતું.+ તે તારી પાસેથી માલ લઈને તને ચાંદી, લોઢું, કલાઈ અને સીસું આપતું.+ ૧૩ યાવાન, તુબાલ+ અને મેશેખ+ તારી સાથે વેપાર કરતા. તેઓ તારા માલના બદલામાં તને ગુલામો+ અને તાંબાની ચીજવસ્તુઓ આપતા. ૧૪ તોગાર્માહના લોકો+ ઘોડાઓ અને ખચ્ચરો આપીને તારો માલ લેતા. ૧૫ દદાનના લોકો+ તારી સાથે વેપાર કરતા. ઘણા ટાપુઓમાં વેપારીઓ તારા હાથ નીચે કામ કરતા. તેઓ કરવેરા તરીકે તને હાથીદાંત+ અને કીમતી કાળું લાકડું* આપતા. ૧૬ તારી પુષ્કળ ચીજવસ્તુઓને લીધે અદોમે તારી સાથે વેપાર કર્યો. તારા માલના બદલામાં તેણે તને નીલમ રત્ન, જાંબુડિયા રંગના ઊન, રંગબેરંગી ભરતકામ, કીમતી શણનું કાપડ, દરિયાના કીમતી પથ્થરો* અને માણેક આપ્યાં.

૧૭ “‘“યહૂદા અને ઇઝરાયેલ તારી સાથે વેપાર કરતા. તારા માલના બદલામાં+ તેઓ તને મિન્‍નીથના+ ઘઉં, સરસ મજાનો ખોરાક, મધ,+ તેલ અને સુગંધી દ્રવ્ય*+ આપતા.

૧૮ “‘“તારી પુષ્કળ ચીજવસ્તુઓ અને ધનદોલતને લીધે દમસ્ક+ તારી સાથે વેપાર કરતું. એના બદલામાં તે તને હેલ્બોનનો દારૂ અને સહારનું ઊન* આપતું. ૧૯ ઉઝાલના વેદાન અને યાવાન તારા માલના બદલામાં તને ઘડતરનું લોઢું, દાલચીની* અને સુગંધી બરુ* આપતા. ૨૦ સવારી માટે તને જીનનું કાપડ* આપીને દદાને+ તારી સાથે વેપાર કર્યો. ૨૧ તેં અરબી લોકો અને કેદારના બધા મુખીઓને કામે રાખ્યા.+ તેઓ ઘેટાનાં બચ્ચાં, નર ઘેટા અને બકરાના વેપારીઓ હતા.+ ૨૨ શેબા અને રાઅમાહના+ વેપારીઓએ તારી સાથે વેપાર કર્યો. તેઓ તારા માલના બદલામાં તને એકદમ સરસ અત્તર, કીમતી રત્નો અને સોનું આપતા.+ ૨૩ હારાન,+ કાન્‍નેહ, એદન,+ શેબાના વેપારીઓ,+ આશુર+ અને ખિલ્માદ તારી સાથે વેપાર કરતા. ૨૪ તારાં બજારોમાં તેઓ સુંદર કપડાં, ભૂરા કાપડના રંગબેરંગી ભરત ભરેલા ઝભ્ભા અને રંગીન શેતરંજીનો વેપાર કરતા. એ બધી ચીજવસ્તુઓ દોરડાંથી સારી રીતે બાંધીને લઈ આવતા.

૨૫ તાર્શીશનાં વહાણોનો+ કાફલો તારા માટે માલ લાવતો અને લઈ જતો.

એટલે તું દરિયાની વચ્ચે ધનદોલતથી ભરપૂર અને માલામાલ* હતું.

૨૬ પછી હલેસાં મારનારા તને દરિયામાં દૂર લઈ ગયા,

પૂર્વથી વાતા પવને દરિયા વચ્ચે તારા ભાંગીને ભૂકા કરી નાખ્યા.

૨૭ તારી ધનદોલત, તારી ચીજવસ્તુઓ, તારો માલ-સામાન, તારા ખલાસીઓ, તારા નાવિકો,

તારી તિરાડો પૂરનારા, તારા સામાનનો વેપાર કરનારા,+ તારા બધા સૈનિકો,+

એટલે કે તારું આખું ટોળું

તારી પડતીના દિવસે દરિયામાં ડૂબી મરશે.+

૨૮ તારા નાવિકોની ચીસો સાંભળીને દરિયા કિનારો કાંપી ઊઠશે.

૨૯ હલેસાં મારનારા, ખલાસીઓ અને નાવિકો,

બધા પોતાનાં વહાણોમાંથી ઊતરીને કિનારા પર ઊભા રહેશે.

૩૦ તેઓ જોરજોરથી બૂમો પાડશે અને તારા પર મોટે સાદે વિલાપ કરશે.+

તેઓ માથાં પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.

૩૧ તેઓ માથાં મૂંડાવશે અને કંતાન પહેરશે.

તેઓ મોટા સાદે રડશે અને હૈયાફાટ વિલાપ કરશે.

૩૨ તેઓ તારા માટે શોક કરશે અને વિલાપગીત ગાશે:

‘તૂર શહેર જેવું કોણ છે, જે મધદરિયે શાંત થઈ ગયું છે?+

૩૩ દરિયાઈ માર્ગે તારી ચીજવસ્તુઓ આવતી અને લોકોમાં ખુશી છવાઈ જતી.+

તારી પુષ્કળ ધનદોલત અને તારા માલ-સામાનથી ધરતીના રાજાઓ માલામાલ થતા.+

૩૪ હવે દરિયામાં તારા ભાંગીને ભૂકા થઈ ગયા છે અને તું ઊંડા પાણીમાં ડૂબી ગયું છે.+

તારી સાથે બધો માલ અને બધા લોકો ડૂબી ગયા છે.+

૩૫ ટાપુઓના લોકોને આઘાત લાગશે અને તેઓ તને જોઈને દંગ રહી જશે.+

રાજાઓ ડરના માર્યા થરથર કાંપશે,+ તેઓના ચહેરા પર ભય છવાઈ જશે.

૩૬ તારી દશા જોઈને બીજી પ્રજાઓના વેપારીઓ નિસાસા નાખશે.*

તારો અંત અચાનક આવશે, જે ભયાનક હશે.

હંમેશ માટે તારો વિનાશ થઈ જશે.’”’”+

૨૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તૂરના આગેવાનને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“તું ઘમંડથી ફુલાઈ ગયો છે+ અને કહેતો ફરે છે કે ‘હું ભગવાન છું.

હું દરિયાની વચ્ચે ભગવાનની રાજગાદી પર બેઠો છું.’+

ભલે તું પોતાને ભગવાન માને,

પણ તું ભગવાન નહિ, મામૂલી માણસ છે.

 ૩ તું પોતાને દાનિયેલ કરતાં વધારે બુદ્ધિમાન સમજે છે.+

તને લાગે છે કે કોઈ રહસ્ય તારાથી છુપાયેલું નથી.

 ૪ તારી બુદ્ધિ અને સમજણથી તું ધનવાન બની બેઠો છે.

તું તારા ખજાનામાં સોના-ચાંદી વધાર્યા કરે છે.+

 ૫ કુશળતાથી વેપાર કરીને તેં ખૂબ ધનદોલત ભેગી કરી છે.+

તારી ધનદોલતને લીધે તારું દિલ ઘમંડથી ફુલાઈ ગયું છે.”’

૬ “‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“તું મનમાં ને મનમાં પોતાને ભગવાન માને છે.

 ૭ એટલે હું તારી સામે પરદેશીઓને, સૌથી જુલમી પ્રજાને લઈ આવીશ.+

તેં પોતાની બુદ્ધિથી મેળવેલી બધી સુંદર વસ્તુઓનો તેઓ તલવારથી વિનાશ કરશે.

તેઓ તારું ગૌરવ ધૂળભેગું કરીને તને ભ્રષ્ટ કરી નાખશે.+

 ૮ તેઓ તને કબરમાં* ઉતારી દેશે,

દરિયાની વચ્ચે તું એકદમ ક્રૂર રીતે માર્યો જઈશ.+

 ૯ શું તું પોતાના ખૂનીને હજી કહીશ કે ‘હું ભગવાન છું’?

તને ભ્રષ્ટ કરનારના હાથમાં તું કોઈ ભગવાન નહિ, મામૂલી માણસ હોઈશ.”’

૧૦ ‘તું પરદેશીઓના હાથે સુન્‍નત* વગરના માણસોની જેમ માર્યો જઈશ.

હું પોતે એ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૨ “હે માણસના દીકરા, તૂરના રાજા વિશે વિલાપગીત* ગા અને તેને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“તું સંપૂર્ણ હતો,

તું ઘણો બુદ્ધિશાળી+ અને સુંદર હતો.+

૧૩ તું ઈશ્વરના એદન બાગમાં હતો.

તને કીમતી રત્નોથી, હા, માણેક, પોખરાજ, યાસપિસ,

તૃણમણિ, ગોમેદ,* મરકત, નીલમ, પીરોજ+ અને લીલમથી શણગારવામાં આવ્યો હતો.

એ બધાંને સોનાનાં ઘરેણાંમાં જડવામાં આવ્યાં હતાં.

તને બનાવવામાં આવ્યો એ દિવસે એ બધાંને તૈયાર કરવામાં આવ્યાં હતાં.

૧૪ મેં તારો અભિષેક* કરીને તને રક્ષા કરનાર કરૂબ તરીકે પસંદ કર્યો હતો.

તું ઈશ્વરના પવિત્ર પર્વત પર હતો+ અને અગ્‍નિના પથ્થરો વચ્ચે ચાલતો હતો.

૧૫ તને બનાવવામાં આવ્યો એ દિવસથી તારામાં બૂરાઈ પેદા થઈ ત્યાં સુધી,

તારા વર્તનમાં કોઈ ખરાબી ન હતી.+

૧૬ પણ તારા પુષ્કળ વેપારને લીધે+

તું જુલમી બની ગયો અને પાપ કરવા લાગ્યો.+

એટલે હું તને અશુદ્ધ ગણીને ઈશ્વરના પર્વત પરથી કાઢી મૂકીશ અને તારો નાશ કરીશ.+

ઓ રક્ષા કરનાર કરૂબ, હું તને સળગતા પથ્થરોથી દૂર હાંકી કાઢીશ.

૧૭ તારી સુંદરતાને લીધે તું ઘમંડથી ફુલાઈ ગયો,+

તારા ગૌરવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી.+

હું તને ભોંયભેગો કરી દઈશ.+

તારી એવી દશા કરીશ કે રાજાઓ છક થઈ જશે.

૧૮ મોટાં મોટાં પાપ કરીને અને બેઈમાનીથી વેપાર કરીને, તેં તારી પવિત્ર જગ્યાઓ અશુદ્ધ કરી છે.

હું તારામાં આગ ભડકાવીશ અને એ તને ભસ્મ કરી નાખશે.+

તને જોનારાઓની નજર આગળ હું તને પૃથ્વી પર રાખ કરી દઈશ.

૧૯ તને ઓળખતા લોકોને આઘાત લાગશે અને તેઓ તને ટગર-ટગર જોઈ રહેશે.+

તારો અંત અચાનક આવશે, જે ભયાનક હશે.

તારો વિનાશ હંમેશ માટે થઈ જશે.”’”+

૨૦ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૧ “હે માણસના દીકરા, તારું મોં સિદોન તરફ ફેરવ+ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ૨૨ તારે જણાવવું, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“હે સિદોન, હું તારી વિરુદ્ધ છું અને તારા જે હાલ કરીશ એનાથી મારો મહિમા થશે.

હું તને સજા કરીશ અને બતાવી આપીશ કે હું પવિત્ર ઈશ્વર છું ત્યારે લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.

૨૩ હું તારામાં રોગચાળો મોકલીશ અને તારી ગલીઓમાં લોહી વહેશે.

તારા પર ચારે બાજુથી તલવારનો હુમલો થશે અને તારા લોકોની કતલ થશે.

તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+

૨૪ “‘“પછી જે પ્રજાઓ ઇઝરાયેલના લોકોની આસપાસ રહે છે અને મહેણાં મારે છે, તેઓ ઝાડી-ઝાંખરાં અને કાંટાઓની જેમ ભોંકાશે નહિ.+ લોકોએ સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.”’

૨૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલના લોકો જે પ્રજાઓમાં વિખેરાઈ ગયા છે, એમાંથી હું તેઓને ફરીથી ભેગા કરીશ.+ તેઓને લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ.+ તેઓ પોતાના દેશમાં રહેશે,+ જે મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો.+ ૨૬ તેઓ સુખ-શાંતિથી એમાં રહેશે.+ તેઓ ઘરો બાંધશે અને દ્રાક્ષાવાડીઓ રોપશે.+ આસપાસની જે પ્રજાઓ તેઓની મજાક ઉડાવે છે, એ પ્રજાઓને હું સજા કરીશ.+ પછી ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેશે અને તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું.”’”

૨૯ દસમા વર્ષનો* દસમો મહિનો હતો. એ મહિનાના ૧૨મા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં ઇજિપ્તના રાજા ફારુન* તરફ ફેરવીને તેની વિરુદ્ધ અને આખા ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩ તું જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“ઓ ઇજિપ્તના રાજા ફારુન,* હું તારી વિરુદ્ધ છું.+

ઓ નાઈલનાં* ઝરણાઓમાં પડી રહેનાર દરિયાના મોટા પ્રાણી,+

તું કહે છે: ‘નાઈલ નદી તો મારી છે.

મેં પોતાના માટે એને બનાવી છે.’+

 ૪ પણ હું તારાં જડબાંમાં આંકડાઓ નાખીશ અને તારાં ભીંગડાં પર નાઈલની માછલીઓ ચોંટી રહે એમ કરીશ.

હું તારાં ભીંગડાં પર ચોંટેલી બધી માછલીઓ સાથે તને નાઈલમાંથી બહાર ખેંચી કાઢીશ.

 ૫ હું તને અને નાઈલની બધી માછલીઓને રણમાં ફેંકી દઈશ.

તું ઉજ્જડ ભૂમિ પર પડી રહીશ અને કોઈ તને દફનાવશે નહિ.+

હું તને પૃથ્વીનાં જંગલી પ્રાણીઓનો અને આકાશનાં પક્ષીઓનો ખોરાક બનાવી દઈશ.+

 ૬ ઇજિપ્તના બધા લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.

ઇઝરાયેલી લોકો માટે તેઓનો ટેકો બરુ* જેવો સાબિત થયો.+

 ૭ ઇઝરાયેલી લોકોએ તારો હાથ પકડ્યો અને તું ભાંગી ગયો.

તેં તેઓનો ખભો ચીરી નાખ્યો.

તેઓએ તારા પર આધાર રાખ્યો ત્યારે તું ભાંગી પડ્યો.

તેં તેઓના પગને ઠોકર ખવડાવી.”+

૮ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું તારી વિરુદ્ધ તલવાર લાવીશ.+ હું તારામાંથી માણસો અને જાનવરોનો સંહાર કરીશ. ૯ ઇજિપ્ત દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે.+ એના લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું, કેમ કે તું* બોલ્યો હતો: ‘નાઈલ નદી તો મારી છે. મેં એને બનાવી છે.’+ ૧૦ એટલે હું તારી વિરુદ્ધ અને નાઈલ નદી વિરુદ્ધ છું. હું ઇજિપ્ત દેશને બરબાદ કરી નાખીશ, એને વેરાન કરી નાખીશ.+ હું એને મિગ્દોલથી+ લઈને સૈયેને+ અને ઇથિયોપિયાની સરહદ સુધી ઉજ્જડ બનાવી દઈશ. ૧૧ એમાંથી મનુષ્ય કે ઢોરઢાંક પસાર થશે નહિ,+ ૪૦ વર્ષ સુધી એમાં કોઈ રહેશે નહિ. ૧૨ હું ઇજિપ્તને બીજા દેશો કરતાં એકદમ ઉજ્જડ કરી નાખીશ. ૪૦ વર્ષ સુધી હું એનાં શહેરોને બીજાં શહેરો કરતાં સાવ ઉજ્જડ કરી નાખીશ.+ ઇજિપ્તના લોકોને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.”+

૧૩ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇજિપ્તના લોકો જ્યાં વિખેરાઈ ગયા હતા, ત્યાંથી ૪૦ વર્ષ પછી હું તેઓને પાછા ભેગા કરીશ.+ ૧૪ હું ઇજિપ્તના લોકોને ગુલામીમાંથી પાછા તેઓના વતન પાથ્રોસ લાવીશ.+ ત્યાં તેઓનું રાજ્ય સાવ મામૂલી બની રહેશે. ૧૫ ઇજિપ્ત બીજાં રાજ્યો કરતાં એટલું નાનું બની જશે કે બીજી પ્રજાઓ પર સત્તા ચલાવી નહિ શકે.+ હું એને એટલું નાનું રાજ્ય બનાવી દઈશ કે બીજી પ્રજાઓ પર રાજ નહિ કરી શકે.+ ૧૬ ઇઝરાયેલના લોકો તેઓ પર ભરોસો રાખવાની ભૂલ ક્યારેય નહિ કરે.+ તેઓને વારંવાર યાદ આવશે કે ઇજિપ્તની મદદ લઈને પોતે કેવી મૂર્ખામી કરી હતી! તેઓએ સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.”’”

૧૭ પછી ૨૭મા વર્ષે,* પહેલા મહિનાના પહેલા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮ “હે માણસના દીકરા, તૂર+ પર હુમલો કરવા બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે*+ પોતાના સૈન્ય પાસે સખત મહેનત કરાવી હતી. દરેકના માથે ટાલ પડી ગઈ હતી અને ખભા છોલાઈ ગયા હતા. તૂર માટે તેણે જે મહેનત કરી હતી, એના બદલામાં તેને અને તેના સૈન્યને કંઈ મજૂરી મળી ન હતી.

૧૯ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને* ઇજિપ્ત દેશ આપું છું.+ તે એની બધી ધનદોલત લૂંટી લેશે અને પોતાની સાથે લઈ જશે. તેના સૈન્યને એ મજૂરી તરીકે મળશે.’

૨૦ “‘તેણે તૂર સામે લડવા જે મહેનત કરી, એની મજૂરી તરીકે હું તેને ઇજિપ્ત દેશ આપી દઈશ, કેમ કે તેણે મારા માટે કામ કર્યું છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૨૧ “એ દિવસે હું ઇઝરાયેલના લોકો માટે એક શક્તિશાળી માણસ ઊભો કરીશ.*+ હું તને* તેઓ વચ્ચે બોલવાનો મોકો આપીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”

૩૦ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે:

“‘અફસોસ! એ દિવસ આવે છે!’ પોક મૂકીને રડો!

 ૩ એ દિવસ પાસે છે, હા, યહોવાનો દિવસ પાસે છે.+

એ વાદળોથી ઘેરાયેલો દિવસ હશે,+ પ્રજાઓ માટે નક્કી કરેલો સમય હશે.+

 ૪ ઇજિપ્ત વિરુદ્ધ તલવાર આવશે અને ત્યાં લોકોની કતલ થશે ત્યારે, ઇથિયોપિયા થરથર કાંપશે.

એની ધનદોલત લૂંટાઈ ગઈ છે અને એના પાયા તોડી પાડવામાં આવ્યા છે.+

 ૫ ઇથિયોપિયા,+ પૂટ,+ લૂદ અને એમાં ભળી ગયેલા લોકો,*

કૂબ અને એની સાથે કરારના દેશના દીકરાઓ*

તલવારથી માર્યા જશે.”’

 ૬ યહોવા કહે છે:

‘ઇજિપ્તને સાથ આપનારા માર્યા જશે,

એની ઘમંડી સત્તાનો અંત આવશે.’+

“‘મિગ્દોલથી+ સૈયેને+ સુધીના લોકોનો તલવારથી સંહાર થશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૭ ‘બીજા દેશો કરતાં તેઓને એકદમ ઉજ્જડ કરી નાખવામાં આવશે. એનાં શહેરો બીજાં શહેરો કરતાં સાવ ઉજ્જડ કરી નાખવામાં આવશે.+ ૮ જ્યારે હું ઇજિપ્તને આગ ચાંપીશ અને એને સાથ આપનારા બધાનો નાશ કરીશ, ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૯ એ દિવસે હું સંદેશો લઈ જનારાઓને વહાણોમાં મોકલીશ અને અભિમાની ઇથિયોપિયા થથરી ઊઠશે. એ દિવસે તેઓ પર ભય છવાઈ જશે, કેમ કે ઇજિપ્ત પર એ દિવસ ચોક્કસ આવી પડશે.’

૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથે ઇજિપ્તના લોકોનો સફાયો કરી નાખીશ.+ ૧૧ તે અને તેનું લશ્કર બીજી પ્રજાઓ કરતાં એકદમ ક્રૂર છે.+ તે આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે. તેઓ ઇજિપ્ત વિરુદ્ધ તલવાર ઉગામશે અને કતલ થયેલા લોકોથી દેશને ભરી દેશે.+ ૧૨ હું નાઈલની+ નહેરોને સૂકવી નાખીશ અને દેશને દુષ્ટ માણસોના હાથમાં સોંપી* દઈશ. હું પરદેશીઓના હાથે દેશ અને એમાંનું બધું ખતમ કરી નાખીશ.+ હું યહોવા પોતે એ બોલ્યો છું.’

૧૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ધિક્કાર થાય એવી મૂર્તિઓનો* હું ભૂકો બોલાવી દઈશ. નોફના* નકામા દેવોને ખતમ કરી નાખીશ.+ પછી ઇજિપ્ત દેશમાં કોઈ આગેવાન* નહિ હોય અને હું આખા ઇજિપ્તમાં ભય ફેલાવી દઈશ.+ ૧૪ હું પાથ્રોસનો વિનાશ કરીશ,+ સોઆનને આગ ચાંપીશ અને નો* શહેરને સજા કરીશ.+ ૧૫ ઇજિપ્તના ગઢ જેવા સીન શહેર પર હું મારો કોપ રેડી દઈશ અને નો શહેરની વસ્તીને ખતમ કરી નાખીશ. ૧૬ હું ઇજિપ્તમાં આગ ચાંપીશ. સીન પર ભય છવાઈ જશે અને નો શહેરમાં લશ્કર ઘૂસી જશે. નોફ* પર ધોળે દિવસે હુમલો કરવામાં આવશે. ૧૭ ઓન* અને પી-બેસેથના યુવાનો તલવારથી માર્યા જશે અને એ શહેરો ગુલામીમાં જશે. ૧૮ જ્યારે હું તાહપાન્હેસમાં ઇજિપ્તે મૂકેલાં બંધનો તોડી નાખીશ ત્યારે ત્યાં અંધારું થશે.+ એની* ઘમંડી સત્તાનો અંત આવશે,+ એના પર અંધારું છવાઈ જશે અને એનાં ગામડાં ગુલામીમાં જશે.+ ૧૯ હું ઇજિપ્તને સજા કરીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”

૨૦ પછી ૧૧મા વર્ષે,* પહેલા મહિનાના સાતમા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૧ “હે માણસના દીકરા, મેં ઇજિપ્તના રાજા ફારુનનો* હાથ ભાંગી નાખ્યો છે. એની કોઈ સારવાર નહિ થાય કે એને પાટો બાંધવામાં નહિ આવે. તેનો હાથ સાજો નહિ થાય અને તલવાર ઉપાડવા જેટલો બળવાન નહિ બને.”

૨૨ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઇજિપ્તના રાજા ફારુનની* વિરુદ્ધ છું.+ હું તેના બંને હાથ, એટલે કે ભાંગેલો હાથ અને સાજો હાથ તોડી નાખીશ.+ હું તેના હાથમાંની તલવાર નીચે પાડી નાખીશ.+ ૨૩ હું ઇજિપ્તના લોકોને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ ૨૪ હું બાબેલોનના રાજાના હાથ બળવાન કરીશ+ અને મારી તલવાર તેના હાથમાં આપીશ.+ હું ફારુનના હાથ ભાંગી નાખીશ. રાજાની* આગળ મરવા પડેલા માણસની જેમ તે જોરજોરથી બૂમો પાડશે. ૨૫ હું બાબેલોનના રાજાના હાથ બળવાન કરીશ, પણ ઇજિપ્તના રાજાના હાથ ઢીલા પડી જશે. હું મારી તલવાર બાબેલોનના રાજાના હાથમાં આપીશ અને તે એને ઇજિપ્ત દેશ પર વીંઝશે.+ પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૨૬ હું ઇજિપ્તના લોકોને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”

૩૧ હવે ૧૧મા વર્ષનો* ત્રીજો મહિનો હતો. એ મહિનાના પહેલા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇજિપ્તના રાજા ફારુનને* અને તેના લોકોને જણાવ,+

‘તારા જેવું મહાન કોણ છે?

 ૩ તું એક આશ્શૂરી જેવો, લબાનોનના દેવદાર વૃક્ષ જેવો છે.

એ ઘણું ઊંચું હતું, એની સુંદર ઘટાદાર ડાળીઓ છાયો આપતી હતી.

એની ટોચ વાદળો સુધી પહોંચતી હતી.

 ૪ પાણીના ઊંડા ઝરાઓએ એને ઊંચું કર્યું, પાણીને લીધે એ ફૂલ્યું-ફાલ્યું.

એ રોપાયું હતું એની આસપાસ ઘણાં ઝરણાં હતાં.

એના વહેળાઓએ જંગલનાં બધાં વૃક્ષોને પાણી પાયું.

 ૫ એ વૃક્ષ જંગલનાં બીજાં બધાં વૃક્ષો કરતાં ઊંચું ને ઊંચું થતું ગયું.

ઝરણાંના પુષ્કળ પાણીને લીધે એને નવી નવી ડાળીઓ ફૂટી નીકળી

અને એ લાંબી ને લાંબી થતી ગઈ.

 ૬ એની ડાળીઓમાં આકાશનાં બધાં પક્ષીઓ માળો બાંધતાં,

બધાં જંગલી જાનવરો એની ડાળીઓ નીચે બચ્ચાઓને જન્મ આપતાં,

બધી પ્રજાના લોકો એની છાયામાં રહેતા.

 ૭ એ બહુ જ સુંદર હતું અને એની ડાળીઓ લાંબી લાંબી હતી,

કેમ કે એનાં મૂળ પુષ્કળ પાણીમાં ફેલાયેલાં હતાં.

 ૮ ઈશ્વરના બાગમાં+ એના જેવું બીજું કોઈ દેવદારનું ઝાડ ન હતું.

કોઈ ગંધતરુના* ઝાડની ડાળીઓ એની ડાળીઓ જેવી ન હતી.

કોઈ ચિનાર વૃક્ષની ડાળીઓ એની બરાબરી કરી શકે એમ ન હતી.

ઈશ્વરના બાગમાં કોઈ ઝાડ એના જેવું સુંદર ન હતું.

 ૯ મેં એને પુષ્કળ પાંદડાંથી સુંદર અને ઘટાદાર બનાવ્યું.

સાચા ઈશ્વરના* એદન બાગનાં બધાં વૃક્ષો એની અદેખાઈ કરતાં હતાં.’

૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ* એટલું ઊંચું થયું કે એની ટોચ વાદળોમાં પહોંચી ગઈ. એની ઊંચાઈને લીધે એ ખૂબ ઘમંડી બની ગયું. ૧૧ એટલે હું એને પ્રજાઓના શક્તિશાળી શાસકના હાથમાં સોંપી દઈશ.+ તે એની સામે ઊભો થશે. એની દુષ્ટતાને લીધે હું એને ત્યજી દઈશ. ૧૨ સૌથી જુલમી પરદેશી પ્રજા એને કાપી નાખશે. તેઓ એને પર્વતો પર પડ્યું રહેવા દેશે. એનાં પાંદડાં ખીણોમાં ખરી પડશે અને ડાળીઓ તૂટીને ઝરણાંમાં પડશે.+ એની છાયામાં રહેનારા ધરતીના બધા લોકો એને છોડીને જતા રહેશે. ૧૩ એના કપાયેલા થડ પર આકાશનાં બધાં પક્ષીઓ રહેશે. એની કપાયેલી ડાળીઓમાં બધાં જંગલી જાનવરો વસશે.+ ૧૪ પછી પાણી પાસેનું કોઈ પણ ઝાડ ફરી ક્યારેય એટલું ઊંચું નહિ વધે અથવા એની ટોચ વાદળો સુધી નહિ પહોંચે. પાણી પાસે ઊગતું કોઈ પણ ઝાડ ઊંચે વાદળોને નહિ અડકે. એ બધાંનો નાશ કરવામાં આવશે અને તેઓ નીચે ભૂમિમાં ઊતરી જશે. તેઓ મનુષ્યોની જેમ કબરમાં* જશે.’

૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ કબરમાં* ઊતરી જશે, એ દિવસે હું શોક પાળવાનું કહીશ. હું ઊંડા પાણી ઢાંકી દઈશ અને ઝરણાં રોકી રાખીશ, જેથી ખળખળ વહેતું પાણી અટકી જાય. એ વૃક્ષના લીધે હું લબાનોનમાં અંધકાર ફેલાવી દઈશ. જંગલનાં બધાં વૃક્ષો સુકાઈ જશે. ૧૬ એના પડવાના અવાજથી હું પ્રજાઓને કંપાવી નાખીશ. જેઓ કબરમાં* જાય છે તેઓ સાથે હું એને પણ કબરમાં* મોકલી દઈશ. પુષ્કળ પાણી પીનારાં એદનનાં બધાં વૃક્ષોને,+ લબાનોનનાં સૌથી સારાં વૃક્ષોને નીચે ભૂમિમાં દિલાસો મળશે. ૧૭ તેઓ તેની સાથે અને તલવારથી કતલ થયેલાઓની સાથે કબરમાં* ઊતરી ગયા છે.+ તેને ટેકો આપનારા અને પ્રજાઓમાં તેની છાયા નીચે રહેનારા બધા તેની સાથે છે.’+

૧૮ “‘એદનનાં બધાં વૃક્ષોમાંથી તારા જેવું ગૌરવ કોનું છે? કોણ તારા જેટલું મહાન છે?+ પણ તને એદનનાં વૃક્ષો સાથે ચોક્કસ પાડી નાખવામાં આવશે અને જમીનમાં ઉતારી દેવામાં આવશે. તું સુન્‍નત વગરના લોકો વચ્ચે, તલવારથી કતલ થયેલા લોકો વચ્ચે પડી રહીશ. ઇજિપ્તના રાજા અને તેના બધા લોકોની એવી દશા થશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૩૨ હવે ૧૨મા વર્ષનો* ૧૨મો મહિનો હતો. એ મહિનાના પહેલા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇજિપ્તના રાજા ફારુન* વિશે વિલાપગીત* ગા:

‘તું પ્રજાઓમાં શક્તિશાળી સિંહ જેવો હતો.

પણ તને ચૂપ કરી દેવામાં આવ્યો છે.

તું દરિયાના મોટા પ્રાણી જેવો હતો+ અને તારી નદીઓમાં કૂદાકૂદ કરતો હતો.

તું તારા પગથી પાણી ડહોળી નાખતો અને નદીઓ ગંદી કરતો હતો.’

 ૩ વિશ્વના માલિક યહોવા કહે છે:

‘ઘણી પ્રજાઓનાં ટોળાઓ દ્વારા હું મારી જાળ તારા પર નાખીશ.

તને જાળમાં ફસાવીને તેઓ બહાર ખેંચી લાવશે.

 ૪ હું તને જમીન પર પડતો મૂકીશ.

હું તને ખુલ્લા મેદાનમાં ફેંકી દઈશ.

આકાશનાં બધાં પક્ષીઓને હું તારા પર બેસવાં દઈશ.

આખી ધરતીનાં જંગલી જાનવરો તારાથી ધરાશે.+

 ૫ હું તારું માંસ પર્વતો પર ફેંકી દઈશ

અને તારી લાશના ટુકડાઓથી ખીણો ભરી દઈશ.+

 ૬ તારા લોહીની ફૂટી નીકળેલી ધારાથી હું છેક પર્વતો સુધીની જમીન તરબોળ કરી દઈશ

અને ઝરણાં એનાથી ભરાઈ જશે.’

 ૭ ‘તું ખતમ થઈ જઈશ ત્યારે, હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓમાં અંધકાર ફેલાવી દઈશ.

સૂરજને હું વાદળોથી ઢાંકી દઈશ

અને ચંદ્ર પોતાનું અજવાળું ફેલાવશે નહિ.+

 ૮ તારા લીધે હું આકાશમાં ઝગમગતી બધી જ્યોતિઓ હોલવી નાખીશ.

તારા દેશ પર હું અંધકાર પાથરી દઈશ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

 ૯ ‘ગુલામ થયેલા તારા લોકોને હું બીજી પ્રજાઓમાં, જે દેશો વિશે તું જાણતો નથી ત્યાં લઈ જઈશ.+

હું ઘણા લોકોનાં દિલમાં ભય ફેલાવી દઈશ.

૧૦ હું ઘણા લોકોને દંગ કરી નાખીશ.

તેઓના રાજાઓના દેખતા હું તારા પર તલવાર વીંઝીશ ત્યારે, તેઓ ડરના માર્યા કાંપી ઊઠશે.

તેઓને પોતાનો જીવ વહાલો હોવાથી,

તારી પડતીના દિવસે તેઓ થરથર કાંપશે.’

૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે:

‘બાબેલોનના રાજાની તલવાર તારા પર આવી પડશે.+

૧૨ હું શૂરવીર યોદ્ધાઓની તલવારોથી તારાં ટોળાઓની કતલ કરીશ.

તેઓ બધા બીજી પ્રજાઓ કરતાં એકદમ ક્રૂર છે.+

તેઓ ઇજિપ્તનું ઘમંડ ઉતારી નાખશે અને એના લોકોનો સફાયો કરી નાખશે.+

૧૩ એના પુષ્કળ પાણી પાસે ચરતાં બધાં ઢોરઢાંકનો હું નાશ કરીશ.+

હવેથી કોઈ માણસનો પગ કે ઢોરઢાંકની ખરી એ પાણી ડહોળી નાખશે નહિ.’+

૧૪ ‘એ સમયે હું પાણી ચોખ્ખું કરી નાખીશ.

હું નદીઓને તેલની જેમ આસાનીથી વહાવીશ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૫ ‘હું ઇજિપ્તને ઉજ્જડ અને વેરાન કરી નાખીશ, એવો દેશ જેનું બધું લૂંટાઈ ગયું હોય.+

હું એમાં રહેતા બધા લોકોનો સંહાર કરી નાખીશ.

એ વખતે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+

૧૬ લોકો આ વિલાપગીત ગાશે.

પ્રજાઓની દીકરીઓ પણ એ ગાશે.

તેઓ ઇજિપ્ત અને એનાં બધાં ટોળાઓ માટે વિલાપ કરીને ગાશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૭ પછી ૧૨મા વર્ષે,* મહિનાના ૧૫મા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૮ “હે માણસના દીકરા, ઇજિપ્તનાં ટોળાઓ માટે વિલાપ કર અને એને નીચે જમીનમાં ઉતારી દે. એ દેશને અને શક્તિશાળી પ્રજાઓની દીકરીઓને કબરમાં* જનારાઓ સાથે નીચે ઉતારી દે.

૧૯ “‘ઓ ઇજિપ્ત, શું તું બધા કરતાં સુંદર છે? જા, જઈને સુન્‍નત વગરના લોકો સાથે કબરમાં પોઢી જા!’

૨૦ “‘તેઓ તલવારથી કતલ થયેલા લોકો સાથે માર્યા જશે.+ ઇજિપ્તને તલવારને હવાલે કરવામાં આવ્યો છે. એ દેશને એનાં ટોળાઓ સાથે ઘસડી લઈ જાઓ.

૨૧ “‘કબરનાં* ઊંડાણોમાંથી શૂરવીર યોદ્ધાઓ ઇજિપ્તના રાજા અને એને મદદ કરનારાની સાથે બોલશે. તેઓ ચોક્કસ નીચે ઊતરી જશે અને સુન્‍નત વગરના લોકોની જેમ પડી રહેશે. તેઓને તલવારથી કતલ કરવામાં આવશે. ૨૨ એનાં ટોળાઓ સાથે આશ્શૂર પણ ત્યાં છે. એના રાજાની* ચારે બાજુ આશ્શૂરીઓની કબરો છે અને તેઓ બધા તલવારથી માર્યા ગયેલા છે.+ ૨૩ એની કબરો છેક નીચે ઊંડાણોમાં છે. એની કબરની ચારે બાજુ એનાં ટોળાઓ છે. તેઓ બધાં તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં.

૨૪ “‘એની કબરની આસપાસ એલામ+ અને એનાં ટોળાઓ પણ છે, જેઓ બધાં તલવારથી માર્યાં ગયેલાં છે. તેઓએ બદનામ થઈને* નીચે જમીનમાં ઊતરી જવું પડ્યું, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. હવે તેઓએ કબરમાં* જનારા લોકોની સાથે જવાનું અપમાન સહેવું પડશે. ૨૫ કતલ થયેલાઓની વચ્ચે તેઓએ એની* પથારી બિછાવી છે અને એની કબરોની ચારે બાજુ એનાં ટોળાઓ છે. તેઓ બધાં સુન્‍નત વગરનાં છે અને તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. તેઓએ કબરમાં* જનારા લોકોની સાથે જવાનું અપમાન સહેવું પડશે. તેને કતલ થયેલાઓ વચ્ચે મૂકવામાં આવ્યો છે.

૨૬ “‘ત્યાં મેશેખ, તુબાલ+ અને તેઓનાં ટોળાઓ પણ છે. તેઓની કબરો તેની* આસપાસ છે. તેઓ બધાં સુન્‍નત વગરનાં છે અને તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. ૨૭ શું તેઓએ માર્યા ગયેલા શૂરવીર યોદ્ધાઓ સાથે સૂવું નહિ પડે? તેઓ સુન્‍નત વગરના છે અને યુદ્ધનાં હથિયારો સાથે કબરમાં* ઊતરી ગયા છે. એ શૂરવીર યોદ્ધાઓ લોકોમાં આતંક ફેલાવતા હતા. લોકો તેઓનાં માથાં નીચે તેઓની તલવારો મૂકશે* અને તેઓનાં હાડકાં પર તેઓનાં પાપ મૂકશે. ૨૮ પણ તને* તો સુન્‍નત વગરના લોકોમાં કચડી નાખવામાં આવશે. તું તલવારથી કતલ થયેલાઓમાં પડી રહેશે.

૨૯ “‘અદોમ+ ત્યાં છે. એના રાજાઓ અને મુખીઓ પણ એની સાથે છે. શૂરવીર હોવા છતાં તેઓ તલવારથી કતલ થયેલાઓ સાથે પડ્યા છે. તેઓ પણ સુન્‍નત વગરના લોકો+ અને કબરમાં* ઊતરી જનારા લોકો સાથે સૂઈ જશે.

૩૦ “‘ત્યાં ઉત્તરના બધા આગેવાનો છે. તેઓની સાથે બધા સિદોનીઓ+ પણ છે, જેઓ પોતાની તાકાતથી આતંક ફેલાવતા હતા. પણ હવે તેઓ બદનામ થઈને કતલ થયેલા લોકો સાથે પડેલા છે. તેઓ સુન્‍નત વગરના છે અને તલવારથી કતલ થયેલાઓ વચ્ચે પડ્યા રહેશે. તેઓએ કબરમાં* જનારા લોકોની સાથે જવાનું અપમાન સહેવું પડશે.

૩૧ “‘ઇજિપ્તનો રાજા એ બધું જોશે અને તેની સાથે આવેલા સર્વ લોકોને જે થયું એમાં દિલાસો પામશે.+ ઇજિપ્તનો રાજા અને તેનું આખું લશ્કર તલવારથી કતલ થઈને પડશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૩૨ “‘ઇજિપ્તનો રાજા અને તેનાં ટોળાઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં. એટલે તેઓ સુન્‍નત વગરના લોકો અને તલવારથી કતલ થયેલા લોકોની જેમ માર્યાં જશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૩૩ યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારા લોકોના દીકરાઓ સાથે વાત કર+ અને કહે:

“‘માનો કે હું કોઈ દેશ પર હુમલો કરવા તલવાર લઈ આવું+ અને એ દેશના બધા લોકો એક માણસને પસંદ કરીને તેને ચોકીદાર બનાવે. ૩ ચોકીદાર દુશ્મનોને આવતા જુએ અને લોકોને ચેતવણી આપવા રણશિંગડું વગાડે.+ ૪ જો કોઈ માણસ રણશિંગડાનો અવાજ સાંભળે, પણ એની ચેતવણી ન માને+ અને દુશ્મનો આવીને તેને મારી નાખે, તો તેનું લોહી તેના માથે.+ ૫ એ માણસે રણશિંગડાનો અવાજ તો સાંભળ્યો, પણ એની ચેતવણી ન માની. તેનું લોહી તેના માથે આવશે. તેણે ચેતવણી માની હોત તો તેનો જીવ બચી ગયો હોત.

૬ “‘માનો કે ચોકીદાર દુશ્મનોને આવતા જુએ, પણ ચેતવણી આપવા રણશિંગડું ન વગાડે+ અને લોકોને કોઈ ચેતવણી ન મળે. જો દુશ્મનો આવીને કોઈનો જીવ લે, તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે. પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.’*+

૭ “હે માણસના દીકરા, મેં તને ઇઝરાયેલીઓ પર ચોકીદાર ઠરાવ્યો છે. તું મારી વાણી સાંભળે કે તરત તેઓને મારા તરફથી ચેતવણી આપજે.+ ૮ હું કોઈ દુષ્ટને કહું કે ‘ઓ દુષ્ટ માણસ, તું ચોક્કસ મરશે!’+ પણ જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી ન આપે, તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે.+ પણ તેના લોહીનો બદલો હું તારી પાસેથી માંગીશ. ૯ જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી આપે અને તે પોતાનાં દુષ્ટ કામો ન છોડે, તો પોતાના ગુનાને લીધે તે માર્યો જશે.+ પણ તું તારો જીવ ચોક્કસ બચાવશે.+

૧૦ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકોને કહે, ‘તમે કહો છો: “અમારાં માથે બંડ અને પાપોનો બોજ છે. અમે ઝૂરી ઝૂરીને મરીએ છીએ.+ તો પછી અમે કઈ રીતે જીવીશું?”’+ ૧૧ તેઓને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે દુષ્ટ માણસના મોતથી મને જરાય ખુશી થતી નથી.+ પણ તે દુષ્ટ કામો છોડીને+ જીવતો રહે+ તો મને ઘણી ખુશી થાય છે. હે ઇઝરાયેલના લોકો, પાછા ફરો, તમારાં ખરાબ કામોમાંથી પાછા ફરો!+ તમે શું કામ મરવા માંગો છો?”’+

૧૨ “હે માણસના દીકરા, તારા લોકોના દીકરાઓને કહે, ‘જો નેક માણસ બંડ પોકારે તો તેનાં સારાં કામો તેને બચાવશે નહિ.+ જો દુષ્ટ માણસ પોતાનાં કામોથી પાછો ફરે, તો તેનાં દુષ્ટ કામો તેની પડતી લાવશે નહિ.*+ જો નેક માણસ પાપ કરે, તો એ દિવસે તેનાં સારાં કામો તેને જીવતો રાખી શકશે નહિ.+ ૧૩ હું કોઈ નેક માણસને કહું કે “તું ચોક્કસ જીવશે!” પણ જો તે પોતાનાં નેક કામોમાં ભરોસો મૂકીને કોઈ ખરાબ કામ* કરે,+ તો તેનું કોઈ સારું કામ યાદ રાખવામાં નહિ આવે. પણ તેણે કરેલાં ખોટાં કામોને લીધે તે ચોક્કસ માર્યો જશે.+

૧૪ “‘જો હું દુષ્ટ માણસને કહું કે “તું ચોક્કસ મરશે,” પણ તે પોતાના પાપથી પાછો ફરે, જે ખરું છે એ કરે, સચ્ચાઈથી વર્તે,+ ૧૫ ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે,+ લૂંટી લીધેલું પાછું ચૂકતે કરે+ અને ખોટાં કામો ન કરે, પણ જીવનના નિયમો પ્રમાણે ચાલે, તો તે ચોક્કસ જીવશે.+ તે માર્યો નહિ જાય. ૧૬ તેણે કરેલાં કોઈ પણ પાપ તેની વિરુદ્ધ યાદ કરવામાં* નહિ આવે.+ તે જે ખરું છે એ કરે છે અને સચ્ચાઈથી વર્તે છે, એટલે તે ચોક્કસ જીવતો રહેશે.’+

૧૭ “તારા લોકોએ કહ્યું છે કે ‘યહોવા તો અન્યાય કરે છે!’ પણ હકીકતમાં તો તેઓ પોતે અન્યાય કરે છે.

૧૮ “જો કોઈ નેક* માણસ સારાં કામો છોડીને ખરાબ કામો કરવા લાગે, તો તે ચોક્કસ માર્યો જશે.+ ૧૯ પણ જો કોઈ દુષ્ટ માણસ દુષ્ટ કામોથી પાછો ફરે, જે ખરું છે એ જ કરે અને સચ્ચાઈથી વર્તે, તો એમ કરવાને લીધે તે ચોક્કસ જીવતો રહેશે.+

૨૦ “તમે કહો છો કે ‘યહોવા તો અન્યાય કરે છે!’+ હે ઇઝરાયેલના લોકો, હું તમને દરેકને તમારાં કામોનો બદલો આપીશ.”

૨૧ આખરે અમારી ગુલામીના ૧૨મા વર્ષે, દસમા મહિનાના પાંચમા દિવસે યરૂશાલેમથી નાસી છૂટીને એક માણસ મારી પાસે આવ્યો+ અને કહ્યું: “શહેરનો વિનાશ થયો છે!”+

૨૨ હવે નાસી છૂટેલો માણસ જે સવારે મારી પાસે આવ્યો હતો, એ અગાઉની સાંજે યહોવાની શક્તિ* મારા પર આવી હતી. તેમણે મારી જીભ છૂટી કરી હતી. એટલે હું મૂંગો રહ્યો નહિ+ અને ફરીથી બોલવા લાગ્યો.

૨૩ પછી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨૪ “હે માણસના દીકરા, એ ખંડેરોમાં રહેનારા લોકો+ ઇઝરાયેલ દેશ વિશે આમ કહે છે: ‘ઇબ્રાહિમ એકલો હોવા છતાં તેણે આખા દેશનો વારસો મેળવ્યો હતો.+ પણ આપણે તો ઘણા છીએ, એટલે આ દેશ ચોક્કસ આપણને વારસામાં મળેલો કહેવાય.’

૨૫ “એટલે તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તમે લોહીવાળું માંસ ખાઓ છો,+ ધિક્કાર થાય એવી મૂર્તિઓમાં* ભરોસો મૂકો છો અને લોહીની નદીઓ વહાવો છો.+ તો પછી દેશનો વારસો તમને શું કામ આપવામાં આવે? ૨૬ તમે તમારી તલવાર પર આધાર રાખો છો,+ નીચ કામો કરો છો અને પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરો છો.+ તો પછી દેશનો વારસો તમને શું કામ આપવામાં આવે?”’+

૨૭ “તારે તેઓને જણાવવું કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે ખંડેરોમાં રહેનારા લોકોનો તલવારથી સંહાર થશે. ખેતરોમાં રહેનારાઓ જંગલી જાનવરોનો કોળિયો બનશે. ગઢોમાં અને ગુફાઓમાં રહેનારાઓ રોગથી માર્યા જશે.+ ૨૮ હું એ દેશ સાવ ઉજ્જડ અને વેરાન કરી નાખીશ.+ એનું ઘમંડ ઉતારી નાખવામાં આવશે. ઇઝરાયેલના પર્વતો એટલા ઉજ્જડ થશે+ કે એના પરથી કોઈ પસાર નહિ થાય. ૨૯ તેઓનાં નીચ કામોને લીધે+ હું જ્યારે એ દેશને સાવ ઉજ્જડ અને વેરાન બનાવી દઈશ,+ ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’

૩૦ “હે માણસના દીકરા, તારા લોકો દીવાલો અને ઘરોના દરવાજાઓ પાસે તારા વિશે એકબીજા સાથે વાત કરે છે.+ દરેક પોતાના ભાઈને કહે છે, ‘આવો, આપણે યહોવાનો સંદેશો સાંભળીએ.’ ૩૧ તેઓ ભેગા થઈને આવશે અને મારા લોકો તરીકે તારી આગળ બેસશે. તેઓ તારી વાત તો સાંભળશે, પણ એમ કરશે નહિ.+ તેઓ તારી સામે મીઠું મીઠું બોલે છે,* પણ તેઓનાં દિલ બેઈમાનીની કમાણીમાં ડૂબેલાં છે. ૩૨ તું તેઓ માટે પ્રેમગીત ગાનાર જેવો છે, જે મધુર અવાજે ગાય છે અને તારવાળું વાજિંત્ર સરસ રીતે વગાડે છે. તેઓ તારી વાત સાંભળશે તો ખરા, પણ કોઈ એ પ્રમાણે કરશે નહિ. ૩૩ જ્યારે એ વાત સાચી પડશે અને એ વાત ચોક્કસ સાચી પડશે, ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે તેઓ વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો.”+

૩૪ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલના ઘેટાંપાળકો વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ભવિષ્યવાણી કરીને ઘેટાંપાળકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલના ઘેટાંપાળકોને અફસોસ!+ શું ઘેટાંપાળકોએ ઘેટાં-બકરાંની સંભાળ રાખવી ન જોઈએ?+ તેઓ તો ફક્ત પોતાનું જ પેટ ભરે છે! ૩ તમે ચરબી ખાઓ છો, ઊનનાં કપડાં પહેરો છો અને તાજા-માજા પ્રાણીની કતલ કરો છો.+ પણ તમે ઘેટાં-બકરાંની સંભાળ રાખતા નથી.+ ૪ તમે કમજોરને બળવાન કર્યાં નથી, બીમારને સાજાં કર્યાં નથી, ઘવાયેલાંને પાટાપિંડી કરી નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યાં નથી કે પછી ખોવાયેલાંની શોધ કરી નથી.+ એના બદલે તમે તો તેઓ પર બળજબરી અને જુલમથી સત્તા ચલાવી છે.+ ૫ તેઓનો કોઈ ઘેટાંપાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયાં છે.+ તેઓ વિખેરાઈ ગયાં અને જંગલી જાનવરોનો શિકાર બન્યાં. ૬ મારાં ઘેટાં બધા પર્વતો પર અને ઊંચા ઊંચા ડુંગરો પર આમતેમ ભટકી ગયાં છે. મારાં ઘેટાં આખી ધરતી પર વિખેરાઈ ગયાં છે. કોઈને તેઓની પડી નથી કે કોઈ તેઓને શોધતું નથી.

૭ “‘“ઓ ઘેટાંપાળકો, યહોવાનો સંદેશો સાંભળો: ૮ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે હું જરૂર પગલાં ભરીશ. મારાં ઘેટાં શિકાર થઈ ગયાં છે અને જંગલી જાનવરોનો કોળિયો બની ગયાં છે, કેમ કે તેઓનો કોઈ ઘેટાંપાળક નથી. મારા ઘેટાંપાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે, તેઓ પોતાનું જ પેટ ભરે છે.”’ ૯ ઓ ઘેટાંપાળકો, યહોવાનો સંદેશો સાંભળો. ૧૦ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઘેટાંપાળકોની વિરુદ્ધ છું. હું તેઓ પાસેથી મારાં ઘેટાંનો હિસાબ માંગીશ.* હું તેઓ પાસેથી મારાં ઘેટાંની સંભાળ રાખવાનું કામ લઈ લઈશ.+ પછી ઘેટાંપાળકો પોતાનું પેટ ભરી શકશે નહિ. હું મારાં ઘેટાંને તેઓનાં મોંમાંથી બચાવી લઈશ અને મારાં ઘેટાંને તેઓનો કોળિયો થવા નહિ દઉં.’”

૧૧ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ અને હું પોતે જ તેઓની સંભાળ રાખીશ.+ ૧૨ જેમ એક ઘેટાંપાળકને પોતાનાં વિખેરાઈ ગયેલાં ઘેટાં પાછાં મળે અને તે તેઓનું પાલન-પોષણ કરે, તેમ હું મારાં ઘેટાંની સંભાળ રાખીશ.+ ઘનઘોર વાદળના દિવસે, અંધકારના દિવસે+ તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે, ત્યાં ત્યાંથી હું તેઓને બચાવી લઈશ. ૧૩ હું તેઓને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢી લાવીશ અને તેઓને દેશોમાંથી ભેગાં કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછાં લાવીશ. ઇઝરાયેલના પર્વતો પર ઝરણાઓ પાસે અને દેશની વસ્તીવાળી જગ્યાઓ પાસે હું તેઓનું લાલન-પાલન કરીશ.+ ૧૪ હું તેઓને ચરાવવા સારી જગ્યાએ લઈ જઈશ. તેઓ ઇઝરાયેલના ઊંચા ઊંચા પહાડો પર ચરશે.+ તેઓ લીલીછમ જગ્યાએ આરામ કરશે.+ ઇઝરાયેલના પર્વતોની સૌથી સારી જમીન પર તેઓ પોષણ મેળવશે.”

૧૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું પોતે મારાં ઘેટાંની સંભાળ રાખીશ+ અને તેઓને આરામ આપીશ.+ ૧૬ હું ખોવાયેલાંને શોધી કાઢીશ,+ ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ. પણ તાજાં-માજાં અને તાકતવરોનો હું વિનાશ કરીશ. હું તેઓનો ન્યાય કરીશ અને યોગ્ય સજા આપીશ.”

૧૭ “‘હે મારાં ઘેટાં, વિશ્વના માલિક યહોવા કહે છે: “હું ઘેટા ઘેટાની વચ્ચે, નર ઘેટા અને નર બકરાની વચ્ચે ન્યાય કરીશ.+ ૧૮ શું એટલું પૂરતું નથી કે તમે* સૌથી સારો ચારો ચરો છો? તો પછી બાકીનો ચારો તમે પગ નીચે શું કામ કચડી નાખો છો? તમે એકદમ ચોખ્ખું પાણી પીઓ છો, તો પછી બાકીનું પાણી તમારા પગથી શું કામ ડહોળી નાખો છો? ૧૯ શું મારાં ઘેટાં હવે તમારા પગ નીચે કચડાયેલો ચારો ચરે? શું તેઓ તમારા પગથી ડહોળાયેલું પાણી પીએ?”

૨૦ “‘વિશ્વના માલિક યહોવા તેઓને કહે છે: “જુઓ, હું પોતે તાજાં-માજાં ઘેટાં અને કમજોર ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. ૨૧ તમે બીમાર ઘેટાંને તમારાં પડખાં અને ખભાથી ધક્કા મારો છો, શિંગડાંથી ગોદા મારો છો. તેઓ બધાંને તમે દૂર દૂર સુધી વિખેરી નાખ્યાં છે. ૨૨ પણ હું મારાં ઘેટાંને બચાવીશ. હવેથી તેઓ કોઈનો શિકાર નહિ બને.+ હું ઘેટા ઘેટાની વચ્ચે ન્યાય કરીશ. ૨૩ હું મારા સેવક દાઉદને+ તેઓનો ઘેટાંપાળક બનાવીશ.+ તે તેઓનું પાલન-પોષણ કરશે. હા, તે પોતે તેઓની સંભાળ રાખશે અને તેઓનો ઘેટાંપાળક બનશે.+ ૨૪ હું યહોવા પોતે તેઓનો ઈશ્વર થઈશ.+ મારો સેવક દાઉદ તેઓનો આગેવાન બનશે.+ હું યહોવા પોતે એવું બોલ્યો છું.

૨૫ “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ હું દેશમાંથી જંગલી જાનવરોનો નાશ કરીશ.+ પછી તેઓ વેરાન પ્રદેશમાં સલામત રહેશે અને જંગલોમાં ઊંઘી જશે.+ ૨૬ હું તેઓને અને મારા ડુંગરની આસપાસની જગ્યાને આશીર્વાદ આપીશ.*+ હું ત્યાં યોગ્ય સમયે વરસાદ વરસાવીશ. ત્યાં પુષ્કળ આશીર્વાદોનો વરસાદ થશે.+ ૨૭ વાડીનાં વૃક્ષો ઘણાં ફળ આપશે. ભૂમિ એની ઊપજ આપશે.+ તેઓ દેશમાં સલામત રહેશે. હું તેઓની ઝૂંસરીઓ* તોડી નાખીશ.+ તેઓને ગુલામ બનાવનારાઓના હાથમાંથી હું તેઓને છોડાવી લઈશ ત્યારે, તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૨૮ હવેથી બીજી પ્રજાઓ તેઓને શિકાર નહિ બનાવે. ધરતીનાં જંગલી જાનવરો તેઓને ફાડી નહિ ખાય. તેઓ સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+

૨૯ “‘“હું તેઓ માટે એવી વાડી બનાવીશ, જે ખૂબ જાણીતી થશે. દુકાળને લીધે હવેથી તેઓએ મરવું નહિ પડે.+ તેઓએ બીજી પ્રજાઓ આગળ નીચું જોવું નહિ પડે.+ ૩૦ ‘તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા તેઓની સાથે છું. ઇઝરાયેલના લોકો મારા લોકો છે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’

૩૧ “‘તમે મારાં ઘેટાં છો+ અને હું તમારી સંભાળ રાખું છું. તમે મામૂલી માણસો છો અને હું તમારો ઈશ્વર છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૩૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં સેઈરના પહાડી વિસ્તાર+ તરફ ફેરવ અને એની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩ એને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ સેઈરના પહાડી વિસ્તાર, હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ તારી વિરુદ્ધ લંબાવીશ, તને વેરાન અને ઉજ્જડ બનાવી દઈશ.+ ૪ હું તારાં શહેરોને ખંડેર બનાવી દઈશ ને તું વેરાન અને ઉજ્જડ બની જઈશ.+ પછી તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૫ તું કટ્ટર દુશ્મન બન્યો છે.+ તેં ઇઝરાયેલીઓને તેઓની આફતમાં, આખરી સજાના સમયે તલવારને હવાલે કર્યા છે.”’+

૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને મોતને હવાલે કરી દઈશ. તું એમાંથી બચી નહિ શકે.+ તું જેઓને નફરત કરતો હતો તેઓનું લોહી તેં વહાવ્યું છે. હવે તારું લોહી વહાવવામાં આવશે.+ ૭ હું સેઈરના પહાડી વિસ્તારને વેરાન અને ઉજ્જડ બનાવી દઈશ.+ એમાંથી આવજા કરનાર દરેકનો હું સંહાર કરીશ. ૮ હું એના પર્વતોને કતલ થયેલા લોકોથી ભરી દઈશ. તલવારથી માર્યા ગયેલા લોકો તારા ડુંગરો પર, તારી ખીણોમાં અને તારાં ઝરણાઓમાં પડશે. ૯ હું તને સદાને માટે ઉજ્જડ કરી નાખીશ અને તારાં શહેરોમાં ફરી વસ્તી નહિ થાય.+ તારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૧૦ “હું યહોવા પોતે એ બંને દેશોમાં હતો, તોપણ તેં કહ્યું: ‘આ બે પ્રજાઓ અને આ બે દેશો મારા થશે. આપણે એ બંને પર કબજો જમાવી લઈશું.’+ ૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું મારા લોકોને ધિક્કારતો હતો અને તેઓ પર તેં ગુસ્સો ઉતાર્યો, તેઓની ઈર્ષા કરી. એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું પણ એમ જ કરીશ.+ હું તારો ન્યાય કરીશ ત્યારે તેઓને બતાવી આપીશ કે હું કોણ છું. ૧૨ તું બોલ્યો કે “એ દેશો ઉજ્જડ પડ્યા છે અને એનો વિનાશ કરવા આપણા હાથમાં સોંપી દેવાયા છે.” એમ કહીને તું ઇઝરાયેલના પર્વતોનું અપમાન થાય એવી વાતો બોલ્યો. મેં યહોવાએ એ બધું સાંભળ્યું છે, એ તારે સ્વીકારવું પડશે. ૧૩ તું ઘમંડી થઈને મારી વિરુદ્ધ મન ફાવે એમ બોલ્યો. તું વારંવાર મારી વિરુદ્ધ બોલ્યો.+ મેં એ બધું સાંભળ્યું છે.’

૧૪ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું તને વેરાન અને ઉજ્જડ બનાવી દઈશ ત્યારે આખી ધરતી ખુશીથી ઝૂમી ઊઠશે. ૧૫ ઇઝરાયેલના લોકોનો વારસો ઉજ્જડ થઈ ગયો હતો ત્યારે તને ઘણી ખુશી થઈ હતી. હું પણ તારી સાથે એ જ રીતે વર્તીશ.+ ઓ સેઈરના પહાડી વિસ્તાર, હા, આખું અદોમ, તું ઉજ્જડ અને ખંડેર થઈ જઈશ.+ પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”

૩૬ “હે માણસના દીકરા, ઇઝરાયેલના પર્વતો વિશે તું ભવિષ્યવાણી કરીને કહે, ‘ઓ ઇઝરાયેલના પર્વતો, યહોવાનો સંદેશો સાંભળો. ૨ વિશ્વના માલિક યહોવા કહે છે: “દુશ્મન તમારી વિરુદ્ધ કહે છે, ‘અરે વાહ! જૂનાં ભક્તિ-સ્થળો પણ અમારાં થયાં છે!’”’+

૩ “ભવિષ્યવાણી કર અને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેઓએ તમને ઉજ્જડ કરી નાખ્યા છે અને તમારા પર ચારે બાજુથી હુમલો કર્યો છે, જેથી તમે બીજી પ્રજાઓમાંથી બચી જનારાનો વારસો બનો અને લોકો તમારા વિશે વાતો કરીને તમને બદનામ કરે.+ ૪ ઓ ઇઝરાયેલના પર્વતો, વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો! વિશ્વના માલિક યહોવા પર્વતો અને ડુંગરોને, ઝરણાઓ અને ખીણોને, ઉજ્જડ પડેલાં ખંડેરોને,+ ત્યજી દેવાયેલાં અને લૂંટી લેવાયેલાં શહેરોને, આસપાસની બીજી પ્રજાઓમાંથી બચી જનારાઓએ જેઓની મશ્કરી કરી એ શહેરોને કહે છે.+ ૫ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘બીજી પ્રજાઓમાંથી બચી જનારાઓ વિરુદ્ધ અને આખા અદોમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠશે+ અને હું બોલી ઊઠીશ. તેઓએ દાવો માંડ્યો છે કે મારો દેશ તેઓનો વારસો છે. તેઓ એની ચરાવવાની જગ્યા પડાવી લેવા અને લૂંટી લેવા માંગે છે.+ તેઓ બહુ ખુશ થાય છે અને મશ્કરી કરે છે.’”’+

૬ “ઇઝરાયેલના દેશ વિશે ભવિષ્યવાણી કર, પર્વતો અને ડુંગરો, ઝરણાઓ અને ખીણોને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, બીજી પ્રજાઓએ તમારું અપમાન કર્યું છે. એટલે હું કોપથી સળગી ઊઠીને જણાવીશ કે તેઓના કેવા હાલ થશે.”’+

૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘મેં મારો હાથ ઉઠાવીને સમ ખાધા છે કે આજુબાજુની પ્રજાઓએ પણ અપમાન સહેવું પડશે.+ ૮ પણ ઓ ઇઝરાયેલના પર્વતો, મારા ઇઝરાયેલી લોકો જલદી જ પાછા આવશે. તેઓ માટે તમારા પર ઘટાદાર વૃક્ષો ઊગશે અને એ પુષ્કળ ફળ આપશે.+ ૯ હું તમારી સાથે છું અને તમારા પર કૃપા કરીશ. તમારા પર ખેતી થશે અને બી વાવવામાં આવશે. ૧૦ ઇઝરાયેલના આખા ઘરને, હા, એના બધા લોકોને હું વધારીશ. શહેરો વસ્તીવાળાં થશે+ અને ખંડેરોનું સમારકામ કરવામાં આવશે.+ ૧૧ હા, હું તમારા લોકોને અને ઢોરઢાંકને ખૂબ વધારીશ.+ તેઓમાં વધારો થશે અને તેઓની સંખ્યા ઘણી થશે. હું તમને પહેલાંની જેમ ઘણી વસ્તીવાળા કરીશ.+ હું તમને અગાઉ કરતાં વધારે આબાદ કરીશ.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૧૨ હું લોકોને, હા, મારા ઇઝરાયેલી લોકોને તમારા પર હરતાં-ફરતાં કરીશ. તેઓ તમારા પર કબજો કરી લેશે+ અને તમે તેઓનો વારસો બનશો. હવેથી તમારા લીધે તેઓનાં બાળકો માર્યાં નહિ જાય.’”+

૧૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેઓ તમારા વિશે જણાવે છે કે “તમે તો લોકોને ભરખી જનાર અને પ્રજાઓનાં બાળકોને મારી નાખનાર દેશ છો.”’ ૧૪ ‘પણ તમે હવેથી લોકોને ભરખી નહિ જાઓ અને પ્રજાઓનાં બાળકોને મારી નહિ નાખો,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૫ ‘હું તમને પ્રજાઓ તરફથી કદીયે અપમાન સહેવા નહિ દઉં કે લોકોનાં મહેણાં-ટોણાં સાંભળવા નહિ દઉં.+ તમે તમારી પ્રજાઓને ઠોકર ખવડાવનાર નહિ બનો,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૧૬ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૭ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકો જ્યારે પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાનાં વર્તનથી અને કામોથી એને અશુદ્ધ બનાવી દીધો હતો.+ માસિકમાં આવેલી સ્ત્રીની જેમ તેઓનું વર્તન મારી નજરમાં અશુદ્ધ હતું.+ ૧૮ તેઓએ દેશમાં લોહી વહાવ્યું. ધિક્કાર થાય એવી મૂર્તિઓથી* તેઓએ દેશ અશુદ્ધ કર્યો.+ એટલે મેં મારો કોપ તેઓ પર રેડી દીધો.+ ૧૯ મેં તેઓને બીજી પ્રજાઓમાં વિખેરી નાખ્યા અને દેશોમાં વેરવિખેર કરી નાખ્યા.+ મેં તેઓનાં વર્તન અને કામો પ્રમાણે તેઓનો ન્યાય કર્યો. ૨૦ પણ જ્યારે તેઓ બીજી પ્રજાઓમાં ગયા, ત્યારે ત્યાંના લોકોએ મારું પવિત્ર નામ બદનામ કર્યું.+ તેઓએ કહ્યું: ‘આ જુઓ યહોવાના લોકો! તેમણે આપેલો દેશ તેઓએ છોડી દેવો પડ્યો.’ ૨૧ બીજી પ્રજાઓમાં ઇઝરાયેલના લોકો જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં તેઓએ મારું નામ બદનામ કર્યું. એટલે હું મારા પવિત્ર નામ માટે પગલાં ભરીશ.”+

૨૨ “ઇઝરાયેલના લોકોને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ઇઝરાયેલના લોકો, હું જે કંઈ કરું છું એ તમારા માટે નથી કરતો, પણ મારા પવિત્ર નામ માટે કરું છું. તમે બીજી પ્રજાઓમાં જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં તમે મારું નામ બદનામ કર્યું છે.”’+ ૨૩ ‘હું મારું મહાન નામ ચોક્કસ પવિત્ર કરીશ.+ તમે બીજી પ્રજાઓમાં એ નામ બદનામ કર્યું છે, હા, એને તેઓમાં બદનામ કર્યું છે. તમારા લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ ત્યારે, બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૨૪ ‘હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢી લાવીશ અને દેશોમાંથી ભેગા કરીશ. હું તમને તમારા વતનમાં પાછા લાવીશ.+ ૨૫ હું તમારા પર ચોખ્ખું પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો.+ તમારાં બધાં અશુદ્ધ કામો અને ધિક્કાર થાય એવી તમારી બધી મૂર્તિઓ દૂર કરીને+ હું તમને શુદ્ધ કરીશ.+ ૨૬ હું તમને નવું દિલ+ અને નવું મન* આપીશ.+ હું તમારાં શરીરમાંથી પથ્થરનું દિલ+ કાઢીને નરમ દિલ* મૂકીશ. ૨૭ હું મારી પવિત્ર શક્તિથી તમારા વિચારો બદલી નાખીશ. તમે મારા નિયમો પ્રમાણે ચાલશો,+ મારા કાયદા-કાનૂન પાળશો અને એ પ્રમાણે જીવશો. ૨૮ મેં તમારા બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં તમે રહેશો. તમે મારા લોકો બનશો અને હું તમારો ઈશ્વર બનીશ.’+

૨૯ “‘હું તમને તમારાં બધાં અશુદ્ધ કામોથી બચાવીશ. મારી આજ્ઞાથી પુષ્કળ અનાજ પાકશે. હું તમારા પર કદી દુકાળ લાવીશ નહિ.+ ૩૦ હું વૃક્ષોને પુષ્કળ ફળ આપીશ અને ખેતરો પાકથી લહેરાય ઊઠશે. બીજી પ્રજાઓ તમને ફરી ક્યારેય દુકાળનાં મહેણાં નહિ મારે.+ ૩૧ એ વખતે તમને તમારાં દુષ્ટ કામો, હા, અધમ કામો યાદ આવશે. તમારાં ગુનાઓ અને નીચ કામોને લીધે તમને પોતાના પર સખત નફરત થશે.+ ૩૨ પણ એક વાત સમજી લો: ઓ ઇઝરાયેલના લોકો, આ બધું હું તમારા માટે નથી કરતો.+ તમારા વર્તનને લીધે તમે શરમાઓ અને નીચું જુઓ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૩૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જે દિવસે હું તમારાં બધાં પાપથી તમને શુદ્ધ કરીશ, એ દિવસે હું શહેરો વસાવીશ+ અને ખંડેરોની મરામત કરાવીશ.+ ૩૪ જે દેશ ઉજ્જડ પડી રહેલો હતો અને જેને આવતાં-જતાં લોકો જોતા હતા, એના પર ફરીથી ખેતી થશે. ૩૫ લોકો કહેશે, “જે દેશ ઉજ્જડ પડી રહ્યો હતો, એ એદન બાગ+ જેવો બની ગયો છે. જે શહેરો ખંડેર, ઉજ્જડ અને પડી ભાંગેલાં હતાં, એ હવે કોટવાળાં અને વસ્તીવાળાં થઈ ગયાં છે.”+ ૩૬ તમારી આસપાસ જે પ્રજાઓ બાકી રહી ગઈ છે, તેઓએ સ્વીકારવું પડશે કે મેં યહોવાએ ખંડેરો ફરીથી ઊભાં કર્યાં છે. ઉજ્જડ ભૂમિને મેં લીલીછમ કરી છે. હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ.’+

૩૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઇઝરાયેલી લોકો મને એવી વિનંતી કરશે કે હું તેઓની સંખ્યા ઘેટાં-બકરાંની જેમ વધારું અને હું એમ જરૂર કરીશ. ૩૮ જે શહેરો અગાઉ ખંડેર હતાં, એમાં પવિત્ર લોકોનાં ટોળાંની જેમ, યરૂશાલેમના તહેવારોમાં+ આવતાં ટોળાંની જેમ,* લોકોનાં ટોળેટોળાં ભેગાં થશે.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”

૩૭ યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. યહોવા પોતાની શક્તિથી મને ખીણની વચ્ચે લઈ આવ્યા.+ એ ખીણ હાડકાંથી ભરેલી હતી. ૨ તેમણે મને તેઓની વચ્ચે આમતેમ ચલાવ્યો. મેં જોયું તો ખીણમાં ઘણાં બધાં હાડકાં પડેલાં હતાં અને એ સાવ સુકાઈ ગયેલાં હતાં.+ ૩ તેમણે મને પૂછ્યું: “હે માણસના દીકરા, શું આ હાડકાં જીવતાં થઈ શકે?” મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, એ તો તમે જ જાણો છો.”+ ૪ તેમણે મને કહ્યું: “આ હાડકાં વિશે ભવિષ્યવાણી કર અને તેઓને કહે, ‘ઓ સુકાઈ ગયેલાં હાડકાઓ, યહોવાનો સંદેશો સાંભળો:

૫ “‘વિશ્વના માલિક યહોવા હાડકાંને કહે છે: “હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે જીવતા થશો.+ ૬ હું તમારા પર સ્નાયુઓ મૂકીશ અને માંસ ભરીશ, તમને ચામડીથી ઢાંકી દઈશ. હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે જીવતા થશો ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”

૭ મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી. મેં ભવિષ્યવાણી કરી કે તરત મને ખખડાટ સંભળાયો અને બધાં હાડકાં એકબીજાં સાથે જોડાવાં લાગ્યાં. ૮ પછી મેં જોયું તો તેઓ પર સ્નાયુઓ અને માંસ આવ્યાં. તેઓ પર ચામડી આવી. પણ હજુ તેઓમાં શ્વાસ ફૂંકાયો ન હતો.

૯ ત્યાર બાદ તેમણે મને કહ્યું: “પવનને ભવિષ્યવાણી જણાવ. હે માણસના દીકરા, એને ભવિષ્યવાણી કરીને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ પવન,* ચારે બાજુથી આવ, આ માર્યા ગયેલા લોકો પર ફૂંક માર, જેથી તેઓ જીવતા થાય.”’”

૧૦ મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી અને તેઓમાં શ્વાસ ફૂંકાયો. તેઓ જીવતા થવા લાગ્યા અને પોતાના પગ પર ઊભા થઈ ગયા,+ જાણે એકદમ મોટું સૈન્ય હોય!

૧૧ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, આ હાડકાં આખા ઇઝરાયેલના લોકો છે.+ તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે અને અમારી આશા મરી પરવારી છે.+ અમારો પૂરેપૂરો વિનાશ થઈ ગયો છે.’ ૧૨ એટલે ભવિષ્યવાણી કર અને તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ+ અને તમને કબરમાંથી જીવતા કરીશ. તમારા ઇઝરાયેલ દેશમાં હું તમને પાછા લાવીશ.+ ૧૩ ઓ મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તમને જીવતા કરીશ+ ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’ ૧૪ ‘હું મારી શક્તિ તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો.+ તમારા દેશમાં હું તમને ફરીથી વસાવીશ. તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ,’ એવું યહોવા કહે છે.”

૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૬ “હે માણસના દીકરા, એક લાકડી લે અને એના પર લખ, ‘યહૂદા માટે અને ઇઝરાયેલના જે લોકો તેની સાથે છે તેઓ માટેની લાકડી.’+ પછી બીજી એક લાકડી લે અને એના પર લખ, ‘યૂસફ માટે અને ઇઝરાયેલના જે લોકો તેની સાથે છે તેઓ માટેની એફ્રાઈમની લાકડી.’+ ૧૭ પછી એ બંનેને એકબીજાની નજીક લાવ, જેથી તેઓ તારા હાથમાં એક લાકડી બને.+ ૧૮ તારા લોકો તને પૂછશે કે ‘આ બધાનો મતલબ શું તું નહિ જણાવે?’ ૧૯ તું તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “યૂસફ અને તેની સાથેના ઇઝરાયેલનાં કુળોની લાકડી જે એફ્રાઈમના હાથમાં છે એ હું લઈશ અને યહૂદાની લાકડી સાથે જોડી દઈશ. તેઓ એક લાકડી બનશે+ અને તેઓ મારા હાથમાં એક થશે.”’ ૨૦ તું જે લાકડીઓ પર લખે એ તારા હાથમાં રાખ, જેથી તેઓ એ લાકડીઓ જોઈ શકે.

૨૧ “પછી તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “બીજી પ્રજાઓમાં ગયેલા ઇઝરાયેલીઓને હું પાછા લાવીશ. ચારેય દિશાઓમાંથી હું તેઓને ભેગા કરીશ અને તેઓના વતનમાં પાછા લાવીશ.+ ૨૨ હું તેઓને ઇઝરાયેલના પર્વતો પર, પોતાના દેશમાં એક પ્રજા બનાવીશ.+ તેઓ બધા પર એક જ રાજા રાજ કરશે.+ તેઓ હવેથી બે પ્રજાઓ ગણાશે નહિ, તેઓના ભાગલા પડીને બે રાજ્ય થશે નહિ.+ ૨૩ ધિક્કાર થાય એવી મૂર્તિઓથી,* નીચ કામોથી અને ગુનાઓથી તેઓ ફરી પોતાને અશુદ્ધ નહિ કરે.+ તેઓએ બેવફા બનીને જે પાપ કર્યાં છે, એમાંથી હું તેઓને બચાવી લઈશ અને શુદ્ધ કરીશ. તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.+

૨૪ “‘“મારો સેવક દાઉદ તેઓનો રાજા બનશે+ અને તેઓ બધાનો એક જ ઘેટાંપાળક હશે.+ તેઓ મારા કાયદા-કાનૂન પ્રમાણે ચાલશે અને ધ્યાનથી મારા નિયમો પાળશે.+ ૨૫ મેં મારા ભક્ત યાકૂબને જે દેશ આપ્યો હતો, એમાં તેઓ રહેશે. એમાં તમારા બાપદાદાઓ પણ રહેતા હતા.+ તેઓ એમાં કાયમ માટે રહેશે.+ તેઓનાં બાળકો અને બાળકોનાં બાળકો પણ એમાં રહેશે.+ મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો આગેવાન બનશે.+

૨૬ “‘“હું તેઓ સાથે શાંતિનો કરાર કરીશ.+ એ તેઓ સાથે કાયમનો કરાર હશે. હું તેઓને ઠરીઠામ કરીશ અને તેઓની સંખ્યા વધારીશ.+ હું મારું મંદિર તેઓ વચ્ચે સદાને માટે રાખીશ. ૨૭ મારો મંડપ* તેઓની વચ્ચે* રહેશે. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.+ ૨૮ જ્યારે મારું મંદિર તેઓ વચ્ચે હંમેશ માટે રહેશે, ત્યારે બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે ઇઝરાયેલને પવિત્ર કરનાર હું યહોવા છું.”’”+

૩૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, માગોગ દેશના ગોગ+ તરફ તારું મોં ફેરવ, જે મેશેખ અને તુબાલનો+ મુખ્ય આગેવાન છે. તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+ ૩ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ગોગ! મેશેખ અને તુબાલના મુખ્ય આગેવાન, હું તારી વિરુદ્ધ છું. ૪ હું તારાં જડબાંમાં કડીઓ ભેરવીને તને પાછો ફેરવીશ અને બહાર લઈ આવીશ.+ તારી સાથે તારા આખા લશ્કરને, ઘોડાઓને અને ઘોડેસવારોને પણ બહાર લઈ આવીશ.+ તેઓ બધાએ ભપકાદાર કપડાં પહેરેલાં છે. એ મોટા ટોળા પાસે મોટી ઢાલો અને નાની ઢાલો* છે. તેઓ બધા તલવારો વીંઝે છે. ૫ ઈરાન, ઇથિયોપિયા અને પૂટ+ તેઓની સાથે છે. તેઓ પાસે નાની ઢાલ અને ટોપ છે. ૬ ગોમેર અને એનું આખું લશ્કર, ઉત્તરની દૂર દૂરની જગ્યાઓથી તોગાર્માહના વંશજો+ અને તેઓનું આખું લશ્કર પણ તારી સાથે છે. તારી સાથે ઘણા બધા લોકો છે.+

૭ “‘“તૈયારી કર, તું અને તારી સાથે ભેગાં થયેલાં બધાં લશ્કરો તૈયાર થાઓ. તું તેઓનો સેનાપતિ* થઈશ.

૮ “‘“ઘણા સમય પછી તારી ખબર લેવામાં* આવશે. આખરે ઘણાં વર્ષો પછી, તું એવા દેશ પર હુમલો કરીશ, જેના લોકોને તલવારના મોંમાંથી છોડાવીને ઠરીઠામ કરવામાં આવ્યા છે. તેઓને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢીને ઇઝરાયેલના પર્વતો પર વસાવવામાં આવ્યા છે, જે લાંબા સમયથી ઉજ્જડ પડી રહેલા હતા. આ દેશના લોકોને બીજી પ્રજાઓમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને તેઓ બધા શાંતિ અને સલામતીમાં રહે છે.+ ૯ વાવાઝોડાની જેમ તું તેઓ પર તૂટી પડશે. તું દેશ પર વાદળની જેમ છવાઈ જશે. તારી સાથે તારાં બધાં લશ્કરો અને ઘણા લોકો પણ આવશે.”’

૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ દિવસે તારા દિલમાં વિચારો આવશે અને તું ખતરનાક કાવતરું ઘડીશ. ૧૧ તું કહીશ: “કોટ વગરનાં ગામડાઓ* પર હું હુમલો કરીશ.+ જે લોકો સલામતીમાં જીવે છે અને જેઓને કંઈ ચિંતા નથી, તેઓ પર હું ચઢાઈ કરીશ. તેઓ એવાં ગામડાઓમાં રહે છે, જેને નથી દીવાલો, ભૂંગળો કે દરવાજા.” ૧૨ તારો ઇરાદો તો દેશ પર હુમલો કરીને એને લૂંટી લેવાનો છે. એ દેશ અગાઉ ખંડેર થઈ ગયો હતો, પણ હવે એમાં ઘણી પ્રજાઓમાંથી આવેલા લોકો રહે છે.+ તેઓએ ઘણી ધનદોલત અને માલ-મિલકત ભેગી કરી છે+ અને દુનિયાની વચ્ચે રહે છે.

૧૩ “‘તાર્શીશના વેપારીઓ,+ એટલે કે શેબા+ અને દદાન+ તથા તેઓના બધા લડવૈયાઓ તને કહેશે: “શું તું ઘણી લૂંટ મેળવવા હુમલો કરે છે? શું તેં તારાં લશ્કરોને એ માટે ભેગાં કર્યાં છે કે ચાંદી અને સોનું લૂંટી લે, ધનદોલત અને માલ-મિલકત પડાવી લે અને મોટી લૂંટ ચલાવે?”’

૧૪ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર અને ગોગને કહે, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મારા ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેતા હશે ત્યારે, શું તને એની જાણ નહિ થાય?+ ૧૫ તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી, તારી જગ્યાએથી આવીશ.+ તું અને તારી સાથે ઘણા લોકો આવશે. તેઓ બધા તો ઘોડાઓ પર સવાર હશે, તેઓનું મોટું ટોળું, મોટું લશ્કર આવશે.+ ૧૬ ઓ ગોગ, જેમ ધરતી પર વાદળ છવાઈ જાય છે, તેમ તું મારા ઇઝરાયેલી લોકો પર ચઢી આવીશ. છેલ્લા દિવસોમાં હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ.+ હું પવિત્ર છું એ બતાવવા તારા જે હાલ કરીશ, એ જોઈને બીજી પ્રજાઓ જાણશે કે હું કોણ છું.”’+

૧૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું તું એ જ નથી જેના વિશે મેં ઇઝરાયેલના પ્રબોધકો, મારા ભક્તો દ્વારા અગાઉના દિવસોમાં જણાવ્યું હતું? શું તેઓએ ઘણાં વર્ષો સુધી ભવિષ્યવાણી કરી ન હતી કે તને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લાવવામાં આવશે?’

૧૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઇઝરાયેલ દેશ પર ગોગ ચઢી આવશે એ દિવસે મારો ક્રોધ ભભૂકી ઊઠશે.+ ૧૯ હું રોષે ભરાઈશ, મારો કોપ સળગી ઊઠશે અને હું બોલી ઊઠીશ. એ દિવસે ઇઝરાયેલ દેશમાં મોટો ધરતીકંપ થશે. ૨૦ મારા લીધે દરિયાની માછલીઓ, આકાશનાં પક્ષીઓ, જંગલનાં જાનવરો, પેટે ચાલનાર બધાં પ્રાણીઓ અને પૃથ્વી પરના બધા લોકો થરથર કાંપશે. પર્વતો તૂટી પડશે,+ ખડકો પડી જશે અને દરેક દીવાલ ભોંયભેગી થઈ જશે.’

૨૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘મારા બધા પર્વતો પર હું ગોગ સામે તલવાર લાવીશ. લશ્કરનો દરેક માણસ પોતાની તલવારથી એકબીજાનો સંહાર કરશે.+ ૨૨ હું તેના પર ન્યાયચુકાદો લાવીશ. હું તેના પર અને તેના લશ્કર પર રોગચાળો લાવીશ.+ તેના લોકોનું લોહી વહેશે. હું તેના પર, તેના લશ્કર પર અને તેની સાથે આવેલા ઘણા લોકો પર+ ધોધમાર વરસાદ, કરા,+ આગ+ અને ગંધક+ વરસાવીશ. ૨૩ હું પોતાને ચોક્કસ મોટો મનાવીશ અને પોતાને પવિત્ર મનાવીશ. ઘણી પ્રજાઓની નજર આગળ હું મારી ઓળખ આપીશ. પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

૩૯ “હે માણસના દીકરા, તું ગોગ વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ગોગ! મેશેખ અને તુબાલના+ મુખ્ય આગેવાન, હું તારી વિરુદ્ધ છું. ૨ હું તને પાછો ફેરવીશ અને ઇઝરાયેલના પર્વતો પર ચઢાઈ કરવા લઈ આવીશ. તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી આવીશ.+ ૩ હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી નાખીશ. તારા જમણા હાથમાંનાં તીર પાડી નાખીશ. ૪ તું ઇઝરાયેલના પર્વતો પર માર્યો જઈશ.+ તારાં બધાં લશ્કરો અને તારી સાથે આવેલા લોકો પણ માર્યાં જશે. હું તમને શિકારી પક્ષીઓ અને જંગલી જાનવરોનો ખોરાક બનાવી દઈશ.”’+

૫ “‘તું ખુલ્લા મેદાનમાં માર્યો જઈશ,+ કેમ કે હું પોતે એમ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૬ “‘હું માગોગ પર અને ટાપુઓમાં સલામત રહેનારાઓ પર આગ વરસાવીશ.+ એ વખતે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું. ૭ હું મારા ઇઝરાયેલી લોકોમાં મારું પવિત્ર નામ જાહેર કરીશ. હવેથી હું મારા પવિત્ર નામને બદનામ થવા નહિ દઉં. બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,+ હું ઇઝરાયેલમાં પવિત્ર ઈશ્વર છું.’+

૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હા, એ ભવિષ્યવાણી પ્રમાણે જ થશે. આ દિવસ વિશે હું જે બોલ્યો છું, એ ચોક્કસ પૂરું થશે. ૯ ઇઝરાયેલના લોકો શહેરોમાંથી બહાર નીકળશે અને હથિયારો સળગાવશે. નાની ઢાલો* અને મોટી ઢાલો, ધનુષ્યો અને તીર, બરછી અને ભાલાથી તેઓ સાત વર્ષો સુધી આગ સળગાવશે.+ ૧૦ તેઓએ ખેતરમાંથી લાકડાં વીણવા નહિ પડે કે જંગલમાંથી લાકડાં ભેગા કરવા નહિ પડે. તેઓ હથિયારોથી આગ સળગાવશે.’

“‘તેઓને લૂંટી લેનારાઓને તેઓ લૂંટી લેશે અને તેઓનું પડાવી લેનારાઓનું તેઓ પડાવી લેશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૧ “‘એ દિવસે હું ગોગને+ માટે ઇઝરાયેલમાં દાટવાની જગ્યા આપીશ. સમુદ્રની* પૂર્વ તરફ જનારાઓ જ્યાંથી પસાર થાય છે એ ખીણ આપીશ. પછી તેઓનો આવવા-જવાનો રસ્તો બંધ થઈ જશે. ત્યાં તેઓ ગોગ અને તેનાં ટોળાઓને દાટશે. તેઓ એને હામોન-ગોગની ખીણ* કહેશે.+ ૧૨ તેઓને દફનાવવા અને દેશને શુદ્ધ કરવા+ ઇઝરાયેલના લોકોને સાત મહિના લાગશે. ૧૩ દેશના બધા લોકો તેઓને દફનાવશે. હું પોતાને મોટો મનાવીશ+ ત્યારે એ લોકોનું સન્માન કરવામાં આવશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૪ “‘દેશને શુદ્ધ કરવા માણસોને દેશમાં ફરતા રહેવાનું અને પડી રહેલી લાશો દાટવાનું કામ સોંપવામાં આવશે. તેઓ સાત મહિના સુધી લાશો શોધતા રહેશે. ૧૫ જ્યારે શોધ કરનારાને માણસનું હાડકું મળશે, ત્યારે એની બાજુમાં નિશાન મૂકશે. પછી જેઓ દફનાવવાનું કામ કરતા હશે, તેઓ એ હાડકું હામોન-ગોગની ખીણમાં દાટશે.+ ૧૬ ત્યાં હેમોનાહ* નામનું શહેર પણ હશે. તેઓ આખા દેશને શુદ્ધ કરશે.’+

૧૭ “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘બધાં પ્રકારનાં પક્ષીઓ અને જંગલી જાનવરોને કહે, “આવો, તમે બધાં ભેગાં થઈને આવો. મેં તમારાં માટે બલિદાન તૈયાર કર્યું છે, એની આસપાસ ભેગાં થાઓ. મેં ઇઝરાયેલના પર્વતો પર મોટી મિજબાની તૈયાર કરી છે.+ તમે માંસ ખાશો અને લોહી પીશો.+ ૧૮ તમે બાશાનનાં બધાં તાજાં-માજાં જાનવરોની, એટલે કે નર ઘેટા, ઘેટાનાં બચ્ચાં, બકરા અને આખલાની મિજબાની કરશો. હા, તમે પૃથ્વીના શૂરવીર માણસોનું માંસ ખાશો અને મુખીઓનું લોહી પીશો. ૧૯ મેં તમારાં માટે જે બલિદાન તૈયાર કર્યું છે, એની ચરબી તમે ધરાઈ ધરાઈને ખાશો અને લોહી પીને ચકચૂર થઈ જશો.”’

૨૦ “‘તમે મારી મેજ પરથી ઘોડાઓ, ઘોડેસવારો, શૂરવીરો અને બધા પ્રકારના લડવૈયાઓનું માંસ પેટ ભરીને ખાશો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૨૧ “‘હું બીજી પ્રજાઓમાં મારું ગૌરવ દેખાડીશ. બધી પ્રજાઓ જોશે કે મેં ન્યાયચુકાદો ફટકારીને કેવી સજા કરી છે, તેઓમાં મારી તાકાતનો* કેવો પરચો બતાવ્યો છે!+ ૨૨ એ દિવસથી ઇઝરાયેલના લોકોએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું. ૨૩ બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે ઇઝરાયેલી લોકો પોતાના ગુનાને લીધે અને મને બેવફા બન્યા એના લીધે ગુલામીમાં ગયા.+ એટલે મેં તેઓથી મોં ફેરવી લીધું,+ તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા+ અને તેઓ બધાનો તલવારથી સંહાર થયો. ૨૪ તેઓનાં અશુદ્ધ કામો અને ગુનાઓ પ્રમાણે મેં તેઓને સજા કરી. મેં તેઓથી મોં ફેરવી લીધું.’

૨૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ગુલામીમાં ગયેલા યાકૂબના લોકોને હું તેઓના વતનમાં પાછા લાવીશ.+ હું ઇઝરાયેલના બધા લોકો પર દયા બતાવીશ.+ મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ.+ ૨૬ તેઓ મને બેવફા બન્યા હોવાથી તેઓએ અપમાન સહેવું પડશે.+ ત્યાર પછી તેઓ પોતાના વતનમાં સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+ ૨૭ હું તેઓને દુશ્મનોના દેશોમાંથી પાછા ભેગા કરીશ. હું તેઓને બીજી પ્રજાઓમાંથી પાછા લઈ આવીશ.+ હું તેઓ માટે જે કરીશ, એનાથી ઘણી પ્રજાઓ જોશે કે હું પવિત્ર ઈશ્વર છું.’+

૨૮ “‘હું તેઓને બીજી પ્રજાઓ વચ્ચે ગુલામીમાં મોકલીશ અને પછી તેઓને પોતાના વતનમાં પાછા લાવીશ. તેઓમાંનો એકેય ત્યાં રહી જશે નહિ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું. ૨૯ હું તેઓથી ફરી ક્યારેય મોં ફેરવી લઈશ નહિ.+ ઇઝરાયેલના લોકો પર હું મારી શક્તિ રેડી દઈશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૪૦ અમારી ગુલામીનું ૨૫મું વર્ષ+ અને યરૂશાલેમ શહેરના વિનાશનું ૧૪મું વર્ષ હતું.+ એ વર્ષની શરૂઆતમાં, પહેલા મહિનાના દસમા દિવસે યહોવાની શક્તિ* મારા પર આવી. તે મને શહેરમાં લઈ ગયા.+ ૨ ઈશ્વર મને દર્શનમાં ઇઝરાયેલ દેશ લઈ ગયા અને ખૂબ ઊંચા પર્વત પર મૂક્યો.+ ત્યાં મને દક્ષિણ તરફ શહેર જેવું કંઈક દેખાતું હતું.

૩ તે મને ત્યાં લઈ આવ્યા ત્યારે મેં એક માણસ જોયો. તે જાણે તાંબાનો બનેલો હોય એવો દેખાતો હતો.+ તેના હાથમાં શણની દોરી અને માપવાની લાકડી* હતી.+ તે દરવાજા આગળ ઊભો હતો. ૪ એ માણસે મને કહ્યું: “હે માણસના દીકરા, ધ્યાનથી જો, કાન દઈને સાંભળ અને હું જે બતાવું એ બધા પર ધ્યાન આપ. તને એ જ કારણે અહીં લાવવામાં આવ્યો છે. તું જે કંઈ જુએ એ બધું ઇઝરાયેલના લોકોને જણાવ.”+

૫ મેં મંદિરની* બહાર ચારે બાજુ એક દીવાલ જોઈ. એ માણસના હાથમાં માપવાની લાકડી હતી, જે છ હાથ લાંબી હતી (દરેક હાથ માપમાં ચાર આંગળ લંબાઈ ઉમેરી હતી).* તે દીવાલ માપવા લાગ્યો. એની જાડાઈ એક લાકડી અને ઊંચાઈ એક લાકડી હતી.

૬ પછી તે પૂર્વ તરફના દરવાજા આગળ આવ્યો+ અને એનાં પગથિયાં ચઢ્યો. તેણે દરવાજાના ઉંબરાનું માપ લીધું. એની પહોળાઈ એક લાકડી અને બીજા ઉંબરાની પહોળાઈ પણ એક લાકડી હતી. ૭ રક્ષકોની દરેક ઓરડી એક લાકડી લાંબી અને એક લાકડી પહોળી હતી. રક્ષકોની ઓરડીઓ+ વચ્ચે પાંચ પાંચ હાથનું અંતર હતું. મંદિર સામેના દરવાજાની પરસાળ પાસે એક બીજો દરવાજો હતો, જેના ઉંબરાની પહોળાઈ એક લાકડી હતી.

૮ તેણે અંદરના દરવાજાની પરસાળ માપી, જેનું માપ એક લાકડી હતું. ૯ પછી તેણે દરવાજાની પરસાળ માપી, જેનું માપ આઠ હાથ હતું. તેણે એની બાજુના સ્તંભો માપ્યા, જેનું માપ બે હાથ હતું. દરવાજાની પરસાળ મંદિર સામે હતી.

૧૦ પૂર્વના દરવાજાની બંને બાજુએ રક્ષકોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. એ ત્રણેયનું માપ એકસરખું હતું. બંને બાજુના સ્તંભોનું માપ પણ એકસરખું હતું.

૧૧ પછી તેણે દરવાજાના પ્રવેશદ્વારની પહોળાઈ માપી, જે ૧૦ હાથ હતી અને દરવાજાની લંબાઈ ૧૩ હાથ હતી.

૧૨ બંને બાજુએ આવેલી રક્ષકોની ઓરડીઓ આગળ એક નીચી દીવાલ હતી, જેનું માપ એક હાથ હતું. બંને બાજુએ આવેલી રક્ષકોની ઓરડીઓનું માપ છ છ હાથ હતું.

૧૩ પછી તેણે દરવાજાના પ્રવેશદ્વારની પહોળાઈ માપી. તેણે રક્ષકોની એક ઓરડીની છતથી* બીજી ઓરડીની છત સુધીનું માપ લીધું, જેની પહોળાઈ ૨૫ હાથ હતી. એ ઓરડીઓના દરવાજા સામસામે હતા.+ ૧૪ પછી તેણે બાજુના સ્તંભોનું માપ લીધું, જે ૬૦ હાથ ઊંચા હતા. તેણે આંગણાની ચારે બાજુના દરવાજાના સ્તંભોનું માપ પણ લીધું. ૧૫ દરવાજાના પ્રવેશદ્વારથી અંદરના દરવાજાની પરસાળના છેડા સુધીનું માપ ૫૦ હાથ હતું.

૧૬ દરવાજાની અંદરના ભાગમાં રક્ષકોની ઓરડીઓને બારીઓ હતી+ અને એના સ્તંભોને બારીઓ હતી. એ બારીઓ બહારથી સાંકડી અને અંદરથી પહોળી હતી. પરસાળોની અંદર પણ દરેક બાજુએ એવી બારીઓ હતી. સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી.+

૧૭ પછી તે મને બહારના આંગણામાં લઈ આવ્યો. મેં આંગણાની ચારે બાજુ ભોજનખંડો*+ અને પથ્થર જડેલી ફરસ જોઈ. ફરસ પર ૩૦ ભોજનખંડો હતા. ૧૮ દરવાજાઓની બાજુએ આવેલી ફરસની પહોળાઈ દરવાજાઓની લંબાઈ જેટલી હતી. એ ફરસ અંદરના આંગણાથી નીચી હતી.

૧૯ પછી તેણે નીચલા દરવાજાથી અંદરના આંગણાના છેડા સુધીનું અંતર* માપ્યું. પૂર્વ તરફ અને ઉત્તર તરફ એનું માપ ૧૦૦ હાથ હતું.

૨૦ બહારના આંગણાની ઉત્તર તરફ દરવાજો હતો. તેણે એની લંબાઈ અને એની પહોળાઈ માપી. ૨૧ બંને બાજુએ રક્ષકોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. એની બાજુનાં સ્તંભો અને પરસાળનું માપ પણ પહેલા દરવાજાનાં સ્તંભો અને પરસાળના માપ જેટલું હતું. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૨૨ એની બારીઓ, પરસાળ અને ખજૂરીઓની કોતરણીનું+ માપ પૂર્વના દરવાજાની બારીઓ, પરસાળ અને ખજૂરીઓની કોતરણીના માપ જેટલું હતું. સાત પગથિયાં ચઢીને એ દરવાજે જવાતું હતું. પગથિયાંની આગળ પરસાળ હતી.

૨૩ અંદરના આંગણામાં પણ દરવાજા હતા. એક ઉત્તરના દરવાજાની સામે, બીજો પૂર્વના દરવાજાની સામે. તેણે સામસામેના એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું માપ લીધું અને એ ૧૦૦ હાથ હતું.

૨૪ પછી તે મને દક્ષિણે લઈ ગયો અને મેં દક્ષિણ તરફ એક દરવાજો જોયો.+ તેણે એનાં સ્તંભો અને પરસાળનું માપ લીધું. એ બીજા બધા દરવાજાનાં સ્તંભો અને પરસાળના માપ જેટલું હતું. ૨૫ દરવાજાની અને એની પરસાળની બાજુએ બારીઓ હતી, જે બીજી બધી બારીઓ જેવી હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૨૬ સાત પગથિયાં ચઢીને એ દરવાજે જવાતું હતું.+ તેઓની આગળ પરસાળ હતી. બંને સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી.

૨૭ અંદરના આંગણાનો એક દરવાજો દક્ષિણ તરફ હતો. તેણે દક્ષિણ તરફ સામસામેના એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું માપ લીધું અને એ ૧૦૦ હાથ હતું. ૨૮ પછી તે મને દક્ષિણના દરવાજે થઈને અંદરના આંગણામાં લઈ આવ્યો. તેણે દક્ષિણનો દરવાજો માપ્યો અને એનું માપ બીજા દરવાજાઓ જેટલું હતું. ૨૯ એમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળનું માપ બીજા દરવાજાઓમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળના માપ જેટલું હતું. દરવાજાની અને એની પરસાળની બાજુએ બારીઓ હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો.+ ૩૦ ત્યાં ચારે બાજુએ પરસાળો હતી. એ ૨૫ હાથ લાંબી અને ૫ હાથ પહોળી હતી. ૩૧ એની પરસાળો બહારના આંગણા તરફ જતી હતી અને એના સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી.+ એ દરવાજે જવા આઠ પગથિયાં ચઢવાનાં હતાં.+

૩૨ તે મને પૂર્વ તરફથી અંદરના આંગણામાં લઈ આવ્યો. તેણે એ દરવાજો માપ્યો અને એનું માપ બીજા દરવાજાઓ જેટલું હતું. ૩૩ એમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળનું માપ બીજા દરવાજાઓમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળના માપ જેટલું હતું. દરવાજાની અને એની પરસાળની બાજુએ બારીઓ હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૩૪ એની પરસાળો બહારના આંગણા તરફ જતી હતી અને એના બંને સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી. એ દરવાજે જવા આઠ પગથિયાં ચઢવાનાં હતાં.

૩૫ તે મને ઉત્તરના દરવાજે લઈ આવ્યો+ અને તેણે એ દરવાજો માપ્યો. એનું માપ બીજા દરવાજાઓ જેટલું હતું. ૩૬ એમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળનું માપ બીજા દરવાજાઓમાં આવેલી રક્ષકોની ઓરડીઓ, એના સ્તંભો અને એની પરસાળના માપ જેટલું હતું. એની દરેક બાજુએ બારીઓ હતી. એ દરવાજો ૫૦ હાથ લાંબો અને ૨૫ હાથ પહોળો હતો. ૩૭ એના સ્તંભો બહારના આંગણા તરફ હતા. એના બંને સ્તંભો પર ખજૂરીઓની કોતરણી હતી. એ દરવાજે જવા આઠ પગથિયાં ચઢવાનાં હતાં.

૩૮ દરવાજાઓના સ્તંભોની બાજુમાં ભોજનખંડો હતા. ત્યાં અગ્‍નિ-અર્પણો* ધોવામાં આવતાં હતાં.+

૩૯ દરવાજાની પરસાળની બંને બાજુએ બે બે મેજો હતી. એના પર અગ્‍નિ-અર્પણો,+ પાપ-અર્પણો*+ અને દોષ-અર્પણો*+ કાપવામાં આવતાં હતાં. ૪૦ ઉત્તરના દરવાજે જતાં પ્રવેશદ્વારની બહાર બે બે મેજો હતી. દરવાજાની પરસાળની બીજી બાજુ પણ બે બે મેજો હતી. ૪૧ એટલે કે દરવાજાની અંદર ચાર અને બહાર ચાર, કુલ આઠ મેજો હતી. એના પર બલિદાનો કાપવામાં આવતાં હતાં. ૪૨ અગ્‍નિ-અર્પણો માટેની ચાર મેજો ઘડેલા પથ્થરોની હતી. એ મેજો દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેઓ પર અગ્‍નિ-અર્પણો અને બલિદાનો કાપવાનાં સાધનો રાખવામાં આવતાં હતાં. ૪૩ અંદરની દીવાલો પર ચારે બાજુ ચાર આંગળ પહોળી પટ્ટી લગાડેલી હતી. મેજો પર ભેટ-અર્પણોનું માંસ રાખવામાં આવતું હતું.

૪૪ અંદરના દરવાજાની બહાર ગાયકો માટે+ ભોજનખંડો હતા. એ ઉત્તરના દરવાજા પાસે અંદરના આંગણામાં હતા અને એના દરવાજા દક્ષિણ તરફ હતા. પૂર્વના દરવાજા પાસે પણ એક ભોજનખંડ હતો, જેનો દરવાજો ઉત્તર તરફ હતો.

૪૫ તેણે મને કહ્યું: “જે ભોજનખંડનો દરવાજો દક્ષિણ તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી મંદિરમાં સેવા આપવાની છે.+ ૪૬ જે ભોજનખંડનો દરવાજો ઉત્તર તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી વેદી આગળ સેવા કરવાની છે.+ તેઓ સાદોકના દીકરાઓ છે+ અને લેવીઓમાંના છે, જેઓ યહોવા આગળ સેવા આપે છે.”+

૪૭ પછી તેણે અંદરના આંગણાનું માપ લીધું. એ ચોરસ હતું. એ ૧૦૦ હાથ લાંબું અને ૧૦૦ હાથ પહોળું હતું. વેદી મંદિરની આગળ હતી.

૪૮ પછી તે મને મંદિરની પરસાળમાં લઈ આવ્યો+ અને તેણે પરસાળના સ્તંભો માપ્યા. એનું માપ એક બાજુએ પાંચ હાથ અને બીજી બાજુએ પાંચ હાથ હતું. દરવાજાની પહોળાઈ એક બાજુએ ત્રણ હાથ અને બીજી બાજુએ ત્રણ હાથ હતી.

૪૯ પરસાળ ૨૦ હાથ લાંબી અને ૧૧* હાથ પહોળી હતી. લોકો પગથિયાં ચઢીને એમાં જતા. સ્તંભોની બાજુમાં એક એક થાંભલો હતો.+

૪૧ પછી તે મને પવિત્ર સ્થાનમાં* લઈ આવ્યો અને તેણે સ્તંભો માપ્યા. એક બાજુના સ્તંભની પહોળાઈ છ હાથ* અને બીજી બાજુના સ્તંભની પહોળાઈ છ હાથ હતી. ૨ દરવાજો દસ હાથ પહોળો હતો. દર વાજાની એક બાજુના સ્તંભની જાડાઈ પાંચ હાથ અને બીજી બાજુના સ્તંભની જાડાઈ પાંચ હાથ હતી. તેણે પવિત્ર સ્થાનની લંબાઈ માપી, જે ૪૦ હાથ હતી અને પહોળાઈ ૨૦ હાથ હતી.

૩ પછી તે અંદર* ગયો અને દરવાજાની બાજુના સ્તંભો માપ્યા. એની પહોળાઈ બે હાથ અને જાડાઈ સાત હાથ હતી. દરવાજો છ હાથ પહોળો હતો. ૪ ત્યાર બાદ તેણે પવિત્ર સ્થાનની અંદરના ઓરડાનું માપ લીધું અને એ ૨૦ હાથ લાંબો અને ૨૦ હાથ પહોળો હતો.+ તેણે મને કહ્યું: “આ પરમ પવિત્ર સ્થાન* છે.”+

૫ તેણે મંદિરની દીવાલ માપી અને એની જાડાઈ છ હાથ હતી. મંદિર ફરતેની ઓરડીઓની પહોળાઈ ચાર હાથ હતી.+ ૬ એ ઓરડીઓના ત્રણ માળ હતા. દરેક માળ પર ૩૦ ઓરડીઓ હતી. ઓરડીઓ માટે મંદિર ફરતેની દીવાલમાં ખાંચા બનાવીને ભારોટિયા ટેકવ્યા હતા, જેથી દીવાલમાં ગાબડાં પાડવાં ન પડે.+ ૭ મંદિરની બંને બાજુએ ગોળાકાર સીડી હતી. એ જેમ જેમ ઉપરની ઓરડીઓમાં જાય, તેમ તેમ પહોળી થતી હતી.+ પહેલા માળથી બીજો માળ પસાર કરીને ત્રીજો માળ ચઢો તેમ, દરેક માળે ઓરડીઓની પહોળાઈ વધતી હતી.

૮ મેં જોયું કે મંદિરને એક મોટા ઓટલા પર બાંધવામાં આવ્યું હતું. ઓટલાની અને ઓરડીઓના પાયાની ઊંચાઈ એકસરખી હતી. એનું માપ એક લાકડી, એટલે કે છ હાથ હતું. ૯ ઓરડીઓની બહારની દીવાલો પાંચ હાથ પહોળી હતી. એ દીવાલને અડીને ખુલ્લી જગ્યા* હતી, જે મંદિરનો ભાગ હતી.

૧૦ મંદિર અને ભોજનખંડો*+ વચ્ચે ખુલ્લી જગ્યા હતી, જે બંને બાજુએ ૨૦ હાથ પહોળી હતી. ૧૧ મંદિરની ઉત્તર તરફની ઓરડીઓ અને ખુલ્લી જગ્યા વચ્ચે દરવાજો હતો. દક્ષિણ તરફ પણ એવો જ દરવાજો હતો. ખુલ્લી જગ્યાની પહોળાઈ બધી બાજુએ પાંચ હાથ હતી.

૧૨ પશ્ચિમ તરફની ખુલ્લી જગ્યા પાસે એક ઇમારત હતી. એની પહોળાઈ ૭૦ હાથ અને લંબાઈ ૯૦ હાથ હતી. ઇમારત ફરતેની દીવાલની જાડાઈ પાંચ હાથ હતી.

૧૩ તેણે મંદિરનું માપ લીધું અને એની લંબાઈ ૧૦૦ હાથ હતી. ખુલ્લી જગ્યા, ઇમારત* અને એની દીવાલો, એ બધાની લંબાઈ ૧૦૦ હાથ હતી. ૧૪ મંદિરની પૂર્વ તરફનો આગલો ભાગ અને ખુલ્લી જગ્યાની પહોળાઈ ૧૦૦ હાથ હતી.

૧૫ પછી તેણે એ ઇમારતની લંબાઈ માપી, જે મંદિર પાછળ ખુલ્લી જગ્યા પાસે હતી. બંને બાજુના વરંડા સાથે એ ઇમારતની લંબાઈ ૧૦૦ હાથ હતી.

તેણે પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાન+ અને આંગણાની પરસાળો પણ માપ્યાં. ૧૬ તેણે એ ત્રણ જગ્યાના ઉંબરાઓ, બહારથી સાંકડી ને અંદરથી પહોળી બારીઓ+ અને વરંડા માપ્યાં. દરેક ઉંબરાએ ભોંયથી બારીઓ સુધી બધે લાકડાંનાં પાટિયાં જડેલાં દેખાતાં હતાં.+ બારીઓ ઢાંકેલી હતી. ૧૭ દરવાજાની ઉપરનું, મંદિરની અંદરનું, બહારનું અને ચારે બાજુની દીવાલનું માપ લેવામાં આવ્યું. ૧૮ એ બધા પર કરૂબોની+ અને ખજૂરીઓની કોતરણી+ કરેલી હતી. બે કરૂબો વચ્ચે એક ખજૂરી હતી. દરેક કરૂબને બે ચહેરા હતા. ૧૯ એક બાજુની ખજૂરી તરફ કરૂબને માણસનો ચહેરો હતો અને બીજી બાજુની ખજૂરી તરફ સિંહનો ચહેરો.+ આખા મંદિરમાં એવી કોતરણી કરવામાં આવી હતી. ૨૦ મંદિરની દીવાલો પર ભોંયથી છેક દરવાજાની ઉપર સુધી કરૂબોની અને ખજૂરીઓની કોતરણી કરેલી હતી.

૨૧ મંદિરના દરવાજાની બારસાખો* ચોરસ હતી.+ પરમ પવિત્ર સ્થાનની આગળ ૨૨ લાકડાંની વેદી+ જેવું કંઈક હતું. એની ઊંચાઈ ત્રણ હાથ અને લંબાઈ બે હાથ હતી. એના ચાર ખૂણા હતા. એનું તળિયું અને એની બાજુઓ લાકડાંનાં બનેલાં હતાં. એ માણસે મને કહ્યું: “આ યહોવા આગળની મેજ છે.”+

૨૩ પવિત્ર સ્થાનને અને પરમ પવિત્ર સ્થાનને બે બે દરવાજાઓ હતા.+ ૨૪ દરેક દરવાજાને બે પાંખિયાં હતાં. ૨૫ મંદિરની દીવાલોની જેમ દરવાજા પર પણ કરૂબો અને ખજૂરીઓની કોતરણી હતી.+ મંદિરના બહારના ભાગમાં પરસાળ આગળ લાકડાંનું છાપરું* હતું. ૨૬ પરસાળની બંને બાજુએ બહારથી સાંકડી ને અંદરથી પહોળી બારીઓ+ અને ખજૂરીઓની કોતરણી હતી. મંદિરની ઓરડીઓ અને છાપરું પણ એવાં જ હતાં.

૪૨ પછી તે મને ઉત્તર તરફ બહારના આંગણામાં લઈ આવ્યો.+ તે મને ભોજનખંડોની* ઇમારત પાસે લઈ આવ્યો, જે ઉત્તર તરફની ઇમારતને* અડીને+ ખુલ્લી જગ્યાની બાજુમાં હતી.+ ૨ ઉત્તરના દરવાજા તરફ ભોજનખંડોની ઇમારતની લંબાઈ ૧૦૦ હાથ* હતી અને પહોળાઈ ૫૦ હાથ હતી. ૩ અંદરનું આંગણું ૨૦ હાથ પહોળું હતું.+ એની અને બહારના આંગણાની પથ્થર જડેલી ફરસ વચ્ચે ભોજનખંડો હતા. એના વરંડા એકબીજાની સામે હતા. ભોજનખંડોની ઇમારત ત્રણ માળની હતી. ૪ ભોજનખંડો આગળ એક રસ્તો હતો,+ જે ૧૦ હાથ પહોળો અને ૧૦૦ હાથ લાંબો હતો.* ભોજનખંડોના દરવાજા ઉત્તર તરફ હતા. ૫ ભોજનખંડોની ઇમારતના નીચલા ને વચલા માળ કરતાં સૌથી ઉપરનો માળ સાંકડો હતો અને એના વરંડા વધારે જગ્યા લઈ લેતા હતા. ૬ ભોજનખંડોની ઇમારત ત્રણ માળની હતી. પણ એને સ્તંભો ન હતા જેમ આંગણાંમાં હતા. એટલે નીચલા અને વચલા માળ કરતાં ઉપરના માળની જગ્યા સાંકડી હતી.

૭ બહારના આંગણા તરફના ભોજનખંડો નજીક પથ્થરની દીવાલ હતી. એ બીજા ભોજનખંડોની સામે હતી અને ૫૦ હાથ લાંબી હતી. ૮ બહારના આંગણા તરફના ભોજનખંડોની ઇમારતની લંબાઈ ૫૦ હાથ હતી. પણ મંદિર સામેની ઇમારતની લંબાઈ ૧૦૦ હાથ હતી. ૯ બહારના આંગણામાંથી ભોજનખંડો તરફ આવવા માટે રસ્તો હતો, જે પૂર્વ તરફ હતો.

૧૦ દક્ષિણ તરફ પણ ભોજનખંડોની ઇમારત હતી. એ પૂર્વ તરફના આંગણાની પથ્થરની દીવાલને અડીને અંદરની બાજુએ હતી. એ ખુલ્લી જગ્યા અને ઇમારત પાસે આવેલી હતી.+ ૧૧ ઉત્તરના ભોજનખંડો જેવો જ રસ્તો તેઓ આગળ પણ હતો.+ તેઓની લંબાઈ અને પહોળાઈ, તેઓના દરવાજા અને નકશા એકસરખાં હતાં. ઉત્તરના ભોજનખંડોના દરવાજા ૧૨ દક્ષિણ તરફના ભોજનખંડોના દરવાજા જેવા હતા. રસ્તાની શરૂઆતમાં એક દરવાજો હતો, જે પૂર્વ તરફની પથ્થરની દીવાલને અડીને આવેલો હતો. એમાંથી અંદર જઈ શકાતું હતું.+

૧૩ પછી તેણે મને કહ્યું: “ખુલ્લી જગ્યામાં આવેલા ઉત્તર તરફના અને દક્ષિણ તરફના ભોજનખંડો+ પવિત્ર ભોજનખંડો છે. યહોવા આગળ જતા યાજકો ત્યાં સૌથી પવિત્ર અર્પણો ખાય છે.+ સૌથી પવિત્ર અર્પણો, એટલે કે અનાજ-અર્પણ,* પાપ-અર્પણ અને દોષ-અર્પણ તેઓ ત્યાં રાખે છે, કેમ કે એ જગ્યા પવિત્ર છે.+ ૧૪ યાજકો પવિત્ર જગ્યામાં આવે પછી, તેઓ જે કપડાં પહેરીને સેવા આપે છે, એ જ પહેરીને બહારના આંગણામાં ન જાય,+ કેમ કે એ કપડાં પવિત્ર છે. લોકો માટેની જગ્યામાં જતાં પહેલાં તેઓએ એ કપડાં બદલીને બીજાં કપડાં પહેરી લેવા.”

૧૫ તેણે મંદિરની અંદરનો વિસ્તાર માપવાનું પૂરું કર્યું. પછી તે મને પૂર્વ તરફના દરવાજેથી બહાર લઈ આવ્યો.+ તેણે એ આખો વિસ્તાર માપ્યો.

૧૬ તેણે માપવાની લાકડીથી* પૂર્વ તરફનું માપ લીધું. લાકડીના માપ પ્રમાણે, એક બાજુથી બીજી બાજુ સુધીની લંબાઈ ૫૦૦ લાકડી હતી.

૧૭ તેણે ઉત્તર તરફનું માપ લીધું. લાકડીના માપ પ્રમાણે, એની લંબાઈ ૫૦૦ લાકડી હતી.

૧૮ તેણે દક્ષિણ તરફનું માપ લીધું. લાકડીના માપ પ્રમાણે, એની લંબાઈ ૫૦૦ લાકડી હતી.

૧૯ ત્યાંથી ફરીને તે પશ્ચિમ તરફ ગયો. તેણે માપવાની લાકડીથી લંબાઈ માપી તો એ ૫૦૦ લાકડી હતી.

૨૦ તેણે ચારે બાજુથી એ વિસ્તારનું માપ લીધું. એની ચારે બાજુ દીવાલ હતી,+ જે દરેક બાજુથી ૫૦૦ લાકડી લાંબી હતી.+ એ દીવાલ પવિત્ર જગ્યા અને લોકો માટેની જગ્યાને જુદી પાડતી હતી.+

૪૩ પછી તે મને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો.+ ૨ ત્યાં મેં પૂર્વ તરફથી ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ આવતું જોયું.+ તેમનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો હતો.+ આખી પૃથ્વી તેમના ગૌરવથી ઝળહળી ઊઠી.+ ૩ હું* શહેરનો વિનાશ કરવા આવ્યો* ત્યારે, મેં જે દર્શન જોયું હતું એવું એ દર્શન હતું. કબાર નદી+ પાસે જોયેલા દર્શન જેવું એ હતું. એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.

૪ પછી યહોવાનું ગૌરવ પૂર્વ તરફના દરવાજાથી મંદિરની અંદર ગયું.+ ૫ પવિત્ર શક્તિ* મને ઉઠાવીને અંદરના આંગણામાં લઈ ગઈ. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.+ ૬ મેં મંદિરમાંથી એક અવાજ સાંભળ્યો, જે મારી સાથે વાત કરતો હતો. એક માણસ આવીને મારી બાજુમાં ઊભો રહ્યો.+ ૭ તેણે* મને કહ્યું:

“હે માણસના દીકરા, આ જગ્યા મારી રાજગાદી છે.+ એ મારા પગનું આસન છે.+ ઇઝરાયેલી લોકો વચ્ચે હું અહીં કાયમ રહીશ.+ હવેથી ઇઝરાયેલી લોકો અને તેઓના રાજાઓ મને બેવફા નહિ બને.* તેઓ મરી ગયેલા રાજાઓનાં* મડદાંથી મારું નામ બદનામ નહિ કરે.+ ૮ તેઓ પોતાનો ઉંબરો મારા ઉંબરાની બાજુમાં મૂકે છે, તેઓની બારસાખ મારી બારસાખની બાજુમાં મૂકે છે. મારી અને તેઓની વચ્ચે ફક્ત એક દીવાલ જ છે.+ તેઓએ અધમ કામો કરીને મારું પવિત્ર નામ બદનામ કર્યું છે. એટલે મેં ક્રોધે ભરાઈને તેઓનો વિનાશ કર્યો.+ ૯ પણ હવે જો તેઓ મને બેવફા નહિ બને* અને તેઓના રાજાઓનાં મડદાં મારી પાસેથી દૂર કરે, તો હું હંમેશ માટે તેઓની વચ્ચે રહીશ.+

૧૦ “હે માણસના દીકરા, તું ઇઝરાયેલી લોકો આગળ મંદિરનું વર્ણન કર,+ જેથી તેઓ પોતાના ગુનાઓને લીધે શરમાય.+ તેઓ મંદિરના નકશાને ધ્યાન આપે.* ૧૧ જો તેઓ પોતાનાં કામોને લીધે શરમાય, તો તું તેઓની નજર આગળ મંદિરનો નકશો દોર. એની ગોઠવણ, બહાર જવાના અને અંદર આવવાના દરવાજાઓ,+ બધા નકશા અને એની વિગતો વિશે જણાવ. તેઓને એના બધા નિયમો બતાવ, જેથી તેઓ બધા નકશા અને વિગતો ધ્યાનથી જુએ ને કાયદા-કાનૂન પાળે.+ ૧૨ મંદિરનો નિયમ આ છે: પર્વતની ટોચ ફરતેનો આખો વિસ્તાર એકદમ પવિત્ર છે.+ હા, મંદિરનો નિયમ એ છે.

૧૩ “વેદીનું માપ હાથ પ્રમાણે આમ છે+ (દરેક હાથ માપમાં ચાર આંગળ લંબાઈ ઉમેરી હતી):* એના તળિયાની ઊંચાઈ એક હાથ અને પહોળાઈ એક હાથ છે. એની ચારે બાજુની ધારની પહોળાઈ એક વેંત* છે. એ વેદીનું તળિયું છે. ૧૪ તળિયાની ઉપર ચારે બાજુએ એક નાની પાળી છે, જેની ઊંચાઈ બે હાથ અને પહોળાઈ એક હાથ છે. નાની પાળીની ઉપર ચારે બાજુએ એક મોટી પાળી છે, જેની ઊંચાઈ ચાર હાથ અને પહોળાઈ એક હાથ છે. ૧૫ વેદીનું મથાળું ચાર હાથ ઊંચું છે. વેદીના મથાળાને ચાર શિંગડાં* છે.+ ૧૬ વેદીનું મથાળું ચોરસ છે, ૧૨ હાથ લાંબું અને ૧૨ હાથ પહોળું.+ ૧૭ મોટી પાળીની દરેક બાજુની લંબાઈ ૧૪ હાથ છે. પાળીની ચારે બાજુની ધારનું માપ અડધો હાથ છે. વેદીના તળિયાની પહોળાઈ ચારે બાજુથી એક હાથ છે.

“એનાં પગથિયાં પૂર્વ તરફ છે.”

૧૮ પછી તેણે મને કહ્યું: “હે માણસના દીકરા, વિશ્વના માલિક યહોવા કહે છે: ‘વેદી બંધાઈ જાય ત્યારે આ સૂચનો પાળવાં, જેથી એના પર અગ્‍નિ-અર્પણો ચઢાવવામાં આવે અને લોહી છાંટવામાં આવે.’+

૧૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તું ટોળામાંથી એક આખલો* લે. એ પાપ-અર્પણ+ તરીકે સાદોકના વંશજો, લેવી યાજકોને આપ,+ જેઓ મારી સેવા કરવા મારી આગળ આવે છે. ૨૦ તું એમાંનું થોડું લોહી લઈને વેદીનાં ચાર શિંગડાં પર લગાડ. મોટી પાળીના ચાર ખૂણાઓ પર અને ચારે બાજુની ધાર પર એ લગાડ. આ રીતે વેદીને પાપથી શુદ્ધ કર અને એના માટે પ્રાયશ્ચિત્ત* કર.+ ૨૧ પછી પાપ-અર્પણ માટેનો આખલો લે અને પવિત્ર સ્થાનની બહાર મંદિરમાં ઠરાવેલી જગ્યાએ એને બાળ.+ ૨૨ બીજા દિવસે તું પાપ-અર્પણ તરીકે એક બકરાનું બલિદાન ચઢાવ, જે ખોડખાંપણ વગરનો હોય. યાજકો વેદીને પાપથી શુદ્ધ કરશે, જેમ તેઓએ આખલાના લોહીથી એને શુદ્ધ કરી હતી.’

૨૩ “‘તું વેદીને પાપથી શુદ્ધ કરવાનું પૂરું કરે પછી, ટોળામાંથી એક આખલાનું અને એક નર ઘેટાનું અર્પણ કર, જે ખોડખાંપણ વગરના હોય. ૨૪ તારે તેઓને યહોવા આગળ લાવવા. યાજકો તેઓ પર મીઠું નાખે+ અને યહોવાને અગ્‍નિ-અર્પણ તરીકે ચઢાવે. ૨૫ સાત દિવસો સુધી તારે દરરોજ પાપ-અર્પણ તરીકે નર બકરો ચઢાવવો.+ એની સાથે ટોળામાંથી એક આખલો અને નર ઘેટો ચઢાવવો. તારે ખોડખાંપણ વગરનાં* પ્રાણીઓનું અર્પણ કરવું. ૨૬ સાત દિવસો સુધી યાજકો વેદી માટે પ્રાયશ્ચિત્ત કરે. તેઓ વેદી શુદ્ધ કરે અને વાપરવા માટે તૈયાર કરે. ૨૭ એ દિવસો પૂરા થયા પછી, આઠમા દિવસથી+ યાજકો વેદી પર તમારા* માટે અગ્‍નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવશે. એ પછી હું તમારો સ્વીકાર કરીશ,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”

૪૪ તે મને મંદિરના બહારના દરવાજે પાછો લઈ આવ્યો, જે પૂર્વ તરફ હતો.+ એ દરવાજો બંધ હતો.+ ૨ પછી યહોવાએ મને કહ્યું: “આ દરવાજો બંધ રહેશે. એ ખોલવામાં આવશે નહિ. કોઈ માણસ એમાંથી અંદર આવશે નહિ, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા એમાંથી અંદર ગયા છે.+ એ બંધ જ રહેશે. ૩ પણ આગેવાન એમાં બેસીને યહોવા આગળ રોટલી ખાશે,+ કેમ કે તે આગેવાન છે. તે દરવાજાની પરસાળમાં થઈને અંદર આવશે અને એમાં થઈને બહાર જશે.”+

૪ પછી તે મને ઉત્તરના દરવાજાથી મંદિર આગળ લઈ આવ્યો. મેં જોયું તો યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+ એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.+ ૫ યહોવાએ મને કહ્યું: “હે માણસના દીકરા, યહોવાના મંદિરના જે કાયદા-કાનૂન અને નિયમો હું તને જણાવું, એના પર ધ્યાન આપ* અને એ કાન દઈને સાંભળ. મંદિરની અંદર આવવાના અને બહાર નીકળવાના બધા દરવાજાઓ પર બરાબર નજર રાખ.+ ૬ ઇઝરાયેલના બંડખોર લોકોને જણાવ કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ઇઝરાયેલના લોકો, બહુ થયું! અધમ કામો કરવામાં તમે હદ વટાવી દીધી છે. ૭ તમે પરદેશીઓને મારા મંદિરમાં લાવો છો. તેઓનાં દિલ ભ્રષ્ટ છે, તેઓની સુન્‍નત પણ થયેલી નથી. તેઓ મારું મંદિર અશુદ્ધ કરે છે. એક બાજુ તમે રોટલી, ચરબી અને લોહી ચઢાવો છો, બીજી બાજુ નીચ કામો કરીને મારો કરાર તોડો છો. ૮ તમે મારી પવિત્ર વસ્તુઓની સંભાળ રાખતા નથી.+ તમે તો મારા મંદિરની જવાબદારી બીજા લોકોને સોંપી દો છો.”’

૯ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલમાં રહેતો કોઈ પણ પરદેશી મારા મંદિરમાં આવી શકશે નહિ, કેમ કે તેનું દિલ ભ્રષ્ટ છે અને તેની સુન્‍નત થયેલી નથી.”’

૧૦ “‘ઇઝરાયેલી લોકો મને છોડીને ધિક્કારપાત્ર મૂર્તિઓ* પાછળ ગયા. એ સમયે જે લેવીઓ મારા માર્ગમાંથી ભટકી ગયા,+ તેઓએ પોતાનાં પાપનાં ફળ ભોગવવાં પડશે. ૧૧ તેઓ મારા મંદિરના ફક્ત સેવકો બની રહેશે. તેઓ મંદિરના દરવાજાઓની સંભાળ રાખશે+ અને મંદિરે સેવા આપશે. તેઓ અગ્‍નિ-અર્પણો અને લોકો માટેનાં બલિદાન કાપશે. તેઓ લોકો આગળ ઊભા રહીને તેઓની સેવા કરશે. ૧૨ અગાઉ તેઓ ધિક્કારપાત્ર મૂર્તિઓની આગળ લોકોની સેવા કરતા હતા. તેઓએ ઇઝરાયેલના લોકોને ઠોકર ખવડાવીને પાપમાં નાખ્યા હતા.+ એટલે મેં સમ ખાઈને તેઓ વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો છે. તેઓએ પોતાનાં પાપનાં ફળ ભોગવવાં પડશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૩ ‘તેઓ યાજકો તરીકે સેવા આપવા મારી આગળ આવશે નહિ. તેઓ મારી પવિત્ર અને ખૂબ પવિત્ર વસ્તુઓ પાસે પણ આવશે નહિ. તેઓનાં નીચ કામોને લીધે તેઓએ અપમાન સહેવું પડશે. ૧૪ પણ હું તેઓને મંદિરની બીજી જવાબદારીઓ સોંપીશ. મંદિરની સેવા માટે જે કંઈ કરવાની જરૂર હોય, એની તેઓ દેખરેખ રાખશે.’+

૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જ્યારે ઇઝરાયેલી લોકો મારા માર્ગમાંથી ભટકી ગયા, ત્યારે સાદોકના દીકરાઓ, લેવી યાજકોએ+ મારા મંદિરની જવાબદારીઓ ઉપાડી હતી.+ એટલે તેઓ મારી આગળ આવીને મારી સેવા કરશે. તેઓ મારી આગળ ઊભા રહીને મને ચરબી+ અને લોહી ચઢાવશે.+ ૧૬ તેઓ મારા મંદિરમાં આવીને મારી સેવા કરવા મારી મેજ આગળ આવશે.+ તેઓ મારા માટે એ જવાબદારીઓ ઉપાડશે.+

૧૭ “‘તેઓ અંદરના આંગણાના દરવાજાઓમાં આવે ત્યારે, શણનાં કપડાં પહેરે.+ તેઓ અંદરના આંગણાના દરવાજાએ કે એની અંદર સેવા આપે ત્યારે, ઊનનાં કોઈ કપડાં પહેરે નહિ. ૧૮ તેઓ માથે શણની પાઘડી પહેરે અને કમરથી જાંઘ સુધીનો શણનો ટૂંકો લેંઘો પહેરે.+ તેઓ એવું કંઈ ન પહેરે, જેનાથી પરસેવો થાય. ૧૯ તેઓ બહારના આંગણામાં, એટલે કે લોકો માટેના બહારના આંગણામાં જાય એ પહેલાં, સેવા કરતી વખતે પહેરેલાં કપડાં બદલી નાખે.+ એ કપડાં તેઓ પવિત્ર ભોજનખંડોમાં* રાખી મૂકે.+ તેઓ પોતાનાં કપડાંથી લોકોને પવિત્ર ન કરે એ માટે તેઓ બીજાં કપડાં પહેરે. ૨૦ તેઓ પોતાનું માથું ન મૂંડાવે.+ તેઓ પોતાનાં માથાંના વાળ લાંબા ન થવા દે, પણ એ કપાવતા રહે. ૨૧ યાજકો અંદરના આંગણામાં આવે ત્યારે શરાબ ન પીએ.+ ૨૨ તેઓ વિધવા સાથે અથવા છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે ન પરણે.+ પણ તેઓ ઇઝરાયેલી લોકોમાંથી કોઈ કુંવારી કન્યા સાથે અથવા યાજકની વિધવા સાથે પરણે.’+

૨૩ “‘જે પવિત્ર છે અને જે સામાન્ય છે, એના વચ્ચેનો ફરક તેઓએ મારા લોકોને બતાવવો. તેઓએ લોકોને શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત શીખવવો.+ ૨૪ તેઓએ ન્યાયાધીશો બનીને મુકદ્દમાનો ચુકાદો આપવો,+ મારા કાયદા-કાનૂન પ્રમાણે ઇન્સાફ કરવો.+ તેઓએ મારા બધા તહેવારો વિશે મારા નિયમો અને કાયદા-કાનૂન પાળવા.+ મારા સાબ્બાથોને પવિત્ર મનાવવા. ૨૫ તેઓએ માણસની લાશ પાસે ન જવું, નહિ તો તેઓ અશુદ્ધ થઈ જશે. પણ તેઓને પોતાનાં પિતા, માતા, દીકરા, દીકરી, ભાઈ અથવા કુંવારી બહેન માટે અશુદ્ધ થવાની છૂટ છે.+ ૨૬ એ યાજકે શુદ્ધ થયા પછી સાત દિવસ રાહ જોવી. ૨૭ જે દિવસે તે પવિત્ર જગ્યાની અંદર આવે, એટલે કે અંદરના આંગણામાં પવિત્ર જગ્યાએ સેવા આપવા આવે, એ દિવસે તેણે પોતાના માટે પાપ-અર્પણ રજૂ કરવું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૨૮ “‘આ તેઓનો વારસો થશે: હું તેઓનો વારસો છું.+ તમારે તેઓને ઇઝરાયેલમાં કોઈ મિલકત આપવી નહિ, કેમ કે હું તેઓની મિલકત છું. ૨૯ તેઓ અનાજ-અર્પણ,+ પાપ-અર્પણ અને દોષ-અર્પણ ખાશે.+ ઇઝરાયેલમાં ઈશ્વરને અર્પણ કરેલી બધી જ ચીજો તેઓની થશે.+ ૩૦ પહેલી ઊપજનાં* સૌથી સારાં પાકાં ફળો યાજકોનાં છે. તમારી પાસેથી આવેલાં બધા પ્રકારનાં દાનો પણ તેઓનાં છે.+ તમારે અનાજની પહેલી ઊપજનો કકરો લોટ યાજકોને આપવો.+ એમ કરવાથી તમારાં કુટુંબો પર ઘણા આશીર્વાદો આવશે.+ ૩૧ યાજકોએ એવું કોઈ પક્ષી કે જાનવર ખાવું નહિ, જે મરેલું કે ફાડી ખાધેલું હોય.’+

૪૫ “‘તમે દેશની વહેંચણી કરો અને એનો વારસો લો+ ત્યારે, તમારે એ જમીનનો અમુક ભાગ યહોવાને દાન કરવો, જે પવિત્ર ભાગ ગણાશે.+ એની લંબાઈ ૨૫,૦૦૦ હાથ* અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હોય.+ એનો આખો વિસ્તાર* પવિત્ર ભાગ ગણાશે. ૨ એની અંદર પવિત્ર જગ્યા માટે ચોરસ ભાગ રાખવો, જેની લંબાઈ ૫૦૦ હાથ અને પહોળાઈ ૫૦૦ હાથ હોય.*+ એની ચારે બાજુએ ચરાવવા માટે ૫૦ હાથ જમીન રાખવી.+ ૩ એ માપમાંથી તમારે એક જગ્યા માપી લેવી, જેની લંબાઈ ૨૫,૦૦૦ હાથ અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હોય. એમાં મંદિર બનશે, જે સૌથી પવિત્ર જગ્યા હશે. ૪ એ આખો ભાગ યાજકો, એટલે કે પવિત્ર જગ્યાના સેવકો માટે દેશનો પવિત્ર ભાગ બનશે.+ તેઓ યહોવાની સેવા કરવા તેમની આગળ જાય છે.+ એ ભાગ તેઓનાં ઘરો માટે હશે અને એ પવિત્ર જગ્યા માટે પવિત્ર સ્થળ હશે.

૫ “‘મંદિરના સેવકો, એટલે કે લેવીઓ માટે ૨૫,૦૦૦ હાથ લાંબી અને ૧૦,૦૦૦ હાથ પહોળી જગ્યા હશે.+ તેઓના ભાગે ૨૦ ભોજનખંડો* હશે.+

૬ “‘તમારે વારસા તરીકે શહેર માટે જગ્યા રાખવી, જેનો વિસ્તાર ૨૫,૦૦૦ હાથ લાંબો (પવિત્ર દાનની જગ્યા જેટલો) અને ૫,૦૦૦ હાથ પહોળો હોય.+ એ ઇઝરાયેલના બધા લોકો માટે હશે.

૭ “‘પવિત્ર દાનની જગ્યાની અને શહેર માટેના વિસ્તારની આ બાજુએ અને પેલી બાજુએ આગેવાનની જમીન હશે. એ જમીન પવિત્ર દાનની અને શહેરના વારસાની બાજુમાં હશે. એ પશ્ચિમ અને પૂર્વ તરફ હશે. પશ્ચિમ તરફની હદથી પૂર્વ તરફની હદ સુધીની લંબાઈ કુળોને મળેલા એક હિસ્સા જેટલી હશે.+ ૮ ઇઝરાયેલમાં એ જમીન આગેવાનનો વારસો થશે. મારા આગેવાનો હવેથી મારા લોકો પર જુલમ નહિ કરે.+ તેઓ ઇઝરાયેલી લોકોને કુળો પ્રમાણે જમીન આપશે.’+

૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ ઇઝરાયેલના આગેવાનો, બસ, હવે બહુ થયું!’

“‘જુલમ અને હિંસા બંધ કરો. જે ખરું અને સાચું છે એ કરો.+ મારા લોકોની મિલકત લૂંટી ન લો,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૦ ‘તમારે સાચાં ત્રાજવાં, સાચાં એફાહ માપ* અને સાચાં બાથ માપ* વાપરવાં.+ ૧૧ એફાહ માપ અને બાથ માપ માટે નક્કી કરેલું માપ વાપરવું. એક બાથ માપમાં હોમેરનો* દસમો ભાગ આવવો જોઈએ અને એક એફાહ માપમાં હોમેરનો દસમો ભાગ આવવો જોઈએ. એ માપ હોમેર પ્રમાણે હશે. ૧૨ એક શેકેલ*+ ૨૦ ગેરાહ* હોવું જોઈએ. ૨૦ શેકેલ, ૨૫ શેકેલ અને ૧૫ શેકેલ મળીને એક માનેહ* થશે.’

૧૩ “‘તમારે આ દાન આપવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ અને દરેક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ. ૧૪ તમારે તેલનો હિસ્સો બાથ માપ પ્રમાણે આપવો. એક બાથ માપ એક કોરનો* દસમો ભાગ. દસ બાથ માપ એક હોમેર છે, કેમ કે દસ બાથ માપ એટલે એક હોમેર. ૧૫ ઇઝરાયેલનાં ઢોરઢાંકના ટોળામાંથી તમારે દર ૨૦૦ ઘેટાંમાંથી એક ઘેટું આપવું. આ બલિદાનો અનાજ-અર્પણ,+ અગ્‍નિ-અર્પણ+ અને શાંતિ-અર્પણો+ માટે હશે, જેથી લોકો માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૧૬ “‘દેશના બધા લોકો ઇઝરાયેલના આગેવાનને એ દાન આપશે.+ ૧૭ પણ અગ્‍નિ-અર્પણો,+ અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણ પૂરાં પાડવાની જવાબદારી આગેવાનની રહેશે. એ અર્પણો તહેવારો,+ ચાંદરાતો,* સાબ્બાથો,+ હા, ઇઝરાયેલી લોકોના ઠરાવેલા બધા તહેવારો માટે હશે.+ તેણે જ પાપ-અર્પણ, અનાજ-અર્પણ, અગ્‍નિ-અર્પણ અને શાંતિ-અર્પણો આપવાનાં રહેશે, જેથી ઇઝરાયેલના લોકો માટે પ્રાયશ્ચિત્ત કરી શકાય.’

૧૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તારે પહેલા મહિનાના પહેલા દિવસે ટોળામાંથી ખોડખાંપણ વગરનો એક આખલો લાવવો. તારે મંદિરમાંથી પાપ દૂર કરીને એને શુદ્ધ કરવું.+ ૧૯ યાજક એ પાપ-અર્પણમાંથી થોડું લોહી લેશે. યાજક એ લોહી મંદિરની બારસાખ પર,+ વેદી ફરતેની પાળીના ચારેય ખૂણાઓ પર અને અંદરના આંગણાના દરવાજાની બારસાખ પર લગાડશે. ૨૦ તારે મહિનાના સાતમા દિવસે પણ એમ કરવું, કેમ કે કદાચ કોઈએ ભૂલથી અથવા અજાણતાં પાપ કર્યું હોય.+ તારે મંદિર માટે પ્રાયશ્ચિત્ત કરવું.+

૨૧ “‘પહેલા મહિનાના ૧૪મા દિવસે તમારે પાસ્ખાનો* તહેવાર ઊજવવો.+ સાત દિવસ સુધી તમારે ખમીર* વગરની રોટલી ખાવી.+ ૨૨ એ દિવસે આગેવાન પોતાના માટે અને દેશના બધા લોકો માટે પાપ-અર્પણ તરીકે એક આખલો આપશે.+ ૨૩ તે તહેવારના સાતેસાત દિવસ યહોવાને અગ્‍નિ-અર્પણ આપશે. એ માટે તે સાતેસાત દિવસ સાત આખલા અને સાત નર ઘેટા પૂરા પાડશે.+ એ બધા ખોડખાંપણ વગરના હોય. પાપ-અર્પણ તરીકે તે રોજ એક બકરો પણ આપશે. ૨૪ તે દરેક આખલા માટે અને દરેક નર ઘેટા માટે એક એક એફાહ અનાજ-અર્પણ આપે. તે દરેક એફાહ માટે એક હીન* તેલ પણ આપે.

૨૫ “‘સાતમા મહિનાના ૧૫મા દિવસથી શરૂ થતા તહેવારના સાત દિવસ પણ તે એટલું આપે.+ તે પાપ-અર્પણ, અગ્‍નિ-અર્પણ, અનાજ-અર્પણ અને તેલ પૂરાં પાડે.’”

૪૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અંદરના આંગણાનો પૂર્વ તરફનો દરવાજો+ કામના છ દિવસ+ બંધ રાખવામાં આવે.+ પણ સાબ્બાથના દિવસે અને ચાંદરાતના દિવસે એ ખોલવામાં આવે. ૨ આગેવાન બહારના આંગણામાંથી દરવાજાની પરસાળમાં આવે.+ તે દરવાજાની બારસાખ પાસે ઊભો રહે. યાજકો તેણે આપેલાં અગ્‍નિ-અર્પણ અને શાંતિ-અર્પણો ચઢાવે. તે દરવાજાના ઉંબરા પાસે નમન કરે અને પછી બહાર નીકળી જાય. પણ દરવાજો સાંજ સુધી બંધ કરવો નહિ. ૩ સાબ્બાથે અને ચાંદરાતે દેશના લોકો પણ એ દરવાજા પાસે આવીને યહોવા આગળ નમન કરે.+

૪ “‘આગેવાન સાબ્બાથના દિવસે યહોવાને જે અગ્‍નિ-અર્પણ ચઢાવે, એમાં ઘેટાના છ નર બચ્ચા અને એક નર ઘેટો હોય. એ ખોડખાંપણ વગરના હોય.+ ૫ નર ઘેટા માટે તે એક એફાહ* અનાજ-અર્પણ આપે. ઘેટાના નર બચ્ચા માટે તે જે કંઈ આપી શકે એ આપે. દરેક એફાહ સાથે તે એક હીન* તેલ પણ આપે.+ ૬ ચાંદરાતના દિવસે અર્પણ માટે તે ટોળામાંથી એક આખલો, ઘેટાના છ નર બચ્ચા અને એક નર ઘેટો આપે. એ બધા ખોડખાંપણ વગરના હોય.+ ૭ આખલા માટે એક એફાહ અને નર ઘેટા માટે એક એફાહ અનાજ-અર્પણ તે આપે. ઘેટાના નર બચ્ચા માટે તે જે કંઈ આપી શકે એ આપે. દરેક એફાહ સાથે તે એક હીન તેલ પણ આપે.

૮ “‘આગેવાન આવે ત્યારે, દરવાજાની પરસાળથી આવે અને એ જ રસ્તે તે પાછો જાય.+ ૯ તહેવારોના સમયે દેશના લોકો યહોવા આગળ આવે.+ જેઓ ઉત્તરના દરવાજાથી ભક્તિ કરવા અંદર આવે,+ તેઓ દક્ષિણના દરવાજાથી બહાર જાય.+ જેઓ દક્ષિણના દરવાજાથી આવે, તેઓ ઉત્તરના દરવાજાથી બહાર જાય. જે દરવાજાથી તેઓ અંદર આવે, એ જ દરવાજાથી પાછા બહાર ન જાય. તેઓએ પોતાની સામેના દરવાજાથી બહાર જવું. ૧૦ તેઓમાં જે આગેવાન હોય, તેણે તેઓની સાથે અંદર આવવું અને તેઓની સાથે બહાર જવું. ૧૧ તહેવારોના* સમયે આખલા માટે તે એક એફાહ અને નર ઘેટા માટે એક એફાહ અનાજ-અર્પણ આપે. ઘેટાના નર બચ્ચા માટે તે જે કંઈ આપી શકે એ આપે. દરેક એફાહ સાથે તે એક હીન તેલ પણ આપે.+

૧૨ “‘જો આગેવાન યહોવા માટે સ્વેચ્છા-અર્પણ* તરીકે અગ્‍નિ-અર્પણ+ અને શાંતિ-અર્પણો લાવે, તો તેના માટે પૂર્વ તરફનો દરવાજો ખોલવામાં આવે. તે સાબ્બાથના દિવસે કરે છે તેમ, પોતાનાં અગ્‍નિ-અર્પણ અને શાંતિ-અર્પણો આપે.+ તે બહાર જાય પછી દરવાજો બંધ કરી દેવામાં આવે.+

૧૩ “‘એક વર્ષથી નાનું ઘેટાનું નર બચ્ચું અગ્‍નિ-અર્પણ તરીકે યહોવા માટે રોજ ચઢાવવું. એ ખોડખાંપણ વગરનું હોય.+ એ રોજ સવારે ચઢાવવું. ૧૪ રોજ સવારે અનાજ-અર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ પણ આપવો. સાથે સાથે મેંદા પર છાંટવા માટે એક હીનનો ત્રીજો ભાગ તેલ આપવું. યહોવા માટે આ અનાજ-અર્પણ નિયમિત ચઢાવવું. એ કાયમ માટેનો નિયમ છે. ૧૫ અગ્‍નિ-અર્પણ તરીકે ઘેટાનું નર બચ્ચું, અનાજ-અર્પણ અને તેલ રોજ સવારે નિયમિત રીતે ચઢાવવું.’

૧૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જો આગેવાન પોતાના દરેક દીકરાને વારસા તરીકે જમીન ભેટમાં આપે, તો એ તેના દીકરાની માલિકીની થશે. એ તેઓને વારસામાં મળેલી મિલકત છે. ૧૭ પણ જો આગેવાન પોતાના વારસામાંથી કોઈ ચાકરને ભેટ આપે, તો છુટકારાના વર્ષ* સુધી એ ભેટ ચાકરની રહેશે.+ ત્યાર બાદ એ ભેટ પાછી આગેવાનની થઈ જશે. ફક્ત તેના દીકરાઓને આપેલો વારસો કાયમ માટે તેઓનો થશે. ૧૮ લોકોને વારસામાં મળેલી જમીન આગેવાને પડાવી લેવી નહિ અને તેઓને એમાંથી બળજબરીથી કાઢી મૂકવા નહિ. તેણે પોતાની મિલકતમાંથી પોતાના દીકરા ઓને વારસો આપવો, જેથી મારા લોકોમાંથી કોઈએ પણ પોતાનો વારસો ગુમાવવો ન પડે.’”

૧૯ પછી તે મને ઉત્તરની બાજુના બારણાવાળા યાજકોના પવિત્ર ભોજનખંડો* તરફ લઈ જતા દરવાજાએ લાવ્યો.+ એની બાજુના રસ્તેથી તે મને અંદર લઈ આવ્યો.+ ત્યાં મેં પશ્ચિમ તરફ પાછળના ભાગમાં એક જગ્યા જોઈ. ૨૦ તેણે મને કહ્યું: “આ જગ્યાએ યાજકો દોષ-અર્પણ અને પાપ-અર્પણ બાફશે. આ જગ્યાએ તેઓ અનાજ-અર્પણ શેકશે,+ જેથી બહારના આંગણામાં તેઓએ કંઈ જ લઈ જવું ન પડે અને એનાથી લોકો પવિત્ર ન થઈ જાય.”+

૨૧ તે મને બહારના આંગણામાં લઈ આવ્યો અને આંગણાના ચારેય ખૂણા પાસે લઈ ગયો. મેં જોયું કે બહારના આંગણાને દરેક ખૂણે એક આંગણું હતું. ૨૨ બહારના આંગણાના ચારેય ખૂણાએ નાનાં આંગણાં હતાં, એ ૪૦ હાથ* લાંબાં અને ૩૦ હાથ પહોળાં હતાં. એ ચારેચાર એકસરખાં માપનાં હતાં. ૨૩ એ ચારેય આંગણાંની અંદર દરેક બાજુએ પાળી હતી. એ પાળીઓ નીચે અર્પણો બાફવાની જગ્યા બનાવવામાં આવી હતી. ૨૪ તેણે મને કહ્યું: “આ જગ્યાએ મંદિરના સેવકો લોકોનાં બલિદાનો બાફે છે.”+

૪૭ પછી તે મને મંદિરના દરવાજે લઈ આવ્યો.+ ત્યાં મેં મંદિરના ઉંબરા નીચેથી પાણી નીકળતું જોયું,+ જે પૂર્વ તરફ વહેતું હતું. મંદિરનો આગલો ભાગ પૂર્વ તરફ હતો. મંદિરની જમણી બાજુથી પાણી વેદીની દક્ષિણ તરફથી વહેતું હતું.

૨ પછી તે મને ઉત્તરના દરવાજાથી બહાર લઈ ગયો.+ તે મને ફેરવીને પૂર્વ તરફ બહારના દરવાજે લઈ આવ્યો.+ મેં જોયું કે ત્યાં જમણી બાજુથી પાણી વહેતું હતું.

૩ એ માણસ હાથમાં માપવાની દોરી+ લઈને પૂર્વ તરફ ગયો. તેણે પૂર્વના દરવાજાથી ૧,૦૦૦ હાથ* અંતર સુધી પાણી માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને પાણી ઘૂંટી સુધી હતું.

૪ પછી તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને એ ઘૂંટણ સુધી હતું.

તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. તેણે મને પાણીમાંથી ચલાવ્યો અને એ કમર સુધી હતું.

૫ તેણે બીજા ૧,૦૦૦ હાથ અંતર માપ્યું. ત્યાં પાણી વધીને નદી જેવું થઈ ગયું, જેને ચાલીને પાર કરી શકાય એમ ન હતું. પાણી એટલું ઊંડું હતું કે તરવું પડે. એ નદીમાંથી ચાલીને સામે પાર જવાય એમ ન હતું.

૬ તેણે મને પૂછ્યું: “હે માણસના દીકરા, તેં આ બધું જોયું?”

ત્યાર બાદ તે મને ચલાવીને પાછો નદી કિનારે લઈ આવ્યો. ૭ હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે નદીના બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં.+ ૮ તેણે મને કહ્યું: “આ નદી પૂર્વના વિસ્તાર તરફ વહે છે. એ છેક અરાબાહમાંથી*+ વહીને સમુદ્રને* મળશે. જ્યારે એ સમુદ્રને મળશે,+ ત્યારે સમુદ્રનું પાણી મીઠું બનાવી દેશે. ૯ જ્યાં જ્યાં એ પાણી* વહેશે, ત્યાં ત્યાં જાતજાતનાં પ્રાણીઓનાં ટોળાં જીવશે. એમાં પુષ્કળ માછલીઓ પણ જીવશે, કેમ કે આ પાણી ત્યાં વહેશે. એનાથી સમુદ્રનું પાણી મીઠું થઈ જશે અને જ્યાં નદી વહેશે, ત્યાં જીવન લાવશે.

૧૦ “એન-ગેદીથી+ છેક એન-એગ્લાઈમ સુધી નદી પાસે માછીમારો ઊભા રહેશે. ત્યાં મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા હશે. મોટા સમુદ્રની*+ માછલીઓની જેમ, ત્યાં જાતજાતની ઢગલાબંધ માછલીઓ હશે.

૧૧ “એ નદીમાં કાદવ-કીચડ અને ખાબોચિયાં હશે. એ જગ્યાઓ મીઠી થશે નહિ, એમાં ખારાશ રહેશે.+

૧૨ “નદીના બંને કિનારે જાતજાતનાં વૃક્ષો ઊગશે, જેનાં પર પુષ્કળ ફળો લાગશે. એનાં પાંદડાં કદી કરમાશે નહિ, એને ફળ આવવાનાં બંધ થશે નહિ. એને દર મહિને નવાં ફળ લાગશે, કેમ કે એને મળતું પાણી મંદિરમાંથી વહેતું હશે.+ એ વૃક્ષોનાં ફળ ખાવા માટે હશે અને એનાં પાંદડાં દવા માટે હશે.”+

૧૩ વિશ્વના માલિક યહોવા કહે છે: “ઇઝરાયેલનાં ૧૨ કુળોને તમે આ વિસ્તાર વારસા તરીકે વહેંચી આપજો. યૂસફને બમણો ભાગ મળશે.+ ૧૪ તમે એનો વારસો લેશો અને તમને એકસરખો ભાગ મળશે.* મેં તમારા બાપદાદાઓને આ દેશ આપવાના સમ ખાધા હતા.+ હવે એ હું તમને વારસા તરીકે આપું છું.

૧૫ “ઉત્તર તરફની સરહદ આ છે: એ મોટા સમુદ્રથી હેથ્લોન+ થઈને સદાદ+ તરફ છે. ૧૬ એ હમાથ,+ બેરોથાહ+ અને સિબ્રાઇમ જાય છે, જે દમસ્કના વિસ્તાર અને હમાથના વિસ્તારની વચ્ચે આવેલું છે. પછી એ હૌરાનની+ હદ પાસે આવેલા હાસેર-હાત્તીકોન જાય છે. ૧૭ એટલે એ હદ સમુદ્રથી હસાર-એનોન સુધી છે.+ એ હદ ઉત્તરે દમસ્કની હદ સાથે અને હમાથની હદ સાથે છે.+ આ ઉત્તરની સરહદ છે.

૧૮ “પૂર્વ તરફની સરહદ હૌરાન અને દમસ્ક વચ્ચેથી નીકળે છે. એ ગિલયાદ+ અને ઇઝરાયેલ દેશની વચ્ચેથી યર્દનને કિનારે કિનારે જાય છે. તમારે એ હદથી પૂર્વના સમુદ્ર* સુધીનું અંતર માપવું. આ પૂર્વની સરહદ છે.

૧૯ “દક્ષિણ તરફની સરહદ તામારથી મરીબોથ-કાદેશના પાણી+ સુધી છે. ત્યાંથી એ વહેળા* અને મોટા સમુદ્ર સુધી જાય છે.+ આ દક્ષિણની સરહદ છે.

૨૦ “પશ્ચિમ તરફ મોટો સમુદ્ર છે, જે દક્ષિણની સરહદથી લઈને લીબો-હમાથની* સામે સુધી છે.+ આ પશ્ચિમની સરહદ છે.”

૨૧ “આ જગ્યા તમારી વચ્ચે, એટલે કે ઇઝરાયેલનાં ૧૨ કુળો વચ્ચે વહેંચી લેવી. ૨૨ એ જગ્યા વારસા તરીકે તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે વહેંચી લેવી, જેઓનાં બાળકો તમારા દેશમાં પેદા થયાં હોય. તમારી નજરમાં તેઓ ઇઝરાયેલમાં જન્મેલા વતનીઓ જેવા થાય. ઇઝરાયેલનાં કુળોમાં તેઓ તમારી સાથે વારસો મેળવશે. ૨૩ પરદેશી માણસ જે કુળના વિસ્તારમાં રહેતો હોય, એમાં તમારે તેને વારસો આપવો,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૪૮ “કુળોનાં નામ પ્રમાણે, ઉત્તરના છેડાથી શરૂ કરીને આ રીતે ભાગ પાડવામાં આવ્યા: એક ભાગ દાનનો,+ જેની હદ હેથ્લોનના રસ્તાથી છેક લીબો-હમાથ*+ સુધી જાય છે. એ ત્યાંથી ઉત્તરે દમસ્કની સરહદ સુધી, એટલે કે હસાર-એનાન સુધી અને હમાથની+ બાજુના વિસ્તાર સુધી જાય છે. એ ભાગ પૂર્વથી પશ્ચિમ સુધીનો છે. ૨ દાનની દક્ષિણ બાજુની સરહદે આશેરનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૩ આશેરની દક્ષિણ બાજુની સરહદે નફતાલીનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૪ નફતાલીની દક્ષિણ બાજુની સરહદે મનાશ્શાનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૫ મનાશ્શાની દક્ષિણ બાજુની સરહદે એફ્રાઈમનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૬ એફ્રાઈમની દક્ષિણ બાજુની સરહદે રૂબેનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૭ રૂબેનની દક્ષિણ બાજુની સરહદે યહૂદાનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૮ યહૂદાની દક્ષિણ બાજુની સરહદે પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી તમારે દાન માટેની જમીન રાખવી, જે ૨૫,૦૦૦ હાથ* પહોળી હોય.+ એની લંબાઈ પણ એટલી જ હોય, જેટલી પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી બીજાં કુળોના ભાગોની છે. એની વચ્ચે મંદિર હશે.

૯ “યહોવા માટે દાન તરીકે જે જમીન અલગ કરવાની છે, એ ૨૫,૦૦૦ હાથ લાંબી અને ૧૦,૦૦૦ હાથ પહોળી હોય. ૧૦ યાજકો માટે એ પવિત્ર દાન થશે.+ એનું માપ ઉત્તરે ૨૫,૦૦૦ હાથ, પશ્ચિમે ૧૦,૦૦૦ હાથ, પૂર્વે ૧૦,૦૦૦ હાથ અને દક્ષિણે ૨૫,૦૦૦ હાથ હશે. યહોવાનું મંદિર એની વચમાં હશે. ૧૧ પવિત્ર યાજકો, એટલે કે સાદોકના દીકરાઓ+ માટે એ હશે. જ્યારે ઇઝરાયેલીઓ અને લેવીઓ મારા માર્ગમાંથી ભટકી ગયા,+ ત્યારે પણ એ યાજકોએ મારા માટેની જવાબદારીઓ ઉપાડી હતી. ૧૨ દાન માટેની જમીનમાં તેઓને ભાગ મળશે, જે સૌથી પવિત્ર જગ્યા તરીકે અલગ કરાયેલો છે. એ ભાગ લેવીઓની સરહદની બાજુમાં હશે.

૧૩ “યાજકોના વિસ્તારની બાજુમાં જ લેવીઓને ભાગ મળશે, જે ૨૫,૦૦૦ હાથ લાંબો અને ૧૦,૦૦૦ હાથ પહોળો હશે. (જમીનની લંબાઈ ૨૫,૦૦૦ હાથ અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હશે.) ૧૪ આ સૌથી સારી જગ્યાનો ભાગ તેઓએ વેચવો નહિ, બીજા કોઈને આપવો નહિ કે એની અદલા-બદલી કરવી નહિ. આ જમીન યહોવાની નજરમાં પવિત્ર છે.

૧૫ “૨૫,૦૦૦ હાથ જમીનની હદને અડીને બાકી રહેલી ૫,૦૦૦ હાથ પહોળી જમીન લોકોના વપરાશ માટે થશે.+ એમાં રહેવાની અને ચરાવવાની જગ્યા પણ હશે. એ જમીનની વચ્ચે શહેર હશે.+ ૧૬ શહેરનું માપ આ પ્રમાણે છે: ઉત્તરની સરહદ ૪,૫૦૦ હાથ, દક્ષિણની સરહદ ૪,૫૦૦ હાથ, પૂર્વની સરહદ ૪,૫૦૦ હાથ અને પશ્ચિમની સરહદ ૪,૫૦૦ હાથ. ૧૭ શહેરની ચારે બાજુએ ચરાવવાની જગ્યા હશે: ઉત્તરે ૨૫૦ હાથ, દક્ષિણે ૨૫૦ હાથ, પૂર્વે ૨૫૦ હાથ અને પશ્ચિમે ૨૫૦ હાથ.

૧૮ “બાકીના ભાગની લંબાઈ પવિત્ર દાનની જમીન જેટલી હશે,+ પૂર્વમાં ૧૦,૦૦૦ હાથ અને પશ્ચિમમાં ૧૦,૦૦૦ હાથ. એ પવિત્ર દાન જેટલી હશે અને એની ઊપજ શહેરમાં સેવા આપનારા લોકો માટે ખોરાક પૂરો પાડશે. ૧૯ શહેરમાં સેવા આપતા ઇઝરાયેલનાં બધાં કુળોના લોકો એ જમીન ખેડશે.+

૨૦ “દાન માટેની પૂરેપૂરી જમીન ચોરસ હશે, ચારે બાજુથી ૨૫,૦૦૦ હાથ હશે. તમારે એ પવિત્ર દાન તરીકે અલગ રાખવી, જેમાં શહેર પણ હશે.

૨૧ “પવિત્ર દાનની અને શહેરની બંને બાજુનો બાકીનો ભાગ આગેવાનનો હશે.+ દાન માટેની જમીન ૨૫,૦૦૦ હાથ હશે, જેની પૂર્વ અને પશ્ચિમની હદને અડીને આગેવાનનો ભાગ હશે. એ ભાગ લંબાઈમાં આજુબાજુનાં કુળોના ભાગ જેટલો હશે અને એ આગેવાનનો થશે. પવિત્ર દાન અને મંદિરનું પવિત્ર સ્થાન એની વચ્ચે હશે.

૨૨ “આગેવાનના ભાગની વચ્ચે લેવીઓનો ભાગ અને શહેરનો ભાગ હશે. આગેવાનનો વિસ્તાર યહૂદાની હદ+ અને બિન્યામીનની હદ વચ્ચે હશે.

૨૩ “બાકીનાં કુળોની જમીન આ પ્રમાણે હશે: બિન્યામીનનો ભાગ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી.+ ૨૪ બિન્યામીનની દક્ષિણ બાજુની સરહદે શિમયોનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૫ શિમયોનની દક્ષિણ બાજુની સરહદે ઇસ્સાખારનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૬ ઇસ્સાખારની દક્ષિણ બાજુની સરહદે ઝબુલોનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી.+ ૨૭ ઝબુલોનની દક્ષિણ બાજુની સરહદે ગાદનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૮ ગાદની દક્ષિણની સરહદ તામારથી+ મરીબોથ-કાદેશના પાણી સુધી.+ ત્યાંથી એ વહેળા*+ તરફ અને પછી છેક મોટા સમુદ્ર* સુધી જાય છે.

૨૯ “આ દેશ તમારે ઇઝરાયેલનાં કુળોને વારસા તરીકે વહેંચી આપવો+ અને એ તેઓના ભાગ હશે,”+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.

૩૦ “શહેરમાંથી નીકળવાના આ દરવાજા હશે: ઉત્તર તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ.+

૩૧ “શહેરના દરવાજાનાં નામ ઇઝરાયેલનાં કુળો પ્રમાણે હશે. ઉત્તર તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો રૂબેનનો, એક યહૂદાનો અને એક લેવીનો.

૩૨ “પૂર્વ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજાઓમાં એક દરવાજો યૂસફનો, એક બિન્યામીનનો અને એક દાનનો.

૩૩ “દક્ષિણ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો શિમયોનનો, એક ઇસ્સાખારનો અને એક ઝબુલોનનો.

૩૪ “પશ્ચિમ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો ગાદનો, એક આશેરનો અને એક નફતાલીનો.

૩૫ “શહેરની ચારે બાજુનું કુલ માપ ૧૮,૦૦૦ હાથ હશે. હવેથી એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે.’”+

કદાચ આ હઝકિયેલની ઉંમર બતાવે છે.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અર્થ, “ઈશ્વર હિંમત આપે છે.”

વધારે માહિતી ક-૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “હાથ.”

અથવા, “વીજળી.”

સોના-ચાંદીના મિશ્રણવાળી ચળકતી ધાતુ.

શબ્દસૂચિ જુઓ.

પૈડાં કદાચ એક ધરી પર કાટખૂણે લગાવેલાં હતાં.

અથવા કદાચ, “ફેલાયેલી.”

“માણસના દીકરા,” આ શબ્દો હઝકિયેલમાં ૯૩ વખત જોવા મળે છે. અહીં પહેલી વાર છે.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “ભલે લોકો હઠીલા છે અને કાંટાની જેમ તને ખૂંચે છે.”

અથવા, “પુસ્તકનો વીંટો.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “શોકગીતો.”

મૂળ, “ઉદ્ધત.”

હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે. શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે. શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેના લોહી માટે હું તને જવાબદાર ગણીશ.”

અથવા, “અન્યાય.”

અથવા, “તેના લોહી માટે હું તને જવાબદાર ગણીશ.”

મૂળ, “હાથ.”

આ ઘઉં હલકી જાતના હતા, જે પ્રાચીન ઇજિપ્તમાં ઉગાડવામાં આવતા હતા.

આશરે ૨૩૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “હીનનો છઠ્ઠો ભાગ.” એટલે કે, આશરે અડધો લિટર. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખીશ.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.

શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

મૂળ, “મારા જીવના સમ.”

મૂળ, “મારી આંખ તારા પર રહેમ કરશે નહિ.”

અથવા, “કરુણા.”

અથવા, “બીમારીથી.”

મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખીશ.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.

મૂળ, “ઉચ્ચ સ્થાનોનો.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

અથવા, “વ્યભિચારી.”

અથવા, “કામાતુર થઈ.”

અથવા, “તેઓ સુવાસ.”

મૂળ, “મારી આંખ તમારા પર રહેમ કરશે નહિ.”

અથવા, “કરુણા.”

અથવા કદાચ, “ફૂલોનો હાર.”

અથવા કદાચ, “ફૂલોનો હાર.”

એટલે કે, માલ-મિલકત ખરીદનારને કે વેચનારને કંઈ ફાયદો થશે નહિ, કેમ કે તેઓ બધા પર આફત ઊતરી આવશે.

અથવા કદાચ, “તેનાં પાપને લીધે.”

મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એટલે કે, બીકને લીધે પેશાબ થઈ જશે.

એટલે કે, શોકને લીધે તેઓનાં માથાં મૂંડાવેલાં હશે.

એટલે કે, તેઓનું સોનું-ચાંદી.

એટલે કે, મૂર્તિઓ બનાવવા વપરાયેલું તેઓનું સોનું-ચાંદી.

એટલે કે, ઈશ્વરના લોકો.

એટલે કે, દુશ્મનો.

અથવા, “ગુપ્તસ્થાન.” દેખીતું છે, એ યહોવાના મંદિરના પરમ પવિત્ર સ્થાનને બતાવે છે.

એટલે કે, ગુલામીની સાંકળો.

અથવા, “શિક્ષણ.”

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીના છઠ્ઠા વર્ષને બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

મૂળ, “હાથ.”

સોના-ચાંદીના મિશ્રણવાળી ચળકતી ધાતુ.

હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે.

મૂળ, “પૃથ્વી અને આકાશ વચ્ચે.”

શબ્દસૂચિ જુઓ.

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મૂર્તિઓવાળી ઓરડીઓમાં.”

દેખીતું છે, એ મૂર્તિપૂજા માટે વપરાતી ડાળી હતી.

મૂળ, “મારી આંખ રહેમ કરશે નહિ.”

અથવા, “કરુણા.”

અથવા, “શાસ્ત્રીનો.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તેમણે.”

મૂળ, “તમારી આંખ રહેમ કરે નહિ.”

અથવા, “કરુણા.”

મૂળ, “તેમણે.”

મૂળ, “તેમણે.”

પૈડાં કદાચ એક ધરી પર કાટખૂણે લગાવેલાં હતાં.

એટલે કે, દરેક કરૂબ.

હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે.

મૂળ, “તેમણે.”

અથવા, “શહેર વિરુદ્ધ.”

એટલે કે, યરૂશાલેમ શહેર.

યહૂદીઓને લાગતું કે તેઓ હાંડલામાંના માંસની જેમ સલામત છે.

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

મૂળ, “તેમણે.”

શબ્દસૂચિમાં “છોડાવનાર” જુઓ.

એટલે કે, એવું દિલ જે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે કરવા તૈયાર હોય.

હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે.

અથવા, “છેતરામણી.”

એટલે કે, તકલાદી દીવાલ બાંધે છે અને એને મજબૂત દેખાડવા ચૂનો ધોળી દે છે.

એટલે કે, કાંડાં અને બાવડાં પર પહેરવાનું મંતરેલું તાવીજ.

અથવા, “દુઃખ.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખીશ.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.

મૂળ, “મારા જીવના સમ.”

મૂળ, “મારા જીવના સમ.”

મૂળ, “મારા જીવના સમ.”

આ અધ્યાયમાં યરૂશાલેમ, સદોમ અને સમરૂનનો ઉલ્લેખ સ્ત્રી તરીકે થયો છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સીલ માછલીના ચામડાની.”

અથવા, “રાજવી પદ માટે.”

મૂળ, “નામ.”

એટલે કે, પુરુષોની મૂર્તિઓ.

મૂળ, “આગમાં ચલાવીને.”

અથવા, “મિસરના.”

મૂળ, “કનાન દેશ.”

અથવા, “દિલ કમજોર.”

અથવા કદાચ, “મારો કોપ તારા પર સળગી ઊઠ્યો હતો.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

કદાચ આધાર રાખતાં નગરોને બતાવે છે.

મૂળ, “ડાબી.”

મૂળ, “જમણી.”

મૂળ, “મારા જીવના સમ.”

મૂળ, “તારા માટે પ્રાયશ્ચિત્ત કરીશ.”

મૂળ, “કનાન દેશમાં.”

દેખીતું છે, એ યહૂદા દેશને રજૂ કરે છે.

એટલે કે, સિદકિયા.

મૂળ, “મારા જીવના સમ.”

એટલે કે, નબૂખાદનેસ્સાર.

એટલે કે, સિદકિયા.

અથવા, “ફારુનનું.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

મૂળ, “મારા જીવના સમ.”

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “જીવન.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

મૂળ, “પડોશીની પત્નીને ભ્રષ્ટ.”

અથવા, “અન્યાય.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “શોકગીત.”

મૂળ, “તારા લોહીમાંના દ્રાક્ષાવેલા.”

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું સાતમું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “તેઓને ન્યાયચુકાદો જાહેર કરવા.”

અથવા, “શોધી કાઢ્યો છે.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એટલે કે, ઇઝરાયેલ.

એટલે કે, ઇઝરાયેલ.

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, ઇઝરાયેલ.

મૂળ, “મારી આંખને.”

એટલે કે, ઇઝરાયેલ.

મૂળ, “આગમાં ચલાવતા.”

અથવા, “પેયાર્પણો.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “જાણે વેશ્યાગીરી કરી હતી.”

મૂળ, “આગમાં ચલાવીને.”

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “સેવા.”

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “કહેવતો.”

એટલે કે, બીકને લીધે પેશાબ થઈ જશે.

એટલે કે, યહોવાની તલવાર.

અથવા, “રાજદંડનો.”

ગુસ્સો બતાવવા માટે.

શબ્દસૂચિમાં “કુળદેવતાની મૂર્તિ” જુઓ.

જોષ જોવાની એક રીત.

દેખીતું છે, એ બાબેલોનના લોકોને બતાવે છે.

એટલે કે, યરૂશાલેમના લોકો.

અથવા, “મુગટને.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

અથવા, “પિતા વગરનાં બાળકો.”

મૂળ, “પિતાની નગ્‍નતા ઉઘાડી પાડે છે.”

અર્થ, “તેનો તંબુ.”

અર્થ, “મારો તંબુ તેનામાં છે.”

આ અધ્યાયમાં સમરૂન અને યરૂશાલેમનો ઉલ્લેખ સ્ત્રી તરીકે થયો છે.

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

એટલે કે, ઇજિપ્તના લોકો.

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું નવમું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

અથવા, “કહેવત.”

અથવા, “એના માટે ચિઠ્ઠીઓ નાખશો નહિ.”

અથવા, “પસ્તાવો.”

અથવા, “છાતી કૂટવી નહિ.”

અથવા, “મૂછ.”

અથવા, “મૂછ.”

અથવા, “દીવાલવાળી છાવણીઓ.”

અથવા, “પગ પછાડ્યા.”

અથવા, “મોઆબની શોભા પર.”

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૧૧મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

મૂળ, “દીકરીઓનો.”

મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.

અથવા, “તલવારોથી.”

અથવા, “મુખીઓ.”

અથવા, “શોકગીત.”

અથવા, “ખાડામાં.”

અથવા, “દેશને સજાવીશ.”

અથવા, “શોકગીત.”

દેવદારની જાતનું એક ઝાડ.

અંગ્રેજી, ઓક. એક પ્રકારનું મોટું વૃક્ષ.

અહીં પ્રાચીન ઈરાનની વાત થાય છે.

અંગ્રેજી, એબોની. એક વૃક્ષ જેના થડનો અંદરનો ભાગ એકદમ કાળો હોય છે.

અથવા, “પરવાળાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “લાલ-ભૂખરા રંગનું ઊન.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ગૂંથેલાં કાપડનાં કપડાં.”

અથવા કદાચ, “ભવ્ય.”

મૂળ, “સીટી વગાડશે.”

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શોકગીત.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું દસમું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

આ અધ્યાયમાં “નાઈલ” એની નહેરોને પણ બતાવે છે.

અથવા, “સૂકા ઘાસના તણખલા.”

કદાચ ઇજિપ્તના રાજાને બતાવે છે.

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૨૭મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

મૂળ, “નબૂખાદરેસ્સારે,” અલગ જોડણી છે.

મૂળ, “નબૂખાદરેસ્સારને,” અલગ જોડણી છે.

મૂળ, “શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અહીં કદાચ હઝકિયેલની વાત થાય છે.

અથવા, “બીજી બધી પ્રજાઓના લોકો.”

અહીં કદાચ ઇજિપ્તમાં ભળી ગયેલા ઇઝરાયેલીઓની વાત થાય છે.

મૂળ, “નબૂખાદરેસ્સારના,” અલગ જોડણી છે.

મૂળ, “વેચી.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

અથવા, “મેમ્ફિસના.”

અથવા, “મુખી.”

એટલે કે, થેબ્સ.

અથવા, “મેમ્ફિસ.”

એટલે કે, હેલીઓપોલીસ.

એટલે કે, ઇજિપ્ત.

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૧૧મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

એટલે કે, બાબેલોનનો રાજા.

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૧૧મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

દેવદારની જાતનું એક ઝાડ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તું.”

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૧૨મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

અથવા, “શોકગીત.”

રાજા યહોયાખીન, હઝકિયેલ અને બીજા યહૂદીઓની ગુલામીનું ૧૨મું વર્ષ બતાવે છે. (હઝ ૧:૨ જુઓ.)

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

કદાચ આશ્શૂરના રાજાને બતાવે છે.

મૂળ, “સુન્‍નત વગર.”

અથવા, “ખાડામાં.”

એટલે કે, એલામ પ્રજા.

અથવા, “ખાડામાં.”

કદાચ મેશેખ અને તુબાલના રાજાની વાત થાય છે.

શબ્દસૂચિ જુઓ.

કદાચ એ યોદ્ધાઓની વાત થાય છે, જેઓને લશ્કર તરફથી માન આપવા તલવાર સાથે દફનાવવામાં આવતા.

કદાચ ફારુનની અથવા ઇજિપ્તની વાત થાય છે.

અથવા, “ખાડામાં.”

અથવા, “ખાડામાં.”

અથવા, “તેના લોહી માટે હું ચોકીદારને જવાબદાર ગણીશ.”

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “ઠોકર ખવડાવશે નહિ.”

અથવા, “અન્યાય.”

અથવા, “પાપનો હિસાબ લેવામાં.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “હાથ.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “વાસનાભરી વાતો કરે છે.”

મૂળ, “મારા જીવના સમ.”

અથવા, “હું મારાં ઘેટાં તેઓના હાથમાંથી પાછાં માંગીશ.”

એટલે કે, નર ઘેટા, નર બકરા અને તાજાં-માજાં ઘેટાંને રજૂ કરતા માણસો.

અથવા કદાચ, “આશીર્વાદ બનાવીશ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારા જીવના સમ.”

મૂળ, “મારા જીવના સમ.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

અથવા, “શક્તિ.” હિબ્રૂ, રુઆખ.

એટલે કે, એવું દિલ જે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે કરવા તૈયાર હોય.

અથવા કદાચ, “બલિદાનનાં ઘેટાંનાં ટોળાંની જેમ.”

મૂળ, “હાથ.”

અથવા, “શ્વાસ.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

અથવા, “મારું રહેઠાણ.”

અથવા, “ઉપર.”

એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

મૂળ, “રક્ષક.”

અથવા, “તને હુકમ કરવામાં.”

અથવા, “વિસ્તારો.”

એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

એટલે કે, મૃત સરોવર.

અથવા, “ગોગનાં ટોળાઓની ખીણ.”

અર્થ, “ટોળાઓ.”

મૂળ, “હાથનો.”

મૂળ, “હાથ.”

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “ઘરની.” હઝકિયેલના ૪૦-૪૮ અધ્યાયોમાં “ઘર” મંદિરને અથવા મંદિરની આસપાસની ઇમારતોને બતાવે છે.

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

કદાચ એ રક્ષકોની ઓરડીની દીવાલની ટોચને બતાવે છે.

અથવા, “ઓરડાઓ.”

મૂળ, “પહોળાઈ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “૧૨.”

મૂળ, “મંદિરમાં.” હઝકિયેલના ૪૧ અને ૪૨ અધ્યાયોમાં એ પવિત્ર સ્થાન અથવા આખા મંદિરને (પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને) બતાવે છે.

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એટલે કે, પવિત્ર સ્થાનની અંદરનો ઓરડો અથવા પરમ પવિત્ર સ્થાન.

શબ્દસૂચિ જુઓ.

દેખીતું છે, મંદિર ફરતે અવર-જવરનો સાંકડો રસ્તો હતો.

અથવા, “ઓરડાઓ.” અહીં અંદરના આંગણામાં આવેલા ભોજનખંડોની વાત થાય છે, જેનું વર્ણન હઝકિયેલના ૪૨મા અધ્યાયમાં છે.

એટલે કે, મંદિરની પશ્ચિમે આવેલી ઇમારત.

મૂળ, “બારસાખ.” એ પવિત્ર સ્થાનમાં લઈ જતાં દરવાજાને બતાવે છે.

અથવા, “છજ્જું.”

અથવા, “ઓરડાઓની.”

એટલે કે, મંદિરની પશ્ચિમે આવેલી ઇમારત.

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

ગ્રીક સેપ્ટુઆજીંટ પ્રમાણે “૧૦૦ હાથ લાંબો હતો.” હિબ્રૂ લખાણ આમ વંચાય છે: “એક હાથ પ્રમાણે હતો.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા કદાચ, “તે.”

દેખીતું છે, વિનાશની ભવિષ્યવાણી જણાવી.

હિબ્રૂ, રુઆખ. મૂળ ભાષાના શબ્દનો અર્થ દૂત પણ થઈ શકે.

દેખીતું છે, તે ઈશ્વરનો સંદેશો જણાવતો હતો.

અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી નહિ કરે.”

કદાચ આ એ મૂર્તિઓ હતી, જેને તેઓ રાજા માનીને પૂજતા.

અથવા, “બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી નહિ કરે.”

મૂળ, “નકશાને માપે.”

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એક વેંત એટલે આશરે ૨૨.૨ સે.મી. (૮.૭૫ ઇંચ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિમાં “વેદીનાં શિંગડાં” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સંપૂર્ણ.”

એટલે કે, લોકો.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મન લગાડ.”

આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.

અથવા, “પવિત્ર ઓરડાઓમાં.”

મૂળ, “પ્રથમ ફળનાં.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “એની હદની અંદરનો ભાગ.”

મૂળ, “૫૦૦ ગુણ્યા ૫૦૦ હોય.”

અથવા, “૨૦ ઓરડાઓ.”

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “મીના.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “તહેવારોના અને ઠરાવેલા તહેવારોના.”

શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પવિત્ર ઓરડાઓ.”

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “ઉજ્જડ પ્રદેશમાંથી.”

એટલે કે, મૃત સરોવર.

મૂળ, “બે નદીઓ.”

એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

મૂળ, “દરેકને પોતાના ભાઈ જેટલો વારસો મળશે.”

એટલે કે, મૃત સરોવર.

એટલે કે, ઇજિપ્તનો વહેળો. શબ્દસૂચિ જુઓ.

અથવા, “હમાથના પ્રવેશદ્વારની.”

અથવા, “હમાથના પ્રવેશદ્વાર.”

આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એટલે કે, ઇજિપ્તનો વહેળો.

એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો